(અનાડી છે) – હરીશ ઠક્કર
નચાવે જેમ કિસ્મત એમ નાચે તે અનાડી છે,
અમે તો ભાગ્યની રેખા હથેળીમાં રમાડી છે.
મુલાયમ જીભ છે ને ચામડી થોડીક જાડી છે,
મને આ હોંશિયારી જિંદગીએ શીખવાડી છે.
મજા પહેલા મિલનની આપણે કેવી બગાડી છે!
અમે મૂછોને દીધા તાવ, તેં લટને રમાડી છે.
તમારાથી વધારે વહાલી થઈ જાવા એ કરતી’તી,
તમારી ચિઠ્ઠી મેં ચૂમી ભરી, હમણાં જ ફાડી છે.
શરૂઆત આપનાથી થઈ, બસ એનું દુ:ખ રહ્યું અમને,
પછી હરએક વાતે હરકોઈએ ‘ના’ જ પાડી છે.
– હરીશ ઠક્કર
‘તક’લીફ અને ‘તક’દીર –બંનેમાં ‘તક’ શોધી બતાવતા કવિ કિસ્મતના હાથની કઠપૂતળી બનવા તૈયાર ન જ હોય એ સમજી શકાય એમ છે. કવિ તો ભાગ્યરેખાઓને મનમરજી મુજબ રમાડવામાં નિપુણ છે. ભાગ્યની રેખા પ્રમાણે ચાલનારા છે ઘણા, ચાલ તારાઓ ની બદલે એજ શક્તિમાન છે (શેખાદમ ગ્રેટાદમ) જિંદગીના ટાંકણાથી ભલભલાના ઘાટ બદલાઈ જાય છે. જિંદગીની પાઠશાળામાં ભણી લેનારની સંવેદનશીલતા ઓછી થઈ જાય છે અને ચાપલૂસી કરી પોતાનું કામ કઢાવી લેવાની વૃત્તિ સહજ થતી જાય છે એ વાતને કવિએ ગઝલના બીજા મત્લામાં જે સહજ વેધકતાથી રજૂ કરી છે, એ ઉમદા કવિકર્મની સાહેદી પૂરાવે છે. ડૉ. હરીશ ઠક્કરની ગઝલનું સૌથી મોટું સુખ એ કે એમની મોટાભાગની ગઝલો સાદ્યંત આસ્વાદ્ય હોય છે. પ્રસ્તુત રચના એનો જ એક પૂરાવો છે.
Biren Tailor said,
October 29, 2022 @ 5:59 PM
વાહ મજાની રચના
pragnajuvyas said,
October 29, 2022 @ 7:19 PM
ડૉ. હરીશ ઠક્કરની સ રસ ગઝલ
ડૉ વિવેકનો ખૂબ સ રસ આસ્વાદ
વાહ્
મત્લા એ યાદ આવે
હતી ભાગ્યરેખા, ભુંસાઇ ગઇ.
નવી ક્યાંથી લાવું, ખરાં છો તમે.
કૈલાસ પંડિત જેમ હતાશાને બદલે
આ તારું નૃત્ય એ મારી જ કોરિયોગ્રાફી,
નચાવું જેમ તને એમ નાચ કઠપૂતળી
.
Shah Raxa said,
October 29, 2022 @ 7:40 PM
વાહ…વાહ..વાહ..ગઝલ સાથે આસ્વાદ….
preetam lakhlani said,
November 1, 2022 @ 8:19 AM
ગમી તે ગઝલ, સરસ ગઝલ નવા વરસે વાંચવા મલી તેનો હૈયે આનંદ છે
Rita trivedi said,
November 2, 2022 @ 4:34 AM
સવાર સુધરી ગ ઇ આ જાનદાર ગઝલ થી.અમે તો ભાગ્ય ની રેખા હથેળીમાં રમાડી છે.ક્યા બાત
Poonam said,
November 8, 2022 @ 11:29 PM
નચાવે જેમ કિસ્મત એમ નાચે તે અનાડી છે,
અમે તો ભાગ્યની રેખા હથેળીમાં રમાડી છે.
– હરીશ ઠક્કર – mast !
ashok trivedi said,
November 18, 2022 @ 5:36 AM
બહુ સરસ્ ગઝલ્ .