ભીતરે કેટલું દટાયું છે !
– એક લોથલ વસે છે મારામાં.
વિવેક મનહર ટેલર

કરું શું ? – હરીશ મીનાશ્રુ

ના ઈંગિત અણસાર- કરું શું ?
મૃગજળ મુશળધાર – કરું શું ?

અવળમુખે જળથળમાં ઝળક્યા
એકાદશ અવતાર, – કરું શું ?

ઈકડમ્ તિકડમ એક ચવની
શું શાં પૈસા ચાર, – કરું શું ?

વજન વિનાની ભાષાને તું
જા, કાયમ વેંઢાર – કરું શું ?

વાણીની પણ વરાળ થૈ ગૈ
તતડે કૈંક વિચાર,– કરું શું ?

ભીંત વગરના ઘરના માથે
છત-છપ્પરના ભાર, -કરું શું ?

ચણીબોર રાતુંચટ, થૂ… થૂ…
ચાખ્યું તો અંગાર, – કરું શું ?

ચપટી રાત ભજવણાં ભારે
અઘરા કૈં કિરદાર, – કરું શું ?

સપનું સમજી સાહ્યો જેને
એ નીકળ્યો સંસાર – કરું શું ?

હકડેઠઠ્ઠ હઠીલી દુનિયા
ભીતરથી ભેંકાર – કરું શું ?

કીડી જેવડો પણ ચટકે તો
શબદ બડો ખૂંખાર, કરું શું ?

– હરીશ મીનાશ્રુ

કવિની રચનાઓમાં ગહનને, એ અગમ્યને પામવાની મથામણ અને શબ્દોનું એમાં ઊણાં ઊતરવું વારંવાર આવે છે. આ રચનામાં પણ એ ભાવ તો છે જ, પણ ટૂંકી બહેરમાં કવિએ જે સિધ્ધ કર્યું છે એ અદ્ભુત છે, આપણને નતમસ્તક કરી મૂકે છે. અહીં જીવનરૂપી શોધ યાત્રાનું મંથન વ્યક્ત થયું છે અને આ શોધ કેવી છે? જેનો કોઈ ઈશારો નથી મળતો કે કઇ દિશામાં પ્રયાણ કરવું? હજુ કેટલું દૂર છે? એનો કોઈ અણસાર મળતો નથી.અને શોધના માર્ગમાં મૃગજળ, ઝાંઝવા મળે છે, માત્ર છળ, જેનું હકીકતમાં અસ્તિત્વ જ નથી એવું જ સામે આવે છે.
“અવળમુખે…” વાળી પંક્તિ મને એ રીતે સમજાય છે કે સૃષ્ટિના ઉદગમ કાળથી ઉત્ક્રાંતિની સાથે સાથે એક એક કરીને જે ભગવાનના દશાવતાર આવ્યા તે હવે કવિથી મુખ ફેરવીને સર્વત્ર વ્યાપી ગયા છે. એ પરમ તત્ત્વ ના હોય એવી કોઈ જગ્યા છે? તો પછી એને શોધવું શી રીતે? જળથળમાં ઝળકનાર એ તત્ત્વને શોધવું વધારે દુર્લભ થઈ ગયું છે.
પછીની પંક્તિઓમાં ભાષાની અધૂરપ ‘વજન વિનાની ભાષા’ અને ‘શું શાં પૈસા ચાર’થી દર્શાવ્યું છે. વિચારોની ઉગ્રતામાં, ગરમીમાં વાણી વરાળ થઈ જાય છે, વાણીમાં વ્યક્ત કરવું દુષ્કર થઈ પડે છે.
પછીની પંક્તિઓમાં મારી અલ્પ સમજ પ્રમાણે એવું લાગે છે કે કવિનું જીવન તો ખૂલ્લી કિતાબ જેવું છે, transparent છે અથવા વિચારોના આદાન-પ્રદાન માટે કોઈ અંતરાયરૂપ દિવાલો નથી પણ એ પૂર્વજોના જ્ઞાનના વારસાનો ભાર કેવી રીતે ઊઠાવી શકે?
‘ચણીબોર’ એટલે ‘desires’ ‘તૃષ્ણાઓ’, રાતીચટ, આકર્ષક, લલચાવનારી પણ ચાખો તો…અંગારની જેમ દઝાડે તેવી. ક્યારેય કોઈની બધી ઈચ્છાઓ પૂરી થતી નથી અને એ અધૂરી ઈચ્છાઓ, તૃષ્ણાઓ માનવીને જીવનભર દઝાડે છે. અને આ જીવન કેવું છે, સાવ ટૂંકું એમાં ‘રાત થોડી ને વેશ ઝાઝા’ની જેમ પાર વિનાના પાત્રો ભજવવાના અને એમાં કેટલાંક તો ભજવવા પણ અઘરાં, કેવી વિટંબણા. આ સંસારને સાધકોએ સપનું કહ્યો છે પણ કવિ એ વાત જરા જુદી રીતે મૂકીને ચમત્કૃતિ સાધે છે. એમણે સપનું જાણીને જ પકડ્યો હતો પણ ગૃહસ્થ જીવન જીવતા પ્રત્યેક મનુષ્યને એક વાર તો સમજાય જ છે કે આપણે સંસારના બંદી બની જઈએ છીએ, ‘બાવાજીની લંગોટી’ની જેમ. પછી એ સપનું ન રહેતાં ન ત્યજી શકાય, ન છૂટી શકાય એવી ભીંસ બની જાય છે. એથી કવિને આસપાસ હઠીલી દુનિયાની ભીડ અકળાવે છે. એવી ભીડ ભરેલી દુનિયાની વચ્ચે ભીતરનો ખાલીપો અસહ્ય થઈ જાય છે. અને છેલ્લી બે લીટીમાં શબદનો મહીમા છે. ‘રામબાણ વાગ્યાં હોય એ જાણે’ એમ શબદ ભલે નાનો હોય પણ એક વાર એનો મર્મ હ્રદયમાં ચટક્યો પછી આખું અસ્તિત્વ એમાં વિલીન થઈ જાય છે. અસ્તુ.

– ડો. નેહલ વૈદ્ય ( inmymindinmyheart.com )

( આ કાવ્યનું ચયન અને ભાવાર્થલેખન ડો નેહલ વૈદ્યનું છે )

2 Comments »

  1. pragnajuvyas said,

    October 11, 2022 @ 8:31 PM

    ‘મીનાશ્રુ’ એટલે એમના શબ્દોમા ‘કેમ કરી આંસુને ઓળખશે, ભાઈ, હું તો પાણીમાં તરફડતી માછલી’. આ માછલીનાં આંસુનું કલ્પન છે કે માછલીનું પર્યાવરણ જ જાણે પીડા બની ગયું છે. એ પીડાને તમે અલગથી ઓળખી નથી શકતા એવું કંઇક એમાં પ્રગટ થાય છે. એમાં બીજું કંઈ ખાસ રહસ્ય નથી. એટલું જ કે એ એક એવી પીડા છે જેને આજુબાજુમાં કોઈ પારખી નથી શકતું, અને માછલી માટે તો એ એનું પર્યાવરણ જ છે.
    તેઓના શબ્દમા તેમની રચના ‘અધ્યાત્મ નહીં, પરમાર્થ અને મૌન.
    ધ્રિબાંગસુંદર એવું પૂછે છે કે હે મિત્ર, તું કવિતા ન લખે તો ન ચાલે? ‘કોયલ કેર હગાર કવિતા, કવિતા કેવળ છાણું, અમીં છાણના દેવ, દેવનું મોઢું સ્હેજ કટાણું’.
    કબીર શું કહે છે? ‘લાયા સાખી બનાયકર ઇત ઉત અચ્છર કાટ, કહે કબીર કબ લગ જીયે જૂઠી પત્તલ ચાટ’ આ તો કબીરના જ શબ્દો છે. એના પછીની જે સાખી છે એમાં છે, બાંગસુંદરની જીભે ચાટ્યાનો ચળકાટ, કાચો દાણો અન્નનો આ તેનો કચવાટ’.
    આપણે ત્યાં હવે એવું માનવામાં આવ્યું કે કોઈ પણ એક વાક્ય આપણે બોલીએ તો એ પહેલાં બોલાઈ ચૂકેલું જ વાક્ય છે, એમાં મૌલિક કશું જ નથી. એટલે એ તો એંઠી પતરાળી ચાટવા જેવી જ વાત છે, અને એટલે ચૂપ જ રહેવું પડે.
    એવા કવિ શ્રી હરીશ મીનાશ્રુની ગઝલનુ ખૂબ સ રસ ચયન અને ભાવાર્થલેખન ડો નેહલ વૈદ્ય માણ્યું.
    ધન્યવાદ ડૉ તીર્થેશજી

  2. વિવેક said,

    October 13, 2022 @ 11:54 AM

    સરસ ગઝલ અને સરસ અર્થઘટન…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment