સરસ્વતીનું સ્મરણ કરીને કરમાં લીધી લેખણ જોને;
અડધા હાથે લકવો નયનભાઈ, અડધા હાથે ઝણઝણ જોને!
– નયન દેસાઈ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for કાવ્યપ્રકાર

કાવ્યપ્રકાર શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ગઝલ – ભાવેશ શાહ ‘શહેરી’

બહુ બહુ તો શહેર છોડવા એ ટળવળી શકે
શહેરીની ક્યાં મજાલ ઉચાળા ભરી શકે

એથી લીટીઓ હોય છે કોરી હથેળીમાં
જેને જે લખતાં આવડે જાતે લખી શકે

તો તો જરાય અણગમો દુઃખ પ્રત્યે ના રહે
આવે જો એ જણાવીને સૌ જીરવી શકે

ટોળાની હામાં હા કરે ટોળાની નામાં ના
ટોળામાં એવા લોકને બઢતી મળી શકે

શહેરી તેં શાને જિંદગી ભ્રામક ગણી લીધી
જીવવાની હોય સ્વપ્નમાં એવું બની શકે

– ભાવેશ શાહ ‘શહેરી’

શહેરમાં પેટિયું રળવા આવી ચડ્યા પછી અને શહેરની જિંદગીનો રંગ લોહીમાં ઊતરી ગયા બાદ લાખ ઇચ્છા છતાં શહેર છોડી ન શકનાર શહેરીની વેદના બે જ પંક્તિમાં કવિએ અદભુત રીતે આલેખી છે. આમ તો કવિનું તખલ્લુસ મક્તાના શેરમાં આવે પણ કવિએ અહીં બખૂબી પોતાના તખલ્લુસને મત્લા અને મક્તા-બંનેમાં વણી લીધું છે અને મત્લામાં તો એ દૂધમાં સાકરની જેમ ભળી ગયું છે. હસ્તરેખાઓ વિશે આટલો મજબૂત અને પોઝિટિવ શેર પણ ઘણા લાં…બા અંતરાલ પછી વાંચવામાં આવ્યો. સરવાળે આખી ગઝલ આસ્વાદ્ય બની છે.

કદાચ કવિતા સાથે પનારો પાડતા તમામ કવિઓને મદદરૂપ થાય એમ વિચારીને એક બાબત વિશે તોય જાહેર ટકોર કરવાનું મન થાય છે. કોઈ પણ કવિ પોતાની ભાષા પરત્વે ઉદાસીનતા સેવે એ સરાહનીય નથી. આખી ગઝલમાં જોઈ શકાય છે કે કવિએ કોઈપણ પ્રકારના વિરામચિહ્નો કે અવતરણચિહ્નો પ્રયોજ્યાં નથી અને ક્યાં શું આવશે એ બાબત ભાવકની ભાષાક્ષમતા પર છોડી દીધી છે. આ બાબત પર ધ્યાન આપી શકાય તો સોનામાં સુગંધ ભળે… .

Comments (12)

(વરસાદ) – રિન્કુ રાઠોડ ‘શર્વરી’

*

બ્હાર તો વરસાદ છે,
ભીતરે અવસાદ છે.

શબ્દમાં પડઘાય છે,
મૌન ગેબી નાદ છે.

છંદમાં બંધાય ક્યાંથી?
ઊર્મિઓ આઝાદ છે.

સાવ કોરો પત્ર છે,
વણલખી ફરિયાદ છે.

હું મને ભૂલ્યા કરું,
એ હદે કોઈ યાદ છે.

– રિન્કુ રાઠોડ ‘શર્વરી’

લયસ્તરોના આંગણે કવયિત્રીના બીજા કાવ્યસંગ્રહ ‘દૃશ્યો ભીનેવાન’નું સહૃદય સ્વાગત છે.

ટૂંકી બહેરમાં અહીં કેવું મજાનું કામ થયું છે! વરસાદની ઋતુ પ્રણયની ઋતુ છે. ‘લાખોં કા સાવન’ની આ મદીલી મોસમની મુખામુખ ભીતરી ઉદાસીને મૂકીને કવયિત્રીએ કેવો વેધક વિરોધાભાસ સર્જ્યો છે! શબ્દ બોલે એના કરતાં એમાંથી ઊઠતા મૌનના ગેબી નાદના પડઘા વધુ અગત્યના છે. સ્વચ્છંદ લાગણીઓની વાત કરતો મજાનો શેર તો છંદમાં ન લખતા કવિઓ દલીલ કરવા માટે વાપરી શકે એવો છે. પત્ર કોરો આવે એનાથી મોટી બીજી કઈ ફરિયાદ હોઈ શકે? પેલો મૌનનો ગેબી નાદ અહીં પુનઃ સંભળાય છે. કોઈની યાદમાં જાતને ભૂલી જવાની વાત આમ તો નવી નથી પણ સાવ સાંકડી જગ્યામાં કવયિત્રીએ જે બાહોશીથી એને સમાવી લીધી છે એ કાબિલે-દાદ છે.

સંગ્રહમાં ઘણી રચનાઓ મજાની થઈ છે, તો ઘણી બધી રચના મજાની થતાં-થતાં રહી ગઈ છે, ઘણી રચનાઓ કાચી પણ રહી ગઈ છે. કાવ્યસર્જન પછી કાવ્યસંમાર્જનની સાધનાની અનિવાર્યતા તરફ જાગૃતિ કેળવાય તો કવયિત્રી ગુજરાતી કવિતાના ધોરી માર્ગ પર પોતાના નામનો માઇલ-સ્ટોન ખોડી શકે એમ છે, પણ એ ન કેળવાય તો ખોવાઈ જવાનો અંદેશો પણ કંઈ કમ નથી.

લયસ્તરો તરફથી ‘શર્વરી’ને ખૂબ ખૂબ સ્નેહકામનાઓ…

Comments (9)

થોભ્યાનો થાક – સુરેશ દલાલ

ભટકી ભટકીને મારા થાક્યા છે પાય
હવે પંથ મારો ચાલે તો ચાલું ;
પોપચાં બિડાય ત્યારે ખૂંચે અંધાર
અને ઊઘડે ત્યાં સળગે અજવાળું.

વેદનાનું નામ ક્યાંય હોય નહીં એમ જાણે
વેરી દઉં હોંશભેર વાત ;
જંપ નહીં જીવને આ એનો અજંપો
ને ચેનથી બેચેન થાય રાત.

અટકે જો આંસુ તો ખટકે ; ને લ્હાય મને
થીજેલાં બિંદુઓ જો ખાળું !
સોસવાતો જાઉં છું સંગના વેરાનમાં
ને મારે એકાંત હું અવાક્.

આઘે જવાના કોઈ ઓરતા નહીં ને અહીં
થોભ્યાનો લાગે છે થાક ;
આંખડીના પાણીને રોકી રોકીને, કહો–
કેમ કરી સ્મિતને સંભાળું ?

– સુરેશ દલાલ

 

નકરી બેચેની…..કિંકર્તવ્યમૂઢતા પણ નથી- આ અવસ્થા માટે બેચેની સિવાય કોઈ શબ્દ બેસતો જ નથી. સમયનો આ પડાવ જ એવો છે, કાલ કદાચ કૈંક જુદી ઉગશે…..કદાચ જુદી ન યે ઉગે…..

Comments (2)

શું જાણું? – મકરંદ દવે

શું રે થયું છે મને, હું રે શું જાણું?
મને વ્હાલું લાગે છે તારું મુખ;
જોઉં, જોઉં, જોઉં, તોય જોતાં ધરાઉં ના,
ભવભવની હાય, બળી ભૂખ.

ક્યાં રે ઊગ્યો ને ક્યાં આથમ્યો રે દંન મારો,
ક્યાં રે ઢળી મધરાત ?
તારી તે મૂરતિને કે’તાં ને કે’તાં મારી
પૂરી ન થાય હજી વાત.

કોક કોક વાર તારી કાયા અલોપ બને,
કોક વાર બાહુમાં કેદ;
જોગ ને વિજોગ હવે ક્યાં રે જોખાવું મારાં
નેણાં ભૂલી ગયાં ભેદ.

આ રે અવતાર ભલે વાદળિયો વહી જતો,
કેવાં તે સુખ ને દુઃખ ?
આખો જનમારો તને આંખોમાં રાખું,
મને વ્હાલું લાગે છે તારું મુખ.

– મકરંદ દવે

 

જાણે રાધા અને મીરાંના મનની વાત…….

Comments (2)

(સૂર્યોદય) – દીક્ષા

અદભુત સૂર્યોદય હતો એ. વાદળો જાણે કોઈ આશ્ચર્ય કંડારવા માટે મથી રહ્યાં હતાં. લાલભૂરી પાંખોવાળાં પક્ષીઓ ચણની શોધમાં એક ઝાડથી બીજા ઝાડે ઊડાઊડ કરી રહ્યાં હતાં.
પૂંછડી પર કથ્થઈ ડાઘવાળો એક કાળો બિલાડો હળવાં ઘુરકિયાં કરતો, બગાસાં ખાતો, પોતાની જાતને આવનારા દિવસ માટે તૈયાર કરતો મારા પગ નજીકથી પસાર થઈ ગયો.
ઘાસમાંથી તાજી ઝાકળ અને સૌમ્ય જડીબુટ્ટીઓની સુગંધ આવતી હતી. મેં ચપ્પલ ઊતાર્યાં અને મારા પગને પ્રાતઃકાલીન ધુમ્મસની ઠંડક મહેસૂસ કરાવી.
મારાં આંગળાંઓને સૌપ્રથમ એની અનુભૂતિ થઈ અને એ કઠોર જમીનના અહેસાસ, બનાવટ અને તાપમાનને સાચા અર્થમાં સમજવા માટે મારે થોડીક ક્ષણો માટે રાહ જોવી પડી. અને આ પળભરની પ્રતીક્ષા દરમિયાન હું મારું ઇન્સ્ટાગ્રામ જોઈ લેવા માટે લલચાઈ.

ત્યાર બાદ ન મેં કંઈ અનુભવ્યું, ન સાંભળ્યું, ન જોયું.

– દીક્ષા

આમ તો આપણે સહુ એને દીક્ષા જોશીના નામે ગુજરાતી ફિલ્મોની સફળતમ અભિનેત્રી તરીકે ઓળખીએ છીએ… પણ ‘શુભ આરંભ’, ‘કરસનદાસ-પે એન્ડ યુઝ’, ‘શરતો લાગુ’, ‘ધુનકી’, ‘લવની લવસ્ટોરીઝ’ જેવી અનેક હીટ-સુપર હીટ ફિલ્મો સિવાય એની એક અલગ જ ઓળખ છે, જે મને સવિશેષ આકર્ષે છે અને એ છે, પડદાની પાછળ શ્વેત કાગળ પર કંડારાતી સંવેદનાઓ… એની કવિતાઓ એની ખરી પિછાન છે…

એક નાના અમથા ગદ્ય કાવ્યમાં એ સોશ્યલ મિડીયાએ આપણા જીવનમાં કરેલા અતિક્રમણને કેવું સચોટ રીતે વર્ણવે છે! એક સ-રસ મજાના સૂર્યોદયની અહીં વાત છે. પહેલું તો એ જ કે આપણામાંથી મોટાભાગનાંના જીવનમાંથી સૂર્યોદય ભૂંસાઈ જ ગયો છે. શહેરની તો વાત જ નથી, પણ આપણે ક્યાંક ફરવા ગયાં હોઈએ તો ત્યાં સનસેટ પૉઇન્ટ પર તો ભીડ જોવા મળશે પણ સનરાઇઝ પૉઇન્ટ તો મોટાભાગે ખાલીખમ જ દેખાશે. અહીં નાયિકાનું પ્રકૃતિ સાથેનું એ અનુસંધાન હજી જળવાઈ રહ્યું છે એ કાવ્યારંભે સુખદ અનુભૂતિ કરાવે છે. વહેલી સવારે ઊંઘ ત્યજીને એ સૂર્યોદય માણવા બહાર ખુલ્લામાં આવી છે અને સંદર્યનું આકંઠ પાન કરે છે અને આપણને કરાવી રહી છે. એક પછી એક ઇન્દ્રિય સતેજ થઈ આ ક્ષણોમાં ઓગળી રહી છે. પ્રભાતી ઝાકળની ઠંડક અનુભવવા ચપ્પલ ઉતારીને નાયિકા ખુલ્લા પગ ભીનાં ઘાસમાં મૂકે છે અને અંગૂઠાને થયેલો સ્પર્શ જ્ઞાનતંતુઓની મદદથી મગજ સુધી પહોંચે એ વચ્ચેની ક્ષણોમાં ટેવવશ પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ચેક કરી લેવાનો મોહ જતો કરી શકતી નથી. આમ તો સ્પર્શ અને અનુભૂતિની વચ્ચેનું અંતર માઇક્રોસેકન્ડમાં જ પૂરું થઈ જતું હોય છે, પણ કવયિત્રી પોએટિક લાઇસન્સ વાપરીને ઇન્સ્ટાગ્રામ ચેક કરવા જેટલો સમય સ્પર્શ અને સંવેદનાની વચ્ચે ઘડી કાઢે છે.

છેલ્લું વાક્ય સૉનેટની ચોટ જેવું છે…

*

It was a spectacular sunrise. The clouds were struggling to sculpt a wonder. Blue and Red winged birds flew from one tree to another in search of breakfast.
A Black cat with a little brown spot on its tail walked past my left leg purring, yawning, preparing himself for the day.
Grass smelled of fresh dew and mild herbs. I removed my chappals and let my feet feel the coolness of morning mist.
My toes felt it first and I had to wait for a couple of seconds to really understand the feeling, texture, temperature of the rugged ground. And as I waited I was tempted to check my Instagram.

I felt, heard, saw nothing after that.

– Deeksha

Comments (19)

પરસેવો – ગૌરાંગ ઠાકર

ક્યાંક સિદ્ધિમાં ન્હાય પરસેવો
ક્યાંક જળમાં તણાય પરસેવો

કામમાં આવી જાય પરસેવો
નવરા હો તોય થાય પરસેવો

દુનિયા ઝાકળ કહે છે એને, પણ
દોસ્ત! ખીલવામાં થાય પરસેવો

ફક્ત ભીનું જ હોય તો સૂકવું
બોલ, તડકે મૂકાય પરસેવો?

ચમકે પરસેવાથી જ જીવન પણ
તો શું? પહેરી ફરાય પરસેવો?

આજનો કાલે કામ લાગે છે
તેથી ભેગા કરાય પરસેવો?

આપ થોડો તો પાડો પરસેવો
તો કવિનો કળાય પરસેવો

– ગૌરાંગ ઠાકર

પરસેવા જેવી અરુઢ રદીફ અને આવી મજાની સંઘેડાઉતાર ગઝલ! ભાઈ વાહ! માણસ નવરો બેઠો હોય અને માત્ર ગરમીના કારણે પરસેવો થાય એ વાતને પરસેવો મહેનત કરે છે કે ‘ઓન-ડ્યુટી’ છે એ રીતે જોવાનો નજરિયો જ માન જન્માવે છે. ઝાકળ ફૂલોની મહેનતનું પરિણામ છે એ કલ્પન પણ કેવું અનૂઠું! પરસેવો ભીનો છે પણ જ રીતે ભીની વસ્તુને સૂકવવા આપણે તડકે મૂકીએ છીએ એ રીતે પરસેવાને તડકે મૂકાય? કેવી મૌલિક અભિવ્યક્તિ છે! બધા જ શેર સારા છે પણ રદીફ-દોષ થયો હોવા છતાં કવિતાને પામવા માટે ભાવકે પણ પુરુષાર્થ કરવો ઈષ્ટ હોવાની વાત કરતો આખરી શેર શિરમોર થયો છે.

Comments (9)

અલવિદા… દિલીપ મોદી !!!

(સાહિત્યસંગમના કાર્યક્રમમાં ૦૬-૦૬-૨૦૧૦ના રોજ લીધેલી તસ્વીર)

*
સાવ તરડાયેલી ક્ષણનું બિમ્બ છું,
હું અનાગત વિતરણનું બિમ્બ છું.

રોજ શ્વાસોચ્છ્વાસમાં શોધ્યા કરું,
હું વિખૂટા આવરણનું બિમ્બ છું.

આ પ્રસંગોની તરસતી આંખમાં,
હું તૃષાના કો’ ઝરણનું બિમ્બ છું.

વિસ્તર્યો’તો એક ચ્હેરો સૂર્યમાં,
ને પળેપળ હું ગ્રહણનું બિમ્બ છું.

હું સપાટી પરથી પરપોટાઉં ને,
ભીતરે સ્પષ્ટીકરણનું બિમ્બ છું.

પંથના સાતત્યમાં ભૂલી ગયો,
હું ચરણ છું કે ચરણનું બિમ્બ છું !

હું જ મારા નામની દીવાલ પર,
મૌનનાં વિસ્તીર્ણ ધણનું બિમ્બ છું.

– દિલીપ મોદી
(૦૬-૦૯-૧૯૫૨ : ૧૫-૦૭-૨૦૨૦)

‘अपनी सब से दोस्ती नहीं किसी से बैर’ – આ સૂત્રનો જીવતોજાગતો દાખલો ગઈકાલે સાંજે જીવનની કિતાબમાંથી ભૂંસાઈ ગયો… આજન્મ અજાતશત્રુ અને હર કોઈના મિત્ર, સાચા અર્થમાં એકદમ સાલસ અને સરળ સ્વભાવના તબીબ-કવિમિત્ર ડૉ. દિલીપ મોદી કોરોના સાથે દોસ્તી ન કરાય એ વાત ચૂકી ગયા. સુરતમાં ઓફિસિઅલ આંકડાઓથી દસ-પંદર ગણી વધારે ફેલાયેલી મહામારીમાં પોતાના જીવની પરવાહ કર્યા વિના દર્દીઓની સારવાર આપતા-આપતા દિલીપભાઈ તથા એમના માતા બંને કોરોનાગ્રસ્ત થયા. ગયા બુધવારે એમના માતૃશ્રી કોરોના સામેની જંગ હારી ગયાં અને ગઈકાલે સાચા અર્થમાં ‘કોરોના વૉરિયર’ દિલીપભાઈએ કોરોનાના કારણે ફેફસાં ખરાબ થઈ જવાના કારણે શ્વાસની સમસ્યા (ARDS) થતાં હથિયાર હેઠાં મૂક્યાં…

ઈશ્વર સદગતના અને એમના માતૃશ્રીના આત્માને સદગતિ આપે એ જ અભ્યર્થના…

Comments (27)

मरासिम – અહમદ ફરાઝ

अब और क्या किसी से मरासिम बढ़ाएँ हम
ये भी बहुत है तुझ को अगर भूल जाएँ हम

બીજા કોઈ સાથે હવે અમે શું સંબંધ ગાઢ કરીએ ? – તને ભૂલી જઈએ એ જ બહુ છે !

सहरा-ए-ज़िंदगी में कोई दूसरा न था
सुनते रहे हैं आप ही अपनी सदाएँ हम

જીવન-રણ માં અન્ય કોઈ હતું જ નહીં, જાતે જ જાતના ચિત્કારો સાંભળતા રહ્યા છીએ. – અર્થાત એવી ભયાનક એકલતા છે કે મારો અવાજ પણ મને ભડકાવી દે છે.

इस ज़िंदगी में इतनी फ़राग़त किसे नसीब
इतना न याद आ कि तुझे भूल जाएँ हम

આ જિંદગીમાં એટલી સ્વતંત્રતા [ફુરસદ, મોકળાશ ]કોને નસીબ હોય છે ? – એટલી પણ સ્મરણમાં ન રહે કે હું તને ભૂલી જાઉં…- અર્થાત , મારી પાસે એટલી સ્વતંત્રતા છે કે હું તને ભૂલી જાઉં, એટલે એવો ફાંકો ન રાખીશ કે હું તને ભૂલી નહિ જ શકું કદીપણ….[ અહીં વક્રોક્તિ છે, શાયર પોતાની પ્રેમિકાને મનમાંથી ન હટાવી શકવાની સ્થિતિને છુપાવવા માગે છે ]. બીજો અર્થ એવો પણ કરી શકાય કે તારી યાદ એક સ્થાયીભાવ બની ગઈ છે. તું મારામાં એટલી એકાકાર છે કે તારું સ્મરણ હવે conscious phenomenon રહ્યું જ નથી….એ સ્થિતિમાં તું વિસરાઈ જ ગઈ કહી શકાયને ?

तू इतनी दिल-ज़दा तो न थी ऐ शब-ए-फ़िराक़
आ तेरे रास्ते में सितारे लुटाएँ हम

તું એટલી તો ઘાયલ નહોતી હે વિરહ-રાત્રી ! આવ, તારા રસ્તામાં સિતારાઓ બિછાવી દઈએ…. અર્થાત, હવે તારી સાથે ઝાઝી દુશમની પણ રહી નથી.

वो लोग अब कहाँ हैं जो कहते थे कल ‘फ़राज़’
हे हे ख़ुदा-न-कर्दा तुझे भी रुलाएँ हम

ક્યાં ગયા એ લોકો કે જેઓ ગઈકાલે કહેતા હતા, ભગવાન ન કરે, હું તને પણ રડાવી દઈશ….અર્થાત – હું તને રડાવું એ તો સ્વપ્ને પણ કોઈ કલ્પી ન શકે, લો – આ તને પણ રડાવી દીધી. હવે કોઈ સીમા લાંઘવી બાકી નથી રહી…..

– અહમદ ફરાઝ

Comments (3)

the moon reflected on the water – Dogen

Enlightenment is like the moon reflected on the water.
The moon does not get wet, nor is the water broken.
Although its light is wide and great,
The moon is reflected even in a puddle an inch wide.
The whole moon and the entire sky
Are reflected in one dewdrop on the grass.

– Dogen

ભાષા સરળ છે તેથી અનુવાદ કરતો નથી. સરળ ભાવાર્થ એ કે હું જો થોડો પણ શુદ્ધ હોઈશ તો મારા થકી ચૈતન્ય અભિવ્યક્ત થશે, પ્રતિબિંબિત થશે…-ભલેને હું અલ્પ હોઉં,અગણ્ય હોઉં….. અશુદ્ધિની માત્રા વિપુલ હશે તો હું કશું જ પ્રતિબિંબિત નહિ કરી શકું. મારી અલ્પતા ચૈતન્યની ભવ્યતાને પૂર્ણરૂપે અભિવ્યક્ત કરવામાં બાધારૂપ નથી.

Comments (3)

ક્યાંક અરીસે ફૂંક! – પ્રફુલ્લ પંડ્યા

ક્યાંક સપાટી કાગળની ને ક્યાંક અરીસે ફૂંક!
ટાપુ જેવા વિચારને જા દરિયા વચ્ચે મૂક!

ટાપુ જેવા તપ છે એના એની આંખમાં દવ
માણસ કોમળ હોય તો એનો સાંભળી લેવો રવ
સૌની સાથે હેમખેમ હોય સર કરવાની ટૂંક!
ક્યાંક સપાટી કાગળની ને ક્યાંક અરીસે ફૂંક!

તળ પહોંચ્યાની મજા અર્થમાં તળ પહોંચ્યાનું પાપ
આંખોમાં પાકયું અંધારું કેમ મૂકવો કાપ?
ક્યાં સપાટી ખટકાની ને ક્યાંક પ્રકાશી ચૂંક?
ક્યાંક સપાટી કાગળની ને ક્યાંક અરીસે ફૂંક!

– પ્રફુલ્લ પંડ્યા

હાલમાં આ કવિના બહુ જૂના કાવ્યસંગ્રહ ‘જીભ ઉપરનો ધ્વજ’માંથી પસાર થવાનું થયું. કવિની વય ત્રીસેકની હશે ત્યારે કવિલોક પ્રકાશને નવ્ય કવિ શ્રેણીના ભાગ રૂપે આ નાનકડો સંગ્રહ બહાર પાડ્યો હતો. કંઈ અલગ જ બાની સાથે મુલાકાત થઈ. અગાઉ વાંચવામાં ન આવ્યા હોય એવા સાવ અનૂઠા અને અરુઢ કલ્પનો અને વાંચતાવેંત ગળે ઉતરવાનો ઇનકાર કરતી ભાષા. કવિતા અર્થમાં ઓછી અને અભિવ્યક્તિમાં વધુ હોય છે એ આ ગીતોમાંથી આરપાર નીકળીએ ત્યારે સહેજે સમજાય છે… સંગ્રહમાંથી એક ગીત માણીએ…

Comments (3)

(જામ ઝાંઝવાનો) – સાહિલ

ના જળનો દઈ શકો તો દ્યો જામ ઝાંઝવાનો
અભિનય તૃષા છીપ્યાનો કરશું અમે મજાનો

કદ કરતાં પણ વધારે વિસ્તાર હોય તો શું
પંખી ને ભાર લાગે ક્યારેય ના પીછાંનો

સમજો ન ઉન્નતિ સહુ ઊંચે જતી સ્થિતિને
અફસોસ મનમાં ચચરે-પલ્લું ઊંચે ગયાનો

થોડીક મ્હેરબાની મૌલાની જોઈએ બસ
વીંધે વમળને પળમાં અવતાર બદબુદાનો

આચાર પાળવાના કાં કાંટલાં જુદાં છે
બંદો છો તું ખુદાનો, બંદો છું હું ખુદાનો

આ રેતિયા નગરમાં છે કારભાર મારો
પાણી ઉપર પડેલા તડકાઓ વેચવાનો

હર જન્મમાં પ્રભુનું ઘર દૂર બે’ક ડગલાં
હર જન્મમાં હું સાહિલ વંશજ છું કાચબાનો.

– સાહિલ

મનનીય રચના…

Comments (4)

શકું છું – રાજ લખતરવી

બધાથી અનોખું વિચારી શકું છું,
ન જે કોઈ ધારે એ ધારી શકું છું.

નદીઓ સમાવીને બેઠો છું ભીતર,
નયનથી હું સાગરને સારી શકું છું.

કિનારો કિનારો કરી જાય તો શું?
હું મઝધારમાં નાવ તારી શકું છું.

સિતારા, સિતારા કરો છો તમે શું?
ધરા પર હું ચાંદો ઉતારી શકું છું.

મને માપવો એટલો છે સરળ ક્યાં?
ગગનથીય સીમા વધારી શકું છું.

નશીલા નયનને કરી યાદ સાંજે,
સુરાલયમાં રાતો ગુજારી શકું છું.

ઘણા ‘રાઝ’ ભૂલી ગયો છું ગુલાબો,
ન એકેય કાંટો વિસારી શકું છું.

– રાજ લખતરવી

આખી રચના સ-રસ થઈ છે પણ ભીતર નદીઓની મીઠાશ સમાવેલી હોવા છતાં આંખોમાંથી સાગરની ખારાશ સારી શકવાની વાત કરતો શેર તથા ‘કિનારો’ શબ્દ અડખેપડખે બેવાર મૂકીને અદભુત શ્લેષનો સાક્ષાત્કાર કરાવતા શેર સવિશેષ ગમી ગયા. મક્તામાં ગુલાબોના સ્થાને ગુલાબી શબ્દ પ્રયોજાયો હોત તો તખલ્લુસનો અર્થ પણ કદાચ શેરના દૂધમાં સાકરની જેમ ભળી જઈ શક્યો હોત.

Comments (5)

મારું રજવાડું – રમેશ પારેખ

તારો વૈભવ રંગમોલ, સોનું ને ચાકરધાડું
મારે ફળિયે ચકલી બેસે તે – મારું રજવાડું

તારે બોલે હાંફળફાંફળ ચાકર ઊઠેબેસે
મારા ઘરમાં કીડી સુધ્ધાં દમામપૂર્વક પેસે

મારે ફળિયે ઝૂલે ઝાડની ઘટાદાર હુશિયારી
ખોલું ત્યાં આકાશ લાગલું દેતી ઘરની બારી

જેવો મારો ઉંબર તેવું આડેઘડ પછવાડું

તારે ફળિયે તારો વૈભવ ખોંખારાઓ ખાય
મારે પંખીના ટહૂકાથી અજવાળાં ફેલાય,

સાત રંગના ઓડકાર તું સાવ એકલો ખાતો
હું તો અકડેઠઠ્ઠ ડાયરા વચ્ચે લહલહ થાતો

આવા મારા સાવ ઠોઠ જીવતરને શું શીખવાડું ?

– રમેશ પારેખ

 

ગયા અઠવાડિયે એક સિનિયર કવિ સાથે વાતો થતી હતી ત્યારે મેં બળાપો કાઢ્યો કે સામાન્ય વાચક હવે કાવ્યમાં રસ નથી લેતો. તેમણે વેધક વાત કરી – ” પ્રજા કાવ્યથી દૂર નથી થઈ, કવિ પ્રજાથી દૂર થઈ ગયો છે !! ”

તેઓની વાત સાચી લાગે એવા ઘણા અનુભવો સૌને થયા હશે. આ કાવ્ય તદ્દન સરળ કાવ્ય છે પણ એમાં એક હ્ર્દયસ્પર્શી તત્વ છે, જે અદના આદમીને કાવ્યની સમીપ લાવી દે છે…..

Comments (5)

એક તો આ…..- ખલીલ ધનતેજવી

એક તો આ જિંદગી ઓછી મળી,
એમાં જીવનભરની ખામોશી મળી.

ક્યાંક અમને વાર લાગી પહોંચતાં,
ક્યાંક અમને બાતમી ખોટી મળી.

એનું દિલ પથ્થર હશે નો’તી ખબર,
પણ હથેળી તો બહુ પોચી મળી !

પ્યાસ મારી ના બુઝી તે ના બુઝી,
આ નદી તો તીસરી ચોથી મળી !

ક્યાંક અમને ગમતો ચહેરો ના મળ્યો,
ક્યાંક તારી કારબન કોપી મળી !

નીકળ્યો’તો માણસોને શોધવા,
દાઢી, ચોટી ને તિલક, ટોપી મળી.

હું ખલીલ એવા સમયમાં છું હવે,
જ્યાં સદી કરતાંય ક્ષણ મોટી મળી.

– ખલીલ ધનતેજવી

Comments (2)

ઠાગા ઠૈયા – રાવજી પટેલ

ઠાગા ઠૈયા ભલે કરે રામ !
આપણે તો અલબત-શરબત ઊંચું મેલ્યું.
ભલે મારું નિર્વાણ ઊડી જાય !
ભલે મને મળે નહીં બ્રહ્મનું બટેરું ભરી છાશ.
દોમદામ પેઢીઓની ગીચતાને
મારે નથી શણગાર પ્હેરાવવા,
એની પર ખીજડા છો ઊગ્યાં કરે;
સુગરીઓ ભલે બાંધે ઘર, ભલે સેલ્યૂટ ભર્યા કરે !
આપણે શા ઠાઠ
કવિતાને ઘર શું ને કરવા શા ઘાટ !
કવિતાને મોગરાની ખપે બસ વાસ.
દોમદામ સાહ્યબી મારે મન ફફડતા પડદા –
ફફડતી ભીંત.
મારે મન હંમેશનાં હવડ કમાડ
ઘટમાળ-બટમાળ કશું નહીં,
સાહ્યબીનો ચ્હેરો હવે સૂર્ય નહીં –
સૂર્ય હવે છાણનું અડાયું મારે મન.
મારે મન કવિતાની સાહ્યબીના સૂરજ હજાર.
ઓરડામાં પડેલો આ અંધકાર ઊંચકું હું કેમ?
તમારે કહ્યે મારા નિજત્વને ફેંકી દઉં કેમ?
મને તો ઘણુંય થાય :
નજીક બેસાડી તારા ઘરને હું કવિતાની જેમ
કશો અર્થ દઉ;
તારી શય્યાને કવિતાની ગંધ દઉં.
કિંતુ વ્યર્થ
તમારે તો સાણસીનો કરવો છે અર્થ.
હું તો માત્ર કવિતાઈ રણનો પ્રલંબ પટ
કેવળ વેરાઈ જાણું પ્રણયની જેમ.
પણ તમારે તો દરિયાનો કરવો છે અર્થ.
હું તો માત્ર,
કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર,
હું તો માત્ર
કવિ,
હું તો માત્ર
ઓરડામાં સબડતું આદિ મમી,
હું તો માત્ર
ભૂખથી રિબાતું મારું વલ્લવપુરા ગામ.
હું તો માત્ર
ખાલીબખ નિઃસહાય ૐ
પણ તમારે તો ગણિતનાં મનોયત્ન ગણવાં છે.
મારી પાસે નથી એ ગણિત
મારી પાસે નથી એનો અર્થ
મારી પાસે કવિતાનો નથી કશો નર્થ.

– રાવજી પટેલ

રાવજીને કવિતા સામે બે તકલીફો હતી. એક, એ પૂર્વજોએ બાંધેલા એના ભવ્ય મહાલયોમાંથી બહાર આવતી નથી અને બે, અર્થ જાણે એનું અવિભાજ્ય અંગ ન હોય એમ આખી દુનિયા કવિતામાંથી અર્થ શોધતી રહે છે. એક તરફ રાવજી કવિતાના પરંપરાગત ઢાંચા -ઘાટ અને શૈલી- સામે વિદ્રોહ પોકારી મૌલિકતા ઉપર ભાર મૂકે છે તો બીજી તરફ કવિતામાંથી અર્થ શોધવાની વૃત્તિનો ત્યાગ કરીને અનુભૂતિ તરફ ધ્યાન આપવા એ કહે છે. કવિતાને એની અખિલાઈમાં આસ્વાદવાની છે. એનું અંગ-ગણિત નહીં, એને સંગ અગણિત માણવાનું છે. એની આબોહવામાં બેરોમીટર નહીં, ખાલી ફેફસાં લઈને પ્રવેશવાનું છે, તો જ શ્વાસમાં એનો પ્રાણવાયુ ભરાશે. તત્ત્વજ્ઞાનના પરંપરાગત વિચારો, મૃતઃપ્રાય સંસ્કૃતિના બીબાંઢાળ સંસ્કારો, વ્યવહારુ ભૌતિકવાદના સુનિશ્ચિત માળખાંમાં જે કેદ છે એ બીજું કંઈ પણ હોય, કવિતા નથી. કવિતા જ સાચો વૈભવ, કવિતા જ સાચો પ્રકાશ, કવિતા જ સાચું ઘર. શૈય્યા અને ભૂખના અંગત નિત્ય અનુભવોની અર્થધાત્રી એ કવિતા. ભવ્ય ભૂતકાળ નહીં, પણ પ્રવર્તમાન ઠોસ વાસ્તવ સાથેનું નિજત્વની સુગંધસભર અનુસંધાન એ જ જીવનનો સાચો અર્થ, એ જ સાચી કવિતા.

કવિતાનો વિશદ આસ્વાદ આપ અહીં માણી શકશો: http://tahuko.com/?p=18838

Comments (11)

આ અંધારામાં છ કલાક : ૦૪ થી ૦૬ – સિતાંશુ યશશ્ચંદ્ર

૪.
કોકે બહુ બહુ રોવડાવ્યું છે આજે
આ કાળી મજૂરણના બેત્રણ વર્ષના ગટિયા છૈયા જેવા આકાશને
અકારણ.

ઓતરાતી-દખણાદી ડાળીઓએ સટક ગાંઠ મારી
પેલીએ ઝુલાવેલી ઝોળીમાં જંપી ગયું’તું એ,
મજૂરીએ મોકલી’તી જ્યારે કરાડો પાછળની ખોમાં ત્યારે
અફીણની આંગળી ચટાડી પેલીએ પોઢાડ્યું’તું એને.

પાછળથી રોવડાવ્યું, આમ, તે એને આઘેથીયે સંભળાયું છે.

હવે ફાળભરી એ એકલી
ધ્રોડશે સાત-સાત નદીઓનું રૂપ લઈને ફાળ ભરતી
જવાન માવડી

ત્યારે
કિતાબઘરો, પોથીઓના ભંડાર, બુકનુક્સ બધાંય
પલળીને લોચો થઈ જવાના, આપણાં, જોજો…

૫.
જનાવર જેવાં છે જીવતાં ને જીવલેણ
આ પાણી, સાંભળો, આવતાં જ જાય છે, આ અંધારામાં.

સરકસના તંબૂમાં સળગતી રિંગ વચ્ચેથી કુદાવેલાં આમને, યાદ છે ?
રેસકોર્સમાં પિસ્તોલના ધડાકે આમને ગોળ ગોળ દોડાવેલાં, યાદ છે ?
ડબ્બે પૂર્યાં’તાં, ઊંચી ડોકે રોતાં’તાં તોયે ખસ્સી પછી જ છોડ્યાં’તાં, યાદ છે ?
ક્વેક-ક્વેક કરતાં’તાં તોયે કોથળે પૂરી કરોડોને દાટ્યાંતાં, યાદ છે ?
જાળમાં ઝાલ્યાં’તાં, ભાલે પરોવ્યાં’તાં, પાંખ વીંધી પાડ્યાં’તાં,
યાદ છે, યાદ છે, યાદ છે ?

તે આકાશ ભરીને આવ્યાં આ જળ-જાનવરોના જંગી ટોળાં,
અંધારામાં સળગતી આંખોવાળાં,
દઝાડતાં ને ભીંજવતાં, એકસાથ.

ઢોળાવ ઢોળાવે ઢળે છે
ચઢાણે ચઢાણે ચઢી બેસે છે.

જેને યાદ આવશે તે ભૂલી શકશે,
જે જીવલેણ છે તે જિવાડશે નવેસરથી
આ ઝળહળતા અંધારામાં.

૬.
તારી સંગત વિના
પ્રલયની આ રાતે પરોઢ સુધી ચાલી પહોંચવું નામુમકીન છે.

બોલ તારો શું વિચાર છે ?

તારો ને મારો સરવાળો,
જે તારી-મારી ખોબો’ક માટી પર મંડાય છે, તે,
આ વીફરેલા અંધારાની કાળી પાટી પર વીજળીની ખડીથી પૂરવેગે
લખાયેલી
બાદબાકીઓ કરતાં
એકાદ આંકડા જેટલો મોટો હશે ?

તું હા ભણે એક જ વાર તો હું..

– સિતાંશુ યશશ્ચંદ્ર
(૨૦૦૬)

[નાનકડી નોધ : પાછલી ખટઘડીના અંધારામાં જાગનાર એક કવિની સ્મૃતિ સાથે…]

નાના દીકરાને ઝાડની બે ડાળીઓ પર સાડલાની ઝોળી બનાવીને દૂર કરાડો પાછળ મજૂરીએ જવા નીકળતા પહેલાં મજૂરણ આંગળી પર અફીણ લગાડી એને ચટાડે છે, જેથી કરીને એ મજૂરીએથી આવે ત્યાં સુધી દીકરો ઊંઘતો રહે. ક્યાંક એ અધવચ્ચે જાગી જાય, રડવા માંડે ને દૂર મજૂરી કરતી માના કાને પડે તો એ કેવી ધસમસતી નદીની જેમ દોડી આવે! આ વાસ્તવચિત્રને કવિએ મેઘલી કાળી રાતે ગાંડા થતા વરસાદ સાથે કેવું મજાની રીતે સાંકળી લીધું છે! બે દિશાઓની ડાળી પર ગાંઠ બાંધીને જાણે અંધારી રાતે વરસાદી વાદળ ભરેલાં આકાશને અફીણ ચટાડીને સૂવડાવ્યું હતું, પણ ગટિયું બાળક અચાનક રડી ઊઠ્યું ને વરસાદ-વીજળી ત્રાટકી રહે છે… આવી આ ક્ષણના સૌંદર્ય આગળ દુનિયાભરનું જ્ઞાન પાણી ભરે છે…

કવિનો કેમેરા વરસાદી રાતના અંધારાને અલગ-અલગ મજાના એંગલથી ઝડપે છે. પાંચમા ચિત્રમાં આપણા હાથે શોષિત થતાં હજારો-લાખો મૂંગાં પ્રાણીઓને યાદ કરીને કવિ સાંબેલાધારે વીજકડાકા સાથે આવતા વરસાદને જળ-જાનવરોના જંગી ટોળાંની ઉપમા આપે છે એ કેવી વેધક લાગે છે!

છઠ્ઠા દૃશ્યમાં પ્રણયથી શરૂ થઈ પ્રકૃતિ તરફ વળેલી વાત ફરી પ્રણય તરફ વળે છે અને એક વર્તુળ સંપૂર્ણ થાય છે. પ્રલયની રાત હોવાનું અનુભવાય એટલી કાળી વરસાદી રાતે એકલા સવાર સુધી ટકી રહેવાનું કવિને અસંભવ લાગે છે. પણ કવિ માત્ર પોતાનો વિચાર જાહેર કરે છે, એને પ્રિયજન પર ઠોકી બેસાડતા નથી. એનો વિચાર અલગ હોઈ શકે એની આઝાદી એને હોય જ એવો રણકો બોલ, તારો શું વિચાર છેના પ્રશ્નમાંથી સ્પષ્ટ ઊઠે છે. અંધારાની કાળી પાટી પર વીજળીની ધોળી માટીથી બે જણના સંબંધનો જે સરવાળો થાય છે એને પ્રકૃતિના સાદૃશ્યે મૂકતાં કશું ધનમૂલક બચતું હશે કે કેમ એ સવાલ છે. પ્રિયજન એક જ વાર હા કહે તો કવિ આ સમીકરણમાં જાતને મૂકીને સવાર સુધી પહોંચવાની કોશિશ કરવા તૈયાર છે…

અંતે પાછલી ખટઘડીના અંધારામાં જાગનાર એક કવિની સ્મૃતિની વાત કરીને કવિ આદિ કવિ નરસિંહ મહેતાને સ્મરણાંજલિ આપી ગુજરાતી કવિના બે અંતિમોને પણ એક કરે છે.

Comments (4)

આ અંધારામાં છ કલાક : ૦૧ થી ૦૩ – સિતાંશુ યશશ્ચંદ્ર

૧.
જળ અને વીજળીઓથી ભરેલા મેઘ
લીલોતરીથી મઢેલી માટીની ટેકરીઓ વચ્ચેથી પસાર થાય છે
વરસતા-ત્રાટકતા
ત્યારે
લથબથ ટેકરીઓ સળગી ઊઠે છે
ને સળગતી ટેકરીઓ લથબથ ભીંજાઈ રહે છે.

તારી સંગતમાં
મને બરાબર ખબર નથી પડતી
કે હું જીવતો થઈ ઊઠું છું રોમેરોમ
કે આખરનું રજમાત્ર બચ્ચા વિનાનું મરી લઉં છું.

૨.
વરસાદના આ કપટી દિવસોમાં
વારંવાર ઝળહળી ઊઠતા ને વારંવાર ઓલવાઈ જતા
દગાબાજ જિગરી દોસ્ત જેવા આ અજવાળામાં
તર્કનું, ન્યાયનું, નીતિનું તમે કહો તે પુસ્તક
ઉકેલી આપું તંતોતંત.

આ ચાતુર્માસ પૂરા થાય ત્યાં સુધી
મને કાવ્યપોથી ઉઘાડવાનું ન કહેતા કોઈ

શરદ પૂનમ સુધી

૩.
અથવા તો, રહો,
.               છેક આભને છાપરેથી કડાકાભેર ત્રાટકે છે ત્રાંબાના રંગે
ત્રબકતી આ લાંબી વીજળી

દૃશ્યને અજવાળતી, આંખોને આંધળી કરી મૂકતી
વિધ્વંસની ગંધના કાદવમાં ફેફસાંને દાટી દેતી
આગના પહોળા પાવડાથી એક ઉલાળે છેક તળિયા સોતું અંધારું
.                                      આઘું ફંગોળી મારું ઘર મને બતાડતી,

એ જાદુઈ જ્ઞાનની પળે કઈ કિતાબ ઉકેલી આપું
– વેદ, કુરાન, પવિત્ર કરાર. ગણરાજ્ય નું સંવિધાન
કે પછી મારી પોતાની આ કાવ્યપોથી ?

બોલો.

– સિતાંશુ યશશ્ચંદ્ર

‘આ અંધારામાં છ કલાક’ શીર્ષક હેઠળ કવિ છ નાનાં-નાનાં કાવ્યોનો ગુચ્છ લઈને આવ્યા છે. એમાંથી ત્રણ-ત્રણ કાવ્યો બે દિવસમાં માણીએ. વરસાદની આ રાતના અંધારામાં પ્રણય અને પુસ્તક કેન્દ્રસ્થાને છે. ગાભેણો મેઘ વીજળી સાથે મળીને ભીની ટેકરીઓને સળગાવતો અને સળગતી ટેકરીઓને ભીંજવતો પસાર થઈ રહ્યો છે, એ જોઈ કથકને પ્રિયપાત્રનો સ્નેહ યાદ આવે છે. એ પણ આવો જ ભર્યોભાદર્યો અને ફળદ્રુપ છે. એની સંગતમાં પોતે રોમેરોમ જીવી ઊઠે છે કે બધું જ ફના કરી દઈ નિર્વાણ પામે છે એ નક્કી કરવું દોહ્યલું થઈ પડ્યું છે. પ્રેમના પ્રભાવનું આવું અદભુત કાવ્ય વારંવાર ક્યાં વાંચવા મળશે?

વરસાદના આ દિવસોમાં આવજાવ કરતા અંધારા-અજવાળામાં કવિ કવિતા સિવાય બીજા કોઈપણ પુસ્તકો તંતોતંત ઉકેલી આપવા તૈયાર છે, કેમકે એમને ઉકેલવા એ ડાબા હાથની વાત છે પણ કવિતા? શરદપૂનમ સુધી ચાલનાર આ ચાતુર્માસ પોતે જ એક કવિતા છે… કવિતાનો પ્રકાશ પામવો હોય તો ક્ષણજીવી અજવાળું શા ખપનું?

પણ રહો, અંધારાના આ ત્રીજા કલાકમાં ફરી પોતાની વાત ફેરવી તોળે છે. તામ્રવર્ણો વીજ-ઝબકારો અભથી ઊતરીને ધરતી સુધી આવે એટલી નાની અમથી પળમાં એના અજવાળાંથી એ કવિને એનું પોતાનું ઘર જાણે કે બતાવી આપે છે. આ ઘર એટલે ઈંટ- સિમેન્ટનું બનેલું ઘર કે કાયાનું મકાન? કવિને વીજળીના ચમકારે મોતી પરોવી શકાવાની આ ક્ષણે આત્મજ્ઞાન સાંપડે છે કદાચ. એટલે જ એ આ પળને જાદુઈ જ્ઞાનની પળ ગણાવતાં કહે છે કે આપણે બોલીએ એ પુસ્તક આ પળમાં ઉકેલી આપવા એ સર્વસમર્થ છે. અંધારી રાતમાં આંખોને આંધળી કરી દેતી વીજળીના ક્ષણાર્ધ ઝબકારામાં આંતર્ચક્ષુ ઊઘડી જવાની આ પળે કવિતા કોઈપણ ધર્મગ્રંથ કે દેશના સંવિધાનની સમકક્ષ પ્રતીત થાય છે.

Comments (3)

નિવેદન – જગદીશ જોષી

માફ કરજે દોસ્ત,
તું પાસે છે છતાંય હું મારામાં સંકોચાઈ જાઉં છું.
આ ઢળતી સાંજની ગમગીનીના પડછાયાનાં વૃક્ષો
મારા રસ્તા પર ઝૂક્યાં છે.
આ વૃક્ષની નીચે
તું મંદિર થઈને મ્હોરી શકે એમ છે,-
છતાંય મારે નીકળી પડવું છે ક્યાંક એકલા
-સાવ એકલવાયા.
હોટલના ખૂણાના સૂનકારમાં
ખાલી ગ્લાસની સાથે
આજની સાંજનો સંબંધ બાંધીશ.
માફ કરજે દોસ્ત,
I’d rather be alone….

વેદનાને જ્યારે શબ્દો જડતા નથી
ત્યારે હું એને પી જાઉં છું.
મારા નશામાં
કેટલીયે મ્હેફિલો ભાંગી પડી છે-
એ હકીકત તું જ જાણે છે;
એટલે જ
બીજા પાસે બોલબોલ કરતો
તારી પાસે ખૂબ ઉદાસ થઈને બેઠો છું.
મારા એકાન્તની ઈજ્જત કરનાર, દોસ્ત !
એક તને જ કહી શકું છું:
I’d rather be alone….

-જગદીશ જોષી

અંતે તો એ જ રહે છે……’ મૈં, ઔર મેરી તન્હાઈ…..’

Comments (3)

હવે બોલવું નથી – સૈફ પાલનપુરી

આંખોથી લઈશું કામ, હવે બોલવું નથી;
રૂપાળું એક નામ, હવે બોલવું નથી.

યૌવનમાં એક રેશમી સાહસ કર્યું હતું,
કેવું મળ્યું ઇનામ, હવે બોલવું નથી.

પૂછો ના પ્રીત મોંઘી છે કે સસ્તી છે દોસ્તો,
ચૂકવી દીધાં છે દામ, હવે બોલવું નથી.

લ્યો સામે પક્ષે ‘સૈફ’ નજર નીચી થઈ ગઈ,
શબ્દો હવે હરામ, હવે બોલવું નથી.

‘સૈફ’ પાલનપુરી

 

……..હવે બોલવું નથી……

Comments (3)

થોડા દિવસો પહેલાં તો… – મનોહર ત્રિવેદી

થોડા દિવસો પહેલાં તો*
વૃક્ષ પરથી સૂરનો પગરવ ફળિયે આળેખાતો.

પાન છાંયડા ઢોળે
નીચે ઘરના બાળક ન્હાય
કોરી કરતો પવન હંમેશા
રજોટાયેલી કાય

ચાંદરણાં થૈ વચ્ચે-વચ્ચે તડકો ઉલેચાતો.

ઠીબ, નીડ ડાળી પંખીનાં
દૃશ્યો ભેળાં રમતા
આજ હવે ખંડેર : ઘૂમતી
કેવળ ખાલીખમતા

ચુડેલ કે હશે ચન્દ્રીનો – ત્યાં પાલવ લહેરાતો !

હુક્કામાંથી ઊઠે ધુમાડા
એમાં ઊઠે પ્રેત
દાદાજીની કથા નહીં :
ભીંતેથી ખરતી રેત

જૂના ઘરથી પાછા વળતાં પથ પગમાં અટવાતો
થોડા દિવસો પહેલાં તો…

– મનોહર ત્રિવેદી

(*યોગેશ જોશીના હેલોવીન અછાંદસની પ્રથમ પંક્તિ)

સમય અને માણસ –આમ તો બંને આગળ વધ્યે રાખે છે, પણ બંનેમાં નોંધપાત્ર ફરક એ છે કે સમય કદી પાછો વળી શકતો નથી. ગામનું જૂનું ઘર ત્યાગી દઈ નાયકનો પરિવાર કદાચ શહેર સ્થળાંતરિત થઈ ચૂક્યો છે અને કોઈક કારણોસર આજે એ ગામ પરત ફરી જૂના ઘરની ઊડતી મુલાકાત લે છે એનું આ ગીત છે. થોડા દિવસો પહેલાં આ ઘરનું આંગણું પક્ષીઓના ચહચહાટથી ગૂંજતું હતું. કવિ કહેતાં નથી કે ત્યાં આજે સૂનકાર છે પણ એ સન્નાટો આપણને પહેલી પંક્તિથી જ સંભળાવા માંડે છે. જે વૃક્ષના છાંયડામાં અને ધૂળમાં મસ્તીમાં આળોટતાં બાળકોને સાફ કરી આપતો પવન, તડકાનાં ચાંદરણાં, અને ઠીબ-માળો-પંખીઓ ભેળાં મળી મજાનાં દૃશ્યચિત્રો આળેખતાં હતાં, એ જગ્યાએ હવે ખાલીખમતા ઘૂમી રહી છે. ખાલીખમતા કવિએ કૉઇન કરેલો શબ્દ છે. ચાંદનીનો પાલવ ચુડેલ જેવો ભાસે છે અને દાદાજીના હુક્કાના ધુમાડામાંથી વાર્તાના સ્થાને પ્રેત ઊઠી રહ્યાં છે. સમય આગળ વધી ગયો છે, માણસ પણ કદાચ આગળ વધી ગયો છે પણ આગળ વધતી વખતે રસ્તો પગમાં અટવાતો હોય એમ ચાલવામાં તકલીફ વર્તાય છે. બાલમુકુન્દ દવેનું ‘જૂનું ઘર ખાલી કરતાં’ સૉનેટ –ઉપાડેલા ડગ ઉપર શા લોહ કેરા મણીકા- તરત યાદ આવી જાય છે.

Comments (8)

(ઘાયલ કરો) – મધુસૂદન પટેલ ‘મધુ’

જો ખરેખર પ્રેમ છે તો જાવ ‘ને હાંસલ કરો,
ઘુંઘરૂની જાત પર જાદુ કરી પાયલ કરો.

પ્રેમમાં કંઈ ખાસ કરવાનું કશું હોતું નથી,
જેમણે ઘાયલ કર્યા છે, એમને ઘાયલ કરો.

હોય હા, તો સ્હેજ બસ માથું હલાવો, કાં પછી
‘ના’ લખીને સહી કરો ‘ને વાત રદબાતલ કરો.

આ જગત પાગલ ન લાગે તો પછી કહેજો મને,
કોઈ પણ વાતે પ્રથમ તો જાતને પાગલ કરો.

એનું સરનામું કે નંબર કંઈ નથી તો શું થયું?
આંખ મીંચીને મનોમન નામને ડાયલ કરો.

– મધુસૂદન પટેલ ‘મધુ’

ખુમારી! નકરી ખુમારી! અને એ પણ કેવી! વાહ, કવિ! એક પાગલવાળો શેર પ્રમાણમાં ઠીકઠાક લાગ્યો પણ એ સિવાયના ચારેય પર તો સમરકંદો-બુખારા ઓવારી દેવાનું મન થાય એવા સશક્ત!

Comments (4)

લાજ ન રહીએ – અખો

લાજુ લાજ ન રહીએ, સહી એ
.             ઐસા લાગ ગયા ન આવે રે!
નીડર હોકર જે જઈ લાગે,
.             સો શામ અનેરા પાવે રે!
.                             લાજુ, લાજ ન રહીએ!

ગલે બાંહાંકા સુખ જયુનૂં નહીં દેખ્યા,
.             સો બાહાર ફરે બુધ્યહીણી રે,
ચતુરપણાં મૂરખ હોય નીમડ્યા,
.             જો તું વાત ન સમજી ઝીણી રે
.                             લાજુ, લાજ ન રહીએ!

બારે માસ રહે ઘૂંઘરટી,
.             મન જાણે હું જાગી રે,
જાગણ તેરા નીંદ સરીખા,
.             જો તું સાથી કંઠ ન લાગી રે!
.                             લાજુ, લાજ ન રહીએ!

ચલે સહિજ મેં હરતી ફરતી
.             લેવે લ્હાવા – પણ લૂખી રે,
આછા અંગ દેખાવે લોકા
.             પણ ભોગ બીના તું ભૂખી રે!
.                             લાજુ, લાજ ન રહીએ!

લટકા લાલાલનકા લ્હાવા,
.             લીના નહિ જશ નારે રે,
સો ભૂલી ભામ્યની મહાભૂંડી,
.             કહ્યા બહોત સુનારે રે!
.                             લાજુ, લાજ ન રહીએ!

– અખો

અખાને આપણ્રે એના ચાબખા ફટકારતા છપ્પાઓ વડે જ ઓળખીએ છીએ, પણ અખા પાસેથી એ સિવાય પણ ઘણી કવિતાઓ મળે છે. અખો ક્રમશઃ અદ્વૈતવાદી બન્યો હતો અને જીવ-શિવ એકાકારની માન્યતા ધરાવતો હતો. તત્કાલિન ‘લાજુ’ સંબોધન આપણને પ્રવતમાન ‘લાજો’ની યાદ અપાવે છે. સખી રે (સહી એ)ને સંબોધીને અખો કહે છે કે બહુ લાજશરમમાં રહેવાની જરૂર નથી. આવો લાગ (મનુષ્ય તરીકેનો જન્મ) ગયો તો ફરી મળશે નહીં, એટલે ડર મૂકીને જે ગળે લાગી એકાકાર થઈ જશે એ જ અનેરા શ્યામને પામી શકશે.

જેણે આલિંગનનું સુખ નથી જોયું, એ બુદ્ધિહીન સમા બહાર આંટા માર્યા કરે છે. ઝીણી વાત અર્થાત્ સૂક્ષ્મ જ્ઞાન- બ્રહ્મનું જ્ઞાન ન સમજનાર કહેવાતાં ચતુર પણ ખરેખર મૂરખ છે. જ્ઞાન અને અજ્ઞાન, જીવ અને શિવને જે સમજતાં નથી, એનું જીવન ઘૂંઘરટી (ઊંઘરેટી) અવસ્થા છે, જે જાગવા છતાં ઊંઘ્યા બરાબર છે.

જ્ઞાની હોવું અને જ્ઞાનનો અનુભવ હોવો – એ બે અલગ વાત છે. જ્ઞાની થઈ ફરવું એ દેહનો આછોપાતળો દેખાડો કરવાથી વિશેષ કંઈ નથી. ભોગ (પ્રત્યક્ષ જ્ઞાનાનુભવ) વિનાનો જ્ઞાની ભૂખ્યો જ ગણાય. લાલનના લટકાનો લહાવો લેવાનો જશ પ્રાપ્ત ન થયો હોય એ ભૂંડી ભામિની (જીવ) ભૂલો પડેલો જીવે છે. આમ, અખા સુનાર (સોની)એ થોડામાં બહુ વધારે કહી દીધું છે. જ્ઞાનને ગળે લાગવા માટે લાજનો (અજ્ઞાનનો, મોહનો, અહમનો) ઘુંઘટ હટાવવો જ પડે… (કબીર યાદ આવે: ઘુંઘટ કે પટ ખોલ, તોહે પિયા મિલેંગે)

Comments (9)

સામ્રાજ્ય – મનીષા જોષી

મને ઝરૂખામાં બેસાડો.
મને વીંઝણો નાંખો
મને અત્તરના હોજમાં નવડાવો.
મારા સૌંદર્યની, શૌર્યની પ્રશંસા કરો.
કોઈ ચિત્રકારને બોલાવો મને દોરવા.
કોઈ શિલ્પીને બોલાવો મને કંડારવા.
મારો સ્વયંવર રચાવો.
જાવ, કોઈ વિદૂષકને બોલાવો
મને હસાવો.
ક્યાં ગઈ આ બધી દાસીઓ?
કેમ, કોઈ સાંભળતું નથી?
મને લાગે છે કે હું મારું સામ્રાજ્ય હારી ચૂકી છું.
બધા જ ગુપ્તચરો પીછેહઠના સંદેશાઓ લાવી રહ્યા છે.
જોકે આમ પણ હું ક્યાં કશું જીતવા માગતી હતી ?
એક રાજવી તરીકેના મારા અભિમાનનું
મહામુશ્કેલીથી જતન કરી રહી હતી એટલું જ.
મારી પાંચેય આંગળીઓમાં સાચા હીરા ઝગમગી રહ્યા છે.
જે હવે થોડી જ વારમાં મારે ચૂસી લેવા પડશે.
પણ એ પહેલાં,
રેશમી પરદાઓથી સજાવેલા આ અગણિત ખંડો
જે મેં ક્યારેય પૂરા જોયા નથી,
એ જોઈ લેવા છે. અને
દીવાનખંડમાં મૂકેલા, મારા પૂર્વજોએ શિકાર કરેલા
ભયાનક સિંહ વાઘ, જે મસાલા ભરીને મૂકી રાખેલા છે
એ હવે ચીરીને ખાલી કરી નાખવા છે.

– મનીષા જોષી

જ્યારે પોતીકું તેજ હોતું નથી અને પારકે તેજે પ્રકાશવાનું હોય છે ત્યારે અંત આ જ હોય છે. વાત બાહ્ય જગતની હોય કે આંતરિક વિશ્વની, આત્મતેજ વિના સઘળું નોધારું રહ્યું….કરાલ કાળ મુખવટે છેતરાતો નથી.

Comments (4)

યાર, હું કોને કહું? – મુકેશ જોષી

સાતમું આકાશ મારું ક્યાંક ખોવાઈ ગયું છે યાર, હું કોને કહું?
સૂર્ય જેવું તેજ મારામાં હતું ને ક્યાં વહ્યું છે યાર, હું કોને કહું?

હું તરણ વિશે કશું ના જાણતો ને એ તરફ આખી નદી ભરપૂર છે
કોક જો મારા ભરોસે ડૂબવા માટે પડ્યું છે યાર, હું કોને કહું?

એક બાજુથી કરે અંધાર પીછો ભાગતી વેળા દીવો પ્રગટે નહીં
ને ઉપરથી વાયરા જેવું કોઈ સામે થયું છે યાર, હું કોને કહું?

શબ્દનું ચંદન ઘસીને લેપ કર, હું જિંદગીમાં આટલું દાઝ્યો નથી
એમણે ખાલી ઇશારાથી મને શું શું કહ્યું છે યાર, હું કોને કહું?

કેટલાં વર્ષોથી જેની રાહ જોઈ, ને પછી પાડોશીઓએ જે કહ્યું
બારણાં વાસેલ જોઈ એક જણ પાછું ગયું છે યાર, હું કોને કહું?

– મુકેશ જોષી

Comments (4)

રાહદારી – ટોમી બ્લૉન્ટ (અનુ.: વિવેક મનહર ટેલર)

*
(શિખરિણી)

અને જ્યાં એના સાઇડ મિરરથી એ ભરી ટ્રકે
ઉખેડી નાંખ્યો હાથ લગભગ મારો, નજરમાં

ચડ્યો ત્યાં એનો ડ્રાઇવર ખિખિયાતો મિરરમાં,

ન ધારી’તી એવી ભયજનક બીના ઘટી, અરે!
ન વાંધો, ના તો રાવ કરું હું કશે, લાભપ્રદ એ

મને છે, હા, એવું સહજ સ્મિતથી એ કહી ગયો;

ડર્યો થોડો એયે, મુખ પણ થયું લાલ ઘડી તો,
ગયો નક્કી આજે હું, પળભર માટે થયું મને.

બતાવી બત્રીસી ઘડીપળ જ એણે, શું હતું એ?

નહોતો એ ગુસ્સો, અગર હતી તો તાકીદ હતી-
‘તું ઠંડો થા, ને જો બધું સરસ છે, ની [ચ/કળ], જા,

શું દાટ્યું ગુસ્સામાં? થતું, થયું, થશે આ જ સઘળે.

‘થયું એ ભૂલી જા’, ક્વચિત્ હું હતો એ મગતરૂં
ન જોયું એણે જે, પણ હું ન ચૂક્યો કૈં નીરખવું.

– ટોમી બ્લૉન્ટ
(અનુ.: વિવેક મનહર ટેલર)

*

જ્યૉર્જ ફ્લૉઇડનું નામ આજે દુનિયામાં ભાગ્યે જ કોઈ નામ જાણતું નહીં હોય. કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે ૪૬ વર્ષની વયના જ્યૉર્જે નોકરી ગુમાવી અને માત્ર વીસ ડૉલરની બનાવટી નોટથી સિગારેટ ખરીદવાના ગુનાસર ૨૫મી મે, ૨૦૨૦ના રોજ અમેરિકાના મિનિઆપોલિસમાં એની ધરપકડ કરાઈ, એ દરમિયાન ડેરેક ચૉવિન પર રંગભેદનું ભૂત સવાર થઈ ગયું અને નિઃસહાય નિઃશસ્ત્ર જ્યૉર્જને જમીન પર ઊંધો પટકી દઈ હાથકડી પહેરાવવાના બદલે એની ગળચી પર પોણા નવ મિનિટ સુધી ઘૂંટણ દબાવી રાખીને એણે કાયદાની ઓથે જાહેરમાં નિર્મમ હત્યા કરી.

રંગભેદ, જાતિભેદ કે વંશભેદ કંઈ આજકાલના સમાજની પેદાશ નથી. એ તો પરાપૂર્વથી ચાલતાં આવ્યાં છે. ત્રેવીસસોથીય વધુ વર્ષ પહેલાં એરિસ્ટોટલે ગ્રીક લોકોને અન્ય લોકો કરતાં ચડિયાતાં ગણાવી અન્યોને ગુલામ લેખાવ્યાં હતાં. એ સમયે શારીરિક લક્ષણો અને સભ્યતા (એથ્નોસેન્ટ્રિઝમ) ભેદભાવના પ્રમુખ સાધન હતાં. પાંચ હજાર વર્ષ પૂર્વે મહાભારતમાં પણ કર્ણને સૂતપુત્ર હોવાના કારણે એના અધિકારોથી વંચિત રખાયો હતો. કદાચ એ દુનિયાનો પ્રથમ જાતિવાદ હતો.

રંગભેદની આ નીતિ પર કુઠારાઘાત કરવાના બદલે માત્ર હળવી ટકોર કરીને આપણા સમગ્ર સંવેદનાતંત્રને હચમચાવી નાંખે એવું આ સૉનેટ છે. શ્વેત ડ્રાઇવર એની વજનદાર ટ્રક વડે (કદાચ ભૂલમાં) રસ્તે ચાલતા અશ્વેત રાહદારીને જોરદાર ટક્કર મારી બેસે છે, પણ પછી થોભીને સૉરી કહેવાના બદલે ખિખિયાટાં કરતો પસાર થઈ જાય છે. આ આખી ઘટનાને અશ્વેત રાહદારી કઈ રીતે જુએ છે, એ આ સૉનેટના ચશ્માંમાંથી આપણને જોવા મળે છે.

*
The Pedestrian

When the pickup truck, with its side mirror,
almost took out my arm, the driver’s grin

reflected back; it was just a horror

show that was never going to happen,
don’t protest, don’t bother with the police

for my benefit, he gave me a smile—

he too was startled, redness in his face—
when I thought I was going, a short while,

to get myself killed: it wasn’t anger

when he bared his teeth, as if to caution
calm down, all good, no one died, ni[ght, neighbor]—

no sense getting all pissed, the commotion

of the past is the past; I was so dim,
he never saw me—of course, I saw him.

– Tommye Blount

Comments (3)

ચાકર રાખોજી – મીરાંબાઈ

મ્હાંને ચાકર રાખોજી,
.         ગિરધારી લાલ, મ્હાંને ચાકર રાખોજી!

ચાકર રહસું, બાગ લગાસૂં,
.         નિત ઊઠ દર્શન પાસૂં;
વૃંદાવન કી કુંજ – ગલનમેં
.         ગોવિંદા – લીલા ગાસૂં રે !
.                                   મ્હાંને ચાકર રાખોજી!

ચાકરી મેં તો દરસન પાઊં,
.         સુમરિન પાઊં ખરચી;
ભાવ–ભગતિ જાગીરી પાઊં,
.         તીનોં બાતાં સરસી રે !
.                                   મ્હાંને ચાકર રાખોજી!

મોર મુકુટ પીતામ્બર સોહે,
.         ગલે બૈજંતી માલા;
વૃન્દાવનમાં ધેનુ ચરાવે,
.         મોહન મૂરલીવાલા રે!
.                                   મ્હાંને ચાકર રાખોજી!

ઊંચે ઊંચે મહલ બનાઊં
.         બિચ બિચ રાખુ બારી;
સાંવરિયા કે દરસન પાઊં
.         પહિર કસુમ્બી સારી રે !
.                                   મ્હાંને ચાકર રાખોજી!

જોગી આયા જોગ કરનકો,
.         તપ કરને સંન્યાસી;
હરિભજન કો સાધુ આયે
.         વૃન્દાવનકે વાસી રે !
.                                   મ્હાંને ચાકર રાખોજી!

મીરાં કે પ્રભુ ગહિર ગંભીરા,
.         હૃદે રહોજી ધીરા;
આધી રાત પ્રભુ દરસન દીજો
.         પ્રેમનદીને તીરા રે!
.                                   મ્હાંને ચાકર રાખોજી!

– મીરાંબાઈ

મિશ્ર ગુજરાતી-રજસ્થાની (મારૂ ગુર્જર) ભાષામાં મીરાંબાઈના પ્રેમલક્ષણા ભક્તિનાં પદો છે..ક એના દિલના તળિયેથી કોઈપણ આયાસ વિના ઉદભવ્યાં હોવાથી આટઆટલા વર્ષોનાં વહાણાં વાઈ જવા છતાંય આપણને મંત્રમુગ્ધ કરતાં રહે છે. એની વાણીમાં અંતરની સચ્ચાઈ અને સર્વાંગ સમર્પિતતા સિવાય બીજું કશું નહીં જડે.

કૃષ્ણને શેઠ તરીકે એ કલ્પે છે એટલે ગિરધારી સાથે ‘લાલ’નો તડકો લગાવે છે. ગિરધારીલાલના ચાકર બનવાની અરજી લઈ મીરાં આપણી સમક્ષ આવે છે. ચાકર બનવા પાછળની એની મંશા તો જુઓ… ચાકર બનશે તો એ બાગનું ધ્યાન રાખશે, કૃષ્ણ રોજ સવારે બાગમાં તો આવશે જ એટલે રોજ ઊઠીને એના દર્શન કરવા મળશે. આ દર્શન એનો પગાર, નામસ્મરણ ખર્ચી; અને ભાવભક્તિ એની જાગીર. પ્રેમનદીના કિનારે અડધી રાત્રે ગહન-ગંભીર શ્રી કૃષ્ણના દર્શન થાય એટલે મીરાંને મન તો ભયો-ભયો…

Comments (7)

(ભૂલ કરી છે ભારી) – જુગલ દરજી

ભૂલ કરી છે ભારી,
અંગત જે કંઈ હતી વેદના વાણીમાં આકારી.

હવે નહીં રહે લાગણીઓને માન,મહત્તા,મોભો.
હવે દિલાસા રૂપે જળમાંથી ભરવાનો ખોબો!
અભિવ્યક્ત થાવાની કિંમત કેવળ બસ લાચારી!
૦ભૂલ કરી છે ભારી

‘થયું’, ‘થશે’,થાવાની અવઢવ ગઈ હાથથી છટકી,
જાણે કૂણી ડાળ ઝાડથી ઓચિંતી ગઈ બટકી!
શુષ્ક થવાની આખ્ખી ઘટના ઘટી ગઈ અણધારી
૦ભૂલ કરી છે ભારી

– જુગલ દરજી

અંગત અનુભૂતિ ક્યારેક અભિવ્યક્તિનું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે ઘણીવાર વાત આપણા હાથમાંથી નીકળી ગયેલી અનુભવાય છે. લાગણી એનું ખરું મૂલ્ય ખોઈ બેસે છે અને પછી દિલાસો વ્યક્ત કરવા સિવાય કશું બચતું નથી. કવિમિત્ર જુગલ દરજીએ આ વાતને કેવી સ-રસ રીતે ગીતમાં આકારી છે!

Comments (9)

એકલતાનું સરોવર – સુરેશ દલાલ

મારામાં ઊગે ને મારામાં આથમે
એ ઝાડવાંને કેમ કરી ઝાલું જી રે ?
લીલાંછમ પાંદડાં કરમાયાં એવાં
કે આ મેળામાં કેમ કરી મ્હાલું જી રે ?

મારામાં વાદળાં ઘેરાય ને વીખરાય :
જળને હું કેમ કરી ઝીલું જી રે ?
એકલતાનું આ સરોવર ઊભરાય
હું કમળ થઈને કેમ ખીલું જી રે ?

સૂની આ ગલીઓ ને સૂનાં મકાન છે :
એમાં જઈને કેમ મારે વસવું જી રે ?
આંખોમાં આંસુને સંતાડી રાખ્યાં
પણ કેમ કરી હોઠેથી હસવું જી રે ?

ચહેરો ઉતારું ને મ્હોરાને પહેરું :
મ્હોરું પહેરીને કેમ જીવવું જી રે ?
પૃથ્વીની પથારી પીંજાઈ ગઈ
ને ચીંથરેહાલ આભ કેમ સીવવું જી રે ?

– સુરેશ દલાલ

 

જાયેં તો જાયેં કહાં….સમઝેંગા કૌન યહાં દર્દભરે દિલકી ઝુબાં…..

Comments (1)

તું ઊગે તો શ્વાસ – તુષાર શુક્લ

તું ઊગે તો શ્વાસ
અને આથમે નિ:શ્વાસ
મારા હોવાનું નામ હવે સૂરજમુખી

ઝાકળનાં નળિયાં ને રેતીની ભીંત
મારે પડઘાની સોહે પછીત

ટહુકાની મેડીને ઝંખનાનો મોભ
મારી વેદનાને વળિયોથી પ્રીત

તું ઊગે ઉજાસ
અને આથમે અમાસ
મારા હોવાનું નામ હવે સૂરજમુખી

ઓકળિયે અંકાયા અક્ષર ઉકેલ
તને મળશે સંબંધ તણું નામ.

લીંપણની ભાષામાં સમજે છે કોણ
આ તો હૈયા ઉકલતનું છે કામ.

તું ઊગે ઉલ્લાસ
અને આથમે ઉદાસ
મારા હોવાનું નામ હવે સૂરજમુખી.

– તુષાર શુક્લ

 

મોરે તો ગિરિધર ગોપાલ દૂસરો ન કોઈ રે…..

Comments (1)

લાલ જરીભરત – નેઓમી શિહાબ નાયે (અનુ.: વિવેક મનહર ટેલર)

આરબ લોકો કહેતાં કે
જ્યારે કોઈ અજાણ્યો તમારા દ્વારે આવે,
એ કોણ છે,
એ ક્યાંથી આવ્યો છે,
એ ક્યાં જવાનો છે એની પડપૂછ કરતાં પહેલાં
ત્રણ દિવસ સુધી એની સરભરા કરો.
એમ કરવાથી, એનામાં જવાબ આપવા પૂરતી
તાકાત આવશે.
અથવા, ત્યાં સુધીમાં તમે
એટલા સારા મિત્રો બની જશો કે
તમને પરવા નહીં હોય એ વાતની.

ચાલો, પાછાં મૂળ વાત તરફ.
ભાત? બદામ?
આ લો, લાલ જરીભરતવાળો તકિયો.
મારો દીકરો તમારા ઘોડાને
પાણી પાશે.

ના, હું કંઈ વ્યસ્ત નહોતો તમે આવ્યા ત્યારે!
હું વ્યસ્ત થઈ જવાની તૈયારીમાં પણ નહોતો.
આ એ બખ્તર છે, જે દરેક જણ
એવો દેખાડો કરવા પહેરે છે કે આ દુનિયામાં
તેઓ કોઈક હેતુસર છે.

હું આ પ્રકારના દાવાઓથી પરે છું.
તમારી થાળી રાહ જોઈ રહી છે.
આપણે તાજો ફૂદીનો નાંખીશું
તમારી ચામાં.

– નેઓમી શિહાબ નાયે
(અનુ.: વિવેક મનહર ટેલર)

*

દરેક સંસ્કૃતિ કોઈક સમજ સાથે વિકસતી હોય છે. સેંકડો લોકોના દાયકાઓના અનુભવો ક્રમશઃ રિવાજ બનતાં હોય છે. આરબ સંસ્કૃતિમાં મહેમાન આવે ત્યારે કશુંય પૂછ્યા વિના એની આગતાસ્વાગતા કરવાનો રિવાજ છે. એને પકડીને પેલેસ્ટાઇન મૂળનાં અમેરિકન કવયિત્રી આગળ વધે છે, અને અતિથિ આવી ચડે ત્યારે વ્યસ્ત ન હોવા છતાં વ્યસ્ત હોવાનો દેખાડો કરી અવગણના કરવાની આજના સમાજની મનોવૃત્તિનું ધારદાર ચિત્રણ કરે છે. જ્ઞાન વધતું ગયું એમ એમ આપણી સમજણ ઘટતી ગઈ…

આરબ સભ્યતા અને अतिथि देवो भवःની આપણી સભ્યતા વચ્ચેની આ સમાનતા આપણને ચકિત કરે એવી નથી? દુલા ભાયા કાગ પણ તરત યાદ આવે:

હે જી તારા આંગણિયા પુછીને જે કોઈ આવે રે,
આવકારો મીઠો આપજે રે જી.
કેમ તમે આવ્યા છો ? એમ નવ કે’જે રે
એને ધીરે એ ધીરે તું બોલવા દેજે રે.
‘કાગ’ એને પાણી પાજે, સાથે બેસી ખાજે રે,
એને ઝાંપા એ સુધી તું મેલવા જાજે રે.

*

Red Brocade

The Arabs used to say,
When a stranger appears at your door,
feed him for three days
before asking who he is,
where he’s come from,
where he’s headed.
That way, he’ll have strength
enough to answer.
Or, by then you’ll be
such good friends
you don’t care.

Let’s go back to that.
Rice? Pine nuts?
Here, take the red brocade pillow.
My child will serve water
to your horse.

No, I was not busy when you came!
I was not preparing to be busy.
That’s the armor everyone put on
to pretend they had a purpose
in the world.

I refuse to be claimed.
Your plate is waiting.
We will snip fresh mint
into your tea.

– Naomi Shihab Nye

Comments (16)

(આંબા પર દીઠું ગુલાબ) – રાવજી પટેલ

સાંભળ તો સખી આંબા પર ફૂટ્યું ગુલાબ
મારી છલકઈ ગઈ આંખોની છાબ.
મેં તો આંબા પર દીઠું ગુલાબ…

સાંભળ તો સખી એક ઝીણેરી મોરલાની ડાળ
નરી ટહુકાની નવીસવી વાડ,
વચ્ચે છાયુંમાયું ચંદનતલાવ,
મેં તો આંબા પર દીઠું ગુલાબ…

સાંભળ તો એક કૂણા કૂણા કાંટાની વાત,
જાણે નાના ગુલાબ એમાં સાત.
મને વાગીને કરતો ઈલાજ.
મેં તો આંબા પર દીઠું ગુલાબ…

સાંભળ તો સખી મેં તો સમણામાં લંબાવ્યો હાથ,
મારી રોળઈ ગઈ રળીઢળી વાત.
મેં તો આંબા પર દીઠું ગુલાબ…

– રાવજી પટેલ

સહજ વિચારધારાથી વિપરિત ચાલીને અસહજને સહજ બનાવી શકે એ જ કવિતા. કવિતા અસંભવનો હાથ ઝાલીને ચાલે તો ખરી, પણ એનો જાદુ જ એવો કે ભલભલું અસંભવ પણ સંભવ લાગે… આંબા પર ગુલાબ ફૂટવાની વાત કવિએ એટલી સહજતાથી કરી છે કે જરા સભાનતા ઓછી હોય તો ભાવકને એવો વિચાર સુદ્ધાં ન આવે કે આંબા પર ગુલાબ ફૂટે? પણ રાવજી આપણને ‘સાંભળ તો સખી’ કહીને એટલો નજદીક લાવી દે છે કે આપણને આંબા પર ગુલાબ ફૂટવાની સહેજે નવાઈ લાગતી નથી. આંબો ઘટાટોપ સાસરાંને ગણીએ તો સાહ્યબો એટલે ગુલાબ એ સહજે સમજી શકાય. અને એને જોતાવેંત નાયિકાની આંખોની આખી છાબ છલકઈ જાય છે… જો જો હંઅઅ… છાબ છલકાઈ નથી જતી, છલકઈ જાય છે… આંખોમાં હરખના આંસુ એ રીતે ઊમટી આવ્યાં છે, કે છલકાઈમાંના કાનાને એ સાથે ઘસડી લઈ ગયાં… છે ને કવિકર્મ!

બહુ નાની વયે વિદાય લઈ જનારે રાવજીને વિદાયનો દિવસ ઢૂંકડો આવે એ પહેલેથી જ સમજાઈ ગયું હતું કે એનો દીવો ઝાઝું ચાલવાનો નથી. ઓલવાતો દીવો વધુ ભભકે એમ એની કવિતાઓમાં અતૃપ્ત રતિરાગ પણ અવારનવાર ઉછાળા મારતો નજરે ચડે છે. નવવધૂ એની સખીને અંતરંગ વાતો કરી રહી છે. મોરલો કદાચ બંને સંદર્ભમાં વપરાયો હોય –આંબાના ઝીણેરા મોર અને સાક્ષાત મોર! સાસરિયાંની ડાળ પર ટહુકાની સીમા વચ્ચે ચંદન સમી શીતળતા બક્ષતો સ્નેહ નાયિકા માણી રહી છે. વાગીને ઈલાજ કરતો કૂણો કૂણો કાંટો સંભોગશૃંગાર તરફ ઇંગિત કરતો જણાય છે, અને સપ્તપદીની પગલે પગલે નાનાં ગુલાબ ફોરી રહ્યાં છે. નાયિકા સુખી સંસારનું સપનું જોતાં-જોતાં અજાણતાં હાથ લંબાવી બેસે છે અને એની રળીઢળી વાત રોળઈ જાય છે… અહીં પણ રતિક્રીડાનો આવેગ ‘રોળાઈ’માંના કાનાને તાણી ગયો છે. રોળાઈ જવાના પણ બંને સંદર્ભ ખુલ્લા રાખીને કવિ વાત પૂરી કરે છે…

Comments (8)

(ભાષાનાં નીર) – પ્રફુલ્લ પંડ્યા

ભાષાને ભૂર છો વળગ્યું ના હોય;
પણ શબ્દોનું ઝૂર તો ઉતારીએ જી રે !
જાણતલ જોશીડો કૂવામાં ખાબક્યો છે;
કૂવાની આરતી ઉતારીએ જી રે !

ભાષાનાં નીર તો આછેરાં ઊંડા ને;
એમાં પહેલું પગથિયું થોડું ગોતવું હો જી !
જળમાં જે ગોતવું છે; એ કળથી ગોતાશે;
જળ નાહકનાં જોરથી ના બોટવું હો જી !
ભીતરનાં દોરડેથી ભાવને સિંચાવો; પછી ધીરે-ધીરે શબ્દો અવતારિયે હો જી !
-એમ સિંચણિયે શબ્દો ઉતરાવીએ હો જી !

બીજે-ત્રીજે ઊતરીને ડૂબકી ખાવાની છે;
છેક નવમું આવ્યું તો ભાગ્યશાળી રે લોલ !
બાકી તો પધરાવી દેવાની હોય છે ;
નકરાં આયાસની જાળી રે લોલ !
પણ લીલાંછમ્મ વાક્યોની દાંડી જો તૂટે તો; કેમ કરી દાંડલી સમારિયે જી રે !
નીતરી કવિતાની ગાગર જો છલકે તો; ગાગરમાં સાગર ઊતારિયે જી રે

– પ્રફુલ્લ પંડ્યા

ભાષાનો હાથ ઝાલીને રુઢ થઈ ગયેલી અભિવ્યક્તિથી આઘા હટી, આયાસપૂર્વક કવિતા લખવાની જિદ કે કસરત પડતાં મૂકી કવિતાની ગાગરમાં સાગર ભરવાની વાત સાવ અલગ અંદાજમાં કરતા આ ગીતના મુખડા વિશે કવિશ્રી સંજુ વાળાએ કરાવેલ વિચાર વિસ્તારનો અંશ મમળાવીએ:

કવિશ્રી સંજુ વાળાના શબ્દોમાં:

જાણીતી સામગ્રીના કોઇ એક જુદા તરી આવતાં ઉપાદાનને નવેસરથી પ્રયોજી, એમાં કારગત નીવડેલી પ્રયોજના અહીં ફરી ખપતમાં લઈ આ ચિકિત્સાયોગ સધાયો છે. સ્હેજ આ વાનાંઓની વિવિધા નજીકથી જોવી/ચાખવી રસપ્રદ બનશે. જૂઓ..

૦ ભાષાને શું વળગે ભૂર – અખો
૦ મને વળગ્યું છે ઝૂર, કોઇ મારું ઝૂર કાઢો – ર. પા.
૦ જાણતલ જોશીડો એમ કરી બોલ્યા – લોકગીત
૦ જાણતલ જોશીડા ઘાટે પધાર્યા.. -અનિલ જોશી
૦ કોઇ કૂવો ગળાવો – શ્યામ સાધુ
૦ ઉતારો આરતી શ્રી… ધરે આવ્યાં – લોકકવિ

પ્રથમ પંક્તિમાં અવતરિત ‘ભૂર’ શબ્દનો અર્થ તો કમઅક્કલ, મુર્ખ, લુચ્ચું તરીકે મુખ્યત્વે વપરાય છે. પરંતુ તેનો એક વધારાનો અર્થ ‘નામશેષ’ પણ થાય. શિયાળામાં ઉત્તર દિશાથી ફૂંકાતા પવનને પણ ભૂર કહે છે. જે જમીનમાં રહેલા ભેજને શોષવા/સૂકવવાનું કામ કરે છે. અખાની નિદર્શનામાં એવું તકાયું છે કે, આ ભૂર ભાષાને મિટાવી શકે નહીં, અથવા એની રસવત્તા કે સૌંદર્યને હણી શકે નહીં. ભાષા તો આવાં કેટલાય સમા સમાના ટાઢ-તાપથી નિરપેક્ષ છે. એટલે બીજી શક્યતા વિચારો. બીજી પંક્તિમાં ‘ઝૂર’ શબ્દ છે. તેનો અર્થ થશે ‘મેલો દેવ’, ‘પ્રેતાત્મા.’ પછીના બન્ને પદબંધની સંરચના સમજી શકાય તેવી છે. તેના ભાવવિસ્તારની કોઇ જરૂર નથી જણાતી.

કવિ કહે છે : ભાષા આવી કોઇ વિકટ સ્થિતિમાં નથી. છતાં પ્રયોજાતો શબ્દ કેમ ધાર્યું પરિણામ આપતો નથી? એટલે કે એ અન્ય કોઇ છાયામાં આવી ગયો હોય તો એનો આ વળગાડ દૂર કરાવીએ. કવિએ પોતાની વાતને અખા અને ર. પા. ના સંદર્ભથી પ્રમાણિત કરીને પ્રયોજી. આવું થાય નહીં. કેમ કે આ ભાષા સ્વયં સરસ્વતી છે. પણ એના ગણ એવા શબ્દો નજરાઇ ગયા લાગે છે. પરંતુ આ પૂછવું કોને ? કોઇ એનો જાણતલ નજરે પડતો નથી. હતા કોઇ જોશીડા (ખમ્મા, નામ તો કેમ દેવા ?) એ રહ્યા નહીં. એની નબળી છાયા જેવા છે પણ હવે એ ય પોતાની માન્યતાઓનાં અંધારિયા અને ઊંડા કૂવામાં પડેલા છે. સાર્વત્રિક કૂપમંડૂકતાનો કવિએ કાવ્યાત્મક ઉપહાસ કર્યો. હવે કાં તો આ શબ્દોને ‘ઘસાઇ-પિટાઇ જવું’ નામના ઝૂર, વળગાડમાંથી બહાર કાઢીએ અને એમ ન થઇ શકે તેમ હોય તો આ કૂપમંડૂકતાનો જય જયકાર થઈ રહ્યો છે તેમાં સામેલ થઈ જઇએ. અવળવાણીનો આ કવિતરીકો બદ્ધ માન્યતાઓ સામેનો તીણો આક્રોશ છે. સંદર્ભમાં રમતી ધન્ય સર્જકતાની દેણગીને સલામ સાથેનો અને આજની પરિસ્થિતિ સામેનો કટાક્ષમય ઇશારો છે. એક બાજુ સાર્થકતા છે. બીજી બાજુ નરી સંભ્રાંત સર્જકતાની વાહવાહી છે. કવિની આ ચેતવણી છે કે, હજીય સમય છે, જાગો અને તમને જ તમારામાં જરાંક જૂઓ. ધન્યવાદ કવિના આ સજાગ અને સમયસૂચક કવિતાવિભાવને.

ગીતના મુખડાની બન્ને પંક્તિઓને ‘જી.. રે’ જેવા સ્થાયી આવર્તનથી બાંધી છે. આપણે જાણીએ છીએ કે એ તો શુદ્ધ ભજનરીતિનો સ્તંભ છે. અને કેટલાક ભજનનું કામ પણ પ્રબોધનનું છે, એ પણ આપણે જાણીએ છીએ. આપણો આ કવિ પણ અહીં કાવ્યમાર્ગના યાત્રીઓ માટે પ્રબોધનરીતિ લઇને આવ્યો છે.

(ટિપ્પણી – શ્રી સંજુ વાળા)

Comments (4)

પળવારમાં તૂટી પડે – જવાહર બક્ષી

વિશ્વાસનો આ ખેલ જે સદીઓ ઉપર સામ્રાજય લઈ બેસેલ તે
આખો ને આખો મ્હેલ, બસ પળવારમાં તૂટી પડે,
સહવાસનો આ ખેલ જે સદીઓ ઉપર સામ્રાજ્ય લઈ બેસેલ તે
આખો ને આખો મ્હેલ બસ પળવારમાં તૂટી પડે

દર્પણ ભલે અકબંધ રહેવાનો અમરપટ્ટો લઈ બેસી રહે
પણ સ્હેજ શંકાની કરચ એવી પડે પ્રતિબિંબમાં,
આભાસનો આ ખેલ જે સદીઓ ઉપર સામ્રાજ્ય લઈ બેસેલ તે
આખો ને આખો મ્હેલ બસ પળવારમાં તૂટી પડે

છટકી જવાની કોઈ પડછાયાને ઇચ્છા થાય ને
વિકલ્પની કોઈ છટકબારીમાં ફૂટી જાય આશાનું કિરણ,
અજવાસનો આ ખેલ જે સદીઓ ઉપર સામ્રાજ્ય લઈ બેસેલ તે
આખો ને આખો મ્હેલ બસ પળવારમાં તૂટી પડે

કૈં સાવ એમ જ કોઈ અણધારી ક્ષણે કોઈ
અજાણી અશ્મિના ચ્હેરામાં સૂતેલું કોઈ ઝીણું સ્મરણ જાગી ઊઠે,
ઇતિહાસનો આ ખેલ જે સદીઓ ઉપર સામ્રાજ્ય લઈ બેસેલ તે
આખો ને આખો મ્હેલ બસ પળવારમાં તૂટી પડે

શબ્દો ઘડું, હું છંદ બંધાવું, વ્યવસ્થિત
પ્રાસ પહેરવું, અલંકારો રચું, ત્યાં અંગ મરડે એક અનાદિ વેદના,
આયાસનો આ ખેલ જે સદીઓ ઉપર સામ્રાજ્ય લઈ બેસેલ તે
આખો ને આખો મ્હેલ બસ પળવારમાં તૂટી પડે

– જવાહર બક્ષી

 

રામબાણ વાગ્યાં રે હોય તે જાણે……

Comments (2)

नहीं किया – પરવીન શાકિર

हम ने ही लौटने का इरादा नहीं किया
उस ने भी भूल जाने का वा’दा नहीं किया

ભાષા સરળ છે, અર્થ ગહન છે. ગઝલનો સૂર વ્યાખ્યાયિત કરે છે.

 

दुख ओढ़ते नहीं कभी जश्न-ए-तरब में हम
मल्बूस-ए-दिल को तन का लबादा नहीं किया

આનંદના પ્રસંગે અમે દુ:ખ ઓઢી ફરતા નથી, હ્ર્દયની સ્થિતિ ચહેરા ઉપર આવવા દેતા નથી.

 

जो ग़म मिला है बोझ उठाया है उस का ख़ुद
सर ज़ेर-ए-बार-ए-साग़र-ओ-बादा नहीं किया

જે દર્દ મળ્યું છે તેનો બોજો જાતે જ ઉઠાવ્યો છે, જાતને નશામાં ડૂબાડી નથી દીધી [ escapism નથી આચર્યું ]

 

कार-ए-जहाँ हमें भी बहुत थे सफ़र की शाम
उस ने भी इल्तिफ़ात ज़ियादा नहीं किया

જુદાઈની ઘડીએ દુન્યવી કામો અમને પણ ઘણા હતા, અને એણે પણ ખાસ ધ્યાન ન આપ્યું…..

 

आमद पे तेरी इत्र ओ चराग़ ओ सुबू न हों
इतना भी बूद-ओ-बाश को सादा नहीं किया

તારા આગમન પર તારું સ્વાગત પણ ન થાય, એ હદે મારુ આંગણું બેરંગ નથી કરી દીધું. [ સ્વાગત હશે, પણ ઉમળકો નહિ હોય…..]

– પરવીન શાકિર

[ ગુજરાતી ભાવાનુવાદ છે ]

ક્યાંક કૈંક તૂટી ગયું……. કોનો વાંક – એનો કોઈ અર્થ નથી. કદી અર્થ હોતો પણ નથી. સંબંધ તૂટે પછી જે બચે તે સંબંધની લાશ હોય છે, જેનો ગુણધર્મ જ કોહવાવું છે…. ચિત્કારને છાતીમાં ધરબીને જીવતા રહેવું – એ જ બાકી રહે છે.

Comments (3)

બેહુલાનું મૃત્યુ – અંજલી બસુમતારી (અનુ. સિતાંશુ યશશ્ચંદ્ર)

એ ઘટનાને નદીની રેલ સાથે કોઈ લેવાદેવા નહોતી
પણ
રેલ આવી એ વખતે આ બનેલું.
એક સાપ મને કરડ્યો.. એક ગૂંચળા ઉપર
મારો પગ ભૂલમાં પડી ગયો, એટલે.
ભારે અસરકારક રીતે એ ડસી શક્યો મને
દાંત ભેરવીને ઝેર બરાબરનું ઠાલવ્યું એણે.
એણે તક ઝડપી લીધી પોતાની કાબરચીતરી અદૃશ્યતાએ આપેલી.
ઝાપટ લગાવવા માટે એ મારી કદાચ તો રાહ જ જોતો હતો.

અથવા મારાથી કોઈ ભૂલ થાય એની રાહ જ જોતો’તો એ.
ત્રાટકવા માટેના કોક થોડા અમથા કારણની એને જરૂર હતી.

બસ એક ખોટું પગલું
કે ફક્ત એક ગલત હલચલ
એણે ફેણ પટકી મારા પર ત્યારે મને એક આછોક અવાજ
સંભળાયો’તો.
પણ મને પૂરું સમજાયું નહીં કે
એ અવાજ મારા મનમાં થયેલો કે બહાર હવામાં.
એકદમ ઝડપથી એણે એ કામ પતાવ્યું
એ એટલું તો અચાનક બન્યું
મને કંઈ સમજ પડે એ પહેલાં તો…

એ સર્પ ભયંકર હતો કે સુંદર?
અને મૃત્યુ…? એ પેલા સર્પ જેવું હતું?
શામળું. ટાઢુંટાઢું, બીકાળવું
તરલ ગતિએ સહેજમાં સરકી જતું ક્યાંક..?

એમ મારા અકાળે મોત સાથે
આયુષ્ય નામના રસ્તાનો છેડો આવી ગયો
જીવનનો, અસ્તિત્વનો, હમેશ હમેશ માટે..
આ તો કાતિલ વિષનો કિસ્સો હતો
ડોક્ટર, ભુવા- કોઈ મને બચાવી ના શક્યું
હું મરી ગઈ.

મને નવવધૂ જેમ શણગારવામાં આવી
અને કેળના થડના બનેલા એક તરાપા ઉપર
મને વહેતી કરવામાં આવી.
સાવ એકલી, નદીમાં આવેલ રેલના પાણી ભેગી તણાતી…
હા, એવું બનેલું !… બધાંએ જવું પડે છે
મોતને કપરે માર્ગે દૂર સુધી…!

મારી ભેગું કોઈ નહોતું
ન જીવન, ન સાથી, ન કોઈ પ્રિયજન
શરણાઈના શૂર રેલાયા નહીં
ન તો કોઈ થરકતી મોરલી પર લગન ટાણે ગાવાનાં ગીત…

જરા જુઓ તો ખરા આ સાવ નંખાઈ ગયેલા ચહેરાઓ
જીવનના વસ્ત્ર માં લપેટાયેલા
ફિક્કા, થાકેલા, હારેલા, મૂંગામંતર, નિરાધાર
જાણે એમણે કદી આઝાદી દીઠી જ ન હોય.

જ્યારે વિદાય વેળા આવી
ત્યારે મારા સ્વામીએ બધી વિધિ કરી
મને વિદાય આપી ત્યારે એ સાવ ફિક્કા પડી ગયા હતા..

છેક છેલ્લા હતા એ.
કદાચ એ જ હશે ભેદ મૂવેલા અને જીવતા વચ્ચેનો.
જીવતાઓ બધી જ વિધિ બરાબર કરે -કામની અને નકામી

અને મરણ પામેલાઓ…
એઓ તો બધી જ ભ્રમણાઓમાંથી સદા-સર્વદા મુક્ત,
બધી સાંકળોથી, વિધિઓથી, ભયોથી, શ્રદ્ધાથી…

તરાપા પર તેલનું એક કોડિયું ટમટમતું હતું
અને હલેસાં વિનાનું એ નાવડું આરા-ઓવારા અને વહેણો વચ્ચે
ધકેલાતું ચાલ્યું…
નદીમાં કેવી ઊંડી તાણ ભરી ને ફૂંફાડતી આવી છે આ રેલ
અરે, હયાતીનું કે બિનહયાતીનું એ તે કેવું રૂપ
મોતનું. અથવા તો મોત પછીની અવસ્થાનું
વિશ્વાસનું કે પછી વિશ્વાસ સાવ ઊઠી ગયાનું?

મારા મનમાં એક સવાલ થાય છે
(અને એ સાવ નાખી દેવા જેવો નથી)
લખીધરે શું કર્યું હોત આ પરિસ્થિતિમાં?
મતલબ કે લખીધર, પેલી બેહુલાનો સ્વામી ?
પતિવ્રતા નારીઓની વાર્તા શું
એ સવાલને શાંત પાડી દે?

નદી પરના પુલ ઉપર એકઠું થયેલું ટોળું નીચી નજરે જુએ છે.
સાંજને સુમારે નદી ઉપર ભજવાતું જીવંત નાટક
જાણે કે એઓ તો ફક્ત નદીની રેલને જ જોવા આવ્યા હોય
(જો કે એમાંના કેટલાકને એવો શોખ હોય પણ ખરો!)

– અંજલી બસુમતારી(બોરો)
(અનુ. સિતાંશુ યશશ્ચંદ્ર)

કવિતા લાંબી છે અને એકથી વધુ વાર વાંચીને જ સમજવાની છે. કવિતાના અંતે લખીધર (લક્ષ્મીધર) અને બેહુલાનો ઉલ્લેખ છે. એ પહેલાં સમજી લઈએ. પૂર્વોત્તર ભારતમાં ‘મનસામંગલ’ની કથા જાણીતી છે. ચાંદ સોદાગરના હાથે અંજલી મળે તો જ અનાર્ય દેવી મનસાને સ્વર્ગમાં પૂર્ણ દેવી તરીકે સ્થાન મળી શકે એમ છે. અને ચાંદ સોદાગર તો શિવભક્ત. એ બીજા માટે અંજલી ભરે નહીં. મનસાએ એના બધા વહાણો ડૂબાડવા અને સાતેય દીકરાઓને સર્પદંશથી મારવા શરૂ કર્યા. સૌથી નાના દીકરા લખીધરના લગ્ન બેહુલા સાથે કરાવ્યા કેમકે એને વરદાન હતું કે એ ક્યારેય વિધવા ન થાય. સર્પડંશથી લખીધરનું પણ મૃત્યુ થતાં રિવાજ મુજબ અગ્નિદાહ ન અપાતાં એના શબને કેળના થડના તરાપા પર સુવડાવી નદીમાં વહેતું મૂક્યું ત્યારે જિદ કરીને બેહુલા સાથે બેસી સ્વરગમાં ગઈ અને નૃત્ય કરી દેવતાઓને રીઝવીને લખીધરને પુનર્જીવન અપાવી પૃથ્વી પર સાથે લઈ આવી.. સત્યવાન-સાવિત્રી જેવી આ વાર્તા છે…

લખીધર મર્યો તો બેહુલા એની પાછળ એની સાથે જઈને એને પરત લઈ આવી, પણ બેહુલા મરી ગઈ તો લખીધર એની પાછળ ગયો? આટલું જોઈએ તો એમ લાગે કે બોરો કવયિત્રી અંજલી બસુમાતારી (અન્જુનર્ઝરી)ની આ રચનામાં પ્રથમદર્શી વાત તો સ્ત્રી-પુરુષ અસમાનતાની છે પણ એના માટે આટલી લાંબી રચનાની શી જરૂર? આખી કવિતામાં બે પંક્તિ વચ્ચેના અવકાશમાં એક અંડરકરંટ વહી રહ્યો છે, એ પકડવાનો રહી જાય તો આખી રચના હાથથી નીકળી જાય એમ છે.

ઇતિહાસનો પટારો ખોલીએ તો ખ્યાલ આવે છે કે બોરો સંસ્કૃતિ એક જમાનામાં આજના ત્રિપુરા, મેઘાલય અને આસામ ઉપરાંત બંગાળના કેટલાક વિસ્તારોમાં પણ ફેલાઈ હશે પણ કાળક્રમે આ સંસ્કૃતિના મૂળિયાં કપાતાં ગયાં અને બોરો પ્રજા લઘુમતી અને શોષિત પ્રજા બનીને રહી ગઈ. અનગણિત અને અવિરત શોષણથી ત્રસ્ત બોરો પ્રજા આખરે ઉગ્રવાદના રસ્તે ચડી. પ્રસ્તુત કવિતામાં પુરાણકથાના નવા સંદર્ભોની સાથોસાથ શોષણ સામેનો આર્તનાદ પણ બળવત્તર થતો સંભળાય છે. જુઓ: ‘ભારે અસરકારક રીતે એ સસી શક્યો મને,’ ‘એણે તક ઝડપી લીધી,’ ‘કોઈ ભૂલ થાય એની રાહ જ જોતો’તો એ,’ ‘કોઈ મને બચાવી ન શક્યું,’ ‘મારી ભેગું કોઈ નહોતું,’ ‘જાણે એમણે કદી આઝાદી દીઠી જ ન હોય’…

લઘુમતી ગરીબ કોમના શોષણનો નઝારો સદીઓથી ટોળું નીચી નજરે જોતું આવ્યું છે… લોકોને આવું જોવાનો શોખ પણ હોય છે… લઘુમતી કોમ સ્ત્રી જેવી છે, એ મરી જાય તો કોઈને કંઈ પડી નથી… શોષણકારો લખીધર જેવા છે. એ આ પરિસ્થિતિમાં કશું કરવા તૈયાર નથી…

Comments (7)

(શ્રદ્ધાનો વિષય છે) – સાહિલ

કુરાનનો વિષય છે એ ગીતાનો વિષય છે
શંકાનો વિષય ક્યાં છે આ શ્રદ્ધાનો વિષય છે

છો ફૂલ સમા તોય તમે ડંખ કાં મારો
મેં સાંભળ્યું છે – ડંખવું કાંટાનો વિષય છે

સંયોગ ને વિયોગ તો છે ધારણા મનની
મળવું અને ના મળવું તો ઇચ્છાનો વિષય છે

વર્ષોથી ભલે નામ નથી લીધું તમારું
પણ ભૂલી ગયો તમને એ અફવાનો વિષય છે

નૌકા ની સફર પર નથી નૌકાનો ઇજારો
તળિયે જવું કે કાંઠે – હલેસાનો વિષય છે

મનને કહો એ લઈ જશે મંઝિલ સુધી તમને
મારગ ભુલાવી દેવો તો નકશા નો વિષય છે

‘સાહિલ’ નહીં રાહત ફળની આશ કદાપિ
જુદાઈ નરી શાશ્વતી પીડાનો વિષય છે.

– સાહિલ

કેવી મજાની ગઝલ! બધા જ શેર ધ્યાનાર્હ થયા છે…

Comments (6)

ખોજ કબીરા – સુરેશ પરમાર ‘સૂર’

અંદર ખોયું ઓજ કબીરા;
બહાર શાની ખોજ કબીરા?

રોજ ઊઠી, મારાથી ભાગું;
ક્યાં પહોંચું દરરોજ કબીરા?

નાચું ત્યારે પગ ના ઊપડે;
શું જીવન પણ બોજ કબીરા?

રાજા સૂતો, રાજમહેલમાં;
સરહદ પર છે ફોજ કબીરા!

હમણાં જાગી, જાણી લે ‘સૂર’;
સાવ કારણ ‘મોજ-કબીરા’.

– સુરેશ પરમાર ‘સૂર’

કબીરા, સાધુ, સાધો જેવી રદીફ લઈને આપણે ત્યાં પુષ્કળ ગઝલોનો ફાલ ઊતર્યો છે, પણ પ્રસ્તુત રચના આ ફાલમાં સહેજે અલગ તરી આવે છે. બધા જ શેર મનનીય થયા છે…

Comments (5)

ફોટા સાથે અરજી ! – મુકેશ જોષી

હરિ ! તમે તો સાવ જ અંગત સાંભળજો આ મરજી
ઘણા મૂરતિયા લખી મોકલે વિગતવાર માહિતી,
એમાં તમે કરજો, ફોટા સાથે અરજી !

હરિ હવે તો ઉંમર મારી પરણું પરણું થાઉં
હરિ, તમોને ગમશે? જો હું બીજે પરણી જાઉં?
મને સીવી લે આખી એવો બીજે ક્યાં છે દરજી?
એમાં તમે કરજો, ફોટા સાથે અરજી !

હરિ, તમારી જનમકુંડળી લખજો કોરા પાને
મારા ઘરના બધાય લોકો જન્માક્ષરમાં માને
હરિ, આપજો માગું મૂશળધારે ગરજી ગરજી..
એમાં તમે કરજો, ફોટા સાથે અરજી !

હરિ ! અમારા માવેતરને જોવા છે જમાઇ,
એક વાર જો મળી જાઓ તો નક્કી થાય સગાઇ,
હરિ ! તમારે માટે જો ને મને રૂપ દઇ સર્જી
એમાં તમે કરજો, ફોટા સાથે અરજી !

ઘરવાળાઓ ના પાડે તો આપણ ભાગી જાશું
લગ્ન કરીશું, ઘર માંડીશું, અમૃત અમૃત થાશું
પછી તમારી ઘરવાળી હું, ને તમે જ મારા વરજી !
એમાં તમે કરજો, ફોટા સાથે અરજી !

– મુકેશ જોષી

 

રમતિયાળ ગીત…….

Comments (4)

સત્-ચિત્-નંદા ગઝલ…..– રાજેન્દ્ર શુક્લ

સભર સુરાહી લલિત લચક કટિ, કોમલસ્કંધા ગઝલ,
વન વન ભમતાં મિલત અતર્કિત યોજનગંધા ગઝલ.

લખચોરાશી લખત લખત ચખ વેધત રે લખ સકલ,
અલખ અલખ ગિરનારી ગાજે નિત પડછંદા ગઝલ.

ચાક ગરેબાં, બેબાક દિશાઓ દામન દર દર ઊડે,
અષ્ટ પાશ આકાશ ઉડાવત ત્રુટિતફંદા ગઝલ.

સાંસ ઉસાંસ ચલાવત છૂવત ઝિલમિલ સાતોં ગગન,
વિહંસ વિહંસ કરતાલ નચાવત ગાવત બંદા ગઝલ.

કઁહ લગ રુઠો, માન કરો અતિ, મુખ મચકોડો અલગ,
સૂર મિલાવી ગાઓ, પ્રિયજન ! સત્-ચિત્-નંદા ગઝલ.

– રાજેન્દ્ર શુક્લ

ભાષા તેમજ નાદની અનોખી જુગલબંધી !!!!

સાંભળો આ ગઝલ ટહુકો.કોમ પર. ક્ષેમુ દિવેટીઆનું સંગીત અને સ્વર છે શ્યામલ-સૌમિલનો.

Comments (7)

બને મારી પળ – રમેશ પારેખ

વળે પાછાં જે વહી ચૂક્યાં છે એ જળ
સમેટાય રણ ને બને મારી પળ

તમે આવી ઊભા રહો રૂબરૂ
તો દર્પણમાં ઊગી નીકળતાં કમળ

મને સ્વપ્નમાં તું જ દેખાય છે
કહે, શું હશે મારાં સ્વપ્નોનું ફળ

તણાઈ જતા તૃણ પેઠે મૃગો
હશે ઝાંઝવામાંય દરિયાનું બળ

હું ચાલ્યા કરું ક્યાંય પ્હોંચ્યા વિના
છે રણની સફરમાંય સુક્કાં વમળ

નહીં તો એ દરિયો નથી તે છતાં
ન શબ્દોનાં તાગી શક્યું કોઈ તળ

– રમેશ પારેખ

આપણે ત્યાં એવું માનવામાં આવે છે કે આપણા ચોવીસ લાખ વર્ષ એટલે બ્રહ્માની એક પળ માત્ર. કવિ પણ શબ્દબ્રહ્મનો સ્વામી છે. સર્જન કરે એ પળ કવિ બ્રહ્માની સમકક્ષ બેઠો ગણાય છે. अपारे काव्य संसारे कविरेव प्रजापतिः | કદાચ એટલે જ ર.પા.ની એક પળ પણ નાનીસૂની નથી. વહી ગયેલાં પાણી કદી પાછાં વળતાં નથી. પણ કવિ કહે છે કે જે વહી ચૂક્યાં છે એ જળ પાછાં વળે, વીતી ગયેલો સમય પાછો ફરે અને અફાટ અસીમ રણ સમેટાઈ જાય ત્યારે એમની એક પળ બનશે. આ તો એક શેરની વાત થઈ. આખી ગઝલ આ રીતે માણવા જેવી છે, કેમકે આ ર.પા.ના શબ્દો છે. એ દરિયો નથી એ છતાં એના તળનો તાગ કોઈ કાઢી શકવા સમર્થ નથી.

Comments (4)

વાયકા – કમલ વોરા

વા વાયો નહોતો
નળિયું ખસ્યું નહોતું
તે છતાંય કૂતરું તો ભસ્યું
એક પાછળ બીજું
બીજા ભેગાં બાર
બારમાં ભળ્યું ટોળું
ટોળું
પૂંછડાં પટપટાવતું
એક સૂરે
કંઈ ભસ્યું કંઈ ભસ્યું કંઈ ભસ્યું
અને કરડ્યું
કરડી કરડી કરડીને
ફાડી ખાધું
પીધું
રાજ કીધું

– કમલ વોરા

‘વા વાયો ને નળિયું ખસ્યું, તે દેખીને કુતરું ભસ્યું’- આ જાણીતી પંક્તિનો પ્રયોગ કરીને કવિ આપણને પાંચ વાયકાઓ આપે છે, જેમાંની પહેલી અહીં રજૂ કરી છે.

એક આખી પ્રજાતિ એવી છે, જે પોતે કશું જ વિધાયક કામ કરતી નથી, પણ જે લોકો કરતાં હોય છે એમના કામમાં વાંક કાઢવામાં ખૂબ શૂરી છે. આ કવિતા આવા ‘ભસ-બહાદુર’ કૂતરાંઓની વાત બહુ ઓછા શબ્દોમાં પણ બહુ સચોટ રીતે કરે છે. છાણમાં તલવાર મારવામાં શૂરવીર આવા લોકો કોઈ નોંધપાત્ર (દુર્)ઘટના ન બની હોવા છતાં, પોતાનો અવાજ બુલંદ કરે છે અને એમની પૂંઠે આખી પ્રજાતિ આ કામમાં સાથે જોતરાઈ જાય છે. ઘણીવાર આવી ચંડાળટોળકી એમના દુષ્કૃત્યોનો વિરોધ કરનારાઓની હાજરી ન હોવાનો ગેરલાભ લઈને સારી વસ્તુને ચૂંથી પણ ખાય છે અને ખા-પીને રાજ કરે છે…

Comments (14)

કેટલું? – હર્ષ બ્રહ્મભટ્ટ

કર્યું છે જીવનભર સહન કેટલું?
ખબર ક્યાં છે એનું વજન કેટલું?

તમે વર્ષોથી આવી રહ્યા છો સતત.
છે બાકી હજી આગમન કેટલું?

અકડ પાંદડાની જો હદને વટાવે,
પછી માન રાખે પવન કેટલું?

ચલો પાણીને માપી લીધું તમે,
એ વાદળનું પરખાય મન કેટલું?

પછી ચઢ-ઉતર આકરી લાગશે હોં,
તું બાંધીશ ઊંચું સદન કેટલું?

પધાર્યા છો ઝભ્ભો કડક પ્હેરીને,
હવે સ્પર્શવાનું કવન કેટલું?

– હર્ષ બ્રહ્મભટ્ટ

સહજ સંતર્પક રચના…

Comments (8)

દીવો થયો નહીં – ભગવતીકુમાર શર્મા

ફેલાઈ ગઈ’તી રાત, પણ દીવો થયો નહીં,
મેં આદરી’તી વાત, પણ દીવો થયો નહીં.

નભ-માંડવેથી કોઈ સમેટી રહ્યું હતું,
તારાઓની બિછાત, પણ દીવો થયો નહીં.

વેળા થઈતી મંગળા દેવારતીની લ્યો !
મ્હોર્યું’તું પારિજાત, પણ દીવો થયો નહીં.

અજવાળું વાટ જોતું હતું ઘરની આડશે,
ધાર્યું કરી શકાત, પણ દીવો થયો નહીં.

મનમાં તો ભાવ, શબ્દ અને લયનો હણહણાટ,
નક્કી ગઝ્લ લખાત, પણ દીવો થયો નહીં.

–ભગવતીકુમાર શર્મા

ઈશ્વરે તો સઘળું દીધું, મારામાં પાત્રતા નો’તી…..

Comments (6)

સોરી! – અનિલ ચાવડા

સોરી!    (પ્રકૃતિકાવ્ય નહીં લખી શકવા બાબત એક ખેતમજૂરી કરતા કવિની ઉક્તિ)

પરોઢે સૂર્યએ પોતાનો ચૂલો સળગાવ્યો
ત્યારે અમે અમારા ટાઢાબોળ ચૂલાની બાજુમાં બેઠા હતા જાગતાં…
એવું નથી કે મને સ્પર્શતું નથી આ મૃદુ ઝાકળ
ગમે છે,
પણ પરોઢના ગર્ભમાં પાંગરેલું આ ઓસ
સુંવાળા ઘાસ પર બેસીને તેની મહાન ગાથા સંભળાવે તે પહેલાં
મારી માના હાથમાં ઊપસી આવેલા ફોલ્લા
એની વાર્તા શરૂ કરી દે છે
ઝાકળ પોતાને મોતી સિદ્ધ કરે તે પહેલાં
પગમાં પડેલા ઢીમડાં
પોતાને કોહિનૂર સાબિત કરી ચૂક્યા હોય છે
‘પરોઢે કમલ સરોવરે અંગ જબોળાય’ની કલ્પનાને ટાણે તો
અમે ધૂળમાટીથી રગદોળાઈને થઈ ગયા હોઈએ છીએ પરસેવે રેબઝેબ…

વંદન! વરસતા વરસાદની દોમદોમ સાહ્યબીને બે હાથે વંદન!
પણ મને તો ધોધમાર વરસાદમાં માથું ઢાંકતા છાપરાની કલ્પના વધારે વહાલી લાગે છે

મને યાદ છે,
એક દી કોલસાની ભઠ્ઠીમાં કામ કરતાં મા દાઝી ગયેલી
એક મોટા અર્ધ વર્તુળાકાર ફરફોલા સાથે ઊપસી આવેલા અનેક ફોલ્લા શરીર પર
મને તેમાં દાઝી ગયેલો ચંદ્ર ને સેંકડો બુઝાતા સિતારા દેખાયેલા
બસ આટલું નાનું (પ્રકૃતિ?) કાવ્ય રચાયું હતું ચિત્તમાં….
મારું કલ્પનાશીલ મો જોઈ માએ પૂછેલું
‘ધરાએલો લાગે છે, કંઈ ખાઈને આવ્યો કે શું?
હું કશું બોલ્યો નહીં,
કયા મોઢે કહેવું કે ભરપેટ ગાળો ખાધી છે શેઠની…

તમે જ્યારે ‘સીમ દોમદોમ તડકામાં નહાય’નું અદ્ભુત કલ્પનાચિત્ર રજૂ કરો છો,
ત્યારે મારી હોજરીમાં તપતું હોય છે એક ગીતનું મુખડું, કે-
‘આખું આકાશ એક ધગધગતો ચૂલો ને સૂરજ એક શેકાતી રોટલી…’

તમે કહો છો,
‘સમી સાંજે સૂરજ કેવા અદ્ભુત રંગો પૂરે છે ક્ષિતિજ પર, નહી?’
આઈ એગ્રી,
લાખલાખ સલામ એના કેસરિયાપણાને!
કિરણોની ફરતી પીંછીને!
પણ અમારા જીવનમાંથી બુઝાઈ ગયેલો સૂર્ય
મને ક્ષિતિજના રંગોની કલ્પના નથી કરવા દેતો…
મને તો તેમાં મારી માના સેંથીના આકાશમાંથી આથમી ગયેલા સૂર્યને કારણે
ભૂંસાયેલા સિંદૂરના લાલપીળા ડાઘા દેખાય છે,
જેને હું કોઈ જ રીતે સાફ નથી કરી શકતો…
પ્રકૃતિએ સર્જેલી મસમોટી ઊંડી ખીણ કરતાં
મને પેટનો ખાડો વધારે ઊંડો લાગે છે.

પ્લીઝ! એવું ન સમજતા કે હું પ્રકૃતિનો ચાહક નથી
પણ હાલ પૂરતું
હું તેનું કાવ્ય સર્જી શકું તેમ નથી, સોરી!

– અનિલ ચાવડા

કાવ્યપાઠ :-

 

Comments (8)

ધાર – અરુણ કમલ (અનુ. વિવેક મનહર ટેલર)

કોણ બચ્યું છે જેની આગળ
ફેલાવ્યા નથી આ હાથોને

આ અનાજ જે રક્ત બનીને
ફરે છે તનના ખૂણા-ખૂણામાં
આ ખમીસ જે ઢાલ બન્યું છે
વર્ષા, ઠંડી, લૂમાં
બધું ઉધારનું, માંગ્યું-લીધું
તેલ-મીઠું શું, હીંગ-હળદ૨ પણ
બધું કરજનું
આ શરીર પણ એમનું બંધક

ખુદનું શું છે આ જીવનમાં
સઘળું લીધું ઉધાર
લોઢું સઘળું એ લોકોનું
આપણી તો બસ ધાર

– અરુણ કમલ
(અનુ. વિવેક મનહર ટેલર)

*
આપણી પાસે હકીકતમાં આપણું પોતાનું કહી શકાય એવું કંઈ ખરું? જે શરીરને આપણે પોતાનું ગણીએ છીએ, એ પણ મા-બાપે આપ્યું છે. વાણી-ભાષા-વિચાર આ બધું સમાજ પાસેથી આપણે ઉધાર લીધું છે.

અરુણ કમલની આ છંદોબદ્ધ રચનામાંથી એક શબ્દ પણ હટાવી શકાય એમ નથી. કટાવ છંદ એમણે કટારની જેમ પ્રયોજ્યો છે. એવો કોઈ માણસ જ બચ્યો નથી, જેની આગળ આપણે આપણા હાથ ફેલાવ્યા નહીં હોય. જે અનાજ લોહી બનીને શરીર આખામાં ફરી રહ્યું છે, જે ખમીસ તમામ ઋતુઓમાં ઢાલ બનીને શરીરને રક્ષી રહ્યું છે, એ બધું જ ઉધારનું છે, માંગી-તૂસીને મેળવેલું છે. બારેમાસ એક જ ખમીસ એવો ગરીબીનો દારુણ ભાવ પણ કાવ્યમધ્યેથી ઊઠે છે. ઉધારીની હદ તો ત્યાં છે, જ્યાં કવિ તેલ-મીઠું, હિંગ-હળદળ જેવા ક્ષુલ્લક પદાર્થોને કવિતામાં સ્થાન આપે છે.

આ શરીર પણ એમનું બંધક છે, એમ કહીને કવિ કવિતાને એક અણધાર્યો વળાંક આપે છે. સામાન્ય લાગતી વાત અચાનક એક બીજા સ્તર પર જઈ પહોંચે છે. ઉધારી-કરજ-માંગ્યું-ચાહ્યું કરતાં-કરતાં કવિ અચાનક પોતાનું શરીર પણ એમનું બંધક હોવાની આલબેલ પોકારે છે. આ ‘એ’ કોણનો સવાલ કવિતાના સૂરને બદલે છે. સમાજના ઋણી હોવાની વાત કરતી હોવાનું ભાસતી કવિતા અચાનક આતતાયીઓ સામેના આક્રોશની રચના બની જાય છે. આ કવિતા દલિતોની વેદનાની કવિતા પણ હોઈ શકે અને શાહુકારોના હાથે પીસાતા મધ્યમવર્ગની પણ હોઈ શકે. કવિએ નામ ન પાડીને છેડા ખુલ્લા રાખ્યા છે.

પહેલી બે પંક્તિઓનો પ્રશ્ન કાવ્યાંતે સ્વરૂપાંતર કરીને ‘ખુદનું શું છે’ બનીને પુનરાવર્તિત થાય છે. આપણી પાસે આપણું કંઈ જ નથી. ‘લોઢું લેવું’ અર્થાત્ યુદ્ધ કરવું, લડવું અને ‘લોઢું માનવું’ અર્થાત્ સર્વોપરિતાનો સ્વીકાર કરવો -આ રુઢિપ્રયોગ હિંદી અને ગુજરાતી બંને ભાષામાં થાય છે. કવિ કહે છે, શરીરમાં જે કંઈ લોઢું છે, એ બધું એ લોકોનું છે, ઉધાર આપીને માલિકીભાવ યથાવત્ રાખનારાઓનું છે, પણ? ધાર? આ લોઢાની ધાર એ તો આપણી પોતાની છે. એ ઉધારની નથી… ખુમારી ભીતરથી આવે છે. સ્વાભિમાન કોઈના બાપની જાગીર નથી.. કેવી અદભુત વાત! આખી કવિતામાં એકમાત્ર ઉધાર અને ધારનો પ્રાસ બેસાડીને કવિએ ‘ધાર’ વધુ ધારદાર બનાવી છે.
*

धार

कौन बचा है जिसके आगे
इन हाथों को नहीं पसारा

यह अनाज जो बदल रक्त में
टहल रहा है तन के कोने-कोने
यह कमीज़ जो ढाल बनी है
बारिश सरदी लू में
सब उधार का, माँगा चाहा
नमक-तेल, हींग-हल्दी तक
सब कर्जे का
यह शरीर भी उनका बंधक

अपना क्या है इस जीवन में
सब तो लिया उधार
सारा लोहा उन लोगों का
अपनी केवल धार ।

-अरुण कमल

Comments (23)

શ્રીફળ બાંધ્યાં -પારુલ ખખ્ખર

થંભ અલખનો ખોડયો એના છેડા અધ્ધર આંબ્યા રે…
શ્રદ્ધાની ગાંઠ્યું મારી પાણીચા શ્રીફળ બાંધ્યાં રે…

એક ખૂણે ધગધગતી ધૂણી, બીજે ખૂણે ચૂલો રે
ત્રીજો ખૂણો સાદ કરે અંતરપટ ખોલી ખુલો રે
ચોથે ખૂણે ઉકળે આંધણ એમાં જીવતર રાંધ્યા રે…
શ્રદ્ધાની ગાંઠ્યું મારી પાણીચા શ્રીફળ બાંધ્યાં રે…

પાંચ પદારથ ઓગાળીને એક કોડિયું ઘડિયું રે
એમાં મૂક્યાં બે અંગારા ત્યાં તો જળમાં દડિયું રે
કાંઠે બેસી એનાં નામે કંઈક ઠીકરાં ભાંગ્યા રે…
શ્રદ્ધાની ગાંઠ્યું મારી પાણીચા શ્રીફળ બાંધ્યાં રે…

સાત સાત ધરતીના તળિયાં, તળિયામાં તરવેણી રે
તરવેણીની માથે ફરકે એક ધજા લાખેણી રે
ધજા ઉપર ઓવારી દઈ રણઝણતાં શ્વાસો ટાંગ્યા રે…
શ્રદ્ધાની ગાઠ્યું મારી પાણીચા શ્રીફળ બાંધ્યાં રે…

-પારુલ ખખ્ખર

કવિતા શરૂ થતાં જ ભાવકને બાંધી લે છે. ‘થંભ અલખનો’- જે દેખાતો નથી, નિરાકાર છે, એનો થાંભલો ખોડવાની વાત છે. થાંભલો પણ કેવો, જેના છેડા અધ્ધર આંબે છે. (અધ્ધરનો એક દૂરનો અરુઢ અર્થ અંતરિક્ષ થાય છે, પણ અહીં અંબર શબ્દ કદાચ વધુ જામ્યો હોત!) મંદિરમાં ઘણીવાર થાંભલા પર કપડાંમાં પાણીચું શ્રીફળ મૂકીને બાંધવામાં આવે છે, એ શ્રીફળને આ અલખના થાંભલા પર નાયિકાએ બાંધ્યા તો છે પણ શ્રદ્ધાની ગાંઠ વડે. કેમકે શ્રદ્ધા વિના તો બધું જ પાણી.

મંદિરના ચાર ખૂણા. માત્ર ત્રીજા ખૂણાને છોડીને ચારેયમાં અગ્નિ. પણ ધ્યાન દઈએ તો આ ત્રીજા ખૂણામાં પણ અગ્નિની અનુપસ્થિતિ નથી જ. આ ત્રીજો ખૂણો અંતરપટ ખોલીને ખૂલવાને સાદ દે છે. વિવાહમંડપમાં મૃત્યુની એટલે કે યમની આહુતિ આપતી વખતે અગ્નિ અને વરકન્યાની વચ્ચે પડદો રાખવામાં આવે છે જેથી બન્ને જણ આહુતિ જોઈ ન શકે. અંતરપટ ઊઘડે તો જ એ અગ્નિ દેખાય.

સરવાળે આખી રચના આસ્વાદ્ય છે.

Comments (9)

એમ મારે જવાનું – હર્ષદ ત્રિવેદી

આખેઆખું નગર ઊપડે એમ મારે જવાનું,
ને રસ્તાને ખબર ન પડે એમ મારે જવાનું.

મુઠ્ઠી ખોલી સફળ સપનાં આંખમાં આંજવાનાં,
ને આંખોને અમલ ન ચડે એમ મારે જવાનું.

ધીમે ધીમે અચરજભરી રાત ઉછેરવાની,
ને મધ્યાહને કણ કણ જડે એમ મારે જવાનું.

મારી પાસે અલસગમના જિંદગી, જીવવાનું
ને ખિસ્સામાં સ્મરણ ખખડે એમ મારે જવાનું.

ઊભાં ઊભાં વિવશ નજરે દોડતાં દૃશ્ય જોઉં,
ને દોડું તો ચરણ લથડે એમ મારે જવાનું.

સંધ્યા ટાણે સતત બજતા ઘંટ જેવી ક્ષણો આ,
ને શ્વાસોને સમય કરડે એમ મારે જવાનું.

– હર્ષદ ત્રિવેદી

મૃત્યુની ગઝલ છે પણ આખી ગઝલમાં મૃત્યુ શબ્દ વપરાયો નથી. जातस्य हि ध्रुवो मृत्यु | જન્મ્યા એ દરેકે જવાનું જ છે પણ કેવી રીતે જવાનું છે એ વિશે કવિ બહુ સલૂકાઈથી વાત કરે છે. નગરમાં દરેકે સમય આવ્યે જે રીતે ઊપડવાનું છે , એ જ રીતે કથકે પણ જવાનું છે, પણ કથક રસ્તા સુદ્ધાંને ખબર ન પડે એવી સહજતાથી જવા ઇચ્છે છે. કામના સફળ જિંદગીની છે, જોયેલાં સ્વપ્નો જીવતેજીવ સાફલ્યતાનો સ્વાદ ચાખે એની છે, પણ જતી વખતે સિકંદરની માફક ખાલી હાથે, ખુલ્લી મુઠ્ઠીએ અને સફળ થયેલાં સ્વપ્નોનું ગુમાન આંખોમાં રહી ન જાય એ રીતે કથક જવા ચહે છે. જવાનું થાય ત્યારે ઘડપણના કારણે દોડવા જઈએ તો ચરણ લથડિયાં ખાય છે, એટલે ઊભાં ઊભાં વિવશ થઈને દુનિયાને દોડતી જોવાની છે.

ગઝલ છે, પણ કવિએ મંદાક્રાંતા છંદ પ્રયોજ્યો છે, જે મૃત્યુના રંગ સાથે તંતોતંત ઉચિત જણાય છે.

અલસગમના – ધીમું ચાલનારી [અલસ (ધીમું) + ગમન (ચાલ) + આ (નારીજાતિનો પ્રત્યય)]

Comments (8)

જ્યાંથી અટક્યો શબ્દ – તુષાર શુક્લ

જ્યાંથી અટક્યો શબ્દ
સ્પર્શનું ત્યાંથી ગાયું ગીત,
હથેળીઓમાં છલકે તારી છાતીનું સંગીત.

અંતરને અંતરનો અનુભવ
સાવ અજાણ્યો લાગે
હોઠ ને કાંઠે હોઠ ટહુકતા
એવો અવસર માંગે
રણકે રણઝણ ટેરવાં આજે
શબ્દ તો સાવ સીમિત…

આંખોની ભાષાના અર્થો
આંગળીઓમાં ઉઘડે
મળવું મૂશળધાર સખી,
શું મળવું ટુકડે ટકડે?
ચાલ, ભૂલીને સઘળું,
કરીએ અનરાધારે પ્રીત….

રોમ રોમને વાચા ફૂટે
શરીરથી સાંભળીએ
આવ સખી, ઓગળીએ મળીએ
ને મળીએ ઓગળીએ
સ્મૃતિ બનીને રોજ મહેકશે
સ્પર્શ આ કાલાતીત…..

– તુષાર શુક્લ

 

સ્પર્શ-વિશ્વની સફર છે… ઘણીવાર બાળપણમાં વ્યગ્રતાના સમયે મા કશું બોલ્યા વિના માથે હાથ ફેરવતી અને સઘળું શમી જતું. પ્રેયસી,પત્ની,બાળકો,મિત્રો….તમામ સંબંધે સ્પર્શ એક પારસમણિ હોય છે….

Comments (4)

નથી…..– બરકત વીરાણી ‘બેફામ’

બસ એટલું કે એના ઉપર મારો હક નથી,
એથી વિશેષ પ્રેમમાં કોઈ ફરક નથી.

કેવું મૂંગું દરદ છે આ પહેલા મિલાપનું,
ધડકી રહ્યું છે દિલ અને દિલ બેધડક નથી.

માપી લીધી છે મેં આ ગગનની વિશાળતા,
તારી છબી હું ચીતરું એવું ફલક નથી.

શોભી રહ્યો છું હું તો ફક્ત તારી પ્રીતથી,
મારા જીવનમાં કોઈ બીજી ઝકઝમક નથી.

એવી રીતે મેં આશ વફાની તજી દીધી,
જાણે મને તમારા ઉપર કોઈ શક નથી.

એના વદનને જોઈને ઓ ચાંદ માનનાર
મારા વદનને જો કે જરાય ચમક નથી.

આરામથી રહો ભલે પણ અગવડોની સાથ,
આ મારું મન છે કંઈ તમારું મથક નથી.

જ્યાં હું ન હોઉં એવા ઘણાયે પ્રદેશ છે,
જ્યાં તું ન હોય એવો કોઈ મુલક નથી.

– બરકત વીરાણી ‘બેફામ’

Comments (3)

કોરડા વીંઝે છે સૂરજ – ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

દાગ દેખાતા હતા દૂરથી દિવસના ગાલ પર,
એટલે હસતો રહ્યો અંધાર એના હાલ પર.

આપણે એથી જ એકે યુદ્ધ ના જીતી શક્યા,
કેમ કે આધાર રાખ્યો આપણે બસ ઢાલ પર.

લહેરખીની આંખમાં લુચ્ચાઈ ફૂટતી જોઈને,
પંખીએ મૂકી દીધો માળો અધૂરો કાલ પર.

નાવનો તો આમ જો કે ખાસ કંઈ વાંધો નથી,
પણ ભરોસો ના જ કરતો તું નદીની ચાલ પર.

આજ કરફ્યુગ્રસ્ત હો આખ્ખું નગર તો ના નહીં,
કોરડા વીંઝે છે સૂરજ જો હવાની ખાલ પર.

– ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

યુદ્ધ જીતવાની ઇચ્છા હોય તો માત્ર બચાવપદ્ધતિ નહીં ચાલે, આક્રમક વલૈયો પણ અનિવાર્ય છે. આમ તો બધા જ શેર સરસ થયા છે પણ છેલ્લો શેર વાંચીએ તો કોરોનાના અતિક્રમણના કારણે સર્જાયેલ કર્ફ્યૂ જેવી પરિસ્થિતિ ચાક્ષુષ થયા વિના રહેતી નથી.

Comments (13)