ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી,
તેથી સહુ કહે છે, જમાનો ખરાબ છે !
મરીઝ

(ડરે છે!) – હરીશ ઠક્કર

મહદ્અંશે લોકો સજાથી ડરે છે,
કોઈ કોઈ છે, જે ગુનાથી ડરે છે.

એ સમજી શકાશે કે પાપી તો ડરશે,
એ બંદો ખુદાનો, ખુદાથી ડરે છે.

એ ક્યાંનો નીડર જે ડરાવે બધાને,
હકીકતમાં એ ખુદ બધાથી ડરે છે!

બધી આપદા એને શોધી જ લેશે,
જે માણસ સતત આપદાથી ડરે છે.

ડરી જાઉં હું જો, તો લોકો શું કહેશે-
ઘણા માત્ર એ ધારણાથી ડરે છે.

જો જીતી શકો તો એ ડરને જ જીતો,
એ શું જીતે, જે હારવાથી ડરે છે!

– હરીશ ઠક્કર

માણસથી વધુ ઘાતકી પ્રાણી કોઈ નથી. ખોટું કરતી વખતે માણસને ક્યાં તો કાયદાનો ડર હોય, ક્યાં તો ઈશ્વરના દરબારનો. ત્રીજો ડર હોય સામાજિક પ્રતિષ્ઠાનો. આવી કોઈ જ પ્રકારની સજાનો કોઈ ડર ન હોય તો ભાગ્યે જ કોઈ માણસ ગુનો આચરતાં પોતાને રોકે, આ સનાતન સત્ય મત્લામાં કેવી સરળ રીતે ઉજાગર થયું છે! આ જ વાત બીજા શેરમાં ખુદામાં માનતા હોય એ લોકો જ ખુદાથી ડરતા હોવાના કથનરૂપે બહુ સરસ રીતે રજૂ થઈ છે. ડર વિશેની આ મુસલસલ રચનામાં કવિ ડરના અલગ-અલગ આયામ જે રીતે રજૂ કરે છે, એ નખશિખ આસ્વાદ્ય છે…

9 Comments »

  1. મયૂર કોલડિયા said,

    September 17, 2022 @ 2:57 PM

    વાહ…. મસ્ત…

  2. Aasifkhan said,

    September 17, 2022 @ 3:07 PM

    Vaah khub sundar rachna

  3. યોગેશ પંડ્યા said,

    September 17, 2022 @ 5:12 PM

    સરસ ગઝલ.
    માણસનો ડર પણ બહુ અકળ ચીજ છે.
    વ્યવહારુ જગતમાં ઘણીવાર એવા psycology કેસીઝ જોવા મળે છે કે આપણને પણ નવાઈ લાગે કે આવો મોટો ભડભાદર માંડ આવડા અમથા તણખલા થી ડરે છે?
    સિંહ થી પણ ન ડરતી વ્યક્તિ વંદા થી પણ ડરતી હોય છે!
    પ્રસ્તુત ગઝલ મુસલસલ (એક ભાવ ને રજૂ કરતી) છે.જેમાં ભિન્ન ભિન્ન રીતે ડર થી જીવતા મનુષ્ય નો એકસ રે કાઢી ને બતાવ્યો છે.રચના ભલે મુસલસલ હોય પણ ગઝલ બહુ ખુબસુરત બની છે.જુદા જુદા શેર માં જુદા જુદા પરિમાણો પ્રાપ્ત થાય છે.કવિ ને અભિનંદન

  4. ભરત વિંઝુડા said,

    September 17, 2022 @ 5:16 PM

    વાહ બહુ સરસ રચના.

  5. pragnajuvyas said,

    September 17, 2022 @ 5:28 PM

    સુંદર ગઝલનો સ રસ આસ્વાદ
    અફલાતુન મક્તા
    ડર આપણને કોઇ પણ કાર્ય કરતાં પહેલાં વિચારવાનો સમય આપે છે.મુખ્યત્વે ડર બે પ્રકારના હોય છે. કાલ્પનિક અને વાસ્તવિક. અત્યારના સમયનો ડર- જેવો કે કોરોનાનો વાસ્તવિક છે. એટલે રાખવો જરૂરી છે. દરેક વ્યક્તિએ ડર વિષે જાગૃત રહેવું જરૂરી છે કારણકે આ ડર સાચો છે. વસ્તુઓના અતિશયોક્તિપૂર્ણ ડરને ફોબિયા કહેવામાં આવે છે જેની સારવાર જરુરી છે.

  6. કિશોર બારોટ said,

    September 17, 2022 @ 6:05 PM

    નવો વિષય, સુંદર અભિવ્યક્તિ.
    સરસ ગઝલ. 👌🏻

  7. Poonam said,

    September 17, 2022 @ 8:40 PM

    ડરી જાઉં હું જો, તો લોકો શું કહેશે-
    ઘણા માત્ર એ ધારણાથી ડરે છે… Waah !
    – હરીશ ઠક્કર –

    Aaswad આસ્વાદ્ય છે…

  8. શિવમ વાવેચી said,

    September 22, 2022 @ 7:15 AM

    સુંદર ગઝલ!

  9. શિવમ વાવેચી said,

    September 22, 2022 @ 7:18 AM

    Adbhut

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment