આંસુની અધિકૃત વિક્રેતા છે થોડી આંખ આ ?
ખાત્રીપૂર્વકનું ને જથ્થાબંધ ક્યાંથી રોઈએ !
મુકુલ ચોક્સી

આ અંધારામાં છ કલાક : ૦૧ થી ૦૩ – સિતાંશુ યશશ્ચંદ્ર

૧.
જળ અને વીજળીઓથી ભરેલા મેઘ
લીલોતરીથી મઢેલી માટીની ટેકરીઓ વચ્ચેથી પસાર થાય છે
વરસતા-ત્રાટકતા
ત્યારે
લથબથ ટેકરીઓ સળગી ઊઠે છે
ને સળગતી ટેકરીઓ લથબથ ભીંજાઈ રહે છે.

તારી સંગતમાં
મને બરાબર ખબર નથી પડતી
કે હું જીવતો થઈ ઊઠું છું રોમેરોમ
કે આખરનું રજમાત્ર બચ્ચા વિનાનું મરી લઉં છું.

૨.
વરસાદના આ કપટી દિવસોમાં
વારંવાર ઝળહળી ઊઠતા ને વારંવાર ઓલવાઈ જતા
દગાબાજ જિગરી દોસ્ત જેવા આ અજવાળામાં
તર્કનું, ન્યાયનું, નીતિનું તમે કહો તે પુસ્તક
ઉકેલી આપું તંતોતંત.

આ ચાતુર્માસ પૂરા થાય ત્યાં સુધી
મને કાવ્યપોથી ઉઘાડવાનું ન કહેતા કોઈ

શરદ પૂનમ સુધી

૩.
અથવા તો, રહો,
.               છેક આભને છાપરેથી કડાકાભેર ત્રાટકે છે ત્રાંબાના રંગે
ત્રબકતી આ લાંબી વીજળી

દૃશ્યને અજવાળતી, આંખોને આંધળી કરી મૂકતી
વિધ્વંસની ગંધના કાદવમાં ફેફસાંને દાટી દેતી
આગના પહોળા પાવડાથી એક ઉલાળે છેક તળિયા સોતું અંધારું
.                                      આઘું ફંગોળી મારું ઘર મને બતાડતી,

એ જાદુઈ જ્ઞાનની પળે કઈ કિતાબ ઉકેલી આપું
– વેદ, કુરાન, પવિત્ર કરાર. ગણરાજ્ય નું સંવિધાન
કે પછી મારી પોતાની આ કાવ્યપોથી ?

બોલો.

– સિતાંશુ યશશ્ચંદ્ર

‘આ અંધારામાં છ કલાક’ શીર્ષક હેઠળ કવિ છ નાનાં-નાનાં કાવ્યોનો ગુચ્છ લઈને આવ્યા છે. એમાંથી ત્રણ-ત્રણ કાવ્યો બે દિવસમાં માણીએ. વરસાદની આ રાતના અંધારામાં પ્રણય અને પુસ્તક કેન્દ્રસ્થાને છે. ગાભેણો મેઘ વીજળી સાથે મળીને ભીની ટેકરીઓને સળગાવતો અને સળગતી ટેકરીઓને ભીંજવતો પસાર થઈ રહ્યો છે, એ જોઈ કથકને પ્રિયપાત્રનો સ્નેહ યાદ આવે છે. એ પણ આવો જ ભર્યોભાદર્યો અને ફળદ્રુપ છે. એની સંગતમાં પોતે રોમેરોમ જીવી ઊઠે છે કે બધું જ ફના કરી દઈ નિર્વાણ પામે છે એ નક્કી કરવું દોહ્યલું થઈ પડ્યું છે. પ્રેમના પ્રભાવનું આવું અદભુત કાવ્ય વારંવાર ક્યાં વાંચવા મળશે?

વરસાદના આ દિવસોમાં આવજાવ કરતા અંધારા-અજવાળામાં કવિ કવિતા સિવાય બીજા કોઈપણ પુસ્તકો તંતોતંત ઉકેલી આપવા તૈયાર છે, કેમકે એમને ઉકેલવા એ ડાબા હાથની વાત છે પણ કવિતા? શરદપૂનમ સુધી ચાલનાર આ ચાતુર્માસ પોતે જ એક કવિતા છે… કવિતાનો પ્રકાશ પામવો હોય તો ક્ષણજીવી અજવાળું શા ખપનું?

પણ રહો, અંધારાના આ ત્રીજા કલાકમાં ફરી પોતાની વાત ફેરવી તોળે છે. તામ્રવર્ણો વીજ-ઝબકારો અભથી ઊતરીને ધરતી સુધી આવે એટલી નાની અમથી પળમાં એના અજવાળાંથી એ કવિને એનું પોતાનું ઘર જાણે કે બતાવી આપે છે. આ ઘર એટલે ઈંટ- સિમેન્ટનું બનેલું ઘર કે કાયાનું મકાન? કવિને વીજળીના ચમકારે મોતી પરોવી શકાવાની આ ક્ષણે આત્મજ્ઞાન સાંપડે છે કદાચ. એટલે જ એ આ પળને જાદુઈ જ્ઞાનની પળ ગણાવતાં કહે છે કે આપણે બોલીએ એ પુસ્તક આ પળમાં ઉકેલી આપવા એ સર્વસમર્થ છે. અંધારી રાતમાં આંખોને આંધળી કરી દેતી વીજળીના ક્ષણાર્ધ ઝબકારામાં આંતર્ચક્ષુ ઊઘડી જવાની આ પળે કવિતા કોઈપણ ધર્મગ્રંથ કે દેશના સંવિધાનની સમકક્ષ પ્રતીત થાય છે.

3 Comments »

  1. Neha said,

    July 2, 2020 @ 4:36 AM

    ગ્લોબલ કવિતામાં લેવા જેવાં કાવ્યો..
    અદ્ભુત આસ્વાદ કરાવી શકાશે..
    વાહ, વાહ અને વાહ જ.

  2. pragnajuvyas said,

    July 2, 2020 @ 9:49 AM

    આ અંધારામાં છ કલાક :કવિશ્રી સિતાંશુ યશશ્ચંદ્રનો ડૉ વિવેક જી દ્વારા સ રસ આસ્વાદ
    એ જાદુઈ જ્ઞાનની પળે કઈ કિતાબ ઉકેલી આપું
    – વેદ, કુરાન, પવિત્ર કરાર. ગણરાજ્ય નું સંવિધાન
    કે પછી મારી પોતાની આ કાવ્યપોથી ?

    બોલો.
    વાહ
    અંધારી રાતમાં આંખોને આંધળી કરી દેતી વીજળીના ક્ષણાર્ધ ઝબકારામાં આંતર્ચક્ષુ ઊઘડી જવાની આ પળે કવિતા કોઈપણ ધર્મગ્રંથ કે દેશના સંવિધાનની સમકક્ષ પ્રતીત થાય છે.

  3. Aasif Khan said,

    July 3, 2020 @ 10:27 AM

    Vaah bahu j sars
    Vaah

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment