February 4, 2021 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, પ્રણવ પંડ્યા
તૃણ સાચવ અને તરુ સાચવ
ઝાડની સાથે ઝાંખરું સાચવ
ભાદર્યું કે અવાવરું સાચવ
નહીં રહે કૈં અણોસરું, સાચવ
વાંસળીવાળા વાછરું સાચવ
પણ જે ભૂખ્યું છે એ વરુ સાચવ
આંખમાં સ્વપ્ન, હૈયે મનસૂબા
તેં ભર્યાં છે તો તું ચરુ સાચવ
રૂમઝુમાટીની કર પ્રથમ રક્ષા
ને પછી પગના ઘૂંઘરું સાચવ
એમ સાચવ ધરેલી ધરતીને
કેડમાં તેડ્યું છોકરું સાચવ
ખેડ કર બસ ખળાને ભૂલીને
માત્ર તું તારું ધૂંસરું સાચવ
સંભવામીનું વેણ રાખી લે
એકદા અમને રૂબરૂ સાચવ
જેણે પાટો તને નથી બાંધ્યો
એ બધાનીય આબરૂ સાચવ
– પ્રણવ પંડ્યા
સાચવવું એ આપણો સ્વભાવ છે. નાની-નકામી વસ્તુઓ પણ આપણે આખી જિંદગી સાચવી રાખતા હોઈએ છીએ. પ્રસ્તુત ગઝલમાં પ્રથમદર્શી વાત તો સાચવવાની છે પણ ગઝલ વાંચતા સમજાય છે કે કવિની ટકોર આપણે કશું સાચવી શકતા નથી એ બાબત વધુ છે. તૃણ હોય કે તરુ – બધાને સાચવી લેવાનું છે. લીલા સાથે સૂકાને અને ભર્યા સાથે ઉજ્જડનેય સાચવી લેવાય તો કશું અણોસરું નહીં રહે. ચરુ સાચવવાની સલાહ આપતો શેર તો શિરમોર થયો છે. આખી ગઝલ કૃષ્ણને સંબોધીને લખાઈ હોય એમ માનવાને પણ મન થાય કેમકે માથે ધરેલી ધરતી-ગોવર્ધન પર્વતવાળો શેર અને આખરી બે શેર તો સીધા કૃષ્ણને સંબોધીને જ લખાયા છે, અને બાકીના તમામ શેરોમાંથી પણ કૃષ્ણની સોડમ આવ્યા વિના રહેતી નથી… કવિતા છે… જેમ મૂલવવી હોય એમ મૂલવી શકાય… મજા આવવી જોઈએ અને અહીં તો આખી ગઝલ જ મજેદાર છે… વાહ!
February 2, 2021 at 1:51 AM by તીર્થેશ · Filed under ગીત, દુષ્યન્ત કુમાર
इस मोड़ से तुम मुड़ गई फिर राह सूनी हो गई।
मालूम था मुझको कि हर धारा नदी होती नहीं
हर वृक्ष की हर शाख फूलों से लदी होती नहीं
फिर भी लगा जब तक क़दम आगे बढ़ाऊँगा नहीं,
कैसे कटेगा रास्ता यदि गुनगुनाऊँगा नहीं,
यह सोचकर सारा सफ़र, मैं इस क़दर धीरे चला
लेकिन तुम्हारे साथ फिर रफ़्तार दूनी हो गई!
तुमसे नहीं कोई गिला, हाँ, मन बहुत संतप्त है,
हर एक आँचल प्यार देने को नहीं अभिशप्त है,
हर एक की करुणा यहाँ पर काव्य की थाती नहीं [ थाती – અમાનત ]
हर एक की पीड़ा यहाँ संगीत बन पाती नहीं
मैंने बहुत चाहा कि अपने आँसुओं को सोख लूँ
तड़पन मगर उस बार से इस बार दूनी हो गई।
जाने यहाँ, इस राह के, इस मोड़ पर है क्या वजह
हर स्वप्न टूटा इस जगह, हर साथ छूटा इस जगह
इस बार मेरी कल्पना ने फिर वही सपने बुने,
इस बार भी मैंने वही कलियाँ चुनी, काँटे चुने,
मैंने तो बड़ी उम्मीद से तेरी तरफ देखा मगर
जो लग रही थी ज़िन्दगी दुश्वार दूनी हो गई!
इस मोड़ से तुम मुड़ गई, फिर राह सूनी हो गई!
-दुष्यंत कुमार
કવિનું નામ લખ્યું ન હોય તોય પરખાઈ જાય કે આ દુષ્યંતકુમાર જ હોઈ શકે ! કેવી ચોટીલી વાત…!! કોઈ ફરિયાદ નથી, પણ હ્ર્દય વિરાન થઇ ગયું એ વાસ્તવિકતા નું હૂબહૂ ચિત્રણ….
ગયા ગાંધી તમે ના, ના. તમે તો નવજીવન
ક્લેશથી ક્લાન્ત સૃષ્ટિનું રસાયણ સનાતન.
– જયન્ત પાઠક
ભારતવર્ષ જ્યારે અંગ્રેજોની ગુલામીના દરિયામાં ડૂબી ગયો હતો, સૌની શ્રદ્ધાએ જવાબ દઈ દીધો હતો, અને સર્વ પ્રયત્નો વૃથા સાબિત થઈ ગયા હતા, તેવામાં સહુનો એકસમાન ઉદ્ધાર કરવા માટે ગાંધીબાપુએ વરાહાવતારની પેઠે ધરતીને પોતાના માથે ઊંચકીને સપાટી પર લઈ આણવાનો ભેખ ધાર્યો. સ્નેહ, ભ્રાતૃભાવ, રામનામ અને સત્યને પુનર્જીવિત કરી બાપુ આપત્તિઓની મહાજ્વાલાઓની વચ્ચે પ્રહ્લાદની જેમ દાઝ્યા વિના અવિચળ રહ્યા. પરિણામે ઓસરી ગયેલ શ્રદ્ધા પરત આવી.
અગ્નિને શાતા મળી, વેરના બદલામાં પ્રેમ અને પાપના સ્થાને પુણ્યનો આવિર્ભાવ થયો. દુર્જનતાનો કિલ્લો ધ્વસ્ત થયો. અનેકતામાં એકતા સ્થપાઈ અને સમગ્ર ધરતીએ तमसो मा ज्योतिर्गमयનો સાક્ષાત્કાર કર્યો.
શું ગાંધીજી આપણે વચ્ચેથી ચાલ્યા ગયા? શું એમનું નિધન થયું છે? કવિ નકારને બેવડાવીને ગાંધીજીની શાશ્વત ઉપસ્થિતિને અધોરેખિત કરે છે. ના, ના. બાપુ! તમે તો નવજીવન છો. કલહક્લેશથી થાકી ગયેલી ધરતી માટેનું સનાતન રસાયણ છો.
નોટિસ મળી હતી મને મોટા વકીલની,
‘મારા અસીલ સાથે તમારા થયા છે લગ્ન,
તેડાવ્યા તે છતાંય તમે આવતાં નથી.
અઠવાડિયામાં એના ઘરે જો જશો નહીં,
માંડીશું લગ્ન-ભોગવટાનો મુકદ્દમો!’
એના જવાબમાં મેં લખ્યું કે ‘મહાશયો,
અગિયાર વર્ષની હું હતી ત્યારે જે થયું,
એને કહો છો લગ્ન તમે?
હું હા કે ના કહી શકું એવી એ વય હતી?’
મારે ભણી ગણી હજી ડોક્ટર થવું હતું,
કહેવાતો મારો વર- હતું ભીખાજી એનું નામ-
શાળા અધૂરી મૂકીને ઊઠી ગયો હતો.
પંકાયલો હતો બધે બત્રીસલક્ષણો!
જ્યાં હું જતી ને આવતી તે- પ્રાર્થનાસમાજ –
નારી ય માનવી તો છે, સ્વીકારતો હતો.
અખબારમાં મેં લેખ લખ્યો ગુપ્ત નામથી,
‘હિંદુ પુરુષને છૂટ છે,બીજી-ત્રીજી કરે,
નારીને લગ્નભંગનો અધિકાર પણ નહીં?
પતિના મર્યા પછી ય તે પરણી નહીં શકે,
જેને કહો છો લગ્ન તમે,જન્મટીપ છે.’
મારા ‘ધણી’એ કેસ કર્યો, હાઇકોર્ટમાં*
નિર્ણય ત્વરાથી આપી દીધો ન્યાયમૂર્તિએ,
‘ઇચ્છાવિરુદ્ધ નારીને ઘસડી જવી ઘરે,
વાદી શું માને છે? એ બળદ છે? કે અશ્વ છે?
વાદીની માગણીને ફગાવી દઉં છું હું!’
હો-હા થઈ ગઈ બધે હિંદુ સમાજમાં,
મહાજનમાં ભાટિયા મળ્યા,મંદિરમાં વાણિયા,
તંત્રીએ અગ્રલેખ લખ્યો ‘કેસરી’માં કે
‘અંગ્રેજી શીખી છોકરી એનો પ્રતાપ છે!
ખતરામાં હિંદુ ધર્મ…’ ‘મરાઠા’એ પણ લખ્યું,
‘પતિએ પરણવા કેટલું લેણું લીધું હશે,
પાછી રકમ એ,વ્યાજસહિત, કોણ આપશે?’
અખબારો લોકમાન્ય તિલકનાં હતાં આ બે,
એ વાત,સાચી હોવા છતાં,કોણ માનશે?
*ભીખાજી વિ. રખમાબાઈ, મુંબઈ હાઇકોર્ટ,૧૮૮૫
**રખમાબાઈએ કારાવાસમાં જવું ન પડ્યું. અમુક રકમ લઈને પતિએ લગ્નનો કબજો જતો કર્યો.
********
સુરતમાં રખમાબાઈ હૉસ્પિટલનો રુક્કો દાયકાઓ સુધી ચાલ્યો હોવાના અમે સાક્ષી છીએ… સમય સાથે તાલમેળ મેળવવામાં નિષ્ફળ જતાં આજે એ હૉસ્પિટલની હાલત બહુ સારી નથી રહી. એમની જીવનકથા વર્ણવતી આ કવિતા આજે માણીએ… બંને દિશા અને દશામાં નસીબમાં કેદ જ છે એમ સૂચવતી આખરી પંક્તિ આખી વાતને કવિતાના સ્તર પર લઈ જાય છે… છંદ હોય પણ પ્રાસ ન મેળવાયા હોય એવા આ કાવ્યપ્રકારને અંગ્રેજીમાં blank verse કહે છે, ગુજરાતીમાં શું કહીશું?
ડૉ. રખમાબાઈ રાઉત. જન્મ ૧૮૬૪ની સાલમાં મુંબઈમાં. મા વિધવા હતી, જેણે રખમાબાઈના લગ્ન ૧૧ વર્ષની વયે કરાવી દીધાં. જોકે આણું વાળવામાં આવ્યું નહોતું એટલે તેઓ માતા સાથે જ રહ્યાં હતાં. ૧૮૮૭ની સાલમાં એમના પતિ દાદાજી ભીકાજીએ લગ્નના હક માટે કૉર્ટ કેસ કર્યો. દોઢસો વર્ષ પહેલાંના ભારતમાં પુરુષ પત્નીને ત્યજી દે, છૂટાછેડા આપે કે એકાધિક સ્ત્રીઓને ભોગવે એ વાત સામાન્ય હતી, પરંતુ રખમાબાઈ કદાચ પ્રથમ ભારતીય પરિણીતા હતાં, જેમણે છૂટાછેડા માટે અદાલતમાં લડી લેવાનું નક્કી કર્યું. એમની દલીલ હતી કે લગ્નસમયે પોતાની વય બહુ નાની હોવાથી, પોતાના જીવન બાબતમાં નિર્ણય લેવા માટે પોતે પુખ્ત જ નહોતાં અને આમ, મરજી વિરુદ્ધ કરાવી દેવાયેલાં લગ્ન નામંજૂર કરવા. સમગ્ર ભારતીય સમાજમાં હાહાકાર મચી ગયો. થૂ-થૂ થઈ રહ્યું. લોકમાન્ય ટિળક જેવા મોટા સમાજવાદી નેતાએ એમના વિરુદ્ધ પોતાના અખબારમાં લાંબી ઝુંબેશ ચલાવી હતી. એમના મતે રખમાબાઈનું આ વલણ ‘હિન્દુ પરંપરા વિરુદ્ધનો ડાઘ’ હતું. ટિળકે તો ત્યાં સુધી લખી નાંખ્યું કે રખમાબાઈ જેવી સ્ત્રીઓ સાથે ‘ચોર, ધુતારા અને હત્યારા’ જેવો વ્યવહાર કરવો જોઈએ.
અદાલતે રખમાબાઈની વાતને અવગણીને એમને પતિગૃહગમન અથવા છ મહિનાનો જેલવાસો એમ બે વિકલ્પ આપ્યા. રખમાબાઈ છ મહિનાની કેદ માટે તૈયાર થઈ ગયાં, પણ પરાણે કરાવાયેલ લગ્ન એમને માન્ય નહોતાં. પોતાની વિરુદ્ધ ચુકાદો આવ્યો હોવા છતાં એમણે લડાઈ મૂકી નહીં. એમણે ક્વિન વિક્ટોરિયાને પત્ર લખ્યો. ઇંગ્લૅન્ડનાં રાણીએ અદાલતના ચુકાદાને રદબાતલ કર્યો. આ પછી રખમાબાઈના પતિ અદાલતમાંથી મુકદ્દમો પાછો ખેંચવા અને અદાલતની બહાર નાણાં લઈને સમાધાન કરવા તૈયાર થયા હતા. રખમાબાઈએ કદી બીજા લગ્ન ન કર્યાં.
આ મુકદ્દમો સીમાચિહ્ન બન્યો. એના કારણે ભારતમાં કન્યાની લગ્ન માટેની વય નક્કી કરતો કાયદો ‘એજ ઑફ કન્સેન્ટ ઍક્ટ ૧૮૯૧’ પસાર થયો, જે મુજબ લગ્ન માટે કન્યાની વય ૧૦થી વધારીને ૧૨ કરાઈ. આજે આ વાત મોટી નહીં લાગે પણ વૈજ્ઞાનિક દૃષ્ટિએ દસ વર્ષની છોકરીને લગ્ન અને સેક્સની ફરજ પડાય અને બાર વર્ષની છોકરીને એમાંથી પસાર થવાનું થાય એ બહુ મોટો ક્રાંતિકારી ફેરફાર ગણાય.
છૂટાછેડા પછી ૧૮૮૯માં તેઓ લંડન સ્કૂલ ઑફ મેડિસિન ફૉર વિમેનમાં દાખલ થયાં. ૧૮૯૪માં સ્નાતક થયાં. એ સમયે લંડન સ્કૂલ ઑફ મેડિસિનમાં પણ મહિલાઓને MDનો અભ્યાસ કરવાની છૂટ નહોતી. રખમાબાઈએ પરદેશમાં પણ આવા પક્ષપાતી કાયદા સામે પણ અવાજ ઊઠાવ્યો. અને બ્રસેલ્સમાંથી MDની ડિગ્રી મેળવી હતી. આમ, રખમાબાઈ MD ડિગ્રી મેળવનારાં અને પ્રેક્ટિસ કરનારાં પ્રથમ ભારતીય મહિલા તબીબ બન્યાં હતાં. શરૂમાં મુંબઈની કામા હૉસ્પિટલમાં કામ કર્યા બાદ તેઓ સુરત સ્થાયી થયાં અને ૩૫ વર્ષ સુધી તબીબી સેવા બજાવી.
(માહિતીસ્ત્રોત: બીબીસી ગુજરાતી)
એક નાનકડો સુધારો:
બીબીસી ગુજરાતી ભલે રખમાબાઈને આ માન આપે પણ હકીકતમાં કાદમ્બિની ગાંગુલી અને આનંદીબાઈ ગોપાલરાવ જોશી MDની ડિગ્રી મેળવી પ્રેક્ટિસ કરનાર ભારતના પ્રથમ મહિલા તબીબો હતાં.
(હકીકતદોષ બાબત ધ્યાન દોરવા બદલ કવિમિત્ર શ્રી મકરંદ મુસળેનો આભાર…)
January 28, 2021 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ગુણવંત ઠક્કર
પાંખોને એ વિશે હવે ફરિયાદ પણ નથી,
ઊડી શકું હું એટલો આઝાદ પણ નથી.
કોરા હૃદયમાં ભીનો એ અવસાદ પણ નથી,
વરસોથી મારી આંખમાં વરસાદ પણ નથી.
મતભેદ પણ નથી અને વિખવાદ પણ નથી,
બન્નેની વચ્ચે એટલે સંવાદ પણ નથી.
મારી મથામણોની એ બહુ મોટી જીત છે,
આબાદ ના થયો તો હું બરબાદ પણ નથી.
લોકો છે, એ તો તાકશે પથ્થર કે આંગળી,
તારી દિવાનગી કોઈ અપવાદ પણ નથી.
ટોળાંની સાથે ચાલતાં ટોળું બની ગયો,
ક્યાં પહોંચવા કરું છું સફર, યાદ પણ નથી.
– ગુણવંત ઠક્કર ‘ધીરજ’
ગુલામીની પણ ધીમે ધીમે આદત પડતી જાય છે. સમય સાથે બંધન પણ કોઠે પડી જાય એ માનસિકતા કવિએ મત્લામાં બખૂબી રજૂ કરી છે. બરાબર એ જ રીતે આખરી શેરમાં પણ કવિએ કુશળ મનોચિકિત્સકની જેમ આપણી માનસિકતા બરાબર પકડી બતાવી છે. ટોળાંમાં ભળી જવાની આપણી કુ-ટેવ અને ટોળાંશાહીમાં ગુમ થવાથી તતી લક્ષ્યચૂક પર એમણે આબાદ નિશાન સાધ્યું છે. આ ટોળાંમાં હવે તો સોશ્યલ મિડિયાને પણ ઉમેરી શકાય. હોંશિયારમાં હોંશિયાર આમાંથી છટકી શકતો નથી ને માણસ કરવાનાં કામ ભૂલી જાય છે. મત્લા અને આખરી શેરની વચ્ચેની આખી ગઝલ તો સ્વયંસિદ્ધ છે જ.
January 27, 2021 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, હરીન્દ્ર દવે
વાદળ વાવ્યાં ને ઊગ્યો અઢળક વરસાદ
પછી રાત કે બપોર હતી, યાદ નથી;
કાળા ડિબાંગ જેવા આકાશે ચળકી એ
રૂપેરી કોર હતી, યાદ નથી!
ચૈતરની રાતમાં આ તારી જુદાઈ
જાણે અગની પ્રગટે ને ઝાળ ક્યાંય ના;
લૂ-દાઝી લ્હેરખીમાં જઈ બેઠું મન ક્યાંક
તોયે દેખાય ડાળ ક્યાંય ના;
અમથા તો સાબદા ન થાય અહીં કોઈ
જરા અમથી ટકોર હતી, યાદ નથી.
પળમાં વરણાગી ને પળમાં વેરાગી
–સાવ સીધાં ચઢાણ, ઢાળ ક્યાંય ના,
બોરડીના જંગલમાં ભટકું છું રોજ, છતાં
પૂછો તો મારી ભાળ ક્યાંય ના,
આમ તો સવાર-સાંજ સરખાં ને તોય
વેળા આથમણે પ્હોર હતી, યાદ નથી.
હરીન્દ્ર દવે
કવિ સામે આખું જગત છે, પણ કવિને એનું ભાન નથી. અન્યમનસ્ક અવસ્થાએ ભટક્યા કરે છે….ખોળિયે માત્ર શ્વાસ ચાલે છે, માંહ્યલો ક્યાંક નોખે જ છે….
January 26, 2021 at 2:55 AM by તીર્થેશ · Filed under અછાંદસ, નામદેવ ઢસાળ
जिस रस्ते से आये थे हम
उस रस्ते पर आना नहीं था
थोड़ी दूर चले हम और अँधेरे से मानूस हुये
सुनसान-सी एक हवा थी, सारा शहर बयां करती थी
झूठ के इक माहौल में एक तलाश थी हमको
दर्द की जड़ देखें
कल ही की तो बात है अँधेरे,
सरसराते थे लाखों पत्तों की तरह
और आज तमाम अन्दर का जहां बेदार हुआ
मुद्दत बाद इस कोरी ज़मीं पर
बारिश पड़ने लगी है
जीते रहे जैसे दिन आया
बन्द किया दिन जैसे गया वो!
– નામદેવ ઢસાળ [ મૂળ મરાઠી, અનુ – દિલીપ ચિત્રે ]
અનુભૂતિની વાત કરે છે કવિ…. કાવ્યની ચાવી અંતિમ પંક્તિઓમાં છે. માહોલ સચ્ચાઈનો નથી, દર્દ સ્થાયીભાવસમ છે, તેની જડ જડતી નથી. સમયનું ચક્ર ફરે છે, આખું આંતરવિશ્વ ઝળહળી ઉઠે છે….. – ત્યારે કવિ ઉદગારે છે કે – ” બસ આમ ક્ષણોમાં જીવતા રહ્યા….”
January 23, 2021 at 1:00 AM by વિવેક · Filed under નઝમ, વીરુ પુરોહિત
હજારો અળસિયાં નીકળી જમીનથી જાણે,
ફૂલોની જાજમે આળોટી રહી સુખ માણે!
હતી લજામણી; પણ સ્પર્શસુખે ખૂલી’તી,
હું એ ઉન્માદી અવસ્થામાં ભાન ભૂલી’તી..
. તેં મને જ્યારે પ્રથમ ચૂમી’તી!
નદીમાં છું અને મત્સ્યો કરે છે ગલગલિયાં,
કે મારી ભીતરે શિશુઓ કરે છે છબછબિયાં !?
ફરે છે બેઉ હથેળીનાં મૃદુ પોલાણે –
ફફડતું ચકલીનું બચ્ચું કે હૃદય; તું જાણે!
. આવી અસમંજસે હું ઊભી’તી…
. તેં મને જ્યારે પ્રથમ ચૂમી’તી!
મને તો થાય છે અંગૂરનાં ઝૂમખાં શી લચું;
કહે તો સ્પર્શ પર તારા, હું મહાકાવ્ય રચું !
‘કુમારસંભવમ્’ પેટારે પૂરી તાળું દે!
બધા ભૂલી જશે ‘વસંતવિલાસ’ ફાગુને!
. હું એવા તોરમાં વળુંભી’તી…
. તેં મને જ્યારે પ્રથમ ચૂમી’તી!
નથી વાળી શકાતું મનને બીજી કોઈ વાતે;
સ્મરું છું એ ક્ષણો હું જ્યારે મુગ્ધ એકાંતે –
ઊઠી રહી છે તારી મ્હેક મારાં અંગોથી,
‘ને સતત ભીતરે ઘેરૈયા રમે રંગોથી !
. હું પછી ઉત્સવ બની ચૂકી’તી…
. તેં મને જ્યારે પ્રથમ ચૂમી’તી!
– વીરુ પુરોહિત
આ કવિતા વાંચવી શરૂ કરી અને શરીરમાં કંપકપી શરૂ થઈ તે કવિતા વાંચી લીધા બાદ પણ ક્યાંય સુધી ચાલુ જ રહી… માય ગૉડ! ઉમાશંકરના ‘ક્યાં છે કવિતા’ સવાલનો શાશ્વત ઉત્તર બની શકે એવી અદભુત કવિતા… આવી ઉમદા કવિતા આજકાલ તો ભાગ્યે જ વાંચવા મળે છે… કવિને સાદર સાષ્ટાંગ વંદન!
કવિતામાં વચ્ચે ‘વસંતવિલાસ’ નામના અતિપ્રસિદ્ધ ફાગુકાવ્યની વાત આવે છે, એના પરથી કવિએ સ્પર્શવિલાસ શીર્ષક યથોચિત પ્રયોજ્યું છે.
પ્રથમ ચુંબનની અનુભૂતિના સેંકડો કાવ્ય આપણે માણ્યાં હશે, પણ આ તમામમાં સર્વોપરિ સિદ્ધ થાય એવું સર્વાંગસંપૂર્ણ કાવ્ય છે. પ્રિયતમે પ્રથમવાર કથકને ચૂમી લીધી છે એનો નશો કડીએ-કડીએ શબ્દે-શબ્દે છલકાય છે. સાવ અળસિયાં જેવા તુચ્છ જીવથી શરૂ થતી અભિવ્યક્તિ ક્યાં-ક્યાં જઈને ઉત્સવની કક્ષાએ પહોંચે છે એ ખાસ જોવા જેવું છે. એકીસાથે હજારો અળસિયાંઓને જમીનમાંથી નીકળીને આળોટતાં જેમણે જોયાં હોય એ જ આ અનુભૂતિ સમજી શકે. ક્યારના જમીનની અંદર સંતાઈ રહેલાં હજારો અળસિયાં અચાનક બહાર આવીને ફૂલોની રેશમી જાજમ પર આળોટી રહ્યાં છે. મતલબ એવો પ્રબળ, આકસ્મિક અને અભૂતપૂર્વ રોમાંચ થયો છે, જે ઉત્તેજનાની સાથોસાથ મખમલી અહેસાસ પણ દઈ રહ્યો છે. બીજું પ્રતીક છે લજામણીનું. લજામણી તો અડતાવેંત બીડાઈ જાય… પણ ચુંબનસ્પર્શે આ લજામણી ઉન્માદી અવસ્થાના કારણે જાતિગત ભાન ભૂલી, સ્ત્રીસહજ શરમાઈ-સંકોચઈ જવાના બદલે ખૂલી-ખીલી ઊઠે છે. વાહ!
લખતાવેંત,
આ વાક્ય મારા કાબૂ બહાર નીકળી જાય છે.
હું પોતે પણ આવતીકાલે એનો આનો આ મતલબ નહીં કાઢી શકું.
તમે તો નિશ્ચિતપણે જ એનો જે છે એ મતલબ નહીં કાઢી શકો.
મારું કાવ્ય વાંચવું બંધ કરો, તમે એને બરબાદ કરી રહ્યા છો.
આ મેં લખ્યું છે.
– થિઓડોર સી શર્મન
(અનુ. વિવેક મનહર ટેલર)
અભિવ્યક્તિ આપણી અનિવાર્ય આવશ્યકતા છે. ઈન્દ્રિયગમ્ય હોય કે ઇન્દ્રીયાતીત, મનુષ્ય એના અનુભવો અને મનોભાવોને હૂબહૂ વ્યક્ત કરવાની મથામણ પ્રારંભથી કરતો આવ્યો છે. એબરક્રોમ્બીએ કહ્યું હતું, Expression is an art. અભિવ્યક્તિ એક કળા છે. પણ દુનિયાની કોઈ ભાષા પાસે વિચારોનું સુવાંગ આલેખન કરે એવી લિપિ જ નથી. દરેક ભાષા પાસે પોતાના સ્વર-વ્યંજન છે પણ એવા કોઈ સંયોજન નથી, જે મનુષ્યને સંપૂર્ણતયા express કરી શકે. મનમાં આવતા વિચારો જેવા કાગળ ઉપર ઉતાર્યા નથી કે આપના કાબૂ બહાર ગયા નથી. જે વિચારીને આપણે એને કાગળ પર આલેખ્યા હતા, એ જ વિચારોનો એવો ને એવો અર્થ આપણે પોતે પણ એકવાર લખી લીધા પછી કાઢી શકતા નથી. તો અન્ય તો નહીં જ કાઢી શકે એ વાત સુનિશ્ચિત છે. થિઓડોર સી શર્મન નામના સાવ અજાણ્યા કવિ આ વાત બહુ ઓછા શબ્દોમાં કેવી ધાર કાઢીને કરે છે એ જુઓ!
*
Boring
Written,
this sentence exits my control.
Even I will not make it mean the same thing tomorrow.
You are definitely not making it mean the same thing.
Stop reading my poem, you are ruining it.
I wrote this.
કિરણસિંહ ચૌહાણ એમનો ત્રીજો સંગ્રહ ‘દરજ્જો’ લઈને આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. નવા સંગ્રહમાં કવિએ ટૂંકી બહરની ગઝલો પર સવિશેષ કામ કર્યું છે અને ભાષામાં રોજિંદી બોલચાલનો કાકુ પણ આબાદ ઝીલ્યો છે… આલા દરજ્જાની રચનાઓ ધરાવતા ‘દરજ્જો’નું સહૃદય સ્વાગત. સંગ્રહમાં પ્રકાશિત રચનાઓમાંથી કેટલીક આપણે અગાઉ લયસ્તરો પર માણી ચૂક્યાં છીએ. આજે માણીએ એક નવી ગઝલ.
ચમનમાં રોજ ફરનારા, તને એક વાત કહેવી છે,
ભ્રમરના ગુંજનો વચ્ચે કળીની ચીસ સાંભળજે !
શરત એક જ છે દુનિયાની: અહીં જીવંત દેખાવું.
ભલે અંતિમ દશા આવે છતાં, પણ સ્હેજ સળવળજે !
નથી કિસ્સો હું તારી જિંદગીનો એ ખબર છે પણ,
લખે તારી કથા તો હાંસિયામાં ક્યાંક સાંકળજે !
– પરબતકુમાર નાયી ‘દર્દ’
સુંદર મજાની ગઝલ. સરળ. સહજ. સંતર્પક. છેલ્લો શેર હાંસિલે-ગઝલ. પ્રેમકથામાં પોતે હાંસિયામાં મૂકી દેવાયેલ છે એ બાબતની કથકને સુપેરે જાણ છે એટલે પોતે પ્રિયજનની કથામાં ક્યાંય નથી એની જાણ હોવા છતાં પ્રિયજન પોતાને કમ સે કમ હાંસિયામાંય સાંકળી લે તો ભયો ભયોની જે આરત શેરમાંથી ચીસ બનીને ઊઠે છે, એ આપણને ભીતર ક્યાંક સ્પર્શી જાય છે!
January 16, 2021 at 1:00 AM by વિવેક · Filed under જયન્ત પાઠક, સોનેટ
(શાર્દૂલવિક્રીડિત)
એ મૂક્યું વન, એ મૂક્યાં જન, ઘણે વર્ષે મળ્યાં જે ક્ષણ,
મૂક્યાં ડુંગર ને નદી, વતનનાં એ કોતરો, ખેતર;
આંખો બે રહી ભાળતી વળી વળી પાછી, ભીડ્યું એ ઘર
વેચાઈ ગયું ઢોર જેમ તલખે કોઢાર, છોડ્યું ધણ.
કેડી આગળ જાય, પાય અવળા, કેમે કરી ઊપડે;
આંખો જાય ભરાઈ વાટ તરુની કાંટાળી ડાળી નડે;
હૈયું ઉઝરડાય રક્તટશિયા ફૂટે ધીમેથી ઝમે
આઘે વેકુરથી નદીની હજીયે આ આંગળીઓ રમે.
ચાલો જીવ, જવાનું આગળ, નહીં આ કાળના વ્હેણમાં
પાછા ઉપરવાસ શક્ય વહવું, પાણી લૂછો નેણમાં;
ભારો લૈ ભૂતનો શિરે વણપૂછ્યે શા વેઠિયા ચાલવું
સાથે શ્વાન, પૂરી થતાં હદ હવે એનેય પાછા જવું.
આઘે ખેતર જોઉં બે કર કરી ઊંચા મને વારતી –
એ મારી ભ્રમણા? રિસાળ શિશુને બોલાવતી બા હતી?!
– જયન્ત પાઠક
જીવન ઘણીવાર વતન મૂકાવે છે. પણ ઘણા લોકો માટે તન ભલે વતન છોડે, મન વતનમાં જ રહી જતું હોય છે. જયન્ત પાઠકની કવિતાઓમાં પણ વ(ત)ન –વન અને વતન- પ્રીતિ ધ્યાનાર્હ છે. વન વતન લાગે અને વતન વન લાગે એ હદે બંને એમના જીવન અને કવનમાં રસ્યાંબસ્યાં છે. વરસો પછી વતન આવીને ઘર વેચી દઈ વતનથી વિદાય થતી વેળા કવિને થતી અનુભૂતિનું આ સૉનેટ છે.
કહેવા જેવું હોય તે કીધું જ છે,
બોલવામાં ક્યા કદી ચૂકી ગઈ?
કૃષ્ણને પહેલાથી કહેવાનું હતું,
એ જ બાબત દ્રૌપદી ચૂકી ગઈ.
– બિનીતા
આપણી પાસે તથાગત જેવી all-encompassing દૃષ્ટિ નથી. આપણે એક જોવા જઈએ ત્યાં તેર ચૂકી જવાય છે. દરિયાની વિશાળતા જોવામાં ક્યારેક નદીને જોવાનું રહી જાય છે. સાની મિસરામાં કવયિત્રી વિશાળતાના આયામોની ઉલટાસૂલટી કરે છે. કદને સામસામે મૂકીએ તો દરિયો સદી જેવો વિશાળ છે અને એની સાપેક્ષે નદી ક્ષણ જેવી નાનકી. પણ કવયિત્રી એક તરફ વિશાળતા જોવા જતાં અલ્પતા તરફ ધ્યાન આપવાનું રહી ગયું હોવાનો એકરાર કરે છે તો બીજી તરફ અલ્પતા તરફ ધ્યાન હોવાથી વિશાળતા હાથમાંથી સરકી ગઈ હોવાની વાત કરે છે. થોડું અસંગત લાગે પણ આ જ તો કવિતાની મજા છે. મોટાને જોવામાં નાનાને જોવાનું ચૂકી જવાય એ વાત હકીકતમાં ક્ષણમાં સદી ચૂકવા જેવી જ છે. દરિયો મોટો પણ ખારો. વૃકોદર. અગણિત નદીઓની મીઠાશ પી જાય. નદી નાની પણ મીઠી. પોતાની જાત આખી આપી દે દરિયાને પણ બદલામાં કશું માંગે પણ નહીં. જીવનમાં નાની-નાની વસ્તુઓ પર ધ્યાન નહીં આપીએ તો ક્ષણમાં સદી ગુમાવવાનો વારો આવી શકેની વાત કરતો, અને જરા અવળા હાથે કાન પકડાવતો આ મત્લા મને તો ખૂબ ગમી ગયો. આપનું શું કહેવું છે?
January 14, 2021 at 12:30 AM by વિવેક · Filed under ગીત, રમેશ પારેખ
એક છોકરો પતંગ લઈ દોડ્યો રે… દોડ્યો રે… દોડ્યો રે…
ઘેર ફિરકીઓ પડી રહી જેમતેમ
ક્યાંક કોઈએ પૂછયું કે, અલ્યા આમ કેમ?
વાદળી હવામાં ભાન છૂટ્યાં તે હાથ રહે કેમનો કરીને સંકોડ્યો રે ?
છુટ્ટા પતંગે ઊતરાણ કર્યાં રે એક છોકરીના ખમતીધર ખોરડે
છોકરીએ લાગલો જ ઝૂંટ્યો ને લૂંટ્યો ને સંતાડ્યો અંદરના ઓરડે
પોતાના ઈંડાને સેવતી ટીટોડી જેમ છોકરીએ સેવ્યો પતંગ
માણસ ચાલે તો પડે પગલાંઓ એમ આ ય છોકરી ચાલે તો પડે રંગ
સાત રંગની ચાંદની વરસે ઝરમર બાણ,
માહે પલળે ગામનાં બે જણની ઊતરાણ
છોકરાએ રુંવે રુંવે કન્ના બાંધ્યા ને દોર છોકરીએ ઢીલ દઈ છોડ્યો રે.
એક છોકરો પતંગ લઈ દોડ્યો રે…
– રમેશ પારેખ
લયસ્તરોના સહુ કવિમિત્રો અને ભાવકમિત્રોને સુરક્ષિત મકરસંક્રાંતિના રંગભર્યાં વધામણાં…
ફક્ત होली के दिन दिल खिल जाते है એવું હોતું નથી. ઉત્તરાયણમાં કંઈ કેટલાય કનકવા પોતપોતાનું ધાબું શોધી લેતા હોય છે. હવા આકાશનો વાદળી રંગ પહેરીને વહેતી નજરે ચડે એવા રંગીન વાતાવરણનો કેફ જ એવો છે કે ફિરકી ઘરે એમની એમ પડી રહે ને છોકરો પતંગ જેવું હૈયું હાથમાં લઈને હડી કાઢે. પતંગપર્વ અનંગપર્વ બની રહે ત્યારે ભાન પતંગ બનીને હવામાં ઊડી જાય અને હાથ કે જાત સંકોડ્યા સંકોડાતા નથી.
છૂટ્ટું મૂકેલું પતંગ જેવું હૈયું છોકરીના ખમતીધર ખોરડે જઈ ઊતરાણ કરે છે. અહીં ઊતરાણમાં છૂપાયેલ શ્લેષ ચૂકવા જેવો નથી. ઉતરાણ પર્વ અને પતંગનું ઊતરાણ –બંનેને કવિએ બખૂબી સાંકળ્યાં છે. ‘ખમતીધર’ શબ્દ પણ કવિએ સાયાસ પ્રયોજ્યો છે. પતંગ કહો કે હૈયું, બંને ખૂબ નાજુક છે પણ સામે પ્રિયપાત્રનું હૃદય બંનેને ઝીલી-ઝાલી શકે એવું ખમતીધર છે. છોકરી તરત જ વાદળી હવાની પાંખે સવાર થઈ પોતાને ત્યાં આવી ઉતરેલ ગુલાબી અવસરને ઝૂંટવીને-લૂંટીને પોતાના હૃદયની અંદર સંતાડી દે છે. પતંગના સંતાડવામાં આવતાં જ જાણે ધોળે દહાડે પૂનમ થઈ ગઈ અને ભીંતો ઊડી ગઈ. અવસર પડછાયાઓની કાલિમા વગરનો શુભ્ર ખુલ્લો આવકાર બની ગયો. છોકરી રાતોરાત યુવાન થઈ ગઈ. એની કાંચળી ભીતર રતિરાગના ગલગલિયાં થવા માંડ્યા છે અને બે સ્તન એમ વિકાસ પામ્યાં જાણે ઊડવાને બે પાંખોની જોડ ન ફૂટી હોય!
છોકરી આ પતંગને ટીટોડી ઈંડા સેવે એમ જતનપૂર્વક સાચવે છે. પરિણામે હવે એના ડગલે ને પગલે પ્રણયના રંગ વેરાઈ રહ્યા છે. પતંગ તો દિવસે ચગે પણ અહીં તો પ્રણયસ્વીકારનો પૂનમી ચંદ્રોદય થયો છે. સૂર્યના તાપના સ્થાને પ્રીતની ચાંદનીની શીતળતા વ્યાપ્ત થઈ છે. શીતળ ચાંદની કામદેવની બાણવર્ષા ન હોય એમ ઝરમર ઝરમર વરસી રહી છે અને બે જણ સરાબોળ પલળી રહ્યાં છે. રુંવે-રુંવે કોઈએ કન્ના ન બાંધ્યા હોય એમ છોકરાને તીવ્ર રોમાંચ થઈ રહ્યો છે અને છોકરી પણ મન મૂકીને આ પ્રણયપ્લાવનમાં સામિલ થઈ છે… એય મન મૂકીને ઢીલ દઈ રહી છે… પ્રેમ હવે નિરવરોધ છે. તંગ કન્ના અને દોરીની ઢીલ – ઉત્તરાયણના બે અવિનાભૂત વિરોધાભાસને એક કડીમાં સાંકળી લઈને કવિ કવિતાનો પતંગ ઉચ્ચાકાશે પહોંચાડે છે.
‘ભજન, પૂજન, સાધન, આરાધના—બધું પડયું રહેવા દે.
તું શું કરવા બારણાં બંધ કરીને દેવાલયના ખૂણામાં પડી રહ્યો છે?
અંધકારમાં છુપાઈને તું એકલો એકલે કોને પૂજી રહ્યો છે ?
આંખ ખોલીને જો તો ખરો,
ઓરડામાં દેવ તો છે નહિ.
તે તો ખેડૂતો જ્યાં માટી ભાંગીને ખેડ કરી રહ્યા છે,
મજૂરો જ્યાં પથ્થર ફોડીને રસ્તો બનાવી રહ્યા છે,
ત્યાં ગયા છે,
અને તડકામાં ને વરસાદમાં બારે માસ તેમની સાથે મહેનત મજૂરી કરે છે.
તેમને બે હાથે ધૂળ લાગી છે.
તેમની પેઠે પવિત્ર વસ્ત્ર કાઢી નાખીને
તું પણ ધરતીની ધૂળમાં ચાલ્યો આવ.
મુક્તિ? અરે મુક્તિ ક્યાં મળવાની હતી,
મુક્તિ છે જ ક્યાં ?
પ્રભુ પોતે જ સૃષ્ટિનાં બંધનથી આપણી સૌની સાથે બંધાયેલા છે.
રહેવા દે તારુ ધ્યાન અને પડી રહેવા દે તારી ફૂલની છાબને.
વસ્ત્ર ફાટે તે ભલે ફાટતાં,
ધૂળ માટી લાગે તો ભલે લાગતી.
તું તારે કર્મચાગમાં તેમની સાથે થઈ જા.
અને માથાને પસીનો પગે ઊતરવા દે.
– અનુ – નગીનદાસ પારેખ
” પ્રભુ પોતે જ સૃષ્ટિનાં બંધનથી આપણી સૌની સાથે બંધાયેલા છે. ” – આ પદ આખા કાવ્યનું હાર્દ છે. વધુ કોઈ ટિપ્પણીની જરૂર જ નથી….
આધ્યાત્મનું મેઘધનુષ કહી શકાય એવી રાજેન્દ્ર શુક્લની બહુખ્યાત ગઝલના સાત શેરમાં કવિએ અલગ-અલગ ભાષા-સંસ્કૃતિની સાત ભક્તપ્રતિભાઓની વાત કરી છે. એ મુસલસલ ગઝલનો આ સાતમો અને આખરી શેર. લગાગાના ચાર આવર્તનવાળી મુત્કારિબ મુસમ્મન સાલિમ બહેરની પોતાની મૌસિકીમાં મહક-અનલહક, મુ-સલ-સલ જેવા અ-મ-સ-લ વગેરે વ્યંજનોના અનુરણનથી અદકેરો ઉમેરો થયો છે.
નવમી સદીમાં બૈજા નગરમાં હુસેનહલ્લાજને ઘેર જન્મેલ મન્સૂર-બિન-હલ્લાજ સૂફી મસ્તરામ હતા. એમનું ‘અનલહક’ –अन अल हक़्क़– હું હક-ખુદા છું/હું સત્ય છું-નું રટણ ભારતીય અદ્વૈત સિદ્ધાંત -अहं ब्रह्मास्मि– ‘હું જ બ્રહ્મ છું’નું સમાનાર્થ ગણી શકાય. અનલહક સૂફીધારાના ચાર તબક્કા છે: શરીયત, તરીકત, મારફત, હકીકત. શરીયતમાં નમાજ, રોજા વિ.નો અમલ કરવાનો. તરીકતમાં પીરનું માર્ગદર્શન પ્રાપ્ત કરવાનું. ત્રીજા તબક્કા મારફતમાં માણસ જ્ઞાની થાય અને અંતિમ ચરણ હકીકત એટલે સત્યની પ્રાપ્તિ અને ખુદને ખુદામાં ફના કરી લેવાની વાત. દ્વૈતભાવ અહીં મટી જાય છે. મન્સૂરની આ પ્રવૃત્તિને ઈસ્લામવિરોધી ગણી એમને અત્યંત ક્રૂરતાપૂર્ણ ત્રાસ અપાયો. અંતે બગદાદના ખલીફા મક્તદિરે એમને શૂળી ઉપર ચડાવી દીધા અને ઈસ્લામના ધારા વિરુદ્ધ એમના શબને દફનના સ્થાને અગ્નિદાહ અપાવ્યો. ભજનસાદૃશ ગઝલના આ આખરી શેરમાં અરબી-ફારસી શબ્દોના સંસ્પર્શ, સૂફી વિચારધારા અને ‘અનલહક’ની ઉપસ્થિતિના કારણે અલગ જ ‘ફ્લેવર’ રચાઈ છે. કવિએ ‘આનન’ અર્થાત્ મુખ શબ્દમાં લુપ્તસપ્તમીનો પ્રયોગ કરીને ‘આનક’ અર્થાત્ ‘મુખમાં’ એવો શબ્દ નિપજાવ્યો છે જે સાર્થક અને સક્ષમ કવિકર્મની સાહેદી પુરાવે છે.
શબોરોઝ યાને કે રાત-દિવસ એની મહેંક અનવરત રેલાતી રહે છે. ઈશ્વર કહો કે અલ્લાહ કહો, ભક્ત કહો કે બંદો કહો; મનુષ્ય સદૈવ સર્જનહારનો સાક્ષાત્કાર ઝંખતો આવ્યો છે. અને ખુદાના બંદાને આ સાક્ષાત્કાર પળેપળ થતો રહે તો જીવનમાં બીજું કંઈ બાકી રહે ખરું?! દિનરાત એ પરમ તત્ત્વની સુગંધ અવિરત અનુભવાતી રહે એવો અજબ હાલ આત્માનો જ્યારે થાય ત્યારે મુખમાં સતત ‘હું જ બ્રહ્મ છું’ની રટણા આપોઆપ રહે અને દિવ્યસમાધિ અને અનિર્વચનીય ઐક્યભાવની અવસ્થા જન્મે.
January 7, 2021 at 12:30 AM by તીર્થેશ · Filed under ખલીલ ધનતેજવી, ગઝલ
પાળે બેસી કાંકરા નાખે તો વાત આગળ વધે,
સ્થિર જળ કૂંડાળા કંઈ સર્જે તો વાત આગળ વધે!
ટેરવાએ તો ટકોરા ક્યારના વેરી દીધા,
પણ હવે આ બારણું ઊઘડે તો વાત આગળ વધે!
બંને જણને એક સરખી આંચમાં તપવું પડે,
બંને જણમાં આગ જો સળગે તો વાત આગળ વધે!
હોઠ પર મનગમતા ઉત્તર ટાંપીને બેઠા છે પણ,
એ જરા હિંમત કરી પૂછે તો વાત આગળ વધે!
આંગળી ઝાલીને મારી ક્યારના બેઠા છે એ,
હાથને કાંડા સુધી પકડે તો વાત આગળ વધે!
સ્પર્શની તાસીર પણ ફળદ્રુપ હોવી જોઈએ,
બંને બાજુ લોહી જો ઊછળે તો વાત આગળ વધે!
ઝાપટાં શું છે ખલીલ આપણને હેલી જોઈએ,
બંને જણ મન મૂકીને વરસે તો વાત આગળ વધે!
-ખલીલ ધનતેજવી
ખલીલભાઈની ગઝલો એટલે ટકોરાબંધ ગઝલો. સરળ ભાષા અને સીધી વાત… વાંચતાવેંત ગમી જાય અને એમના મોઢે સાંભળૉ તો તો પ્રેમમાં જ પડી જવાય… વાત આગળ વધારવાની વાત કરતી એક ગઝલ આજે મનભર માણીએ…
January 5, 2021 at 2:45 AM by તીર્થેશ · Filed under ગીત, મકરન્દ દવે
દુઃખ માટે એકબીજાને અમે આશ્વાસનો દેતા રહ્યા,
ને દુ:ખના દરિયા અમારા શ્વાસ રૂંધી નાખતા વહેતા રહ્યા,
ઉપર, જરા ઉપર, જરા માથું બહાર ભલે ટકે,
પણ દુઃખ જેવા દુઃખને કોઈ ભલા, ભૂંસી શકે ?
હાય, માનવ જિન્દગી પીડા તણા આ પારણે મોટી થતી
પીડા બનીને એક આખી વાટ પથરાઈ જતી;
ને તે છતાં, ને તે છતાં, ને તે છતાં-
પીડા તણા કાચા મસાલાથી જ નૌતમ પામતાં
જે ઘાટ, એવાં મુખ મનોહર કેટલાં નજરે તરે !
આનંદની લહેરી ઉપર લહેરી જ જ્યાં ખેલ્યા કરે.
આશ્વાસનો ! પોલાં, નકામાં, સાવ જૂઠાં,
સત્યથી જે વેગળાં, વિકૃત, વિખૂટાં
આજ છોડો, જીવ મારા, ક્યાંય સુખની શોધમાં
ના, આપણે ફરવું નથી, પણ રાતની સૂમસામ કાળી ગોદમાં
જેમ આ સૃષ્ટિ સમાતી, એમ દુઃખના અંકમાં જઈ પોઢીએ,
કોણ જાણે છે, કદાચ જગાડશે પીડા નવીન પરોઢિયે.
– મકરન્દ દવે
જિબ્રાન યાદ આવી જાય – ‘ some wounds heal with time, some wounds flare with time ‘
જો કે અહીં વાત અલગ છે – પીડાની સ્વીકૃતિની વાત છે, આશ્વાસનોની વ્યર્થતાની વાત છે. સાંઈકવિ સામાન્ય રીતે આકરા શબ્દો નથી પ્રયોજતા, પણ આ કાવ્યમાં તેઓનો પુણ્યપ્રકોપ ફાટ્યો છે…..તદ્દન વાસ્તવવાદી દર્શન…..
January 2, 2021 at 12:30 AM by વિવેક · Filed under મનહર મોદી, શેર
આપણે બે એ રીતે ભેગા થયા અગિયાર દરિયા
એક ટીપું લાગણી છે સામટા અગિયાર દરિયા
– મનહર મોદી
કવિએ આમ તો કવિતાને જ બોલવા દેવાનું હોય, પણ પોતાની ગઝલોની એબ્સર્ડિટી અને અથરાઈથી કદાચ એ પોતેય અવગત હતા એટલે સંગ્રહની શરૂઆતમાં કવિએ ‘અગિયાર દરિયા’ બાબતનો ખુલાસો કર્યો છે. લખે છે: ‘હું અને તું એકલાં અર્થાત્ ૧ ૧. હું અને તું નજીક, તદ્દન નજીક, અડોઅડ અર્થાત્ આપણે. ‘આપણે’ આટલાં નજીક હોય તો ‘વાતચીત’ શક્ય બને. આ વાતચીત ઉપરથી સાદીસીધી સરળ, પણ એનો મર્મસંકેત ગહન વિશાળ ઊંડો હોય.’ – દરિયા જેવો, નહીં કવિ? આપણે એમ પણ સમજી શકીએ કે જીવનમાં હંમેશા એક વત્તા એક બે થાય એ જરૂરી નથી. બે જણ એકમેકની અડોઅડ આવી જાય, એકમેકમાં ઉમેરાઈને ઓગળી જવાના બદલે ભેગાં થઈ જાય ત્યારે એક અને એક મળીને અગિયાર બનાવે છે. અને બંનેના મર્મસંકેત દરિયા જેવા ગહન વિશાળ ઊંડા. આટલું સમજીએ ત્યારે પકડાય છે કે અગિયાર દરિયા એકાધિકતાનું, અનંતતાનું પ્રતીક છે. બે જણના આંક એક થાય ત્યારે ગણનાપાત્ર આંકડા વિગલન પામે છે અને શક્યતાઓના દરિયા અફાટ અસીમ બની અર્થાકાશ આંબે છે. ‘બે પંક્તિના શેરમાં સમાઈ જતું ગઝલનું રૂપ દરિયાના દરિયા ઉછાળી શકે છે’ એ ગઝલસ્વરૂપ વિશેની કવિની વિભાવના ખરેખર અગિયાર દરિયામાં સાર્થક થાય છે.
ગઝલનો આ મત્લા પણ લાગે છે વયષ્ટિનો, પણ છે સમષ્ટિનો. પહેલી નજરે કવિ ‘આપણે બે’ વિશે વાત કરતાં હોય એમ અનુભવાય છે, પણ ધ્યાનથી અવલોકતાં કવિ સમગ્ર માનવજાતની વાત કરે છે અને માનવી એટલે જ દરિયો. જેમ દરિયાનો, એમ જ માનવીનો તાગ પણ કેમ મેળવાય? ‘હજારો જિંદગી પૂરી થઈ, પૂરી થતી રહેશે, છતાં પણ માનવીને માનવી સમજાય તો સમજાય.’ અતાગ, અકળ, અસીમ મનુષ્યજીવનમાં નાનાવિધ ઊર્મિઓના મોજાંઓની આવ-જા સતત ચાલુ જ રહે છે. દરિયાની જેમ જ માનવસ્વરૂપ પણ ક્યારેક સૌમ્ય તો ક્યારેક રૌદ્ર, ક્યારેક કિનારાઓમાં સીમિત તો ક્યારેક કાંઠાઓ ધમરોળતું હોય છે. દરિયાની સામે મનુષ્યનું કદ કેટલું? ટીપાં બરાબર જ ને! ટીપાં બરાબર મનુષ્યોની ટીપુંભર લાગણીઓ એકસામટા અગિયાર દરિયાઓ બરાબર છે. ‘બે જણાં દિલથી મળે તો એક મજલિસ છે મરીઝ.’ બે જણ દિલથી ભેગા થાય તો એકે હજારા સમા સિદ્ધ થાય છે. લાગણીનું એક ટીપું અનંતતાને આંબે છે. દરિયા, ટીપું અને લાગણીમાં કોઈને ખારું આંસુ પણ નજરે ચડે તો નવાઈ નહીં. બિંદુમાં સિંધુ કંઈ અમસ્તું જ તો નહીં કહ્યું હોય! દરિયો અહીં સ્થૂળ દરિયો નથી, એ અનંત સંભાવનાઓનું પ્રતીક બની રહે છે. આપણે બેએ એ રીતે ભેગા થવાનું છે કે એક-એકમાંથી અગિયાર મહાસાગર બને. દ્વૈતમાંથી અદ્વૈત અને સીમિતમાંથી અસીમિત થવાના ઓચ્છવનો આ શેર આપણી ભાષાનો શિરમોર શેર છે.
કાળઝાળ સૂરજના તાપ અમને દીધા
ને રુદિયાં દીધાં છે સાવ મીણનાં!…
માણસના આવડા આ મેળા ને તોય અહીં માણસ તો એકલાં ને એકલાં,
તળથી તે ટોચ લગી ડુંગર છે આયખાં ને વેગ, હાય, કીડીના જેટલા;
કાગળની હોડીથી કરવાનાં પાર ધોમ સૂસવતાં રણ હવે કેટલાં ?
મુઠ્ઠી હાડકાંનાં પિંજરને દઈ દીધા
ખાલીપા જોજનવા ખીણના!
કાળઝાળ સૂરજના તાપ અમને દીધા
ને રુદિયાં દીધાં છે સાવ મીણનાં!
પાંદડુંક લીલપના પડછાયે પડછાયે એવું લાગ્યું કે વંન ખોયાં,
ઝાંઝવાનાં વીંઝાતા દરિયે ડૂબીને પછી આંખોનાં ઝળઝળિયાં રોયાં,
જીવતર બીવતર તો બધું ઠીક મારા ભાઈ! અમે મરવાની વાત પર મ્હોયાં.
ચરણોને ચાલવાનું દીધું સરિયામ
અને રસ્તાઓ દઈ દીધા ફીણના!
કાળઝાળ સૂરજના તાપ અમને દીધા
ને રુદિયાં દીધાં છે સાવ મીણનાં!
– ચંદ્રકાન્ત દત્તાણી
નૂતન વર્ષ ૨૦૨૧ સહુ વાચકમિત્રોને ફળદાયી અને સ્વાસ્થ્યપ્રદ નીવડે એવી સ્નેહકામનાઓ…
નવા વર્ષનો પ્રારંભ એક મજાના ગીતથી કરીએ. કોરોનાકાળમાં આ ગીત વધુ પ્રસ્તુત બની રહે છે. મીણનાં હૃદય લઈને સૂરજના કાળઝાળ તાપમાં મુસાફરી કરવાનું નસીબમાં આવ્યું છે એનું આ વેદનાસિક્ત ખુમારીગાન છે. અસંખ્ય મેળાની વચ્ચે પણ માણસ સાવ એકલો જ જીવે છે. આયુષ્ય તળિયાથી ડુંગરની ટોચ સુધીની મુસાફરી સમું છે પણ કમનસીબે ગતિ કીડી જેવી ધીમી સાંપડી છે. રણ પાર કરવા માટે કાગળની હોડી મળી છે અને ભીતર અસીમ અફાટ ખાલીપાથી વિશેષ કંઈ નથી. જીવનમાં તાજગી પાંદડાના પડછાયા જેવી અલ્પ છે અને ઝાંઝવાના દરિયા તરવા માટે સાંપડ્યા છે. જીવન ઝળઝળિયાં થઈ ગયું હોવાથી મૃત્યુ વધુ મોહક ભાસે છે. ફીણના ચીકણા પોચા રસ્તાઓ પર ચરણોએ સરિયામ ચાલ્યે જ રાખવાનું છે. આખા ગીતમાં ઈશ્વરે મનુષ્યોને કરેલ અન્યાય અને સહુના નસીબે આવેલી જીવનવિડંબનાઓને કવિએ આર્તસ્વરે ગાઈ છે પણ આ સૂર ફરિયાદનો ઓછો અને ખુમારીનો વધુ જણાય છે. અશક્યવત્ ભાસતી અવસ્થાઓની ભરમાર વચ્ચે ક્યાંય નમી જવાની વાતનો ઈશારો નથી એ વાત આ ગીતને વધુ આસ્વાદ્ય બનાવે છે.
આ નગરમાં ફૂલથી પણ છે વધુ,
ફૂલને ચૂંટી રહેલા માણસો.
એ હતી સામે, આ એનો છે પ્રભાવ,
મેં કહ્યું ઈશ્વરને કે આઘા ખસો.
સ્વપ્ન મારાં એમ પજવે આંખને,
બાપની સામે પડેલા વારસો.
હાથ હું ખિસ્સામાં નાખું છું અને,
નીકળે છે એક મુઠ્ઠી વસવસો.
આટલો સંબંધ તો રાખો હવે,
ક્યાંક જો સામા મળો, થોડું હસો.
એ તરફ છે આપની સેના અને,
આ તરફ છે હું ને મારો કારસો.
હાથ એનો એટલે ઊંચો રહ્યો,
હાથમાં એના હતી સૌની નસો.
મહેક તારા સ્પર્શની ઉભો છે લઈ,
દાયકાથી મારી છાતી પર મસો.
બહુ થયું છોડો હવે માણસપણું,
સાપ છો તો સાપને તો ના ડસો.
હું મને વેચ્યા વગર પાછો ફરું,
ભાવ મારો એટલો પણ ના કસો.
– ભાવિન ગોપાણી
લયસ્તરોના આંગણે કવિમિત્ર ભાવિન ગોપાણીના ત્રીજા ગઝલસંગ્રહ ‘અગાશી’નું સહૃદય સ્વાગત છે. ગઝલસંગ્રહમાંથી એક સુંદર રચના આપ સહુ માટે. મોટાભાગના શેર સુંદર થયા છે.
December 26, 2020 at 12:30 AM by વિવેક · Filed under નયન દેસાઈ, શેર
આ વ્યક્તિ, આ ટોળું, આ શબ્દો, ધુમાડો,
આ આંખો, આ દૃશ્યો ને ઊંડી કરાડો.
– નયન હ. દેસાઈ
નયન દેસાઈ એમના જમાનામાં ખાસ્સા પ્રયોગખોર રહ્યા છે. એબ્સર્ડિટી અને આધુનિકતાના સંધિસ્થળ પર ઊભેલી એમની ગઝલનો એક શેર આપણે જોઈએ. એબ્સર્ડ એટલે જેમાંથી દેખીતો અર્થ તારવવો તો મુશ્કેલ હોય પણ એક અનૂઠી અનુભૂતિ ચોક્કસ કરાવે એ. આ મત્લામાં એકપણ ક્રિયાપદ તો નથી જ, પણ ચૌદ જ શબ્દોના બે મિસરામાં પાંચ-પાંચવાર ‘આ’ વાપરીને અલગ-અલગ ટુકડાઓ આપીને કવિ આપણને જિગ-સૉ પઝલ પૂરી કરવાનું આહ્વાન પણ આપે છે. આખી ગઝલ જ દૃશ્ય ગઝલ છે, અને એમાં શિરમોર છે આ મત્લા. અહીં બે પંક્તિની સાંકડી ગલીમાં એક-એક કરતાં સાત-સાત દૃશ્યો સાથ-સાથ છે. બધા સાથે દર્શક સર્વનામ ‘આ’ લગાડાયું છે, એટલે જેની વાત થઈ રહી છે, એ સાવ નજીકમાં છે, કદાચ અડી શકાય એટલું. પહેલું દૃશ્ય ‘આ’ વ્યક્તિનું છે. બીજું ‘આ’ ટોળાંનું. ‘लोग साथ आते गये और कारवाँ बनता गया।’ શેર અડધે પહોંચ્યો નથી ને એનો પ્રસાર છેક વયષ્ટિથી સમષ્ટિ સુધી થઈ ગયો! ત્રીજું-ચોથું દૃશ્ય અનુક્રમે પહેલાં-બીજા સાથે સંકળાયેલ અનુભવાય છે. વ્યક્તિ બોલે એ શબ્દો પણ ટોળું બોલે એ? શબ્દો કે ધુમાડો? ધુમાડાની જેમ જ ટોળાંનો અવાજ કદી સ્પષ્ટ હોતો નથી ને તુર્ત જ વિખેરાઈ પણ જાય છે. એમાંથી કોઈ નિશ્ચિત અર્થ તારવવો અશક્ય છે. ભાવક સામા ટોળાં કે વ્યક્તિનો એક ભાગ બની શકતો નથી, એ તટસ્થતાથી શબ્દોને ધુમાડો થઈ ઊડી જતા જોઈ રહ્યો છે… ઉલા મિસરામાં દૃશ્યગતિ અ-બ-અ-બ જેવી આવજા કરતી દેખાય છે, તો સાની મિસરામાં એ એક જ લીટીમાં સુરેખ થતી નજરે ચડે છે. આંખો, આંખોને દેખાતાં દૃશ્યો અને દૃશ્યો શેનાં તો કે ઊંડી કરાડોનાં. સામસામે ઊભેલાં દૃશ્યો વચ્ચે એક સંબંધ પ્રસ્થાપિત થાય છે. આપણી આંખો આ દૃશ્યો જુએ છે, જે શબ્દો જેવા સાફ હોવા ઘટે, પણ ટોળું એ ધુમાડા જેવી શૂન્યતા, અસ્થિરતા, અનિશ્ચિતતાનું પ્રતીક છે એટલે આ દૃશ્યોમાં ઊંડી કરાડો નજરે ચડે છે… કરાડ એટલે ઊંચી ભેખડની ઊભી કોર, અર્થાત બે ઊંચા પર્વતો વચ્ચે રચાતી ખાઈ… આ ખાઈ વળી ઊંડી પણ છે… અર્થાત્, નજર સામેના દૃશ્ય અને ભાવકની વચ્ચે ભલે જોવાનાર અને જોનારનો એક સંબંધ કેમ ન બંધાયો હોય, સરવાળે તો ઊંડી ખાઈ જ છે… અને આ તો એબ્સર્ડ ગઝલનો શેર છે. ગાયના આંચળની જેમ એને દોહીને અર્થનું દૂધ તારવવાના બદલે એને માત્ર અનુભવવાની કોશિશ કરીએ તો? કદાચ તોય આ શેર આસ્વાદ્ય બની રહે છે…
ટૂંકમાં, કવિનો કેમેરા અલગ અલગ દૃશ્યોને એક બીજાની અડખે પડખે juxtapose કરીને અહીં નિતનવા દૃશ્યો રચે છે. કેલિડોસ્કૉપ યાદ આવે – ફેરવો એટલીવાર નવી ડિઝાઇન!
છતી ના થાય હૈયાની ઉદાસી, કાળજી રાખો,
કહી આંસુને સ્ટેચ્યુ, દ્વાર પાંપણના તમે વાખો.
વલોવી છે વ્યથા ખાસ્સી, જો ના વિશ્વાસ હો તમને-
તરીને આવ્યું છે જે સ્મિતનું માખણ, જરી ચાખો.
પ્રણય પ્રકરણ ભલે નાનું હતું જીવનના પુસ્તકમાં,
મને મમળાવવા આપી ગયું સંભારણા લાખો.
ગગન તો હાથ લાગે, પણ છૂટી જાશે ઘણા અંગત,
બસ, એ કારણથી ફેલાવી નથી ક્ષમતાની મેં પાંખો.
તમે કહો છો કે સુંદર છે તો ઓઢી લઉં કફન, ચાલો!
પ્રથમ એ ખાતરી આપો કે કોરી રાખશો આંખો.
– અંજના ભાવસાર ‘અંજુ’
નિભાવવા અઘરા પડે એવા ચુસ્ત કાફિયા સાથેની આવી સ-રસ હમરદીફ-હમકાફિયા ગઝલ તરોતાજા કલમ પાસેથી મળી આવે ત્યારે ગુજરાતી ગઝલના ભવિષ્ય બાબત ચિંતા હળવી થઈ જાય.
કવયિત્રી કહે છે કે હું મારી ક્ષમતા વિસ્તારીશ તો ગગન તો હાથમાં આવી જ જશે. ખાતરી જ છે. પરંતુ આમ કરવામાં અંગત લોકો સાથેનો સંબંધ જોખમાવાનો ડર છે. કવયિત્રીને પોતાના વિકાસ કરતાં જેઓને એ પોતાનાં ગણે છે, એમની સાથેનો સંબંધ વિશેષ કિંમતી લાગે છે. આખી ગઝલમાં અન્યોને ખાતર જાતને સંકોરી રાખવાનો આ વિવેક નજરે ચડે છે. અને આ કાળજી મત્લાથી જ નજરે ચડે છે. હૈયાની ઉદાસી ક્યાંય અન્યો પર જાહેર ન થઈ જાય એ માટે આંસુને સ્ટેચ્યુ કહી દઈને પાંપણના દરવાજા બંધ કરી દેવાના છે. જોઈ, આ ‘ડબલ’ કાળજી! આંસુને અટકાવી દીધા હોવા છતાં ગફલતને અવકાશ ન રહે એ માટે આંખોય બીડી દેવાની છે. અને બાળસહજ સ્ટેચ્યુની રમત ગઝલમાં કેવી સહજતાથી આવી છે એય ધ્યાન આપવા જેવું છે. ચહેરા પર દેખાતું સ્મિત હકીકતે તો વ્યથાઓના સતત વલોણાના પરિણામે તરી આવેલું માખણ હોવાનું કલ્પન પણ કેવું સબળ છે! પ્રિયજન છેતરે તો કવયિત્રી મૃત્યુને પણ હસતે મુખે સ્વીકારવા તૈયાર છે અને તોય એ અપકૃત્યનો બદલો તો સ્નેહભાવથી જ વાળવા ઇચ્છે છે. પોતાના ગયા બાદ સ્વજન સહેજ પણ રડશે નહીં, એની ખાતરી મળે તો એ પોતાની જીવનલીલા તરત જ સંકેલવા તૈયાર છે… સમર્પિત પ્રેમનો આવો શેર તો એક સ્ત્રીની કલમમાંથી જ અવતરી શકે…
સૂર્યાસ્ત ટાણે, નદીકિનારે, કૃષ્ણે
એને આખરી વાર પ્રેમ કર્યો અને જતા રહ્યા…
એ રાતે એના પતિના બાહુપાશમાં, રાધા એટલી
મૃતપ્રાય લાગતી હતી કે પેલાએ પૂછ્યું, શું થયું?
મારાં ચુંબનોથી તને કોઈ તકલીફ છે, વહાલી? અને તેણીએ કહ્યું,
ના, જરાય નહીં, પણ વિચાર્યું, શું ફરક
પડે છે લાશને, જો કીડાઓ એને ફોલી ખાય?
– કમલા દાસ
છરી માખણમાં ઊતરી જાય એમ વાંચતાની સાથે સઘળી સંવેદનાઓ ચીરીને છે..ક આપણી ભીતર ઊતરી જાય એવું અદભુત પ્રેમકાવ્ય! સર્વાંગ સમર્પણની ચરમકોટિ અને વિરહની વેદનાની પરાકાષ્ઠાને આ રચના એકસમાન સ્પર્શે છે! વિશેષ કંઈ પણ લખવું એ આ કવિતાનું અવમૂલ્યન કરવા બરાબર છે…
The Maggots
At sunset, on the river ban, Krishna
Loved her for the last time and left…
That night in her husband’s arms, Radha felt
So dead that he asked, What is wrong,
Do you mind my kisses, love? And she said,
No, not at all, but thought, What is
It to the corpse if the maggots nip?
તમે શ્રદ્ધાની ઝળહળતી સોનેરી જ્યોત
અમે કોડિયામાં અંધારું ઘોર
તમે શબરીના હોઠ પર મલકાતું નામ
અમે શબરીનાં ચાખેલાં બોર
તમે મંદિરની સન્મુખ છો ઝાલર ઝણકાર
અમે દૂર રહી વાગતાં નગારાં… તમે…
– મુકેશ જોષી
પહેલી નજરે સરળ લાગે – ભક્તિકાવ્ય લાગે, પણ ધ્યાનથી જોઈએ તો કવિએ પોતા માટે જે રૂપક યોજ્યા છે તે પણ ઓછા મહત્વના નથી ! પૂજારી છે, તો જ પૂજ્ય એ પૂજ્ય છે ! ભક્ત છે, તો અને માત્ર તો જ, ભગવાન છે !
December 19, 2020 at 12:30 AM by વિવેક · Filed under મરીઝ, શેર
કાયમ રહી જો જાય તો પેગંબરી મળે
દિલમાં જે એક દર્દ કોઈ વાર હોય છે
– મરીઝ
મરીઝ આ શેરમાં માનવમાંથી મહામાનવ થવાની ચાવી આપે છે. પરંપરાની શેરપ્રણાલિથી પલટવાર કરીને મરીઝ સાનીના સ્થાને ઉલા મિસરામાં જ શેરનો અર્ક આપી દઈ કાન ઊલટા પકડાવે છે. મરીઝ દર્દના શાયર છે. એમના ભાગે જીવનના હરએક તબક્કે દર્દ સાથે મુકાબલો કરવાનું આવ્યું હતું. એટલે જ કદાચ, જિંદગીનું દર્દ એમના ‘ગળતા જામ’માંથી સતત નીંગળતું દેખાય છે. કવિતાની કાયામાં દર્દ આત્મા છે, પણ દર્દનો સ્વભાવ છે કે એ ટકતું નથી. એવી રાત બની જ નથી જે સવારમાં ન પરિણમે. ગમે તેવા મોટા કેમ ન હોય, મોટાભાગના દર્દ હંગામી હોય છે. ઘાયલે કહ્યું હતું ને, ‘સમય જાતાં બધું સહેવા હૃદય ટેવાઈ જાયે છે, ગમે તેવું દુ:ખી હો પણ જીવન જીવાઈ જાયે છે.’ અહીં મિર્ઝા ગાલિબ પણ યાદ આવે: ‘रंज से खूँगर हुआ इंसाँ, तो मिट जाता है रंज, मुश्किलें मुझ पर पडी इतनी कि आसाँ हो गई।‘ વળી આનો આ જ મિજાજ ગાલિબે અન્યત્ર પણ પ્રદર્શિત કર્યો છે: ‘दर्द का हद से गुजर जाना है दवा हो जाना।’ પણ મરીઝના આ શેરમાં જે દર્દની વાત છે, એ દર્દ દેહના સ્તરનું દર્દ નથી. દેહના દર્દનું નિવારણ તો કોઈ તબીબ કદાચ કરી પણ આપે. પણ અહીં વાત દિલના દર્દની છે. ભીતરી અહેસાસના દર્દની છે. અને આ દર્દ ટકી જાય તો? જેને મન ભાત પણ થાળીમાં ઊગતો હતો એવા રાજકુમાર સિદ્ધાર્થે નગર-ભ્રમણ દરમિયાન સંસારમાં જે-જે તકલીફો જોઈ, એ તમામ આપણે પણ રોજેરોજ નિહાળીએ જ છીએ. પણ ફરક એ છે, કે પળ-બે પળ સ્મશાનવૈરાગ્ય ભોગવીને આપણે હાથ લૂછીને આગળ વધી જઈએ છીએ. કોઈની તકલીફ જોઈને આપણા દિલમાં પણ કરુણા તો જન્મે છે, પણ એ અલ્પજીવી હોય છે. આંખમીંચામણાં કરીને, ‘અરેરે’ કરીને અથવા થોડીઘણી મદદ કરીને આપણે એ વેદનાથી આપણો પિંડ છોડાવી લઈએ છીએ. ક્યારેક આપણે એ વેદનાને સહિયારવાની કોશિશ પણ કરીએ છીએ. પણ આપણે અન્યોની વેદનાનો ભાગ બનતાં નથી. એ વેદનામાંથી આપણે બજારમાંથી પસાર થતા વ્યક્તિની માફક નીકળી જઈએ છીએ. આતમરામનું કમળપત્ર સરોવરની વચ્ચે ખીલ્યું હોવા છતાં લગરિક ભીંજાતું નથી. પણ, સિદ્ધાર્થના હૃદયમાં આ દુઃખદર્દ સ્થાયી થયા. દુન્યવી પીડાઓએ એના હૈયે કાયમી ઘર કર્યું. પરિણામે એ કરુણામૂર્તિ બુદ્ધ બન્યા. દર્દ શાશ્વતી બને, રાતવાસો છોડીને જાતવાસો કરે, ક્ષણવાસો ત્યજીને જનમવાસો કરે, ત્યારે પયગંબર થવાય પણ દર્દ એ સિંહણના દૂધ જેવું છે એને પેખવા-ટકાવવા માટે આપણામાં કનકપાત્રની લાયકાત પણ હોવી ઘટે. મરીઝ મનુષ્યમર્યાદાઓનો જાણતલ શાયર છે. એટલે આ જ ગઝલમાં એ કહે છે: ‘દીવાનગીથી કંઈક વધુ છે સમજનું દુઃખ, રાહત છે કે સમજ ન લગાતાર હોય છે.’
એ રીતે તું ત્રણ ભુવન નહિ માપી આપે!
મેં જે હાલે, જે રીતે છે માપી રાતો!
– વ્રજેશ મિસ્ત્રી
ગાગાગાગાના ત્રણ આવર્તનોમાં લયબદ્ધ વિહરતી મજાની ગઝલ. ચુસ્ત કાફિયા સાથે રાત વિશેની મુસલસલ રચના. એકલા હોઈએ ત્યારે રાતનું અંધારું ચારેતરફ થીજી ગયું હોય એમ ગતિહીન લાગે છે. ધારદાર સંગાથ હોય તો તો રાત તરત કપાઈ જાય પણ માત્ર એકલતા હોય અને એ પણ સાવ બુઠ્ઠી, તો રાત કાપવી ભારે થઈ પડે છે. ઉચાટોનું અજવાળું અને ઉરના કોઈ ખૂણામાં વ્યાપેલ અંધારા વચ્ચેનો વિરોધાભાસ પણ આસ્વાદ્ય થયો છે. અંધારામાં સામાન્યરીતે ડરનો અનુભવ સહજ છે. ગાંધીજીને આ ડર સામે લડવા માટે એમના ઘરની કામવાળી રંભાએ રામનામનો મંત્ર આપ્યો હતો. શ્રદ્ધાથી જપવામાં આવે તો રાતના અંધારામાં સઘળાં પૂજાસ્થાનો હાજરાહજૂર છે. ઉનાળાની ગરમ રાતો પ્રિયજનના વિચારોની ઠંડકની મદદથી કાપી છે તો શિયાળામાં એના જ સ્મરણોની ઉષ્મા ઓઢીને ઠંડીગાર રાતો પસાર કરાઈ છે. ટૂંકમાં, મોસમ કોઈ પણ હોય, પ્રિય વ્યક્તિની યાદો જ સધિયારો બની રહે છે. અને છેલ્લો શેર તો અદભુત થયો છે. કવિ સર્જનહારથી પણ ઉપર છે એ વાત કેવી સલૂકાઈથી રજૂ થઈ છે!
December 17, 2020 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, પ્રશાંત સોમાણી
કોણ પડે ઝઘડાની વચ્ચે?
સત્ય અને ભ્રમણાની વચ્ચે.
સાચું પણ દેખાશે તમને,
શંકા ને અફવાની વચ્ચે.
કંકર ને શંકર છે એક જ,
ફર્ક પડે શ્રદ્ધાની વચ્ચે.
પોતાને ભીતર શોધું ત્યાં,
દેખાયો રસ્તાની વચ્ચે.
બહુ મોટું અંતર છે, વ્હાલા,
કરશું ને કરવાની વચ્ચે
– પ્રશાંત સોમાણી
ટૂંકી બહેર અને ટૂંકી ગઝલ. પણ બધા જ શેર દમદાર. સાચું શું છે અને ભ્રમણા શી છે એના ટંટામાં પડ્યા વિના જીવન જીવી લેવામાં જ ખરી મજા છે. હજાર શંકાઓ અને અફવાઓની વચ્ચે પણ સત્ય છૂપાવ્યું છૂપાતું નથી, એ નજરે ચડે જ છે. કંકર અને શંકરની વચ્ચે એકમાત્ર ફરક શ્રદ્ધાનો છે. શ્રદ્ધા હોય તો કંકર શંકર છે અને શ્રદ્ધા જ ન હોય એને મન તો શંકર પણ કંકર છે. આખી દુનિયા માણસને પોતાની ભીતર ઉતરીને જોવાની સલાહ આપતી આવી છે પણ કવિ જરા હટ કે ફિલસૂફી લઈ આવ્યા છે. દુનિયાની ચાલે ચાલીને કવિ પોતાને ભીતર શોધવા મથતા હતા ત્યાં જાત તો રસ્તાની વચ્ચે નજરે ચડી. ગઝલનો શેર રેશમ જેવું નાજુક પોત ધરાવે છે. એ બહુ વજનદાર વાત ખમી ન શકે એટલે મોટામાં મોટી વાત પણ ગઝલમાં કહેવી હોય તો નજાકતથી જ કહેવી પડે. આ શેરમાં બે પંક્તિ વચ્ચેના અવકાશમાં દુનિયાની ચાલે ન ચાલીને પોતાનો રસ્તો ખુદ પ્રશસ્ત કરવાની વાતનો રણકો ઊઠતો સંભળાય છે. અને ગઝલનો આખરી શેર પણ અદભુત થયો છે. એના વિશે તો આટલું જ કહી શકાય કે सीधी बात, नो बकवास
ચઢી ખુરશી ઉપર ખાવાની આદત કેમ જાળવશું ?
અમારી દાઢ નિવૃત્તિના રોગે હલબલેલી છે !
‘કલીમ’ એથી લગાડું બહારથી ચુનો સદા એને,
બધાને એમ લાગે ઝૂંપડી મારી ચણેલી છે !
– કલીમ અમરેલ્વી
અદભુત હઝલ! ઉત્તમ ગઝલ જે રીતે કવિ પાસે પૂરતી સજ્જતાની અપેક્ષા રાખે છે, કદાચ એથી વધારે સજ્જતા હાસ્યકવિતા માંગે છે. ગંભીર વાતો કરવી આસાન છે, પણ હાસ્યવયંગ્ય નિપજાવવા અતિ કઠીન કાર્ય છે. કલીમ અમરેલ્વીએ પ્રસ્તુત હઝલમાં આ કાર્ય સિદ્ધહસ્ત ગઝલકારોને શરમાવે એવું ઉમદા કવિકર્મ કર્યું છે. મત્લા પણ કેવો માતબર થયો છે. બીજો શેર પણ માનવજીવનની હકીકત અને ઇચ્છા વચ્ચેના વિરોધાભાસ પર ધારદાર વ્યંગ કરે છે. પણ હાંસિલે-હઝલ શેર રો વિનવણીના મસોતાવાળો છે. ગુસ્સે ભરાયેલી દિલરૂબાને મનાવવા વિનવણી કરવાની વાતની રજૂઆત જે કાવ્યાત્મક રીતે થઈ છે, એ ઉત્તમોત્તમ શેરની સમકક્ષ બેસી શકે એવી દમદાર છે. ગુસ્સાના ઉભરાને દૂધના ઉભરા સાથે કવિએ કમાલ સાંકળી લીધો છે, અને ‘તપેલી’ શબ્દમાં જે યમક અલંકાર સિદ્ધ કર્યો છે એ કાબિલે-દાદ છે. આખરી શેરમાં ચૂનો લગાડવાની વાતમાં જે શ્લેષ અલંકાર જન્માવ્યો છે એ પણ શત-હજાર દાદ ઉઘરાવી લે એવો છે.
મોંઘવારીનો જગત પર એવો ભરડો થઈ ગયો,
કૈક કાબરચીતરો લોકોનો બરડો થઈ ગયો !
રૂપ પર આવી જવાની, પ્રેમ ઘરડો થઈ ગયો,
કાળના હાથેય આ કેવો છબરડો થઈ ગયો !
નિતનવી એક યોજનાનો પેશ ખરડો થઈ ગયો,
દેશ જાણે યોજનાઓનો ઉકરડો થઈ ગયો !
રેશનિંગના અન્નની ઉલ્ટી અસર થઈ પ્રેમ પર,
ચૂંક મજનૂને થઈ, લૈલાને મરડો થઈ ગયો !
અમને આ રીતેય ઓળખશે ઘણા ગુજરાતીઓ,
‘શેખચલ્લી’ નામનો એક માસ્તરડો થઈ ગયો !
– શેખચલ્લી
કેવી મજાની રચના! વાત ભલે હાસ્ય-વ્યંગ્યની હોય, શેર એકેય ઉતરતો થયો નથી. હાસ્યના નામે આપણે ત્યાં મોટાભાગના કવિઓએ હથોડા જ માર્યા છે એવામાં જનાબ શેખચલ્લીની આ સંઘેડાઉતાર રચના અભ્યાસ માંગી લે છે. બીજો શેર તો જુઓ! વય વધવાની સાથે યૌવન ખીલતું જાય પણ પ્રેમ વૃદ્ધ-અશક્ત-નબળો થતો જાય એ કેવો છબરડો! ત્રીજા શેરનો અનુભવ તો મોદીકાળમાં રોજેરોજ થઈ રહ્યો છે.
કેવો તું કિંમતી હતો સસ્તો બની ગયો
બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો
ગાંધી તને ખબર છે કે તારું થયું છે શું?
ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો.
* * *
આ દેશને માટે હિંસા એક વ્યાધિ થઈ ગઈ
ચાહી અમે નો’તી છતાં કેવી ઉપાધિ થઈ ગઈ
માર્યા – પછી બાળ્યા – પછી દાટ્યા – પછી ફૂલો ધર્યા
ચાલો થયું તે થઈ ગયું સુંદર સમાધિ થઈ ગઈ
* * *
હવે કલ્પનામાં પણ સુખ ક્યાં મળે છે?
સુખી માણસો પણ દુઃખી થઇ ગયા છે!
શહીદોનું કિસ્મત હતું ખૂબ સારું
સમયસર મરીને સુખી થઇ ગયા છે!
* * *
આદમને આવ્યું સ્વપ્ન એવું: ગોડસે રડતો હતો
રડતો હતો ને મનમહીં એ કૈંક બબડતો હતો
નજદીક જઈને ધ્યાન આપી સાંભળ્યું તો છક થયો
કહેતો હતો: હે રામ! ગાંધી ક્યાં મને નડતો હતો?
– શેખાદમ આબુવાલા
સામાન્યતઃ વ્યાંગને હાસ્યથી થોડે નીચે બેસાડવામાં આવે છે. એનું કારણ કદાચ એ છે કે હાસ્ય રમાડ઼ે છે જ્યારે વ્યંગ દઝાડે છે. હાસ્ય પંપાળે છે જ્યારે વ્યંગ ઘા કરે છે. આમ છતાં જો હાસ્યની સાથે વ્યંગ ન હોય તો ભોજનમાં મીઠું ન હોય એવી હાલત થાય.
ગુજરાતી કવિતામાં શેખાદમ આબુવાલાના સંગ્રહ ‘ખુરશી’થી વધારે ઉત્તમ વ્યંગનું ઉદાહરણ મળવું મુશ્કેલ છે. ‘ખુરશી’ એટલે નવનિર્માણના આંદોલનના સમયમાં શેખાદમે કરેલો મુખ્યત્વે રાજકીય કાવ્યોનો એક નાનકડો સંગ્રહ. યોગાનુયોગ એ પ્રગટ થયો તે જ વખત ઇન્દિરા ગાંધીએ કટોકટી જાહેર કરેલી. કવિતા અને વાસ્તવિકતા ટકરાઇ. ‘ખુરશી’ના કાવ્યો બહુ વખણાયા અને લોકોની જીભે ચડી ગયા. ‘ખુરશી’માં થોકબંધ ધારદાર ગઝલો અને મુક્તકો છે જે આજે ય લોકોની જીભે જીવંત છે. આજે એમાંથી ચાર સૌથી ધારદર મુક્તકો અહીં મુકું છું.
આજે એક નવતર હાસ્ય-કવિતાના પ્રયોગની વાત કરાવી છે જેના વિષે બહુ લોકો જાણતા નથી. છેક 1984ની સાલમાં મુકુલભાઈએ કબર-કાવ્યોનો આ પ્રયોગ કરેલો. સાહિત્યકારો ગુજરી જાય (ભગવાન કરે એવું ન થાય) અને એમની કબર બનાવવામાં આવે તો એ કબર પર epitaph એટલે કે સમાધીલેખ તરીકે શું લખી શકાય એની કવિએ રમૂજમાં કલ્પના કરી છે. દરેક સાહિત્યકારની લાક્ષણિકતાને પકડીને એને નાનકડી કવિતાના રૂપમાં ઢળવાનું કામ બારીક નિરીક્ષણ-શક્તિ, વિચક્ષણ વિનોદવૃત્તિ અને ભાષાની જડબેસલાક હથોટી માંગી લે છે. મુકુલભાઈની રચનાઓ આ ત્રિવિધ કસોટી પર ખરી ઉતારે છે. વધારે જોવાની વાત એ છે કે આ હાસ્ય-કવિતાઓ જેટલી માર્મિક છે એટલી જ નિર્દંશ પણ છે.
સ્નેહરશ્મિનો હાઈકુ-પ્રેમ, સુરેશ દલાલનું કવિ કરતા વધારે કાવ્ય-પ્રચારક હોવું, લાભશંકરની એબ્સર્ડ કવિતાઓ, જયંત પાઠકનું ‘વનાંચલ’માં વણાયેલું શૈશવ, રાજેન્દ્ર શુક્લના અલગ જ શબ્દ ને શૈલી, ઉશનસનું વિપુલ સર્જન, સુમન શાહનો આક્રમક સ્વભાવ, રઘુવીર ચૌધરીની ખુમારી, ચંદ્રકાન્ત ટોપીવાલાનો વિવેચન-પ્રેમ, સ્ત્રીઓની એકમત થવાની અક્ષમતા, ચંદ્રકાન્ત બક્ષીની વાર્તાઓના અણધાર્યા વળાંકો અને ચિનુ મોદીનો નિરાંતનો જીવ એ બધું અહીં વણી લીધું છે.
કબર-કાવ્યોને જે સ્વરૂપે પ્રગટ થયેલા એ જ મૂળ સ્વરૂપમાં અહીં રજુ કર્યાં છે. ‘કર્સર’ને નીચે કવિતા પર લઇ જશો એટલે ડાબી અને જમણી બાજુ ‘એરો’ દેખાશે. એને દબાવશો એટલે એક પછી એક કબર-કાવ્ય દેખાતા જશે.
(આ કાવ્યો મેળવીને મોકલી આપવા બાદલ રઈશભાઈ અને મુકુલભાઈ બંનેનો ખાસ આભાર.)
ભૂલ કહે ભ્રમણાને, ભ્રમણા ભૂલવે વાત ભજનમાં:
લાઘવ ક્યાંય નથી રે કવનમાં !
કાલિન્દીનાં જલમાં ઝાંકી
પૂછે કદંબડાળી
યાદ તને બેસી અહીં કોણે
રચી શબ્દની જાળી ?
લહર વમળમાં પડે, વમળ ઝટ સરી પડે ચિંતનમાં:
લાઘવ ક્યાંય નથી રે કવનમાં !
કરો કવિને જાણ:
અરથની તાણ રહી છે વરતી !
સ્હેજ ન રાખી લજ્જા લખતાં,
રાવ હવે ક્યાં કરવી ?
છંદ કહે લય-પ્રાસને, સહસા ફેર ચડે લોચનમાં:
લાઘવ ક્યાંય નથી રે કવનમાં !
શિર પર ગોરસમટકી (?)
ના એ છલકી કે નવ તૂટી,
કંકર અંદર-બાહર વાગ્યા
કશું ન નીકળ્યું ફૂટી !
નિર્મિશ કહે ઝટ વેચને પસ્તી… તોલ બધું વજનમાં !
લાઘવ ક્યાંય નથી રે કવનમાં !
– નિર્મિશ ઠાકર
હાસ્યકવિતાની વાત હોય અને એકેય પ્રતિકાવ્યનો સમાવેશ ના કરો એ કેવી રીતે બને? ગુજરાતીમાં પ્રતિકાવ્યોની પાતળી પણ સશક્ત પરંપરા રહી છે. એક સરસ પ્રતિકાવ્ય, મૂળ કાવ્યની લોકપ્રિયતાનો આધાર લઈને, એને અલગ સ્વરૂપમાં રજૂ કરીને હાસ્ય નીપજાવે છે. પ્રતિકાવ્ય મૂળ કૃતિની હાંસી ઉડાવે છે એવું ઘણા લોકો માને છે જે ખોટું છે. બલ્કે પ્રતિકાવ્ય તો મૂળ કૃતિની લોકપ્રિયતાની સાક્ષી પૂરે છે.
નિર્મિશ ઠાકરને પ્રતિકાવ્ય રચવાની કળા સુપેરે હસ્તગત છે. એમના બધા પ્રતિકાવ્યોમાં આ મારું સૌથી પ્રિય છે. અહીં આ ગીતમાં બિનજરૂરી રીતે લાંબી અને સંકુલ કવિતાઓ લખતા કવિઓ પર મીઠો પણ ધારદાર કટાક્ષ કર્યો છે. છેલ્લે છેલ્લે તો ‘તોલ બધું વજનમાં’ કહીને કટાક્ષની હદ કરી નાખી છે!
‘લયસ્તરો’માં સામાન્ય રીતે કવિતા મૂકીને નીચે એનો આસ્વાદ મુકવાનો રિવાજ છે. આજે એ રિવાજ તોડીને પહેલા પ્રસ્તાવના અહીં ઉપર મુકું છું અને કવિતા પછી આવે છે.
ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ હાસ્ય-કવિતા માટે એક જ કવિતાની પસંદગી કરવાની હોય તો બેશક આ જ કવિતાની પસંદગી કરવી પડે. હાસ્ય-સમ્રાટ જ્યોતીન્દ્ર દવેએ આપેલો પોતાનો છંદોબદ્ધ પરિચય એમની અતિસૂક્ષ્મ વિનોદવૃત્તિની સાક્ષી પુરે છે. ૧૯૪૧ના વર્ષનો રણજિતરામ સુવર્ણચંદ્રક સ્વીકારતી વેળાએ આપેલો પોતાનો આ પરિયય એ પોતાની જાતના શાબ્દિક કેરિકેચર સમાન છે.
કવિતા લાંબી છે પણ મોટેથી વાંચતા ખુલે છે. ને વળી છંદ સાથે વાંચો તો વધુ ખુલે છે. કવિ પોતાની ફીરકી ઉતારવામાં કોઈ કસર છોડતા નથી. પોતાના પર હસવું અને એય ગુજરાતી ભાષાનું સર્વોચ્ચ સન્માન સ્વીકારતી વખતે એ બહુ મોટી વાત છે.
જન્મે બ્રાહ્મણ, વૃત્તિએ વૈશ્ય ને પ્રવૃત્તિએ
શુદ્ર છું; કલ્પના માંહે ક્ષત્રિયે હું બનું વળી!
શૈશવે ખેલતો ખેલો, શાળામાં ભણતો વળી,
બ્રહ્મચર્યાશ્રમે ત્યારે સ્થિતિ મારી ગણી હતી.
શાળાને છોડીને જ્યારે ‘સાળાની બહેન’ને વર્યો,
ગાર્હસ્થ્યે આશ્રમે જ્યેષ્ઠે તદા પ્રેમે હું સંચર્યો.
પ્રભુતામાં ધર્યા પાદ; પૃથ્વીને રસ-પાટલે;
પયગમ્બર પ્રભુ કેરા પધાર્યા બે પછી ગૃહે.
દિનનાં કાર્ય આટોપી વાનપ્રસ્થ અનુભવું,
પારકાં કામ આવે ત્યાં સંન્યાસી હું બની રહું!
વર્ણાશ્રમ તણા આમ બધા હું ધર્મ પાળતો,
જાળવવા મથું નિત્યે આર્ય-સંસ્કૃતિ-વારસો.
અરિને મોદ અર્પન્તુ, દ્રવ્ય અર્પન્તુ વૈદ્યને
વહાલાને અર્પન્તુ ચિંતા, મને પીડા સમર્પતું, પૃથ્વીયે ખેંચતી જેને બહુ જોર થકી નહિ– ભારહિણું મને એવું ઈશે શરીર આપિયું, રોગ ને સ્વાસ્થ્યની નિત્યે રણભૂમિ બની રહ્યું એવું શરીર મારું, દવાઓથી ઘડાયેલું!
સોટી ને શિક્ષકો કેરા શાળા માંહે સમાગમે
વિદ્યા ને વેદના બે મેં એક સાથે જ મેળવ્યાં.
મન કેળવવા માટે દેહ વિદ્યાલયે પૂર્યો,
મન કિન્તુ રહ્યું ના ત્યાં, બ્રહ્માંડો ભટકી વળ્યું! વિદ્યાને પામવા પહેલાં, અર્થનો વ્યય મેં કર્યો, પછીથી અર્થને કાજે વિદ્યાવિક્રય આદર્યો.
ઘરમાં હોય ના કાંઈ, ક્ષુધા ત્યારે સતાવતી,
ભર્યું ભાણું નિહાળીને ભૂખ મારી મરી જતી.
વૃત્તિ મારી સદા એવી, હોય તે ના ચહે કદી,
હોય ના તે સદા માગે, મળ્યે માંગ્યુંય ના ગમે!
[ઉપજાતિ]
સાહિત્ય સંગીત કલા વિશે મેં
ધરી રુચિ, કિન્તુ ન સિદ્ધિ આવી.
ગાઉ ન હું કારણ માત્ર તેનું
આવે દયા કૈં સુણનાર કાનની.
કર્યું હતું એક જ વેળ જીવને
અપૂર્વ નૃત્ય વિના પ્રયાસે.
હું એકદા માર્ગ પરે નિરાંતે,
ઉઘાડપાદે ફરતો હતો ત્યાં
અર્ધી બળેલી બીડી કોક મૂ્ર્ખે
ફેંકી હતી તે પર પાદ મૂક્યો.
અને પછી નૃત્ય કરી ઊઠ્યો જે,
તેવું હજી નૃત્ય કર્યું ન કોઈએ!
સાહિત્યની કંટકવાડ ભેદવા
કરે ગ્રહી કાતર કાવ્ય કેરી,
પાડી છીંડું નાનકું એક ત્યાં હું
ખૂણે ઊભો, કાતર ફેંકી દીધી!
પન્નીને પહતાય તો કે’ટો ની.
વાહણ જો અથડાય તો કે’ટો ની.
અમના તો કે’ટો છે કે પાંપણ પર ઊંચકી લેમ.
પછી માથે ચડી જાય તો કે’ટો ની.
અમના તો પ્યાર જાણે રેહમની ડોરી.
એના પર લૂગડાં હૂકવાય તો કે’ટો ની.
”એની આંખોના આભમાં પંખીના ટોળાં…”
પછી ડોળા દેખાય તો કે’ટો ની.
હમ, ટુમ ઔર ટન્હાઇ, બધું ઠીક મારા ભાઇ
પછી પોયરાં અડ્ડાય તો કે’ટો ની.
– ડો. રઇશ મનીયાર
થોડી હુરતી ને થોરી પારહી નઈં લાગ્તી આ હઝલ?
હાસ્ય-કવિતાઓની આખી સીરીઝ સર્જાતી હોય અને એમાં જો અમારા બડે ગુરુ રઈશભાઈની આ હઝલની હાજરી ના હોય, તો તો સાલી આખ્ખી સીરીઝ નક્કામી!! એમ તો આ હઝલ એટલી પ્રખ્યાત થયેલી છે કે લગભગ બધાય ગુજરાતીઓએ ક્યારેક ને ક્યાંક તો એને માણી જ હશે… આઈ મીન… નક્કી હાંભળી જ અહે. પન્નીને હાચેહાચ પહતાવાવારાઓ પન એને વાંચીને જરા-તરા તો મરક્યા જ અહે… હાચું કે નઈં?! 🙂
પરસેવો બિચ્ચારો રઘવાયો થઈને ભલે ચહેરા પર આમતેમ દોડે !
માઈક મળે તો કોઈ છોડે ?
નાના અમથા એ ટીપાં શું જાણે ? આ ભાષણ શું કરવાની ચીજ છે ?
આકાશે ચાંદો છે, ચાંદામાં પૂનમ ને પૂનમના પાયામાં બીજ છે,
વિષયમાં એવો તો ફાંફે ચડે ને તોય તંતુને આમતેમ જોડે.
માઈક મળે તો કોઈ છોડે ?
ઉધરસ ને નસકોરા રમત્યે ચડે ને એ ય બગ્ગાસા વ્હેંચાતા ભાગમાં,
કંટાળો જાણે કે આખ્ખું કુટુંબ લઈ ફરવા આવ્યો ન હોય બાગમાં!
તાજા ઉઘડેલ એક વક્તાને ડાળીએથી ખંખેરી ખંખેરી તોડે.
માઈક મળે તો કોઈ છોડે ?
‘છેલ્લી બે વાત’ -એવું કાનમાં પડે ને કંઈક શ્રોતામાં જીવ પાછા આવે,
છેલ્લી, છેલ્લી છે એમ બોલી બોલીને પાછો આખ્ખો કલાક એક ચાવે,
સાકરના ગાંગડાને કચ્ચકચાવીને જાણે પકડ્યો હો ભૂખ્યા મંકોડે.
માઈક મળે તો કોઈ છોડે ?
– કૃષ્ણ દવે
આ ગીતને વાંચતા ને ગણગણતામાં તો જાણે એક અદભૂત મહેફિલનું આખુ દ્રશ્ય આંખ આગળ આપોઆપ ઊભું થઈ જાય છે… ઓફ કોર્સ, માઈકને જબરદસ્ત વળગી રહેલા વક્તા તથા બગાસા અને નસકોરાની વચ્ચે ઝૂલી અને ઝૂરી રહેલા બિચ્ચારા શ્રોતાઓની સાથે સ્તો! આ ગીતની ખરી મજા તો ત્યારે જ આવે છે, જ્યારે એ સ્વયં કૄષ્ણભાઈનાં કંઠમાંથી વહેતું માણવા મળે. જો કે મને તો આ ગીત હાસ્યગીત કરતા પણ વઘુ વ્યંગગીત જણાય છે… એટલે કે શાણાને શાનમાં… 🙂
ટાલિયાની વાત કરું તમને હું સાંભળજો કાન ખોલી વાળવાળા લોકો,
ટાલ એ તો પડવાની ઘટના છે, ભાઈ એને કેમ કરી કઈ રીતે રોકો?
એક વખત એવો ઉગ્યો’તો કે માથા પર જંગલ પથરાયુ’તુ વાળનું
ઝુલ્ફાની ઝાડીમાં ક્યાંયે નિશાન ન્હોતુ એના બે કાન કે કપાળનું
ટાલિયાને વાળ સાથે જબ્બરની પ્રિત હતી- કાંસકાને ખિસ્સામાં રાખતો
શેમ્પુ ને ડ્રાયર ને કાતરની સાથ આખો દિવસ અરીસામાં ગાળતો
ચોળતો એ વાળને કંઈ કેટલીયે વાર અને હળવેથી ગૂંચને નિકાળતો
ઓળતો એ વાળ કંઈ કેટલીયે વાર જુદી જુદી રીતે વાળને એ વાળતો
ટાલિયાને વાળ વિના ચાલે નહી, અરે, એક એક વાળને એ સાચવે
રોજ રોજ વાળ સાથે ઊગતા ને પાંગરતા જુવાનીકાળને એ સાચવે
ટાલિયાના વાળ ઉપર મોહી પડેલો હાથ નમણો, રૂપાળો, મુલાયમ
ટાલિયાને એમ થતું વાળ માટે હાથ અને હાથ માટે વાળ રહે કાયમ
પણ એક દિવસ એવીયે ઘટના બની કે એક નાની તિરાડ પડી વાળમાં
ટાલિયાને સહેજ એમ લાગ્યું ફસાયો હું આખરે આ કાળ કેરી જાળમાં
ગમે તે કારણથી ટાલ થતી રોકવાને ટાલિયાને અજમાવ્યા તુક્કા
એક પછી એક વાળ ખરવા લાગ્યા ને બધી આશાના થૈ ગયા ભુક્કા
ટાલિયો વિચારે કે વિગ જો હું પહેરું તો માથા પર વાળ જેવું લાગે
પણ શેમ્પુ ને ડ્રાયર ને કાતર ને હાથ પેલો અસલનાં વાળ પેલા માંગે
રોજ રોજ ટાલ પછી વધતી ચાલી ને એવી ફેલાઈ ચાર તરફ વાળમાં
કાળુ ભરાવદાર વાળકેરુ જંગલ ને ફરી ગયું લિસ્સા એક ઢાળમાં
એક દિવસ વાળકેરી માયામાં મોહેલો ફૂટડો જવાન એક બાંકો
કાળકેરો હાથ એમ ફર્યો જોતજોતામાં બની ગયો ટાલવાળો કાકો!
કોઈ કહે દરિયામાં ટાપુ દેખાયો ને કોઈ કહે ચાંદ ઊગ્યો આભમાં
ટાલિયો વિચારે કે ટાલ સાથે વર્ષોની કીધી પડોજણ શું લાભમાં?
ટાલિયો વિચારે કે શું છે આ વાળ? અને શું છે થવું વાળ ઉપર વ્હાલ?
શું છે એક હાથનું આ વાળમાં ગુંથાવુ? ને શું છે આ ચકમકતી ટાલ?
ટાલિયાને સમજાયું, વાળ છે ભૂતકાળ ને ટાલ એ હકીકતમાં કાલ છે.
વાળ સાથે રાખી’તી જબ્બરની પ્રિત, હવે એની આ આજે બબાલ છે.
ટાલિયાની વાત કરી તમને મેં એટલે એક નક્કર હકીકતને જાણવા,
પડવાની ટાલ એવું ભૂલી જઈને પછી વાળ ઉગ્યા એને બસ માણવા.
સૂરજની સાથે છે જીવવાનું ભાઈ, આજ જાવાની આવવાની કાલ,
દિવસની સાથ સાથ ઉગવાનાં વાળ અને સાંજ પડે પડવાની ટાલ,
સાંજ પડે બાંકડા પર બેસીને જોવાની વાળ સાથે ફરતી સૌ આજને.
ટાલ ઉપર યાદોની ટોપીઓ પહેરીને કરવી પસાર પછી સાંજને.
– ડૉ. શ્યામલ મુન્શી
વાંચતાવેંત તો એમ જ લાગે કે શ્યામલભાઈનાં અનુભવનો નિચોટ છે આ ટાલમાં… પરંતુ હકીકત તો એ છે કે એમણે તો આ ટાલકથા એમની વાળોનાં જંગલમાં બેસીને લખી હતી. 🙂 આ દીર્ઘ ટાલકથા ટાલિયાઓનાં આખા સમાજને સસ્નેહ અર્પણ… 😀
શ્યામલ મુન્શીનાં કંઠે સાંભળો આ હાસ્ય-કવિતા: વિનોદનાં વૈકુંઠમાં કાર્યક્રમમાં
तुम श्लील कहो, अश्लील कहो
चाहो तो खुलकर गाली दो !
तुम भले मुझे कवि मत मानो
मत वाह-वाह की ताली दो !
पर मैं तो अपने मालिक से
हर बार यही वर माँगूँगा-
तुम गोरी दो या काली दो
भगवान मुझे इक साली दो !
सीधी दो, नखरों वाली दो
साधारण या कि निराली दो,
चाहे बबूल की टहनी दो
चाहे चंपे की डाली दो।
पर मुझे जन्म देने वाले
यह माँग नहीं ठुकरा देना-
असली दो, चाहे जाली दो
भगवान मुझे एक साली दो।
वह यौवन भी क्या यौवन है
जिसमें मुख पर लाली न हुई,
अलकें घूँघरवाली न हुईं
आँखें रस की प्याली न हुईं।
वह जीवन भी क्या जीवन है
जिसमें मनुष्य जीजा न बना,
वह जीजा भी क्या जीजा है
जिसके छोटी साली न हुई।
तुम खा लो भले प्लेटों में
लेकिन थाली की और बात,
तुम रहो फेंकते भरे दाँव
लेकिन खाली की और बात।
तुम मटके पर मटके पी लो
लेकिन प्याली का और मजा,
पत्नी को हरदम रखो साथ,
लेकिन साली की और बात।
पत्नी केवल अर्द्धांगिन है
साली सर्वांगिण होती है,
पत्नी तो रोती ही रहती
साली बिखेरती मोती है।
साला भी गहरे में जाकर
अक्सर पतवार फेंक देता
साली जीजा जी की नैया
खेती है, नहीं डुबोती है।
विरहिन पत्नी को साली ही
पी का संदेश सुनाती है,
भोंदू पत्नी को साली ही
करना शिकार सिखलाती है।
दम्पति में अगर तनाव
रूस-अमरीका जैसा हो जाए,
तो साली ही नेहरू बनकर
भटकों को राह दिखाती है।
साली है पायल की छम-छम
साली है चम-चम तारा-सी,
साली है बुलबुल-सी चुलबुल
साली है चंचल पारा-सी ।
यदि इन उपमाओं से भी कुछ
पहचान नहीं हो पाए तो,
हर रोग दूर करने वाली
साली है अमृतधारा-सी।
मुल्ला को जैसे दुःख देती
बुर्के की चौड़ी जाली है,
पीने वालों को ज्यों अखरी
टेबिल की बोतल खाली है।
चाऊ को जैसे च्याँग नहीं
सपने में कभी सुहाता है,
ऐसे में खूँसट लोगों को
यह कविता साली वाली है।
साली तो रस की प्याली है
साली क्या है रसगुल्ला है,
साली तो मधुर मलाई-सी
अथवा रबड़ी का कुल्ला है।
पत्नी तो सख्त छुहारा है
हरदम सिकुड़ी ही रहती है
साली है फाँक संतरे की
जो कुछ है खुल्लमखुल्ला है।
साली चटनी पोदीने की
बातों की चाट जगाती है,
साली है दिल्ली का लड्डू
देखो तो भूख बढ़ाती है।
साली है मथुरा की खुरचन
रस में लिपटी ही आती है,
साली है आलू का पापड़
छूते ही शोर मचाती है।
कुछ पता तुम्हें है, हिटलर को
किसलिए अग्नि ने छार किया ?
या क्यों ब्रिटेन के लोगों ने
अपना प्रिय किंग उतार दिया ?
ये दोनों थे साली-विहीन
इसलिए लड़ाई हार गए,
वह मुल्क-ए-अदम सिधार गए
यह सात समुंदर पार गए।
किसलिए विनोबा गाँव-गाँव
यूँ मारे-मारे फिरते थे ?
दो-दो बज जाते थे लेकिन
नेहरू के पलक न गिरते थे।
ये दोनों थे साली-विहीन
वह बाबा बाल बढ़ा निकला,
चाचा भी कलम घिसा करता
अपने घर में बैठा इकला।
मुझको ही देखो साली बिन
जीवन ठाली-सा लगता है,
सालों का जीजा जी कहना
मुझको गाली सा लगता है।
यदि प्रभु के परम पराक्रम से
कोई साली पा जाता मैं,
तो भला हास्य-रस में लिखकर
पत्नी को गीत बनाता मैं?
क्या बताएं आपसे हम हाथ मलते रह गए
गीत सूखे पर लिखे थे, बाढ़ में सब बह गए
भूख, महंगाई, ग़रीबी इश्क़ मुझसे कर रहीं थीं
एक होती तो निभाता, तीनों मुझपर मर रही थीं
मच्छर, खटमल और चूहे घर मेरे मेहमान थे
मैं भी भूखा और भूखे ये मेरे भगवान थे
रात को कुछ चोर आए, सोचकर चकरा गए
हर तरफ़ चूहे ही चूहे, देखकर घबरा गए
कुछ नहीं जब मिल सका तो भाव में बहने लगे
और चूहों की तरह ही दुम दबा भगने लगे
हमने तब लाईट जलाई, डायरी ले पिल पड़े
चार कविता, पांच मुक्तक, गीत दस हमने पढे
चोर क्या करते बेचारे उनको भी सुनने पड़े
रो रहे थे चोर सारे, भाव में बहने लगे
एक सौ का नोट देकर इस तरह कहने लगे
कवि है तू करुण-रस का, हम जो पहले जान जाते
सच बतायें दुम दबाकर दूर से ही भाग जाते
अतिथि को कविता सुनाना, ये भयंकर पाप है
हम तो केवल चोर हैं, तू डाकुओं का बाप है
– हुल्लड़ मुरादाबादी
હાસ્ય અને વ્યંગનો સુંદર સંગમ….
મને આવી કવિતાઓની ગુજરાતીમાં સખત ખોટ સાલે છે…. ગુજરાતીના ટેલેન્ટેડ કવિઓને આગ્રહભરી વિનંતી કે આ કાવ્યપ્રકાર ઉપર ધ્યાન આપો પ્લીઝ – આમાં સર્જનનો આનંદ તો છે જ છે, સાથે પ્રચંડ લોકપ્રિયતા અને આમદાનીનો પણ સુભગ સંગમ છે….
વ્યંગ વિષે કાકા હાથરસી શું કહે છે તે સાંભળીએ :-
व्यंग्य एक नश्तर है
ऐसा नश्तर, जो समाज के सड़े-गले अंगों की
शल्यक्रिया करता है
और उसे फिर से स्वस्थ बनाने में सहयोग भी।
काका हाथरसी यदि सरल हास्यकवि हैं
तो उन्होंने व्यंग्य के तीखे बाण भी चलाए हैं।
उनकी कलम का कमाल कार से बेकार तक
शिष्टाचार से भ्रष्टाचार तक
विद्वान से गँवार तक
फ़ैशन से राशन तक
परिवार से नियोजन तक
रिश्वत से त्याग तक
और कमाई से महँगाई तक
सर्वत्र देखने को मिलता है।
લોહી બન્યાં મારકણાં સટાક
બાપુ કૂદ્યા પાડી કરાળ હાક
હલ્લો કર્યો ને નળિયું ઉપાડયું,
ઘા એક ઝીંકી કૂતરું ભગાડ્યું.
– રમેશ પારેખ
હાસ્ય-વ્યંગ જેવો ઉત્કૃષ્ટ કાવ્ય-પ્રકાર કેમ ગુજરાતી કાવ્યમાં ઓરમાયો રહ્યો છે તે કદી નથી સમજાયું !! શુદ્ધ હાસ્ય તો કદાચ ક્વચિત જ ખેડાયું છે ! વ્યંગ તો કેટલો મોટો પ્રદેશ !!! હિન્દીમાં તો વ્યંગકાવ્યનો તોટો નથી, પણ ગુજરાતીમાં તે પણ અળખામણું !! બધા સર્જકો ઘુવડગંભીર….. દિવેલીયા ડાચાં તો બ્રિટિશ એરિસ્ટોક્રેટને શોભે – આપણે વળી એવા શા ગુના કીધા ?????
ર.પા. એ થોડે અંશે આ પ્રકાર પણ ખેડ્યો છે, અને કહેવાની જરૂર નથી કે શ્રેષ્ઠ કૃતિઓ આપી છે….
હાસ્ય-વ્યંગની મૂળ શરત એ છે કે જીવનની સચ્ચાઈઓને વક્રદ્રષ્ટિએ જોવી. ભાષા મજબૂત હોય તો સોને સુગંધ ભળે…ચોટ ઉત્પન્ન કરવાની શક્તિ હોય તો ઓર મજબૂત રચના બને. અમારો એક પ્રિય મિત્ર છે – ડૉ જનક રાઠોડ. એ કોઈ શાસ્ત્રીય કવિ નથી પણ એ કદી-મદી જે કવિતાસમી રચનાઓ extempore કરી દેતો હોય છે તે હસાવી હસાવીને બેવડ વાળી દે તેવી હોય છે – એક ઉદાહરણ –
સિર્ફ કહને કો હી હસીનો કી શેર-ઓ-શાયરી હૈ,
વરના સંડાસ તો શ્રીદેવી ભી જાતી હૈ
– કદાચ કોઈને આ રચના ઘણી crude લાગે, સુરુચિનો ભંગ કરતી લાગે, પણ તેનું ચોટીલાપણું અને એક ઊંડાણ આ બે લીટીને અલગ જ હરોળમાં મૂકી દે છે. હાસ્ય-વ્યંગની પરિભાષા જરાક જુદી હોય છે, ઘણી ઘણી છૂટછાટો કવિ લઈ શકે છે-કવિમાં હિંમત જોઈએ !!
November 28, 2020 at 12:30 AM by વિવેક · Filed under જવાહર બક્ષી, શેર
ટોળાની શૂન્યતા છું, જવા દો કશું નથી,
મારા જીવનનો મર્મ છું, હું છું ને હું નથી.
-જવાહર બક્ષી
વિરક્તિના રંગે રંગાયેલી કલમના સ્વામી જવાહર બક્ષીની લબ્ધપ્રતિષ્ઠ ગઝલનો આ અજરામર મત્લા છે, જેમાંથી स्वની ઓળખની મથામણ સ્ફુટ થાય છે. ‘હું કોણ છું’નો પ્રશ્ન તો અનાદિકાળથી માનવમાત્રને સતાવતો આવ્યો છે. રાજેન્દ્ર શુક્લ કહે છે: ‘કૈં નથી તો હું ક્યહીંથી? હું નથી તો છું ક્યહીંથી?’ આ જ ભાંજગડ ગાલિબના કવનમાં પણ જોવા મળે છે: ‘डूबोया मुझको होने ने, न होता मैं तो क्या होता ?’ પ્રસ્તુત શેર લબ્ધપ્રતિષ્ઠ ગઝલનો મત્લા છે અને આખી ગઝલનો મિજાજ સુપેરે વ્યક્ત પણ કરે છે. ઓછું પણ ઘાટું લખતા કવિના આ શેરમાં ‘શૂન્યતા’ અને ‘મર્મ’ – બે મિસરાઓના દરવાજાના મિજાગરા છે, જેના ઉપર શેરના યોગ્ય ખૂલવા-ન ખૂલવાનો આધાર છે. પોતાની ઓળખ આપવાના હેતુથી કવિ શેર પ્રારંભે છે. કહે છે, હું ટોળાંની શૂન્યતા છું. પણ રહો, બીજી જ પળે એમને પોતે જ પોતાની આપેલી ઓળખ સામે વાંધો પડ્યો છે. કહે છે, જવા દો ને આ પંચાત જ. હું કશું નથી. શૂન્યતા પણ નહીં. ટોળાંને નથી હાથ હોતા, નથી પગ. ન દિલ, ન દિમાગ. ટોળું એટલે એક અર્થહીન, શૂન્યતા. ટોળું માણસને ભ્રામક સલામતીનો અહેસાસ આપે છે. ટોળાંમાં રહીને કરાતી પ્રવૃત્તિની જવાબદારી કોઈના માથે હોતી નથી. માણસ એકલો હોય ત્યારે એની સામે એનો આત્માનો અરીસો સતત ઊભો હોય છે, જેમાં સારું-નરસું જોવાથી બચી શકાતું નથી. પણ ટોળાંનો કર્તૃત્વભાવ શૂન્ય છે. ‘લૂંટાય કોઈ સરેઆમ ને સભા ચુપચાપ’ એ ટોળાંની લાક્ષણિકતા છે. ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય જેવા મહારથીઓ પણ ટોળાંનો ભાગ બને છે, ત્યારે દ્રૌપદીના ભાગે લૂંટાવાથી વિશેષ કશું બચતું નથી. ટોળાંમાં બધાના ‘સ્વ’ ખાલીખમ હોય છે. ટોળું એટલે એક ખાલીખમ સ્વકીયતા. વિરાટ શૂન્ય. આપણે જ્યારે ટોળાંના ગાડરિયા પ્રવાહમાં તણાતાં હોઈએ છીએ ત્યારે આપણે પણ નકરી શૂન્યતા, એક અવ્યવસ્થાથી વિશેષ કશું જ હોતાં નથી. વ્યક્તિગત ઓળખ ગુમાવીને ટોળાંના શૂન્યનો ભાગ બનીએ ત્યારે આપણા સ્વતંત્ર ‘હું’ હોવા-ન હોવા બરાબર હોય છે. ટોળાંથી અલગ ઓળખ બનાવી ન શકાયા હોવાની આત્મસ્વીકૃતિની ક્ષણે, આત્મજાગૃતિની ક્ષણે કવિને ખ્યાલ આવે છે કે પોતે પોતાના જીવનનો મર્મ છે, અર્થાત્ શૂન્ય છે. પોતાના હોવાની સાથે જ ન હોવું પણ જોડાયેલું છે. એટલે જ કવિ ‘હું છું’ કે ‘હું નથી’નો શાશ્વત પ્રશ્ન ઊભો કરી બેમાંથી એક શક્યતાનો હાથ ઝાલવાની વિમાસણ સર્જવાના સ્થાને ‘છું’ તથા ‘નથી’ની વચ્ચે (અ)ને મૂકીને ઊભયના સ્વીકારનું સમાધાન સ્વીકારે છે. Descartesના પ્રખ્યાત વિધાન ‘I THINK , THEREFORE I AM’થી પણ કવિ અહીં આગળ વધ્યા જણાય છે. અસ્તિત્વના હકાર અને નકાર –બંનેનો સુવાંગ સ્વીકાર આ શેરને મૌલિક અભિવ્યક્તિની નવી જ ઊંચાઈ બક્ષે છે.
ગઝલનો મત્લા વાંચતા જ અકબર ઇલાહાબાદીનો ‘दुनिया में हूँ दुनिया का तलबगार नहीं हूँ, बाज़ार से गुज़रा हूँ, ख़रीददार नहीं हूँ’ શેર યાદ આવે. વાત એ જ છે પણ અંદાજે બયાં નોખો છે. પ્રેમ અને મૃત્યુની વાત કરતા બીજા-ત્રીજા શેર પણ સરસ થયા છે. પણ મને માર્ગ અને પંખીવાળા શેર સ-વિશેષ સ્પર્શી ગયા. જેનો સ્વભાવ જ ફંટાવાનો છે, એવા સાથે મૈત્રી સાચવીને જ કરવી. અને ભીતરના ભેદ જાણનાર જો મૂંઝાયા વગર મોઢું ખોલવાની હિંમત ન કરે તો આજે નહીં તો કાલે ઘર કા ભેદી લંકા ઢાયેનો ઘાટ થવાનો જ છે. છેલ્લા શેરમાં કવિએ ‘ગઝલ’ શબ્દ અધ્યાહાર રાખ્યો છે એ બાબત થોડો વિચાર માંગી લે છે. ગઝલના પહેલા બે શેર કવિ કે કથકની સ્વગતોક્તિના શેર છે, જ્યારે છેલ્લા શેરમાં ગઝલ અથવા કવિતા પોતાની આપવીતી રજૂ કરે છે. આમ તો ગઝલના દરેક શેર સ્વતંત્ર એકમ ગણાય પણ કથનકેન્દ્રનો આ વિરોધાભાસ કથકને અધ્યાહાર રાખ્યો હોવાથી થોડો ખટકે છે. શેર જો કે સરસ થયો છે. ગઝલે દાયકાઓ સુધી ઓરમાયું વર્તન સહન કર્યું છે. કવિતાના જાણકાર લોકો અને વિદ્વાન-પંડિતોએ ગઝલમાંથી સાચા અર્થમાં પસાર થયા વિના જ એની વર્ષો સુધી અવગણના કરી. થોડું extrapolate કરીએ તો આ વાત ગઝલની જેમ જ જિંદગીને પણ લાગુ પાડી શકાય. મૂળ સુધી ઉતરવાના બદલે આપણે સહુ ટીકા-ટિપ્પણીઓમાં જ સમય વેડફતાં રહીએ છીએ, પરિણામે અર્ક તો નજર બહાર જ રહી જાય છે… સરવાળે મજાની ગઝલ!