આ વિશેષણના વળી શણગાર શા ?
રૂપ છે નીતર્યુઁ તે અડવું જોઈએ !
– રતિલાલ ‘અનિલ’

મારું રજવાડું – રમેશ પારેખ

તારો વૈભવ રંગમોલ, સોનું ને ચાકરધાડું
મારે ફળિયે ચકલી બેસે તે – મારું રજવાડું

તારે બોલે હાંફળફાંફળ ચાકર ઊઠેબેસે
મારા ઘરમાં કીડી સુધ્ધાં દમામપૂર્વક પેસે

મારે ફળિયે ઝૂલે ઝાડની ઘટાદાર હુશિયારી
ખોલું ત્યાં આકાશ લાગલું દેતી ઘરની બારી

જેવો મારો ઉંબર તેવું આડેઘડ પછવાડું

તારે ફળિયે તારો વૈભવ ખોંખારાઓ ખાય
મારે પંખીના ટહૂકાથી અજવાળાં ફેલાય,

સાત રંગના ઓડકાર તું સાવ એકલો ખાતો
હું તો અકડેઠઠ્ઠ ડાયરા વચ્ચે લહલહ થાતો

આવા મારા સાવ ઠોઠ જીવતરને શું શીખવાડું ?

– રમેશ પારેખ

 

ગયા અઠવાડિયે એક સિનિયર કવિ સાથે વાતો થતી હતી ત્યારે મેં બળાપો કાઢ્યો કે સામાન્ય વાચક હવે કાવ્યમાં રસ નથી લેતો. તેમણે વેધક વાત કરી – ” પ્રજા કાવ્યથી દૂર નથી થઈ, કવિ પ્રજાથી દૂર થઈ ગયો છે !! ”

તેઓની વાત સાચી લાગે એવા ઘણા અનુભવો સૌને થયા હશે. આ કાવ્ય તદ્દન સરળ કાવ્ય છે પણ એમાં એક હ્ર્દયસ્પર્શી તત્વ છે, જે અદના આદમીને કાવ્યની સમીપ લાવી દે છે…..

5 Comments »

  1. Prahladbhai Prajapati said,

    July 8, 2020 @ 10:18 AM

    સુપ્ર્બ્

  2. pragnajuvyas said,

    July 8, 2020 @ 10:26 AM

    તારો વૈભવ રંગમોલ, સોનું ને ચાકરધાડું
    મારે ફળિયે ચકલી બેસે તે – મારું રજવાડું
    મજાનું ગીત
    યાદ
    આશા કરું મારે આંગણ ચકલી બાંધે માળો.
    બચ્ચાં બોલી ચીં ચીં કરે સુધરે મારો દહાડો.

    સાત રંગના ઓડકાર તું સાવ એકલો ખાતો
    હું તો અકડેઠઠ્ઠ ડાયરા વચ્ચે લહલહ થાતો

    આવા મારા સાવ ઠોઠ જીવતરને શું શીખવાડું ?
    અદભુત હ્ર્દયસ્પર્શી વાત

  3. ભરત ભટ્ટ said,

    July 9, 2020 @ 9:25 PM

    રમેશ પારેખનું આ ગીત મુકવા બદલ આભાર।. તમારો બળાપો સકારણ છે.કવિતા ઓછી વંચાય છે.દરેકનો રસ બીજા માધ્યમો તરફ વળ્યો લાગે છે. કવિ કે શાયર ને દુબારા-દુબારા કાને અથડાય ત્યારે એ લહ -લહ નો અનુભવ કરે કવિ કવિતાને વરેલો હોય ત્યારેજ એવું બને
    “સાત રંગના ઓડકાર તું સાવ એકલો ખાતો
    હું તો અકડેઠઠ્ઠ ડાયરા વચ્ચે લહલહ થાતો”

  4. વિવેક said,

    July 10, 2020 @ 1:58 AM

    કેવી મજાની રચના!

  5. Jitendra Desai said,

    July 13, 2020 @ 9:25 AM

    આપના મિત્રે સાચી વાત કહી છે. આપણો કવિ મુશાયરાઓમાં અને મહત્વાકાંક્ષાઓ માં અટવાઈ ગયો છે

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment