ચારે તરફ નગરમાં બનતું નથી કશું પણ,
છે રાબેતા મુજબનું તેથી જ બીક લાગે.
અંકિત ત્રિવેદી

આ અંધારામાં છ કલાક : ૦૪ થી ૦૬ – સિતાંશુ યશશ્ચંદ્ર

૪.
કોકે બહુ બહુ રોવડાવ્યું છે આજે
આ કાળી મજૂરણના બેત્રણ વર્ષના ગટિયા છૈયા જેવા આકાશને
અકારણ.

ઓતરાતી-દખણાદી ડાળીઓએ સટક ગાંઠ મારી
પેલીએ ઝુલાવેલી ઝોળીમાં જંપી ગયું’તું એ,
મજૂરીએ મોકલી’તી જ્યારે કરાડો પાછળની ખોમાં ત્યારે
અફીણની આંગળી ચટાડી પેલીએ પોઢાડ્યું’તું એને.

પાછળથી રોવડાવ્યું, આમ, તે એને આઘેથીયે સંભળાયું છે.

હવે ફાળભરી એ એકલી
ધ્રોડશે સાત-સાત નદીઓનું રૂપ લઈને ફાળ ભરતી
જવાન માવડી

ત્યારે
કિતાબઘરો, પોથીઓના ભંડાર, બુકનુક્સ બધાંય
પલળીને લોચો થઈ જવાના, આપણાં, જોજો…

૫.
જનાવર જેવાં છે જીવતાં ને જીવલેણ
આ પાણી, સાંભળો, આવતાં જ જાય છે, આ અંધારામાં.

સરકસના તંબૂમાં સળગતી રિંગ વચ્ચેથી કુદાવેલાં આમને, યાદ છે ?
રેસકોર્સમાં પિસ્તોલના ધડાકે આમને ગોળ ગોળ દોડાવેલાં, યાદ છે ?
ડબ્બે પૂર્યાં’તાં, ઊંચી ડોકે રોતાં’તાં તોયે ખસ્સી પછી જ છોડ્યાં’તાં, યાદ છે ?
ક્વેક-ક્વેક કરતાં’તાં તોયે કોથળે પૂરી કરોડોને દાટ્યાંતાં, યાદ છે ?
જાળમાં ઝાલ્યાં’તાં, ભાલે પરોવ્યાં’તાં, પાંખ વીંધી પાડ્યાં’તાં,
યાદ છે, યાદ છે, યાદ છે ?

તે આકાશ ભરીને આવ્યાં આ જળ-જાનવરોના જંગી ટોળાં,
અંધારામાં સળગતી આંખોવાળાં,
દઝાડતાં ને ભીંજવતાં, એકસાથ.

ઢોળાવ ઢોળાવે ઢળે છે
ચઢાણે ચઢાણે ચઢી બેસે છે.

જેને યાદ આવશે તે ભૂલી શકશે,
જે જીવલેણ છે તે જિવાડશે નવેસરથી
આ ઝળહળતા અંધારામાં.

૬.
તારી સંગત વિના
પ્રલયની આ રાતે પરોઢ સુધી ચાલી પહોંચવું નામુમકીન છે.

બોલ તારો શું વિચાર છે ?

તારો ને મારો સરવાળો,
જે તારી-મારી ખોબો’ક માટી પર મંડાય છે, તે,
આ વીફરેલા અંધારાની કાળી પાટી પર વીજળીની ખડીથી પૂરવેગે
લખાયેલી
બાદબાકીઓ કરતાં
એકાદ આંકડા જેટલો મોટો હશે ?

તું હા ભણે એક જ વાર તો હું..

– સિતાંશુ યશશ્ચંદ્ર
(૨૦૦૬)

[નાનકડી નોધ : પાછલી ખટઘડીના અંધારામાં જાગનાર એક કવિની સ્મૃતિ સાથે…]

નાના દીકરાને ઝાડની બે ડાળીઓ પર સાડલાની ઝોળી બનાવીને દૂર કરાડો પાછળ મજૂરીએ જવા નીકળતા પહેલાં મજૂરણ આંગળી પર અફીણ લગાડી એને ચટાડે છે, જેથી કરીને એ મજૂરીએથી આવે ત્યાં સુધી દીકરો ઊંઘતો રહે. ક્યાંક એ અધવચ્ચે જાગી જાય, રડવા માંડે ને દૂર મજૂરી કરતી માના કાને પડે તો એ કેવી ધસમસતી નદીની જેમ દોડી આવે! આ વાસ્તવચિત્રને કવિએ મેઘલી કાળી રાતે ગાંડા થતા વરસાદ સાથે કેવું મજાની રીતે સાંકળી લીધું છે! બે દિશાઓની ડાળી પર ગાંઠ બાંધીને જાણે અંધારી રાતે વરસાદી વાદળ ભરેલાં આકાશને અફીણ ચટાડીને સૂવડાવ્યું હતું, પણ ગટિયું બાળક અચાનક રડી ઊઠ્યું ને વરસાદ-વીજળી ત્રાટકી રહે છે… આવી આ ક્ષણના સૌંદર્ય આગળ દુનિયાભરનું જ્ઞાન પાણી ભરે છે…

કવિનો કેમેરા વરસાદી રાતના અંધારાને અલગ-અલગ મજાના એંગલથી ઝડપે છે. પાંચમા ચિત્રમાં આપણા હાથે શોષિત થતાં હજારો-લાખો મૂંગાં પ્રાણીઓને યાદ કરીને કવિ સાંબેલાધારે વીજકડાકા સાથે આવતા વરસાદને જળ-જાનવરોના જંગી ટોળાંની ઉપમા આપે છે એ કેવી વેધક લાગે છે!

છઠ્ઠા દૃશ્યમાં પ્રણયથી શરૂ થઈ પ્રકૃતિ તરફ વળેલી વાત ફરી પ્રણય તરફ વળે છે અને એક વર્તુળ સંપૂર્ણ થાય છે. પ્રલયની રાત હોવાનું અનુભવાય એટલી કાળી વરસાદી રાતે એકલા સવાર સુધી ટકી રહેવાનું કવિને અસંભવ લાગે છે. પણ કવિ માત્ર પોતાનો વિચાર જાહેર કરે છે, એને પ્રિયજન પર ઠોકી બેસાડતા નથી. એનો વિચાર અલગ હોઈ શકે એની આઝાદી એને હોય જ એવો રણકો બોલ, તારો શું વિચાર છેના પ્રશ્નમાંથી સ્પષ્ટ ઊઠે છે. અંધારાની કાળી પાટી પર વીજળીની ધોળી માટીથી બે જણના સંબંધનો જે સરવાળો થાય છે એને પ્રકૃતિના સાદૃશ્યે મૂકતાં કશું ધનમૂલક બચતું હશે કે કેમ એ સવાલ છે. પ્રિયજન એક જ વાર હા કહે તો કવિ આ સમીકરણમાં જાતને મૂકીને સવાર સુધી પહોંચવાની કોશિશ કરવા તૈયાર છે…

અંતે પાછલી ખટઘડીના અંધારામાં જાગનાર એક કવિની સ્મૃતિની વાત કરીને કવિ આદિ કવિ નરસિંહ મહેતાને સ્મરણાંજલિ આપી ગુજરાતી કવિના બે અંતિમોને પણ એક કરે છે.

4 Comments »

  1. Mohamedjaffer Kassam said,

    July 3, 2020 @ 6:26 AM

    જેને યાદ આવશે તે ભૂલી શકશે,
    જે જીવલેણ છે તે જિવાડશે નવેસરથી
    આ ઝળહળતા અંધારામાં.

  2. Ashwinee Bapat said,

    July 3, 2020 @ 7:45 AM

    આ અદ્ભુત કાવ્યગુચ્છનો આસ્વાદ પણ અનેરો છે. કવિની સદોદિત કાવ્યચેતના ભાવકોને આ કાવ્યોમાં પ્રવેશ કપાવે છે. ચિરાયુ કાવ્યો.

  3. pragnajuvyas said,

    July 3, 2020 @ 11:46 AM

    ઢોળાવ ઢોળાવે ઢળે છે
    ચઢાણે ચઢાણે ચઢી બેસે છે.

    જેને યાદ આવશે તે ભૂલી શકશે,
    જે જીવલેણ છે તે જિવાડશે નવેસરથી
    આ ઝળહળતા અંધારામાં.
    અ ફ લા તુ ન
    ડૉ વિવેકજીનો તેવો જ આસ્વાદ

  4. beena kanani said,

    July 4, 2020 @ 4:40 AM

    કવિ વર્ય !
    જ્યારે પૂછ્યું જ છે તો મારે પણ કહેવું જ છે—-
    હા !
    કરાડો પાછળ મજૂરી કરેતી વખતે માત્ર મારા હાથ અને પગ કરાડની પાછળ હતા.પણ મારું હૈયુ તો અફીણ બનીને મારા સુતેલા હૃદયને ધવડાવી રહ્યું હતું. એક ક્ષણ પણ મારા હૃદયના ટુકડાને મેં રેઢુ મૂક્યું નહોતું.
    હા ખૂબ રોવડાવ્યું
    પણ મારી છાતીની હૂંફ ‘ઊગી રહ્યો સુરખી ભર્યો રવિ મૃદુ’ ત્યાઁજ હતો
    હા સારુ છે કે તેં જોઈ લીધુ કે બળતી રીંગ માં થી કુદકો મરાવાતો હતો
    હા આખી દુનિયા ભલે મારા લાડલાને રોવડાવવા પ્રતિબધ્ધ જાણે કેમ ન થઈ હોય
    જ્યાં સુધી હું છું(હું હતી, છું અને સદૈવ રહીશ જ જ જ )
    ત્યાં સુધી હોલિકાના ખોળામાં બેઠેલા, પર્વત શીખર પરથી ફેંકાઈ ગએલા,નદીમાં નખાએલા પ્રહ્લાદ ની જેમ બધુ ક્ષેમ કુશળ, મંગળ રાખીશ જ
    એક દિવસ એવો ઊગશે જ્યારે પ્રહ્લાદને રોવડાવવાનો વ્યર્થ પ્રયત્ન કરતા હિરઁણ્ય્કશિપુને નરસિંહ રૂપે આવી ને once and for all નેસ્તનાબૂદ કરી દઈશ.
    પછી મનુષ્ય સહુ નભ તારા નક્ષત્રો સાથે ફેર ફૂંદરડી રમશે.
    સમુદ્ર્ના પાણી પર કાગળની હોડી હોડી રમશે અને એ કાગળની હોડી ફંગોળાતા મોજામાં ડૂબશે નહીં॥
    મનુષ્ય શકુંતલાના પૂત્ર ભરતની જેમ દોસ્તી થી સિંહના દાંત ગણશે
    પાણી પ્રલયના nightmare ને બદલે માત્ર તાર પરથી ટપકીને સુરેષ જોષેીનેી સામે હવાને ગણીત ભણતા શીખવાડશે
    કે પછી પર્ણના ઊપર રહેલા ઓશ બિંદુને ધરતીનાં અંત: સ્થળમાં વહેતા ઝરણા દ્વારા જલ કાનફૂસી કરીને ધરતીના ગર્ભમાં રહેલા બીજ અંગે વાતો કરશે
    કે પછી
    T.S.Eliot ની વેરાન ‘મરૂભૂમી’ west land ને તથાસ્તુ કહીને હરીયાળી લહેરાવી દેશે .
    સલીલ-જળને એમ કરવું બહુ જ ગમશે.
    આમ પણ જલને તૃષાને સંતોષીને દેહના પ્રત્યેક intracellular અને extra celluler water બનીને પ્રાણવાયુની ટોપલી માથે ઊંચકીને
    અંદર બહાર –બહાર અંદર દોડા દોડી કરવી બહુ જ ગમે છે.
    ઈચ્છા માત્ર મારી બાકી જલ વાયુ મનુષ્ય ,પશુ પક્ષી પ્રાણી, વનસ્પતિ મારું જ કહ્યુ માનશે!
    કવિ વર્ય તારે માત્ર કહેવાનું ॥તથાસ્તુ ।!
    વેદવ્યાસના અનુજના શબ્દોને કોણ ઊથલાવી શકે?
    તું તારે તારી ભાષામાં બોલ.
    જે ભાષામાં અંધકાર વર્ણવ્યો
    ત્તેજ ભાષામાં તૃણ ની ઊપર રહેલા ઓશ બિંદુને ઋજુતાથી ઊકેલી લેતા મારા મૃદુ કિરણોના તેજની વાત પણ તારે જ વિસ્તારથી કરવી પડશે દોસ્ત!
    આતો તેં પૂછ્યું એટલે મેં કહી દીધું !
    😉
    લે આ બોલી દીધો મારો વિચાર ॥

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment