સાચો છું તો ય હું મને સાબિત નહીં કરું,
હું સત્યને એ રીતથી લજ્જિત નહીં કરું.
રઈશ મનીઆર

(જોકે) – ભાર્ગવ ઠાકર

ઓછો નથી શિખરનો એને લગાવ જોકે,
વહેવું, છે માત્ર વહેવું એનો સ્વભાવ જોકે.

ચીતર્યું છે સ્મિત ચહેરે, શણગાર બહુ સજ્યા છે,
પહેર્યો છે રોમેરોમે મારો અભાવ જોકે.

ઝબકીને ઝીણું ઝીણું નક્કર તમસની વચ્ચે,
પાડે છે આગિયાઓ અઢળક પ્રભાવ જોકે.

છે તર્ક સાવ જુદા મનના અને મતિના,
બન્નેની સાથે મારો છે રખરખાવ જોકે.

ગભરાઈને વમળથી, કૂદી ગયો ખલાસી,
પ્હોંચી ગઈ કિનારે, એ રિક્ત નાવ જોકે.

– ભાર્ગવ ઠાકર

બીજો શેર જુઓ. શરૂઆત સામી વ્યક્તિએ પોતાના ચહેરા પર સ્મિત ચીતર્યું હોવાની વાતથી વાતનો પ્રારંભ થાય છે. ચીતર્યું છે, મતલબ એ બનાવટી છે, અંદરથી પ્રગટ્યું નથી. શણગાર પણ બહુ સજવામાં આવ્યા છે. પોતે ખુશ નથી પણ ખુશ હોવાની પ્રતીતિ આસપાસના લોકોને જબરદસ્તી કરાવવા માંગતી સ્ત્રીને કવિ આબાદ ચાક્ષુષ કરાવી શક્યા છે. સ્મિત ભલે ચીતરેલું છે, પણ નાયિકાનું ચિત્ર જીવંત છે. કથક જાણે છે કે પોતાનો અભાવ રોમેરોમે પહેરેલી આ સ્ત્રી પ્રણયભંગ કે પ્રણયવૈફલ્યને લઈને કેટલી તકલીફમાં છે! પણ ખરું જોઈએ તો નાયિકાની તકલીફ નાયક તંતોતંત સમજી શક્યો છે એ જ પ્રેમનું ખરું સાફલ્ય ન ગણાય? ત્રીજો અને ચોથો શેર પણ અફલાતૂન થયા છે. છેલ્લો શેર પણ સરસ થયો છે. મત્લા મને નબળો લાગ્યો એટલું બાદ કરીને મજાની ગઝલ…

7 Comments »

  1. pragnajuvyas said,

    November 17, 2022 @ 7:21 AM

    કવિશ્રી ભાર્ગવ ઠાકરની મજાની ગઝલનો ડૉ વિવેકનો ખૂબ સ રસ આસ્વાદ
    ‘ છે તર્ક સાવ જુદા મનના અને મતિના,’
    આ અફલાતુન શેરના વિચાર વમળે…
    તર્કબદ્ધ રીતે સાચી લાગતી વાત આપણે સમુહમાં રહેતા હોઈ આપણી માન્યતા વીરુદ્ધ પણ ક્યાંક બાંધછોડ કરવી રહી.ધર્મની વ્યાખ્યા સમયાંતરે આસ્તીક કે નાસ્તીકમાં ફેરવાઈ ગઈ છે, પહેલા બધા વધારે શ્રધાળું હોવાથી આસ્તીક કહેવાતા જેમ જેમ સમજણ અને જ્ઞાન આવતા ગયા તેમ તેમ તર્ક વધતા ગયા અને શ્રદ્ધાની દીશા કુદરતના નીયમમાં વહેવા લાગી.
    આસ્તીક એટલે ધર્મ અને મુર્તીપુજામાં માનનારો, અંધશ્રધામાં માનનારો અને જેનામાં આસ્થાનો વીશેષ પ્રભાવ છે તે અને નાસ્તીક એટલે પોતાનામાં અને કુદરતની રચનામાં માનનારો..
    આપણે નાસ્તીકતાને વખોડી શકીએ પરંતુ ધર્મના પ્રતીકો કે જેમાં આસ્થા છે કૈક જીવનની ફીલસુફી સમજાવે છે તેને અવગણી ના શકો .કૃષ્ણની મોરલી તમારા મનને જરૂર આનંદ તો આપે છે, સંગીતનું ઉદગમસ્થાન તો છે જ, કૃષ્ણના ભજનો ને ગાવામાં અને સાંભળવામાં આરોગ્ય અને આનંદ બેઉ સચવાય તો છે માટે જીવનનો ભાગ છે તેને નકારી નાં શકાય .
    શિવજીનું મંદિર જીવન જીવવાની પધ્ધતી શીખવાડે છે…તેના પ્રતીકો કૈક જરૂર કહે છે
    પોઠીયો :– આ પ્રતીક માણસની મદમસ્તતા દુર કરવાનું કહે છે પણ આપણે તેને શ્રધ્ધાથી પગે લાગીએ છીએ જે ખોટું છે
    કાચબો :– આ પ્રતિક જીવનના વિકાસ માટે નકારાત્મક અને અભીમાનને જેમ કાચબો પોતાના હાથ,પગ, માથું સંકોલે તેમ સંકોલી લેવાનું કહે છે
    ઉંચી ઉમરેઠ :- જીવનને ઊંચાઈ તરફ લઇ જવાનું સુચન કરે છે
    લીંગ ;- જીવનને ઉર્ધ્વગતી આપવાની છે, નીચેથી ઉપર
    માટલાનું ટપકતું પાણી :- શીખવે છે કે જીવન જીવવામાં ધીરજ રાખવી જરૂરી છે, જીવનનો વિકાસ ધીમે ધીમે સાચી દીશામાં કરવાનો છે
    લીંગ ફરતે ગોળાકાર :- જીવનનો વીકાસ કરવાનો છે પણ તમારી મર્યાદામાં રહીને જ
    હવે આ શીવજીનું મંદિર એ પ્રતીક છે જીવન જીવવાનું પણ લોકો ત્યાં જીવનમાં બધું જલ્દી મળે અને જીવનમાં કઈ તકલીફ ના પડે તેવી શ્રધ્ધાથી જાય છે .માટે ધર્મ હમેશા જીવન પધ્ધતી શીખવાડે છે પરંતુ માણસ જીવનને પોતાને અનુકુળ અને તકલીફ વગરનું બનાવવા અને વગર મહેનતે પ્રભુ પ્રાર્થના થકી મેળવવાનો પ્રયત્ન કરે છે
    માટે આસ્તીક કે નાસ્તીકની મથામણ કરતા કુદરતના સાનીધ્યમાં અને આપણા અસ્તીત્વને સ્વીકારી જીવન જીવવું જોઈએ વાતે કવિશ્રીની …
    ‘ બન્નેની સાથે મારો છે રખરખાવ જોકે.’
    વાત ખૂબ ગમી

  2. Harsha Dave said,

    November 17, 2022 @ 11:13 AM

    ખૂબ સરસ કાવ્ય
    લયસ્તરોને શુભેચ્છાઓ

  3. Poonam said,

    November 17, 2022 @ 12:14 PM

    છે તર્ક સાવ જુદા મનના અને મતિના,
    બન્નેની સાથે મારો છે રખરખાવ જોકે.
    – ભાર્ગવ ઠાકર – Jee Baat !

    Aasawad pan sa Rus !

  4. Jay Kantwala said,

    November 17, 2022 @ 1:52 PM

    વાહ

  5. Bharati gada said,

    November 18, 2022 @ 7:12 AM

    વાહ ખૂબ સરસ ગઝલ, ખૂબ સરસ આસ્વાદ સાથે 👌

  6. Parul said,

    November 18, 2022 @ 9:10 AM

    સરસ’.રાખરખાવ ‘જેવા શબ્દની સુપેરે ગૂંથણી..

  7. Lata Hirani said,

    November 18, 2022 @ 12:22 PM

    છેલ્લો શેર ખરેખર ઉત્તમ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment