નિશ્ચય છે મારો, હું તને પામું આ જન્મમાં,
ચોર્યાસી લાખ વેઠવાની છૂટ છે તને.
વિવેક મનહર ટેલર

શકું છું – રાજ લખતરવી

બધાથી અનોખું વિચારી શકું છું,
ન જે કોઈ ધારે એ ધારી શકું છું.

નદીઓ સમાવીને બેઠો છું ભીતર,
નયનથી હું સાગરને સારી શકું છું.

કિનારો કિનારો કરી જાય તો શું?
હું મઝધારમાં નાવ તારી શકું છું.

સિતારા, સિતારા કરો છો તમે શું?
ધરા પર હું ચાંદો ઉતારી શકું છું.

મને માપવો એટલો છે સરળ ક્યાં?
ગગનથીય સીમા વધારી શકું છું.

નશીલા નયનને કરી યાદ સાંજે,
સુરાલયમાં રાતો ગુજારી શકું છું.

ઘણા ‘રાઝ’ ભૂલી ગયો છું ગુલાબો,
ન એકેય કાંટો વિસારી શકું છું.

– રાજ લખતરવી

આખી રચના સ-રસ થઈ છે પણ ભીતર નદીઓની મીઠાશ સમાવેલી હોવા છતાં આંખોમાંથી સાગરની ખારાશ સારી શકવાની વાત કરતો શેર તથા ‘કિનારો’ શબ્દ અડખેપડખે બેવાર મૂકીને અદભુત શ્લેષનો સાક્ષાત્કાર કરાવતા શેર સવિશેષ ગમી ગયા. મક્તામાં ગુલાબોના સ્થાને ગુલાબી શબ્દ પ્રયોજાયો હોત તો તખલ્લુસનો અર્થ પણ કદાચ શેરના દૂધમાં સાકરની જેમ ભળી જઈ શક્યો હોત.

4 Comments »

  1. Prahladbhai Prajapati said,

    July 9, 2020 @ 6:40 AM

    સુપેર્બ

  2. pragnajuvyas said,

    July 9, 2020 @ 9:41 AM

    એ ખૂશ્બુની નદીનો ખેપિયો છે. એની ભીંતર નદીઓનો ખળભળાટ અને આંખોમાં સાગરનાં મોજાંઓનો સળવળાટ છે. કિનારો ન હોય તો મધદરિયે નાવ તરી શકે છે. કાંટાઓ યાદ રાખીને ગુલાબો ભૂલી શકે છે. રાજ લખતરવી ગુજરાતી ગઝલનું ‘લાજવાબ ગુલાબ’ છે.
    ડૉ વિવેકનો સ રસ આસ્વાદ
    હું બધાથી અનોખું લખી શકું છું,
    ન કોઈ વિચારે એવું વિચારી શકું છું.
    દર્દ સમાવીને બેઠી છું ભીતર,
    આંસુઓથી હું અગ્નિને ઠારી શકું છું.

  3. ભરત ભટ્ટ said,

    July 10, 2020 @ 12:44 AM

    રાજની સરસ રાજવી ગઝલ.સાથેજ વિવેક ભાઈનો અનુરૂપ રસાસ્વાદ
    મને માપવો એટલો છે સરળ ક્યાં?
    ગગનથીય સીમા વધારી શકું છું.
    આ પંક્તિઓ ગઝલ અને માનસને ઊંચાઈઓ પર દોરે છે

  4. Kajal kanjiya said,

    July 14, 2020 @ 5:58 AM

    વાહહ ખૂબ સરસ ગઝલ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment