આત્મબળ – ‘ગની‘ દહીંવાળા
આત્મબળ જીવન-સફરમાં જ્યારે રક્ષક હોય છે,
માર્ગસૂચક યાતના, સંકટ સહાયક હોય છે.
લઈ જનારી લક્ષ્ય પર શ્રદ્ધા જ બેશક હોય છે,
માત્ર આશંકા, પથિકના પગમાં કંટક હોય છે.
જ્યારથી અંતરની ભાષા વાંચતા શીખ્યો છું હું,
જેનું પુસ્તક જોઉં છું. મારું કથાનક હોય છે.
જીવવા ખાતર જગે જે જિંદગી જીવી ગયો,
એની જીવન-વારતાનું મોત શીર્ષક હોય છે.
કાર્યના આરંભ જેવો અંત પણ રંગીન હો.
જે રીતે સંધા-ઉષાના રંગ મોહક હોય છે.
તું એ વર્ષા છે કે એકાએક જે વરસી પડે,
મુજ તૃષા એવી જે બારે માસ ચાતક હોય છે.
આમ જનતાના હૃશ્યમાં જઈને લાવે પ્રેરણા, *
હે ‘ગની !’ એવા કવિનું કાવ્ય પ્રેરક હોય છે.
(* સ્વ. મેઘાણી આ મુશાયરામાં પ્રમુખ હતા એમના પ્રતિ ઇશારો છે.)
– ‘ગની‘ દહીંવાળા
મત્લા અને મક્તાએ મન મોહી લીધું…. આજે જ કોઈ મિત્ર સાથે વાત થતી હતી કે જે કોઈપણ કાવ્ય હોય કે ફિલોસોફી હોય – જનસામાન્યને સ્પર્શે જ નહીં, તો એનું શું મૂલ્ય…. ? અમુક રચના જરૂર કઠિન હોઈ શકે,પણ પ્રયત્ન તો એ જ રહેવો જોઇએ કે જનસામાન્ય સુધી કળા/જ્ઞાન પહોંચે….
pragnajuvyas said,
November 30, 2022 @ 9:46 PM
આ.ગની દહીંવાળાની- ડૉ.તીર્થેશ આસ્વાદમા કહે છે તેમ ‘જનસામાન્ય સુધી કળા/જ્ઞાન પહોંચે તેવી ગઝલ માણી આનંદ થયો.
યાદ આવે
એક આત્મબળ અમારું દુ:ખ માત્રની દવા છે,
હર ઝખ્મને નજરથી ટાંકા ભરી જવાના…
સ્વયં વિકાસ છીએ, સ્વયં વિનાશ છીએ,
સ્વયં ખીલી જવાના, સ્વયં ખરી જવાના…
સમજો છો શું અમોને, સ્વયં પ્રકાશ છીએ,
દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના…
અય કાળ, કંઇ નથી ભય, તું થાય તે કરી લે,
ઇશ્વર સમો ધણી છે, થોડા મરી જવાના?
– અમૃત ‘ઘાયલ’
આત્મબળ એ માનવી ની આંતરિક તાકાત છે, મનની શક્તિ છે, આત્માની શક્તિ છે
ઋગ્વેદમાં કહ્યું છે કે, હે, મનુષ્ય તારી પાસે આત્મબળ નામની પ્રબળ શક્તિ છે. તેનો ઉપયોગ કર, તારા નિશ્ચયને કોઈ મિટાવી નહીં શકે. તું અડગ રહીશ, તો કોઈ મુશ્કેલી તને ડગાવી નહિ શકે. હે, મનુષ્ય તું સૂર્યથી પણ બળવાન છે.’ કહ્યું છે કે,‘હજારો યોદ્ધાની તાકાત સામે મનુષ્યનું આત્મબળ જીત મેળવે છે.
આ ગઝલમા કવિશ્રી ગનીજીનુ આત્મબળ અડગ છે.તેઓ ક્યારેય નિરાશ થતાં નથી.તેઓ કોઇ પણ પરિસ્થિતિમાં વિચલિત થયા નથી.તેઓ સ્વયં જ્ઞાન રૂપી પ્રકાશ છે.તેઓને દ્ર્ઢ શ્રધ્ધા છે કે પ્રકાશ જ તેમના જીવનમાં સતત માર્ગદર્શક બની રહેશે.તેઓ કહે છે કે આત્મબળ તો સર્વ દુઃખની દવા .અડગ આત્મબળ હશે તો ઈશ્વરમા દ્રઢ શ્રદ્ધા હશે ત જીવનમાં કોઇ તાકાત તમારા જીવન અંધકારમય નહીં બનાવી શકે. તેમને પોતાની મસ્તીમાં જીવન પુરુ કરવુ છે તેમને કાળન પણ ડર નથી.એ તો કાળને પણ લલકારે છે.મને તારો ભય નથી તારાથી થાય તે કરી લે.મારી પાસે ઈશ્વર જેવો ધણી છે પછી મને તારો ડર શાનો ! અડગ ખુમારી અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા તેમને આત્મબળ પૂરું પાડે છે.
આત્મવિશ્વાસથી પગથિયાં ચડતાં જઈએ એમ સફળતા ના દર્શન થાય છે. આત્મવિશ્વાસ એ આજાનબાહુ પુરુષાર્થની ટચલી આંગળી છે. જે ગમે તેવા સંકટના ગોવર્ધન પર્વતને તોડી શકે છે. પરિશ્રમ, પરાક્રમ અને આત્મવિશ્વાસથી છલોછલ માણસ કોઈ પણ ક્ષેત્રમાં ન જીતે તો જ નવાઈ! કવિ ડ્રાઈડન કહેતો કે, ‘આત્મબળ સંખ્યામાં નહીં, હૃદયમાંથી આવે છે. તમારા આત્મ મંદિરમાંથી શ્રદ્ધાના કેટલા ઓજસ બહાર આવવાની તક તમે આપી છે, એના ઉપર તમારી જીવન રસમ અને સફળતાનો આધાર છે.’
ડૉ.તીર્થેશ મહેતાને ધન્યવાદ
Lata Hirani said,
December 4, 2022 @ 10:38 PM
વાહ વાહ