કાયમ રહી જો જાય તો પેગંબરી મળે,
દિલમાં જે એક દર્દ કોઈવાર હોય છે.
મરીઝ

યાદ છે? (દીર્ઘ ગઝલ) – મુકુલ ચોકસી

આપણી વચ્ચે ક્ષણિક ઘટના બનેલી, યાદ છે?
કિન્તુ એ સદીઓની સદીઓ વિસ્તરેલી, યાદ છે?

પ્રેમ નામે એક વસાહત મેં રચેલી, યાદ છે?
જેમાં તારી સાથે કેવળ હું વસેલી, યાદ છે?

તારી સાથે રાત અગાશીમાં વીતેલી, યાદ છે?
ચાંદની ચાહતમાં ઘૂંટીને પીધેલી, યાદ છે?

તે હવા આપી તો હું કેવી છકેલી, યાદ છે?
આભમાં ઊડતા પતંગો શી ચગેલી, યાદ છે?

તારી વીંટી તેં મને આપી દીધેલી, યાદ છે?
સોનાથી નહીં, તારે પરસેવે મઢેલી, યાદ છે?

ફોન તૂટ્યો તોય અપસેટ નહીં થયેલી, યાદ છે?
મેં બધી તસ્વીરો દિલમાં સંઘરેલી, યાદ છે?

જિંદગીમાંથી મને કાઢી મૂકેલી, યાદ છે?
તોય સપનાઓમાં તારા હું બચેલી, યાદ છે?

બહારથી મજબૂત કિલ્લો હું બનેલી, યાદ છે?
કિન્તુ આખેઆખી અંદરથી તૂટેલી, યાદ છે?

રોજ સાંજે જઈ નદી કાંઠે ઊભેલી, યાદ છે?
ડૂબતા સૂરજને જોઈ બહુ રડેલી, યાદ છે?

એ ઘડી વીતી ગઈ પહેલી ને છેલ્લી, યાદ છે?
હું ફરી છલકાઈ ખુશીઓથી ભરેલી, યાદ છે?

મારા ઉપનામોથી શરમાઈ ગયા’તા ફૂલ સૌ,
રાતરાણી, જૂઈ, જાસૂદ ને ચમેલી, યાદ છે?

હાથ ઝાલી હાથમાં જયારે નીકળતાં આપણે,
ધૂમ આખી શેરીમાં કેવી મચેલી, યાદ છે?

હોળી, દિવાળી અને ઊતરાણ તો બહાના હતાં,
આપણે તકલીફને પણ ઉજવેલી યાદ છે?

દૂર મારે તારાથી નહોતું જવું ને! એટલે,,,
ખાસ જાણીજોઈને મોડી ઊઠેલી, યાદ છે?

આપણે નહીં હોઈએ તો સાવ મૂરઝાઈ જતાં,
એ બગીચો, એ જ ખૂણો, એ જ વેલી, યાદ છે?

તારી આ દાઢી વધેલી એ તો સૌ જાણે જ છે…
મારી પણ થોડી ઘણી આંખો સૂઝેલી, યાદ છે?

– મુકુલ ચોકસી

ગઈ કાલે આપણે કવિએ વર્ષો પૂર્વે લખેલી ગઝલ માણી. એ ગઝલના વિષયવસ્તુ દીકરીએ ભજવવાના નાટકમાં કામ લેવાના હેતુથી કવિપિતાએ પાંત્રીસ શેરની નવી દીર્ઘ ગઝલ લખી નાંખી. મૂળ ગઝલ પુરુષની ઉક્તિ હતી, આ ગઝલ એક સ્ત્રી વડે રચાતા સંવાદનો એકતરફી આલેખ છે. દરેક સવાલની સાથે સામેથી જવાબમાં હકાર ઊઠતો સંભળાયા વિના રહેતો નથી. પાંત્રીસ શેરની દીર્ઘ રચનામાંથી સોળ શેર લયસ્તરોના ભાવકો માટે રજૂ કરીએ છીએ… આખરી શેર મૂળ ગઝલની જ પ્રતિકૃતિ છે, કેવળ સર્જકોદ્ગાર બદલાયા છે.

11 Comments »

  1. Parbatkumar Nayi said,

    November 26, 2022 @ 12:00 PM

    વાહ
    યાદ છે ?
    મજાની દીર્ઘ ગઝલ

  2. યોગેશ પંડ્યા said,

    November 26, 2022 @ 12:03 PM

    સરસ ગઝલ.એકે એક થી ચડિયાતા શેર.
    કવિ ને ખૂબ ખૂબ અભિનંદન.
    ‘તારી સાથેરાત અગાશીમાં વીતેલી,યાદ છે?
    ચાંદની ચાહતમાં ઘૂંટીને પીધેલી..યાદ છે?
    -વાહ!!💐💐💝

  3. સુષમ પોળ said,

    November 26, 2022 @ 1:17 PM

    ભલે આખી ગઝલમાંથી મત્લા સહિત ૧૬ શૅર લીધા,પણ પ્રત્યેક શૅરે ૧-૧ શણગાર સ્વયં
    લઈ લીધો હોય એમ,આ રચના સોળે શણગાર સજીને ‘લયસ્તરો’ના આભમાં સોળે કળાએ ખીલેલા ચંદ્રની માફક ઝળહળે છે……..ભઈ વાહ !😊

  4. Vrajesh said,

    November 26, 2022 @ 1:44 PM

    વાહ કવિ..સર્જક અને લયસ્તરો બન્નેને અભિનન્દન્

  5. લલિત ત્રિવેદી said,

    November 26, 2022 @ 2:48 PM

    … વાહ વાહ

  6. Poonam said,

    November 26, 2022 @ 4:38 PM

    દૂર મારે તારાથી નહોતું જવું ને! એટલે,,,
    ખાસ જાણીજોઈને મોડી ઊઠેલી, યાદ છે?
    – મુકુલ ચોકસી – સ રસ !

  7. Aasifkhan aasir said,

    November 26, 2022 @ 4:40 PM

    Vaah mukul bhai vaah

  8. pragnajuvyas said,

    November 27, 2022 @ 4:23 AM

    રેશમી શબ્દોથી વણેલી સરસ ગઝલ !
    કોઈપણ શબ્દ લખવા તો તે વામણા જ પડવાના
    આ ગઝલને તો મમળાવ્યા જ કરવી એ જ એનો ખરો રસાસ્વાદ…..
    એ ઘડી વીતી ગઈ પહેલી ને છેલ્લી, યાદ છે?
    હું ફરી છલકાઈ ખુશીઓથી ભરેલી, યાદ છે?
    વાહ્
    આપણે બધા ભવિષ્યની યોજનાઓ બનાવવાની લ્હાયમાં વર્તમાન પણ ગુમાવી દેતા હોઇએ છીએ. નથી લાગતું કે સ્વજનો જોડે જેટલી ક્ષણો મળે એ માણી લેવી જોઇએ ?
    પછી એ સાવ સાદી ક્ષણો આપણા માટે કાયમી અમૂલ્ય સંભારણું બની રહેતી હોય છે.

  9. preetam lakhlani said,

    November 27, 2022 @ 8:30 AM

    એક સુંદર ગઝલ કયારેય old થતી નથી, એક sweet old wine જેવી છે. જેમ જેટ્લી old થાય તેમ મજા વઘારે આવે…..

  10. Kiran bhati said,

    November 28, 2022 @ 11:34 PM

    વાહ…વાહ અને વાહ…👌💚

  11. Lata Hirani said,

    December 4, 2022 @ 10:39 PM

    યાદ રહી ગઈ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment