(રંગાયા વગર) – અનિલ ચાવડા
રંગમાં ડૂબીને પણ છું સાવ રંગાયા વગર,
હું જગતમાં રહું જગતથી સ્હેજે અંજાયા વગર.
આવ, તારા પ્રેમનું એક થીંગડું તું મારી દે,
જિંદગી રહી જાશે નહિતર મારી સંધાયા વગર,
મૃત્યુ! કેવળ તારી એક જ સેજ એવી છે કે જ્યાં.
ચેનથી ઊંઘી શકાશે આંખ મીંચાયા વગર.
માર્ગની મૈત્રીમાં આ એક વાત જાણી લે ચરણ;
બહુ વખત એનાથી નહિ રહેવાય ફંટાયા વગર!
પંખી તું તો ઝાડની સૌ ડાળથી વાકેફ છે,
કોણ હાથો બનશે એ ટહુકી દે મૂંઝાયા વગર.
મારી ટીકામાં પડ્યા છે જાણતલ, વિદ્વાન સૌ,
હું પડી છું ડાયરીમાં બંધ વંચાયા વગર.
– અનિલ ચાવડા
ગઝલનો મત્લા વાંચતા જ અકબર ઇલાહાબાદીનો ‘दुनिया में हूँ दुनिया का तलबगार नहीं हूँ, बाज़ार से गुज़रा हूँ, ख़रीददार नहीं हूँ’ શેર યાદ આવે. વાત એ જ છે પણ અંદાજે બયાં નોખો છે. પ્રેમ અને મૃત્યુની વાત કરતા બીજા-ત્રીજા શેર પણ સરસ થયા છે. પણ મને માર્ગ અને પંખીવાળા શેર સ-વિશેષ સ્પર્શી ગયા. જેનો સ્વભાવ જ ફંટાવાનો છે, એવા સાથે મૈત્રી સાચવીને જ કરવી. અને ભીતરના ભેદ જાણનાર જો મૂંઝાયા વગર મોઢું ખોલવાની હિંમત ન કરે તો આજે નહીં તો કાલે ઘર કા ભેદી લંકા ઢાયેનો ઘાટ થવાનો જ છે. છેલ્લા શેરમાં કવિએ ‘ગઝલ’ શબ્દ અધ્યાહાર રાખ્યો છે એ બાબત થોડો વિચાર માંગી લે છે. ગઝલના પહેલા બે શેર કવિ કે કથકની સ્વગતોક્તિના શેર છે, જ્યારે છેલ્લા શેરમાં ગઝલ અથવા કવિતા પોતાની આપવીતી રજૂ કરે છે. આમ તો ગઝલના દરેક શેર સ્વતંત્ર એકમ ગણાય પણ કથનકેન્દ્રનો આ વિરોધાભાસ કથકને અધ્યાહાર રાખ્યો હોવાથી થોડો ખટકે છે. શેર જો કે સરસ થયો છે. ગઝલે દાયકાઓ સુધી ઓરમાયું વર્તન સહન કર્યું છે. કવિતાના જાણકાર લોકો અને વિદ્વાન-પંડિતોએ ગઝલમાંથી સાચા અર્થમાં પસાર થયા વિના જ એની વર્ષો સુધી અવગણના કરી. થોડું extrapolate કરીએ તો આ વાત ગઝલની જેમ જ જિંદગીને પણ લાગુ પાડી શકાય. મૂળ સુધી ઉતરવાના બદલે આપણે સહુ ટીકા-ટિપ્પણીઓમાં જ સમય વેડફતાં રહીએ છીએ, પરિણામે અર્ક તો નજર બહાર જ રહી જાય છે… સરવાળે મજાની ગઝલ!
Prahladbhai Prajapati said,
November 27, 2020 @ 7:26 AM
સુપેર્બ્
pragnajuvyas said,
November 27, 2020 @ 9:44 AM
કવિશ્રી અનિલ ચાવડાની સુંદર ગઝલનો ડૉ વિવેક દ્વારા સ રસ આસ્વાદ પ્રમાણે મત્લાની વાતે दुनिया में हूँ અફલાતુન ગઝલ નુ ગુંજન શરુ થયુ…
‘આવ, તારા પ્રેમનું ..’.વાતે યાદ આવી
वो गुल हूँ ख़िज़ाँ ने जिसे बर्बाद किया है
उलझूँ किसी दामन से मैं वो ख़ार नहीं हूँ
Rinku Rathod said,
November 28, 2020 @ 12:40 AM
સાંગોપાંગ સુંદર ગઝલ..
એટલો જ સુંદર આસ્વાદ.
yogesh tailor said,
November 28, 2020 @ 12:53 AM
golden word
Harshavi patel said,
November 28, 2020 @ 1:02 AM
સરસ રચના..
Love Sinha said,
November 28, 2020 @ 1:18 AM
વાહ મજાની ગઝલ
Dr Sejal Desai said,
November 28, 2020 @ 4:36 AM
વાહ… ખૂબ સરસ ગઝલ.. દરેક શેરનું અનેરૂં સૌંદર્ય છે પરંતુ મક્તાનો શેર ઉત્તમ !
Chetan Framewala said,
November 28, 2020 @ 6:01 AM
અદભુત…
Anand Patel said,
November 29, 2020 @ 12:38 PM
આ
આવ, તારા પ્રેમ નું એક થીગડું તું મારી દે
નહિતર….👌👌
Babu said,
November 29, 2020 @ 6:01 PM
મારી ટીકામાં પડ્યા છે જાણતલ, વિદ્વાન સૌ,
હું પડી છું ડાયરીમાં બંધ વંચાયા વગર.