ગઝલમાં તું જ તું, તારા વિચાર, તારી વાત,
અમે મફતમાં છતાં પણ પ્રસિદ્ધિ ખાટી છે.
વિવેક મનહર ટેલર

કામ આવી છે – વિકી ત્રિવેદી

નથી તારું ગજું કિંતુ હિમાયત કામ આવી છે,
કહું જો સ્પષ્ટ શબ્દોમાં: ખુશામત કામ આવી છે.

વધારાનું કદી પણ ના ખપે, આદત હતી મારી,
અભાવોમાં મને મારી એ આદત કામ આવી છે.

ભલા નિષ્ફળ મહોબ્બતને નકામી કઈ રીતે કહેવી?
ઘણાયે શેર લખવા આ મહોબ્બત કામ આવી છે.

નહિતર તો પ્રસિદ્ધિની હવામાં ઊડતો હોતે,
મને ધરતી ઉપર રહેવા બગાવત કામ આવી છે.

જીવન એકેક કરતાં તૂટતાં જોવામાં વીતી ગ્યું,
મને સ્વપ્નોની આ મોટી વસાહત કામ આવી છે.

બીજી વેળા જવું કે નહિ સગાઓના ઘરે પાછું,
એ નક્કી કરવા માટે તો શરારત કામ આવી છે.

આ જંગલરાજમાં જો જીવવું છે તો તું સક્ષમ થા,
અહીં કોને કદી કોઈ અદાલત કામ આવી છે?

સતત જો પ્રેમ મળતે તો ‘વિકી’ આગળ નહીં જાતે,
મને આગળ જવા લોકોની નફરત કામ આવી છે.

– વિકી ત્રિવેદી

નોખા મિજાજના નોખા કવિની ગઝલ.

3 Comments »

  1. pragnajuvyas said,

    February 3, 2023 @ 7:21 AM

    કવિશ્રી વિકી ત્રિવેદીની અફલાતુન ગઝલ
    ડૉ વિવેકનો સ રસ આસ્વાદ
    મત્લા વધુ ગમ્યો
    કહેવાય છે ને કે ખુશામત તો ખુદાને પણ પ્યારી છે. ગૃહિણીઓના ગૃહકાર્ય કે રસોઈ કળા માટે પ્રશંસા થતી હોય છે. માણસને નીંદા કરવી ગમે છે પણ સાંભળવી ગમતી નથી.
    તુલ્યનિંદા સ્તુતિમૌંની સંતુષ્ટો યેન કેન ચિત્ ।
    અનિકેત: સ્થિરમતિ ભક્તિ માન્મે પ્રિયોનર:।। અર્થાત્ શત્રુ-મિત્ર તથા માનઅપમાનમાં સમ વ્યક્તિ પ્રભુને પ્રિય છે.
    થોમસે કહેલું કે ફલેટરી’ એ અંગ્રેજી શબ્દ છે. ફલેટરી’ એક જાદુગર છે. ફલેટરરને જગલર કહે છે- મદારી કે જાદુગર પણ કહે છે. અને આ જાદુગર કે મદારી સત્યને વળગી રહે તેવો જણ નથી. તે રીતે ખુશામત પણ સીન્સીયારિટીને વળગી રહેતી નથી. તે કામ કઢાવવા ખુશામત કરે છે. ડાહ્યો માણસ ખુશામતથી મુરખ બનતો નથી. પણ છતાંય ખુશામતથી તેણે સાવચેત રહેવુ પડે છે.અને આ મક્તા
    સતત જો પ્રેમ મળતે તો ‘વિકી’ આગળ નહીં જાતે,
    મને આગળ જવા લોકોની નફરત કામ આવી છે.
    સુભાન અલ્લાહ
    ખ્રિસ્તીઓનો ઇતિહાસ પ્રમાણે, હિટલરે એક વાર કહ્યું હતું: ‘હું યહુદીઓની નફરત કરવાનું ચર્ચ પાસેથી શીખ્યો. તો ધર્મએ પોતાનું પાપ કબૂલ તો કર્યું છે!

  2. Parbatkumar Nayi said,

    February 3, 2023 @ 6:39 PM

    ખૂબ સરસ ગઝલ વિકી ત્રિવેદી

  3. લતા હિરાણી said,

    February 10, 2023 @ 3:17 PM

    કલમમાં દમ છે !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment