જગત જ્યારે જ્યારે કનડતું રહે છે,
મને કંઈક મારામાં જડતું રહે છે.
વિવેક મનહર ટેલર

થોભ્યાનો થાક – સુરેશ દલાલ

ભટકી ભટકીને મારા થાક્યા છે પાય
હવે પંથ મારો ચાલે તો ચાલું ;
પોપચાં બિડાય ત્યારે ખૂંચે અંધાર
અને ઊઘડે ત્યાં સળગે અજવાળું.

વેદનાનું નામ ક્યાંય હોય નહીં એમ જાણે
વેરી દઉં હોંશભેર વાત ;
જંપ નહીં જીવને આ એનો અજંપો
ને ચેનથી બેચેન થાય રાત.

અટકે જો આંસુ તો ખટકે ; ને લ્હાય મને
થીજેલાં બિંદુઓ જો ખાળું !
સોસવાતો જાઉં છું સંગના વેરાનમાં
ને મારે એકાંત હું અવાક્.

આઘે જવાના કોઈ ઓરતા નહીં ને અહીં
થોભ્યાનો લાગે છે થાક ;
આંખડીના પાણીને રોકી રોકીને, કહો–
કેમ કરી સ્મિતને સંભાળું ?

– સુરેશ દલાલ

 

નકરી બેચેની…..કિંકર્તવ્યમૂઢતા પણ નથી- આ અવસ્થા માટે બેચેની સિવાય કોઈ શબ્દ બેસતો જ નથી. સમયનો આ પડાવ જ એવો છે, કાલ કદાચ કૈંક જુદી ઉગશે…..કદાચ જુદી ન યે ઉગે…..

2 Comments »

  1. Prahladbhai Prajapati said,

    July 21, 2020 @ 8:12 AM

    સુપેર્બ્

  2. pragnajuvyas said,

    July 21, 2020 @ 11:45 AM

    કવિ શ્રી સુરેશ દલાલનું ગીત માણ્યા પછી કરુણ રસ વિગલીત થઇ આનંદ થાય.
    બેચેની એક ભાવનાત્મક સ્થિતિ છે.
    યાદ આવે ગીત
    આંખ તો મારી આથમી રર્હી કાનના કુબા ખાલી…
    માંદગીના બિછાને તેઓ કહેતા હવે તો આરામનો પણ થાક લાગે છે !
    તેમની અંતિમ ઈચ્છા એમના જ શબ્દો માં –
    “શ્યામ મારો આ કોરો કાગળ
    એમાં દોરો તમે કુંડળી
    અને કહો કે મળશું ક્યારે?
    કૈં કેટલા ઘોંઘાટના અહીં ઘૂંઘટપટ રે ઢળ્યા
    એને કહો ખોલશો ક્યારે?”

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment