યાર, હું કોને કહું? – મુકેશ જોષી
સાતમું આકાશ મારું ક્યાંક ખોવાઈ ગયું છે યાર, હું કોને કહું?
સૂર્ય જેવું તેજ મારામાં હતું ને ક્યાં વહ્યું છે યાર, હું કોને કહું?
હું તરણ વિશે કશું ના જાણતો ને એ તરફ આખી નદી ભરપૂર છે
કોક જો મારા ભરોસે ડૂબવા માટે પડ્યું છે યાર, હું કોને કહું?
એક બાજુથી કરે અંધાર પીછો ભાગતી વેળા દીવો પ્રગટે નહીં
ને ઉપરથી વાયરા જેવું કોઈ સામે થયું છે યાર, હું કોને કહું?
શબ્દનું ચંદન ઘસીને લેપ કર, હું જિંદગીમાં આટલું દાઝ્યો નથી
એમણે ખાલી ઇશારાથી મને શું શું કહ્યું છે યાર, હું કોને કહું?
કેટલાં વર્ષોથી જેની રાહ જોઈ, ને પછી પાડોશીઓએ જે કહ્યું
બારણાં વાસેલ જોઈ એક જણ પાછું ગયું છે યાર, હું કોને કહું?
– મુકેશ જોષી
હરિહર શુક્લ said,
June 22, 2020 @ 11:59 PM
એક મૂંઝવણ જો કોઈ દૂર કરી શકે તો:
સાતમા આકાશથી ગઝલની શરૂઆત થાય છે. મારું માનવું એવું કે આકાશ એક અને અનંત છે. સાત પગલાંની વાત હતી આકાશમાં. સાત તારા પણ ખરા એક આકાશમાં પણ જો સાત આકાશ તો કયા? એમના નામ કે સંદર્ભ મળે? સાત સાગર કહીએ આપણે પણ સાગર તો પાંચ છે, બીજા બે કવિઓએ ઊભા કરેલા. એવું કંઈક ખરું?
💐
હરિહર શુક્લ said,
June 23, 2020 @ 12:01 AM
પણ બહુ અર્થ સભર અને મોજ કરાવે એવી ગઝલ 👌
Nilesh Rana said,
June 23, 2020 @ 8:27 AM
સુન્દર ગઝલ્
pragnajuvyas said,
June 23, 2020 @ 11:39 AM
મૂકેશ જોશીની સ રસ ગઝલમા
કેટલાં વર્ષોથી જેની રાહ જોઈ, ને પછી પાડોશીઓએ જે કહ્યું
બારણાં વાસેલ જોઈ એક જણ પાછું ગયું છે યાર, હું કોને કહું?
મત્લા વધુ ગમ્યો…
યાદ આવે
દર્દ દુનિયાએ અકારણ દિધા હું એને સહું,
મુજ અસ્તિત્વ ડંખે મને એ હું કોને કહું?
ઊંડી ઉતરી મારામાં ખુદને ખોતરતી રહું,
પીડાના ઉત્તર જડ્યા એ હું કોને કહું?
આભાસી સંસારના સપના હું જોતી રહું,
સ્વપ્નને તોડે એ હું કોને કહું?