પછી શ્વાસ મરજી મુજબ ચાલશે,
હૃદયમાં તું ઈચ્છાને બચવા ન દે.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

થોડા દિવસો પહેલાં તો… – મનોહર ત્રિવેદી

થોડા દિવસો પહેલાં તો*
વૃક્ષ પરથી સૂરનો પગરવ ફળિયે આળેખાતો.

પાન છાંયડા ઢોળે
નીચે ઘરના બાળક ન્હાય
કોરી કરતો પવન હંમેશા
રજોટાયેલી કાય

ચાંદરણાં થૈ વચ્ચે-વચ્ચે તડકો ઉલેચાતો.

ઠીબ, નીડ ડાળી પંખીનાં
દૃશ્યો ભેળાં રમતા
આજ હવે ખંડેર : ઘૂમતી
કેવળ ખાલીખમતા

ચુડેલ કે હશે ચન્દ્રીનો – ત્યાં પાલવ લહેરાતો !

હુક્કામાંથી ઊઠે ધુમાડા
એમાં ઊઠે પ્રેત
દાદાજીની કથા નહીં :
ભીંતેથી ખરતી રેત

જૂના ઘરથી પાછા વળતાં પથ પગમાં અટવાતો
થોડા દિવસો પહેલાં તો…

– મનોહર ત્રિવેદી

(*યોગેશ જોશીના હેલોવીન અછાંદસની પ્રથમ પંક્તિ)

સમય અને માણસ –આમ તો બંને આગળ વધ્યે રાખે છે, પણ બંનેમાં નોંધપાત્ર ફરક એ છે કે સમય કદી પાછો વળી શકતો નથી. ગામનું જૂનું ઘર ત્યાગી દઈ નાયકનો પરિવાર કદાચ શહેર સ્થળાંતરિત થઈ ચૂક્યો છે અને કોઈક કારણોસર આજે એ ગામ પરત ફરી જૂના ઘરની ઊડતી મુલાકાત લે છે એનું આ ગીત છે. થોડા દિવસો પહેલાં આ ઘરનું આંગણું પક્ષીઓના ચહચહાટથી ગૂંજતું હતું. કવિ કહેતાં નથી કે ત્યાં આજે સૂનકાર છે પણ એ સન્નાટો આપણને પહેલી પંક્તિથી જ સંભળાવા માંડે છે. જે વૃક્ષના છાંયડામાં અને ધૂળમાં મસ્તીમાં આળોટતાં બાળકોને સાફ કરી આપતો પવન, તડકાનાં ચાંદરણાં, અને ઠીબ-માળો-પંખીઓ ભેળાં મળી મજાનાં દૃશ્યચિત્રો આળેખતાં હતાં, એ જગ્યાએ હવે ખાલીખમતા ઘૂમી રહી છે. ખાલીખમતા કવિએ કૉઇન કરેલો શબ્દ છે. ચાંદનીનો પાલવ ચુડેલ જેવો ભાસે છે અને દાદાજીના હુક્કાના ધુમાડામાંથી વાર્તાના સ્થાને પ્રેત ઊઠી રહ્યાં છે. સમય આગળ વધી ગયો છે, માણસ પણ કદાચ આગળ વધી ગયો છે પણ આગળ વધતી વખતે રસ્તો પગમાં અટવાતો હોય એમ ચાલવામાં તકલીફ વર્તાય છે. બાલમુકુન્દ દવેનું ‘જૂનું ઘર ખાલી કરતાં’ સૉનેટ –ઉપાડેલા ડગ ઉપર શા લોહ કેરા મણીકા- તરત યાદ આવી જાય છે.

8 Comments »

  1. Aasifkhan said,

    June 27, 2020 @ 2:32 AM

    Vaah
    Khubsars

  2. ગૌરાંગ ઠાકર said,

    June 27, 2020 @ 2:41 AM

    અરે વાહ વાહ વાહ… ખૂબ જ સુંદર ગીત અને કવિનું ભાષાકર્મ તો લાજવાબ.. તડકો ઉલેચાતો, ખાલીખમતા ને પથ પગમાં અટવાતો.. સુંદર સંવેદન

  3. કિશોર બારોટ said,

    June 27, 2020 @ 3:47 AM

    ગ્રામ્ય પરિવેશના મનમોહક દ્રશ્યોની વણઝાર લઈ આવતું અતિ સુંદર ગીત.
    વાહ, મનોહરજી.
    સાચા અને સુંદર કાવ્યોના ચયન બદલ વિવેકભાઈને સલામ.

  4. kishor Barot said,

    June 27, 2020 @ 3:52 AM

    ગ્રામ્ય પરિવેશના મનમોહક દ્રશ્યોની વણઝાર લઈ આવતું અતિ સુંદર ગીત.
    સાચાં અને સુંદર કાવ્યોના ચયન બદલ વિવેક ભાઈને સલામ.

  5. pragnajuvyas said,

    June 27, 2020 @ 10:02 AM

    કવિશ્રી મનોહર ત્રિવેદીનુ અતિ સુંદર ગીત.ડૉ વિવેકજીનો મધુરો આસ્વાદ
    ઠીબ, નીડ ડાળી પંખીનાં
    દૃશ્યો ભેળાં રમતા
    આજ હવે ખંડેર : ઘૂમતી
    કેવળ ખાલીખમતા
    ચુડેલ કે હશે ચન્દ્રીનો – ત્યાં પાલવ લહેરાતો !
    વાહ
    સમય આગળ વધી ગયો છે, માણસ પણ કદાચ આગળ વધી ગયો છે પણ આગળ વધતી વખતે રસ્તો પગમાં અટવાતો હોય એમ ચાલવામાં તકલીફ વર્તાય છે અમે અનુભવેલા મનમોહક દ્રશ્યોની યાદનો ગુંજારવ…

  6. Kajal kanjiya said,

    June 27, 2020 @ 11:39 AM

    Wahhh

  7. આરતી સોની said,

    June 27, 2020 @ 9:41 PM

    મજાનું ગીત
    ખૂબ ખૂબ સરસ

  8. Bharat Bhatt said,

    June 29, 2020 @ 1:20 AM

    સાચી વાત છે। સમય કદી પાછો નથી જતો.
    વિવેકભાઈનો સરસ રસાસ્વાદ.

    ગુલઝાર સાહેબનું ગીત યાદ આવે.

    एक बार वक़्त से लमहा गिरा कहीं
    वहाँ दास्ताँ मिली, लमहा कहीं नहीं
    थोड़ा सा हँसा के, थोड़ा सा रुला के
    पल ये भी जानेवाला है,
    आनेवाला पल जानेवाला है

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment