ભીતરમાં મુંઝારો થાય,
મુજ પાંપણના દ્વારે આવ.
આબિદ ભટ્ટ

તું ઊગે તો શ્વાસ – તુષાર શુક્લ

તું ઊગે તો શ્વાસ
અને આથમે નિ:શ્વાસ
મારા હોવાનું નામ હવે સૂરજમુખી

ઝાકળનાં નળિયાં ને રેતીની ભીંત
મારે પડઘાની સોહે પછીત

ટહુકાની મેડીને ઝંખનાનો મોભ
મારી વેદનાને વળિયોથી પ્રીત

તું ઊગે ઉજાસ
અને આથમે અમાસ
મારા હોવાનું નામ હવે સૂરજમુખી

ઓકળિયે અંકાયા અક્ષર ઉકેલ
તને મળશે સંબંધ તણું નામ.

લીંપણની ભાષામાં સમજે છે કોણ
આ તો હૈયા ઉકલતનું છે કામ.

તું ઊગે ઉલ્લાસ
અને આથમે ઉદાસ
મારા હોવાનું નામ હવે સૂરજમુખી.

– તુષાર શુક્લ

 

મોરે તો ગિરિધર ગોપાલ દૂસરો ન કોઈ રે…..

1 Comment »

  1. pragnajuvyas said,

    June 16, 2020 @ 11:22 AM

    ઓકળિયે અંકાયા અક્ષર ઉકેલ
    તને મળશે સંબંધ તણું નામ.
    વાહ
    જિંદગીને જીવવા જેવી બનાવનાર જે પરિબળો છે એ બહુ સૂક્ષ્મ હોય છે, નાજુક હોય છે. એને નજાકતથી જ સમજવા અને સંભાળવા પડે.
    આપણી ઇચ્છા આપણે જેને પ્રેમ કરીએ છીએ, જે આપણા દિલથી નજીક છે એઆપણી વ્યક્તિને એવું કહેતા પણ હોઈએ છીએ કે,
    તું ઊગે તો શ્વાસ
    અને આથમે નિ:શ્વાસ શ્વાસ લેવાનું યાદ કરવું પડતું નથી. એ તો ચાલતો જ હોય છે. કેટલાક સંબંધો પણ એવા જ હોય છે. અમુક સંબંધો આપણે નિભાવતા હોઈએ છીએ. થોડાંક સંબંધો આપણે જીવતા હોઈએ છીએ. અમુક સંબંધો ઊગતા હોય છે. અમુક આથમતા પણ હોય છે. થોડાક સંબંધો એવા હોય છે, જે કાયમ સોળે કળાએ ખીલેલા જ હોય છે.
    તું ઊગે ઉલ્લાસ
    અને આથમે ઉદાસ
    મારા હોવાનું નામ હવે સૂરજમુખી. :

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment