ના ઉંબરે, ન બ્હાર, ન ઘરમાં હતા અમે
શબ્દોની કોઈ ગેબી અસરમાં હતા અમે.
– આશ્લેષ ત્રિવેદી

મેલાં વસ્ત્રો – ‘ગની’ દહીંવાલા

આ પ્રકૃતિ જ્યારે એકાંતે મુજ ગુંજનથી પ્રેરાઈ જશે,
લઈ લઈશ નીરવતા હું એની, એ મારી કવિતા ગઈ જશે.

જો જો, આ વિરહ-સંધ્યા મારી એક પર્વ સમી ઉજવાઈ જશે,
નભમંડળ ઝગશે, રજનીનાં મેલાં વસ્ત્રો બદલાઈ જશે.

જીવતાં જીવતાં મરવું પડશે, મરતાં મરતાં જીવાઈ જશે,
આશા જો કદી અમૃત ધરશે, તો ઝેર નિરાશા પાઈ જશે.

પાંપણ ! જો નહીં રોકો આંસુ, તો પોતે પણ ભૂંસાઈ જશે,
અસ્તિત્વ રહે ના કાંઠાનું જ્યારે સરિતા સુકાઈ જશે.

જીવનમાં હજારો સૂરજ મેં જોયા ઊગીને આથમતા,
પ્રત્યેક ઉષાને પૂછ્યું છે, શું આજ દિવસ બદલાઈ જશે ?

ઓ જીવન સાથે રમનારા ! એક દી તારે રડવું પડશે,
નાદાન ! રમકડું આ તારું રમતાં રમતાં ખોવાઈ જશે.

તું છે ને અડગતા છે તારી હું છું ને પ્રયાસો છે મારા,
કાં આંખ ઉઘાડી દઉં તારી, કાં પાંપણ મુજ બીડાઈ જશે.

ઓ આંખ ! અમીવૃષ્ટિ કાજે તે આંખની આશા છોડી દે,
ચાતક ! એ ઠગારાં વાદળ છે, વરસ્યા વિણ જે વિખરાઈ જશે.

ભટકું છું ‘ગની’, દિલને લઈને કે કોઈ રીતે એ શાંત રહે,
ચમકીને ઊઠેલું બાળક છે, છેડાઈ જશે, ચીઢાઈ જશે.

– ગની દહીંવાળા

1 Comment »

  1. pragnajuvyas said,

    February 22, 2023 @ 1:30 AM

    બધાજ સુંદર શેરમા આ વધુ ગમ્યો
    ભટકું છું ‘ગની’, દિલને લઈને કે કોઈ રીતે એ શાંત રહે,
    ચમકીને ઊઠેલું બાળક છે, છેડાઈ જશે, ચીઢાઈ જશે.
    અદભુત !
    વ્યવસાય સાથે તેમણે ગઝલો, કાવ્યો અને બીજી રચનાઓ સીવી, ગૂંથી,વણી અને ભરતકામ કર્યું
    યાદ આવે
    જિંદગીનો એજ સાચેસાચો પડઘો છે ‘ગની’,
    હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment