જાતમાંથી કંઈક જાતું હોય છે.
આ બધું ત્યારે લખાતું હોય છે.
નીતિન વડગામા

(તમારા ગયા પછી) – બરબાદ જૂનાગઢી

દિલને નથી કરા૨ તમારા ગયા પછી,
નયને છે અશ્રુધાર તમારા ગયા પછી.

ચાલ્યા ગયા તમે તો બધી રોનકો ગઈ,
રડતી રહી બહાર તમારા ગયા પછી.

મસ્તી નથી – ઉમંગ નથી – કો’ ખુશી નથી,
ઉતરી ગયો ખુમાર તમારા ગયા પછી.

જ્વાળા મને જુદાઈની ક્યાં-ક્યાં લઈ ગઈ?
ભટકું છું દ્વારે દ્વાર તમારા ગયા પછી.

‘બરબાદ’ રાતો વીતે છે પડખાં ફરી ફરી,
પડતી નથી સવાર, તમારા ગયા પછી.

– બરબાદ જૂનાગઢી

સાંઠ-સિત્તેરના દાયકાઓમાં કાર્યરત્ રહેલ ઓસમાણભાઈ બલોચ ઉર્ફે બરબાદ જૂનાગઢીને ગુજરાતી ગઝલ બહુ જલ્દી વિસરી ગઈ. એમનો એકમાત્ર ગઝલસંગ્રહ ‘કણસ’ (૧૯૭૯) પણ અપ્રાપ્ય થઈ ગયો. પણ હાલમાં જૂનાગઢની રૂપાયતન સંસ્થાએ આ સંગ્રહનું પુનર્મુદ્રણ કરી કવિને અને એમની કલમને પણ પુનર્જીવન બક્ષવાનું પુણ્યકાર્ય કર્યું છે.

જૂનાગઢના નવાબને ત્યાં નોકરી કરતા બરબાદ જૂનાગઢી તરન્નુમમાં ગઝલ રજૂ કરી મુશાયરા લૂંટી લેતા એવું શ્રી વીરુ પુરોહિતે નોંધ્યું છે. પરંપરાના આ શાયરની એક ગઝલ આપણે માણીએ. બધા જ શેર સ્વયંસ્પષ્ટ છે પણ મક્તા સવિશેષ ધ્યાન ખેંચે એવો બળકટ થયો છે. પ્રિયજનના ચાલ્યા ગયા પછી રાતો કેવળ પડખાં ઘસવામાં જ વીતે એ સાવ જ ચર્વિતચર્વણ કહી શકાય એવા કલ્પનને સવાર પડતી જ ન હોવાની કવિની કેફિયત શેરને અલગ જ ધાર કાઢી આપે છે. રાતના સ્થાને રાતો બહુવચન પ્રયોજીને ‘इस रात की सुबह नहीं’થી કવિ એક કદમ આગળ વધ્યા છે. સવાર પડતી નથી મતલબ જીવનમાં રાત પછી રાત જ આવે છે અને આ તમામ રાતો પ્રિયજનની યાદોમાં પડખાં ઘસીઘસીને, ઉજાગરા વેઠીવેઠીને જ પસાર કરવાની છે. ‘સવાર પડવી’ રુઢિપ્રયોગ ધ્યાનમાં લઈએ તો મજાનો શ્લેષ પણ ધ્યાનમાં આવે છે.

8 Comments »

  1. pragnajuvyas said,

    September 9, 2022 @ 5:54 AM

    ખૂબ સુંદર ગઝલ અને ડૉ વિવેકનો સ રસ આસ્વાદ
    અનેકો એ તમારા ગયા પછી…વિષય પર કહી છે
    તેમા આ વધુ ગમે છે…
    જીવન બન્યુ ઉદાસ તમારા ગયા પછી.
    પુનમ બની અમાસ તમારા ગયા પછી.
    આવ્યા તમે તો અંતરે અંજવાળા થઇ ગયા.
    આછો રહ્યો છે ઉજાસ તમારા ગયા પછી.
    જાણે બીરાજમાન તમે છો હજુ અહી.
    થાઇ છે એવો ભાસ તમારા ગયા પછી.
    એવુ તો કોણ આ અભાગી ને સાથ દે.
    ચાલ્યા જ નહી શ્ર્વાસ તમારા ગયા પછી.
    *નાઝીર* ની સાથે શુ શુ કરી ગુફતગુ તમે.
    ચાલે છે તપાસ તમારા ગયા પછી

  2. રિયાઝ લાંગડા (મહુવા). said,

    September 9, 2022 @ 2:02 PM

    વાહ….ખૂબ સરસ ગઝલ અને આસ્વાદ👌

  3. ભરત વિંઝુડા said,

    September 9, 2022 @ 2:48 PM

    વાહ..

  4. લવ સિંહા said,

    September 10, 2022 @ 2:02 AM

    વાહ

  5. Dr Hemant P Chauhan said,

    September 10, 2022 @ 7:49 AM

    મોજ મોજ

  6. જગદીપ નાણાવટી said,

    September 10, 2022 @ 5:39 PM

    ભંગાર વેચતા અને જૂનો સામાન વેચતા કોથળો લઈ અને ગામમાં ફરતા બરબાદ ભાઈ ના નૂરને અમે બાળપણમાં ખૂબ જ માણ્યું છે વારંવાર અમારે ઘરે આવી અને મિલન સંસ્થાની મિટિંગમાં ગઝલો સંભળાવતા એ હજીયે યાદ છે બરબાદભાઇ જીવનને બરબાદ નથી કર્યું પણ ગઝલો લખી અને આબાદ કર્યું છે……..સલામ છે એમને

  7. Nayan said,

    September 10, 2022 @ 10:10 PM

    Excellent

  8. preetam lakhlani said,

    September 11, 2022 @ 9:30 AM

    ખૂબ સુંદર ગઝલ અને ડૉ વિવેકનો સ રસ આસ્વાદ, This is 100000% true

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment