ઓઢવા ચાદર નથી, સપનું તો છે
સ્વપ્નમાં લહેરાય છે પાલવ કોઈ
– રઈશ મનીઆર

બેહુલાનું મૃત્યુ – અંજલી બસુમતારી (અનુ. સિતાંશુ યશશ્ચંદ્ર)

એ ઘટનાને નદીની રેલ સાથે કોઈ લેવાદેવા નહોતી
પણ
રેલ આવી એ વખતે આ બનેલું.
એક સાપ મને કરડ્યો.. એક ગૂંચળા ઉપર
મારો પગ ભૂલમાં પડી ગયો, એટલે.
ભારે અસરકારક રીતે એ ડસી શક્યો મને
દાંત ભેરવીને ઝેર બરાબરનું ઠાલવ્યું એણે.
એણે તક ઝડપી લીધી પોતાની કાબરચીતરી અદૃશ્યતાએ આપેલી.
ઝાપટ લગાવવા માટે એ મારી કદાચ તો રાહ જ જોતો હતો.

અથવા મારાથી કોઈ ભૂલ થાય એની રાહ જ જોતો’તો એ.
ત્રાટકવા માટેના કોક થોડા અમથા કારણની એને જરૂર હતી.

બસ એક ખોટું પગલું
કે ફક્ત એક ગલત હલચલ
એણે ફેણ પટકી મારા પર ત્યારે મને એક આછોક અવાજ
સંભળાયો’તો.
પણ મને પૂરું સમજાયું નહીં કે
એ અવાજ મારા મનમાં થયેલો કે બહાર હવામાં.
એકદમ ઝડપથી એણે એ કામ પતાવ્યું
એ એટલું તો અચાનક બન્યું
મને કંઈ સમજ પડે એ પહેલાં તો…

એ સર્પ ભયંકર હતો કે સુંદર?
અને મૃત્યુ…? એ પેલા સર્પ જેવું હતું?
શામળું. ટાઢુંટાઢું, બીકાળવું
તરલ ગતિએ સહેજમાં સરકી જતું ક્યાંક..?

એમ મારા અકાળે મોત સાથે
આયુષ્ય નામના રસ્તાનો છેડો આવી ગયો
જીવનનો, અસ્તિત્વનો, હમેશ હમેશ માટે..
આ તો કાતિલ વિષનો કિસ્સો હતો
ડોક્ટર, ભુવા- કોઈ મને બચાવી ના શક્યું
હું મરી ગઈ.

મને નવવધૂ જેમ શણગારવામાં આવી
અને કેળના થડના બનેલા એક તરાપા ઉપર
મને વહેતી કરવામાં આવી.
સાવ એકલી, નદીમાં આવેલ રેલના પાણી ભેગી તણાતી…
હા, એવું બનેલું !… બધાંએ જવું પડે છે
મોતને કપરે માર્ગે દૂર સુધી…!

મારી ભેગું કોઈ નહોતું
ન જીવન, ન સાથી, ન કોઈ પ્રિયજન
શરણાઈના શૂર રેલાયા નહીં
ન તો કોઈ થરકતી મોરલી પર લગન ટાણે ગાવાનાં ગીત…

જરા જુઓ તો ખરા આ સાવ નંખાઈ ગયેલા ચહેરાઓ
જીવનના વસ્ત્ર માં લપેટાયેલા
ફિક્કા, થાકેલા, હારેલા, મૂંગામંતર, નિરાધાર
જાણે એમણે કદી આઝાદી દીઠી જ ન હોય.

જ્યારે વિદાય વેળા આવી
ત્યારે મારા સ્વામીએ બધી વિધિ કરી
મને વિદાય આપી ત્યારે એ સાવ ફિક્કા પડી ગયા હતા..

છેક છેલ્લા હતા એ.
કદાચ એ જ હશે ભેદ મૂવેલા અને જીવતા વચ્ચેનો.
જીવતાઓ બધી જ વિધિ બરાબર કરે -કામની અને નકામી

અને મરણ પામેલાઓ…
એઓ તો બધી જ ભ્રમણાઓમાંથી સદા-સર્વદા મુક્ત,
બધી સાંકળોથી, વિધિઓથી, ભયોથી, શ્રદ્ધાથી…

તરાપા પર તેલનું એક કોડિયું ટમટમતું હતું
અને હલેસાં વિનાનું એ નાવડું આરા-ઓવારા અને વહેણો વચ્ચે
ધકેલાતું ચાલ્યું…
નદીમાં કેવી ઊંડી તાણ ભરી ને ફૂંફાડતી આવી છે આ રેલ
અરે, હયાતીનું કે બિનહયાતીનું એ તે કેવું રૂપ
મોતનું. અથવા તો મોત પછીની અવસ્થાનું
વિશ્વાસનું કે પછી વિશ્વાસ સાવ ઊઠી ગયાનું?

મારા મનમાં એક સવાલ થાય છે
(અને એ સાવ નાખી દેવા જેવો નથી)
લખીધરે શું કર્યું હોત આ પરિસ્થિતિમાં?
મતલબ કે લખીધર, પેલી બેહુલાનો સ્વામી ?
પતિવ્રતા નારીઓની વાર્તા શું
એ સવાલને શાંત પાડી દે?

નદી પરના પુલ ઉપર એકઠું થયેલું ટોળું નીચી નજરે જુએ છે.
સાંજને સુમારે નદી ઉપર ભજવાતું જીવંત નાટક
જાણે કે એઓ તો ફક્ત નદીની રેલને જ જોવા આવ્યા હોય
(જો કે એમાંના કેટલાકને એવો શોખ હોય પણ ખરો!)

– અંજલી બસુમતારી(બોરો)
(અનુ. સિતાંશુ યશશ્ચંદ્ર)

કવિતા લાંબી છે અને એકથી વધુ વાર વાંચીને જ સમજવાની છે. કવિતાના અંતે લખીધર (લક્ષ્મીધર) અને બેહુલાનો ઉલ્લેખ છે. એ પહેલાં સમજી લઈએ. પૂર્વોત્તર ભારતમાં ‘મનસામંગલ’ની કથા જાણીતી છે. ચાંદ સોદાગરના હાથે અંજલી મળે તો જ અનાર્ય દેવી મનસાને સ્વર્ગમાં પૂર્ણ દેવી તરીકે સ્થાન મળી શકે એમ છે. અને ચાંદ સોદાગર તો શિવભક્ત. એ બીજા માટે અંજલી ભરે નહીં. મનસાએ એના બધા વહાણો ડૂબાડવા અને સાતેય દીકરાઓને સર્પદંશથી મારવા શરૂ કર્યા. સૌથી નાના દીકરા લખીધરના લગ્ન બેહુલા સાથે કરાવ્યા કેમકે એને વરદાન હતું કે એ ક્યારેય વિધવા ન થાય. સર્પડંશથી લખીધરનું પણ મૃત્યુ થતાં રિવાજ મુજબ અગ્નિદાહ ન અપાતાં એના શબને કેળના થડના તરાપા પર સુવડાવી નદીમાં વહેતું મૂક્યું ત્યારે જિદ કરીને બેહુલા સાથે બેસી સ્વરગમાં ગઈ અને નૃત્ય કરી દેવતાઓને રીઝવીને લખીધરને પુનર્જીવન અપાવી પૃથ્વી પર સાથે લઈ આવી.. સત્યવાન-સાવિત્રી જેવી આ વાર્તા છે…

લખીધર મર્યો તો બેહુલા એની પાછળ એની સાથે જઈને એને પરત લઈ આવી, પણ બેહુલા મરી ગઈ તો લખીધર એની પાછળ ગયો? આટલું જોઈએ તો એમ લાગે કે બોરો કવયિત્રી અંજલી બસુમાતારી (અન્જુનર્ઝરી)ની આ રચનામાં પ્રથમદર્શી વાત તો સ્ત્રી-પુરુષ અસમાનતાની છે પણ એના માટે આટલી લાંબી રચનાની શી જરૂર? આખી કવિતામાં બે પંક્તિ વચ્ચેના અવકાશમાં એક અંડરકરંટ વહી રહ્યો છે, એ પકડવાનો રહી જાય તો આખી રચના હાથથી નીકળી જાય એમ છે.

ઇતિહાસનો પટારો ખોલીએ તો ખ્યાલ આવે છે કે બોરો સંસ્કૃતિ એક જમાનામાં આજના ત્રિપુરા, મેઘાલય અને આસામ ઉપરાંત બંગાળના કેટલાક વિસ્તારોમાં પણ ફેલાઈ હશે પણ કાળક્રમે આ સંસ્કૃતિના મૂળિયાં કપાતાં ગયાં અને બોરો પ્રજા લઘુમતી અને શોષિત પ્રજા બનીને રહી ગઈ. અનગણિત અને અવિરત શોષણથી ત્રસ્ત બોરો પ્રજા આખરે ઉગ્રવાદના રસ્તે ચડી. પ્રસ્તુત કવિતામાં પુરાણકથાના નવા સંદર્ભોની સાથોસાથ શોષણ સામેનો આર્તનાદ પણ બળવત્તર થતો સંભળાય છે. જુઓ: ‘ભારે અસરકારક રીતે એ સસી શક્યો મને,’ ‘એણે તક ઝડપી લીધી,’ ‘કોઈ ભૂલ થાય એની રાહ જ જોતો’તો એ,’ ‘કોઈ મને બચાવી ન શક્યું,’ ‘મારી ભેગું કોઈ નહોતું,’ ‘જાણે એમણે કદી આઝાદી દીઠી જ ન હોય’…

લઘુમતી ગરીબ કોમના શોષણનો નઝારો સદીઓથી ટોળું નીચી નજરે જોતું આવ્યું છે… લોકોને આવું જોવાનો શોખ પણ હોય છે… લઘુમતી કોમ સ્ત્રી જેવી છે, એ મરી જાય તો કોઈને કંઈ પડી નથી… શોષણકારો લખીધર જેવા છે. એ આ પરિસ્થિતિમાં કશું કરવા તૈયાર નથી…

7 Comments »

  1. સંજુ વાળા said,

    June 6, 2020 @ 7:20 AM

    સરસ કાવ્ય.
    સરસ આસ્વાદ.
    એક નવતર ભાવસંવેદન ધરાવતી રચના અહીં વાંચી આનંદ.
    અભિનંદન

  2. વિવેક said,

    June 6, 2020 @ 8:16 AM

    આભાર, શ્રી સંજુભાઈ…

  3. pragnajuvyas said,

    June 6, 2020 @ 9:06 AM

    કવયિત્રી અંજલી બસુમતારીની અછાંદસ વિશ્વ-કવિતાનો કવિ, નાટ્યલેખક, અનુવાદક અને શિક્ષણશાસ્ત્રી સાહિત્ય વિશે દીર્ઘદ્રષ્ટિ ધરાવતા અને સતત ચિંતન- મનન કરતા કવિ શ્રી સિતાંશુ યશશ્ચંદ્રે સ રસ અનુવાદ કર્યો.
    ડૉ વિવેકજી દ્વારા આવો સ રસ આસ્વાદ ન કરાવ્યો હોત તો કવિતા માણી ન શકાત.’લઘુમતી કોમ સ્ત્રી જેવી છે, એ મરી જાય તો કોઈને કંઈ પડી નથી… શોષણકારો લખીધર જેવા છે. એ આ પરિસ્થિતિમાં કશું કરવા તૈયાર નથી…’ વાંચતા કસક ઉરે ઉઠે.
    ભારત એટલે બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર, ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર. સંભાળીને આપણી છાતી ગજ ગજ ફૂલે, પણ વાસ્તવિકતાનો સામનો થતા આ મોટા મોટા શબ્દો ખોખલા લાગે.ધર્મ અંધશ્રધ્ધા અને પછી ધર્માન્ધતા કલંક બનીને સતત ઉઠતો રહે છે.

  4. Himanshu Trivedi said,

    June 6, 2020 @ 6:14 PM

    Very poignant. Reminded me of the poems and plays which are the hallmarks of ancient Greece, where the humans do take up against the mighty and the powerful and leave their lasting impressions. Touching. Thank you Dr Vivek Taylor. Dr Sitanshu Yasashchandra has been one of the most refined persons serving Gujarati literature. Thank you.

  5. વિવેક said,

    June 9, 2020 @ 1:56 AM

    સહુ મિત્રોનો ખૂબ ખૂબ આભાર….

  6. Devang said,

    June 11, 2020 @ 3:56 AM

    વિવેકભાઈ, ખૂબ આભાર. અંજલિ બસુમતારી નું કાવ્ય અને સિતાંશુ યસશચંદ્ર સાહેબ નો અનુવાદ અને આપનું વિવેચન! ઓહો! થોડીવાર કોરોના માં અંગત વ્યક્તિઓ થી અલગ પડી મારવાની વ્યથા, અને થોડીવાર અમેરિકા માં હાલમાં થયેલ અશ્વેત વ્યક્તિ ને હત્યા પણ યાદ આવી ગયા!

  7. Devang said,

    June 11, 2020 @ 4:00 AM

    Sorry…for the typos…

    મરવાની વ્યથા…અને….વ્યક્તિની

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment