પાણી ઝર્યું – સ્નેહી પરમાર
આગથી પ્રગટ્યું, ન વાયુથી ઠર્યું,
કેવું મૌલિક તેજ ફૂદડાને વર્યું!
દીકરીને બાપનું ઘર સાંભર્યું,
ઊભી થઈને કોડિયામાં ઘી ભર્યું.
પૂર્વજોએ લાવીને મૂક્યું હતું,
મેં તો ઊભા થઈને એને પાથર્યું.
એણે શસ્ત્રોની સજાવટ આદરી,
મેંય મારું આંગણું સરખું કર્યું.
એમ મારામાંથી દૂર ચાલ્યાં તમે,
માટમાંથી જે રીતે પાણી ઝર્યું.
સાથ લીધો પથ્થરોએ દેવનો,
લાકડું હળવાશને લીધે તર્યું.
– સ્નેહી પરમાર
લયસ્તરો પર કવિમિત્ર સ્નેહી પરમારના ‘ઊડતું ભાળ્યું અંધારું’ કાવ્યસંગ્રહનું સહૃદય સ્વાગત.
ફૂદાંના તેજસ્વી રંગોમાં કવિને અગનઝાળ દેખાય છે. આ એવી તો પોતિકી ઝાળ છે જે ન તો અગ્નિથી પ્રગટી શકે, ન એને વાયુ ઠારી શકે. બાપ પોતાની જાત પૂરીને, બાળીને ઘરનો દીવડો સળગતો રાખે છે એ વાત બાપ યાદ આવતાં પરિણીત દીકરી વડે કોડિયામાં ઘી ભરવાના રૂપકથી કેવી ઝળહળ થઈ છે! व्यासोच्छिष्टं जगत्सर्वम्ની વાત યાદ અપાવતો શેર થોડો અસ્ફુટ રહી ગયો છે. આપણાં વિચાર-ભાષા-કળા-આવડત આ તમામ આપણાં પૂર્વજો તરફથી આપણને મળ્યું છે, કશું આપણું પોતાનું નથી. કેવળ આપણને મળેલ વારસાને ઊભા થઈને આપણે કઈ રીતે વિસ્તારીએ છીએ એમાં જ આપણી આવડત છતી થાય છે. સામો માણસ લડવાની તૈયારી કરે, એનો સામનો કરવા કવિ સામા આયુધ સજવાને બદલે આંગણું સરખું કરે છે. પ્રેમભર્યો આવકાર જ વિરોધીને જીતવા માટેનું ખરું શસ્ત્ર ગણાય ને!? માટલામાંથી ધીમેધીમે પાણી ઝરવાની વાતને પોતાનામાંથી દૂર ચાલ્યાં ગયેલ પ્રિયા સાથે સંકળી લેતો શેર તો હાંસિલે-ગઝલ છે. છેલ્લો શેર પણ અદભુત.
pragnajuvyas said,
February 18, 2023 @ 2:12 AM
કવિશ્રી સ્નેહી પરમારના ‘ઊડતું ભાળ્યું અંધારું’ કાવ્યસંગ્રહનું સ્વાગત.
‘પાણી ઝર્યું – ‘સુંદર ગઝલનો ડૉ. વિવેક દ્વારા સ રસ આસ્વાદ
‘કરીને દીવા ઝગમગાટ ફૂદડા મરે અને એમાં શુભભાવના ઠેકાણા ન મળે…’
પણ આ તેજસ્વી ફૂદડા
આગથી પ્રગટ્યું, ન વાયુથી ઠર્યું,
કેવું મૌલિક તેજ ફૂદડાને વર્યું!
ખૂબ સરસ મત્લા
એમ મારામાંથી દૂર ચાલ્યાં તમે,
માટમાંથી જે રીતે પાણી ઝર્યું.
વાહ
‘કરીને દીવા ઝગમગાટ ફૂદડા મરે અને એમાં શુભભાવના ઠેકાણા ન મળે…’
પણ આ ફૂદડા
આગથી પ્રગટ્યું, ન વાયુથી ઠર્યું,
કેવું મૌલિક તેજ ફૂદડાને વર્યું!
ખૂબ સરસ મત્લા
Aasifkhan aasir said,
February 18, 2023 @ 11:38 AM
વાહ મજબૂત રચના
એટલો જ સુંદર આસ્વાદ
Gopal Dhakan said,
February 19, 2023 @ 12:53 PM
ત્રીજો શેર અફલાતૂન…કવિને નજીકથી જાણનારા એ પરંપરા અને વારસા વિશે મૂછમાં સમજી જાય એવો ઝીણો ઈશારો. અભિનંદન કવિને અને લયસ્તરો ટીમને શુભેચ્છા
સ્નેહી પરમાર said,
February 19, 2023 @ 1:01 PM
લયસ્તરો પર કવિતા આવે એનો આનંદ અલગ જ હોય.
આભાર લયસ્તરો. આભાર વિવેકભાઈ.
પ્રતિભાવ આપનાર સહુનો પણ ખૂબ ખૂબ આભાર.
Poonam said,
February 20, 2023 @ 9:25 AM
દીકરીને બાપનું ઘર સાંભર્યું,
ઊભી થઈને કોડિયામાં ઘી ભર્યું… Waah ! ( Sanatan )
– સ્નેહી પરમાર –
Aaswaad saras sir ji 👌🏻