અર્થના કૂંડાળાંમાં અટવાય છે,
શબ્દ રોજેરોજ ગોથાં ખાય છે.
હિમલ પંડ્યા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

એક છે તારી જિંદગી…- મરીઝ

એક છે તારી જિંદગી,એક ઉપર નિસાર કર,
રૂપ બધામાં એક છે, પ્રેમ પણ એક વાર કર.

હું જો નહીં રહું તને જાણી કોઈ નહીં શકે,
હું જ છું તારી આબરૂ; મારો બધે પ્રચાર કર.

તારી જ દેણ છે પ્રભુ મારી સમગ્ર જિંદગી,
મારુ કશું જશે નહીં જ્યાં ચાહે ત્યાં પ્રહાર કર.

નિષ્ફ્ળ જવાની છેવટે બેચેની તારી આંખની,
દર્શન જો એના જોઈએ દિલનેય બેકરાર કર.

શોચી રહ્યો છું કેટલાં વર્ષોથી તારી યાદમાં,
નવરાશ જો તને મળે પળભર જરા વિચાર કર.

તારા જુલમથી હું થયો બરબાદ તેનો ગમ નથી.
પસ્તાવો જે તને થયો એનો ફક્ત સ્વીકાર કર.

મર્યાદા દુશ્મનીમાં છે, શકિત મુજબની હોય છે,
કિન્તુ ગજાથી પણ વધુ સૌને ‘મરીઝ’ પ્યાર કર.

– મરીઝ

પહેલા ચાર શેર પરવરદિગારને સંબોધે છે, પછી માનવીની વાત આવે છે. પ્રત્યેક શેર મરીઝના હસ્તાક્ષર સમાન છે….

Comments (3)

છાંયડાનો જવાબ – મનોહર ત્રિવેદી

તોછડા આ તડકાએ છાંયડાને કીધું કે છોડી જો ઝાડવાની ઓથ
પાંદડાંએ સૂરજના તાપથી ઉગાર્યો તે એમાં તેં મારી શી મોથ?

છાંયડાએ હળવેથી પૂછ્યું કે જોર તારું
કિયા ખીલે બાંધ્યું છે, બોલ?
સાંજ પડ્યે રઘવાયો રઘવાયો થૈશ અને
ઝાડ કને માગીશ બખોલ
પીળુંપચ્ચ મુખ થાય રાતુંચટ્ટાકઃ જાણે મારી હો કો’કે અડબોથ?

અંધારે એકલુંઅટૂલું ના લાગે કે
રાતે ના પડવાનો ફેર
આઠે પહોર ઝૂલું ડાળીને સંગ
અને આઠે પહોર લીલાલહેર
ડુંગર ને સીમ-ગામ-રણમાં રઝળીને તારે થાકીને થાવાનું લોથ

ઊંચે અંકાશે મીટ માંડીએ તો કિરણો પણ
ભોંય ઉપર ચાંદરણાં પાથરે
ઓછું આવે ન મને આટલીક વાતે તે
શીતળતા ભરી અહીં વાયરે
આષાઢી બીજ, અખાત્રીજ : તમે, શ્રીગણેશ! જુદી શું માનો છો ચોથ?
પાંદડાંએ સૂરજના તાપથી ઉગાર્યો તે એમાં તેં મારી શી મોથ?

– મનોહર ત્રિવેદી

આમ તો છાંયડાનું અસ્તિત્વ તડકાને આધારે હોય પણ કવિના તો ચશ્માં જ અલગ. તોછડો તડકો છાંયડાને ઝાડની ઓથ છોડી દેવાનું આહ્વાન આપતાં કહે છે કે તને ઝાડના પાંદડાંઓએ સૂરજના તાપથી બચાવી લીધો એમાં તેં એવું તે શું ભારી પરાક્રમ કરી નાંખ્યું? આ થયું ગીતનું મુખડું… અહીંથી આગળ સળંગ ગીત છાંયડાએ તડકાને દીધેલા જવાબનું ગીત છે અને રચનાનું શીર્ષક પણ એ જ છે. તડકાની તોછડાઈનો જવાબ છાંયડો હળવેથી આપે છે, એટલું કહીને કવિ બંનેની પ્રકૃતિ વચ્ચેનો ભેદ કેવો સ્પષ્ટ કરી બતાવે છે!

છાંયડો તડકાને હળવેથી ડામ દે છે કે બહુ જોર ના કર. સાંજ પડતાં જ તું રઘવાયો થઈ જશે ને તારું પીળું મુખ કોઈએ થપ્પડ મારી હોય એમ રાતુંચટાક થઈ જશે. છાંયડો એટલે અંધારું અને અંધારાને અંધારાથી શો ફેર પડે? તકલીફ તો તડકાને છે. દિ’ આખો રઝળી-રઝળીને લોથ થવાનું એના નસીબે લખાયું છે. ઊંચા આકાશેથી આવતાં કિરણો ધરતી પર ચાંદરણાં પાથરે એનાથી છાંયડાને ક્યાંક ઓછું ન આવી જાય એટલે શીતળ વાયરો વાય છે. અંતે પોતાનો કક્કો ખરો કરાવવા છાંયડો વળી આદ્યદેવ ગણપતિને વચ્ચે લાવે છે. ઈશ્વરને મન જેમ કોઈ તિથિઓમાં ભેદ નથી, એમ છાંયડાને દિવસ-રાત અને આઠે પહોરોમાં કોઈ અંતર નથી. એ તો બસ નકરી મોજમાં જ રહે છે…

બપોરનો પીળો તડકો, સાંજની લાલિમા, છાંયડાનું અંધારું અને ઠંડક – બંનેના મૂળભૂત ગુણોનો કવિએ કવિતામાં કેવો ચાતુર્યસભર વિનિયોગ કર્યો છે!

Comments (8)

(તમને મળે!) – ખલીલ ધનતેજવી

જેટલી ફૂલોમાં રંગત છે, બધી તમને મળે,
ફૂલની માફક મહેકતી જિંદગી તમને મળે!

યાદ જ્યારે પણ તમે આવ્યાં, દુવા માગી છે મેં,
જે મારી કિસ્મતમાં છે એ પણ ખુશી તમને મળે!

એ રીતે મોસમ તમારું ધ્યાન રાખે દર વખત,
ક્યાંય પણ કૂંપળ ફૂટે ને તાજગી તમને મળે!

મેં તમારા માટે એવી પણ કરી છત પર જગ્યા,
ચાંદ મારી પાસે આવે ચાંદની તમને મળે

આપણે બંને પરસ્પર એવી ઇચ્છા રાખીએ,
દીવો મારા ઘરમાં સળગે રોશની તમને મળે!

જો તમારા પર ખુદાની મહેરબાની હોય તો,
એક ક્ષણ માગો અને આખી સદી તમને મળે!

એની સખીઓ જીદ કરે છે કે અમે પણ આવશું.
જો તમે ઇચ્છો ખલીલ એ એકલી તમને મળે!

– ખલીલ ધનતેજવી

મજાની ‘ખલીલ’ બ્રાન્ડ ગઝલ…

Comments (4)

(ગોદ માતની કયાં) – ચંદ્રકાંત શેઠ

છત મળશે ને છત્તર મળશે , ગોદ માતની કયાં ?
શયનખંડ ને શય્યા મળશે, સોડ માતની કયાં ?

રસ્તો મળશે, રાહી મળશે,રાહત માની કયાં ?
ચાંદ, સૂરજ ને તારા મળશે, આંખો માની કયાં ?

પલ્લવ ને પુષ્પો તો મળશે,પાલવ માનો કયાં ?
સૂર,તાલ ને સંગીત મળશે,ટહૂકો માનો કયાં ?

હાજર હાથ હજાર હોય,પણ છાતી માની કયાં ?
બારે ઊમટે મેહ,હેતની હેલી માની કયાં ?

ભર્યા ઉનાળે પરબ સરીખી છાયા માની કયાં ?
ભર્યા શિયાળે હૂંફ આપતી માયા માની કયાં ?

– ચંદ્રકાન્ત શેઠ

ગુજરાતી સાહિત્યાકાશમાં વિવેચનતારકોનો લાંબા સમયથી ભારી શૂન્યાવકાશ સર્જાયો છે. પરિણામે લખો એ કવિતા જેવું વાતાવરણ સર્જાયું છે. આ અંધેરનગરીમાં ઉદયન ઠક્કર જેવા કોઈક હજી છે એનો આનંદ. ચંદ્રકાન્ત શેઠ જેવા લબ્ધપ્રતિષ્ઠ સાહિત્યકાર અને વિવેચક તથા સમસ્ત ગુજરાતી પાઠ્યપુસ્તક મંડળની કૃતિચયનવિધિ પર પ્રકાશ ફેંકવાની આવી હિંમત આજે બીજા કોઈમાં તો દેખાતી નથી… ઉદયન ઠક્કરની કલમે આ રચના અને જેના થકી મરું-મરું થઈ રહેલી ગુજરાતી ભાષા જીવવાની નજીવી આશા હજી રહી ગઈ છે, એ પાઠ્યપુસ્તક વિશે શી અપેક્ષા છે એ જાણીએ:

પાઠ્યપુસ્તકમાંની કવિતાઓ – ઉદયન ઠક્કર

આ રચના ગુજરાત રાજ્યના ધોરણ નવમાના પાઠ્યપુસ્તક માટે પસંદ કરાઈ છે.રાજ્યભરના કિશોરો સામે આદર્શરૂપે મુકાતી કૃતિ પાસે, સ્વાભાવિક છે કે આપણે મોટી અપેક્ષા લઈને જઈએ. પહેલાં રચનાનું બાહ્યરૂપ તપાસીએ. પાંચમાંથી ત્રણ સ્ટાન્ઝા (શ્લોક)માં અંત્યાનુપ્રાસ સચવાયા છે. પરંતુ બીજા (રાહત-આંખો) અને ત્રીજા (પાલવ-ટહુકો) શ્લોકમાં અંત્યાનુપ્રાસ જળવાયા નથી. ચાર શ્લોકમાં અંતે ‘માની ક્યાં/માનો ક્યાં’ પદ આવે છે, પણ પહેલા શ્લોકમાં ‘માતની ક્યાં’ પદથી ચલાવાયું છે. આ કારણોસર રચનાનું શિલ્પ ખંડિત થતું લાગે છે.

હવે આંતરિક સૌંદર્ય તપાસીએ. ‘હેતની હેલી,’ ‘માની છાયા’ જેવા પદયુગ્મો નિશાળના નિબંધોમાં દાયકાઓ સુધી વપરાતાં રહીને પોતાની વ્યંજકતા ખોઈ બેઠાં છે. ઉનાળો પણ ‘ભર્યો’ અને શિયાળો પણ ‘ભર્યો’? ‘ગોદ’ અને ‘સોડ’ વચ્ચેની ભેદરેખા પાતળી હોવાથી પહેલી અને બીજી પંક્તિમાં પ્રશ્નનું પુનરાવર્તન થતું લાગે છે. ‘શયનખંડ’ અને ‘શય્યા’ને ‘સોડ’ સાથે સંબંધ છે એ સાચું, પણ ‘છત’ (તાપ-વર્ષા સામે રક્ષણ) અને ‘છત્તર’ (માન-મોભો)ને ભલા ‘ગોદ’ સાથે શો સંબંધ? ‘માની છાતી’ પ્રયોગ ગ્રામ્ય લાગે છે, ‘હૈયું’ જેવો કોઈ વિકલ્પ શોધી શકાતે.

અહીં શયનખંડ-સોડ, રાહી-રાહત, પલ્લવ-પાલવ, સંગીત-ટહુકો,હાથ-છાતી, મેહ-હેલી એવાં જોડકાં ગોઠવવામાં આવ્યાં છે, જેમાં કળાકૌશલ્ય કરતાં ગણિતકૌશલ્ય વધુ દેખાય છે. મા જેવો વિષય હોવા છતાં સંવેદન વર્તાતું નથી. માની આંખોને ચાંદ-સૂરજ-તારાની ઉપમા આપતા બીજા શ્લોકને મેઘાણીના ગીત ‘માની યાદ’ સાથે સરખાવી જોઈએ:

કોઈ દી સાંભરે નૈ
મા મને કોઈ દી સાંભરે નૈ.
કેવી હશે ને કેવી નૈ
મા મને કોઈ દી સાંભરે નૈ.
સૂવાના ખંડને ખૂણે બેસીને કદી
આભમાં મીટ માંડું,
માની આંખો જ જાણે જોઈ રહી છે મને
એમ મન થાય ગાંડું.
તગમગ તાકતી ખોળલે લૈ,
ગગનમાં એ જ દ્રગ ચોડતી ગૈ…
(ટાગોરના ગીતનો અનુવાદ)

કિમ્ બહુના? વધારે કહેવાની જરૂર ખરી?

શ્રી ચંદ્રકાન્ત શેઠ સહ-સંપાદિત ‘ગુજરાતી કાવ્યમુદ્રા’માં, આજથી સો વર્ષ પૂર્વે રચાયેલું દા.ખુ. બોટાદકરનું ગીત ‘જનની’ સ્થાન પામ્યું છે:

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ,
એથી મીઠી તો મોરી માત રે
…વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે.
જનનીની જોડ સખી! નહિ જડે રે લોલ.

ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના સંપાદકોને એવું મન નહિ થતું હોય, કે પોતે શીખ્યા હતા તેવા જ સુંદર ગીતો આજના કિશોરો સમક્ષ પણ મૂકે?

-ઉદયન ઠક્કર

Comments (14)

ઉંબરને- બારણાંને – કે ના ટોડલાને પૂછ – મનોજ ખંડેરિયા

ઉંબરને- બારણાંને – કે ના ટોડલાને પૂછ
ઘરમાં ઉદાસી કેમ છે ? ખાલીપણાને પૂછ

રણ તો કહેશે : કેટલાં હરણાં ઢળી પડ્યાં !
સપનાં ડૂબ્યાં છે કેટલાં તે ઝાંઝવાને પૂછ

નીકળી ગયો છું કેમ તે ના પૂછ તું મને,
ખાલી પડી છે કેમ જગા ? કાફલાને પૂછ

આ ઝાડમાંથી ઝાડપણું તાણી લઈ ગયું ,
પંખી હતું કે પૂર હતું, પાંદડાને પૂછ

આકાશ જેની ગોદમાં જન્મે અને ફૂટે
ખાલીપણાનો અર્થ તું એ બુદબુદા ને પૂછ

વિશ્વો ને હચમચાવતું છે કોણ કેન્દ્રમાં ?
હોવાની જેની શક્યતા તે વેદનાને પૂછ

બાકી ન આવવાનું હવે કોઈ પણ અહીં,
બોલે છે કેમ તો ય હજી કાગડાને પૂછ

-મનોજ ખંડેરિયા

Comments (2)

कैसे कह दूँ….- शकील बदायुनी

कैसे कह दूँ की मुलाक़ात नहीं होती है
रोज़ मिलते हैं मगर बात नहीं होती है

आप लिल्लाह न देखा करें आईना कभी [ लिल्लाह = ભગવાનને ખાતર ]
दिल का आ जाना बड़ी बात नहीं होती है

छुप के रोता हूँ तिरी याद में दुनिया भर से
कब मिरी आँख से बरसात नहीं होती है

हाल-ए-दिल पूछने वाले तिरी दुनिया में कभी
दिन तो होता है मगर रात नहीं होती है

जब भी मिलते हैं तो कहते हैं कि कैसे हो ‘शकील’
इस से आगे तो कोई बात नहीं होती है

– शकील बदायुनी

મત્લાએ મને ઘાયલ કરી દીધો… શું વાત કીધી છે !!! દિલ ઉઠી જાય પછી શું મળવું અને શું ન મળવું…..!!

ગાલિબ યાદ આવે –

जब तवक़्क़ो ही उठ गई ‘ग़ालिब’
क्यूँ किसी का गिला करे कोई

Comments (1)

(ડરે છે) – ડૉ. હરીશ ઠક્કર

મહદ્દઅંશે લોકો સજાથી ડરે છે
કોઈ કોઈ છે જે ગુનાથી ડરે છે

એ સમજી શકાશે કે પાપી તો ડરશે,
એ બંદો ખુદાનો, ખુદાથી ડરે છે

એ ક્યાંનો નીડર જે ડરાવે બધાને
હકીકતમાં એ ખુદ બધાથી ડરે છે

ન ઇચ્છે કદી પણ બૂરું કોઈનું જે
ગ્રહો એની માઠી દશાથી ડરે છે

બધી આપદા એને શોધી જ લેશે
જે માણસ સતત આપદાથી ડરે છે

જો જીતી શકો તો એ ડરને જ જીતો
એ શું જીતે, જે હારવાથી ડરે છે ?

ડરી જાઉં હું જો તો લોકો શું કહેશે?
ઘણાં માત્ર એ ધારણાથી ડરે છે.

– ડૉ. હરીશ ઠક્કર

ડર માનવમનનો અવિભાજ્ય હિસ્સો છે. કોઈને કોઈ કારણે, કોઈને કોઈ વસ્તુનો કોઈને કોઈ સમયે આપણને ડર લાગતો હોય છે. કવિએ આપણા ડરના નાનાવિધ આયામો પ્રસ્તુત ગઝલમાં સુપેરે ઉજાગર કર્યા છે. સજાનો ડર ન હોય તો ભાગ્યે જ કોઈ મનુષ્ય ગુનો કરતાં ડર અનુભવે એ વાત મત્લામાં કેવી સ-રસ રીતે પ્રત્યક્ષ થઈ છે! સરવાળે આખી રચના આસ્વાદ્ય થઈ છે.

Comments (9)

(આહ, આહ, આહ) – મરીઝ

પહેલાં હતી બધામાં મજા આહ, આહ, આહ,
હમણાં હવે કશામાં નથી વાહ, વાહ, વાહ.

તો પણ જવું ક્યાં એ જ મને સૂઝતું નથી,
દેખાઈ તો રહી છે બધે રાહ, રાહ, રાહ.

ઊલટી અસર થઈ તારા ઠંડા જવાબની,
સર્વત્ર છે હૃદયમાં ફક્ત દાહ, દાહ, દાહ.

તસવીર છો તમે મારા સારા નસીબની,
તેથી મને મળો છો તમે ગાહ, ગાહ, ગાહ.

બરબાદી વિશે પ્રશ્ન હજારો થયા મને,
મારો જવાબ એક હતો ચાહ, ચાહ, ચાહ.

ઘરમાં ‘મરીઝ’ કેવા હતા રંક, રંક, રંક
મયખાનામાં જો જોયા હતા શાહ, શાહ, શાહ.

– મરીઝ

મરીઝ પરંપરાના શાયર હતા. એમની ગઝલોમાં પ્રયોગો જૂજ જ જોવા મળે છે પણ આ ગઝલ જુઓ… આ હમરદીફ હમકાફિયા ગઝલમાં એમણે ચુસ્ત કાફિયા રાખવા ઉપરાંત કાફિયાને ત્રેવડાવીને પોતે જે કહેવું છે એ વાતને કેવો મજાનો વળ ચડાવ્યો છે! કાફિયા ત્રેવડાવાથી ગઝલની મૌસિકી તો વધે જ છે, વાતમાં વજન પણ વધે છે.

Comments (6)

(જાગું પણ સૂતેલાં જેવી) – પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ

ભ્રમણાની દુનિયામાં વીતી ગ્યાં વર્ષો, હું રહી ગઈ છું એવી ને એવી
જાગું પણ સૂતેલા જેવી

કૂંપળથી પાન પીળું થાવાની ઘટના લગ કંઈ પણ ના પામ્યો આ જીવ,
માટીના પિંજરની અંદર ડોકાઈને શોધ્યો ના કોઈ ‘દિ મેં શિવ;
હાય મૂઓ પસ્તાવો ભીંસે છે રૂદિયાને આંખોને મીંચુ હું જેવી,
જાગું પણ સૂતેલાં જેવી.

તૂટી ગયેલાં સૌ શમણાંના ટુકડાને સંભાળી રાખું શું કામ?
તારું કે મારું કે દુનિયા કે ઈશ્વરનું, કોનું દઉં કારણમાં નામ?
લે, મારાં માથે મેં સઘળું લઈ લીધું છે, ફરિયાદો કોને ને કેવી?
જાગું પણ સૂતેલાં જેવી.

– પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ

ઘડપણ ક્યારેક જાગવાની ખટઘડી થઈને આવતું હોય છે. જીવનનો અંત ઢૂંકડો જણાય ત્યારે કવચિત્ જીવની ભીતર રહેલા શિવને શોધવાની કોશિશ ન કર્યાનો વસવસો થઈ આવે છે. દુનિયાની ભ્રમજાળમાં ફસાઈને એવાને એવા રહી ગયાનો પસ્તાવો આતમને ભીંસે છે. આપણામાંથી મોટાભાગનાને તો આ જ્ઞાન મરણપર્યંત લાધતું નથી પણ જેને જાગતાં હોવા છતાં સૂતાં રહી ગયાની વાત સમજાઈ જાય છે એ આ પરિસ્થિતિની જવાબદારીનો ટોપલો દુનિયા કે ઈશ્વરના માથે નાંખી છટકવાની કોશિશ કરવાના બદલે પોતાની નિષ્ક્રિયતા અને નિષ્ફળતાની સંપૂર્ણ જવાબદારી પોતાને જ માથે લઈને ફરિયાદો કરવાથી મુક્ત રહે છે… શિવ સાંપડે કે ન સાંપડે, પણ આટલુંય આત્મજ્ઞાન થાય તોય ભયો ભયો…

કાવ્યબાની અને છંદોલય પર વધુ સંજિદગીથી કામ કરાય તો આ પ્રતિભાશાળી કવયિત્રીની આવતીકાલ વધુ ઉજળી નજરે ચડે છે…

Comments (4)

માણસ નામે ખૂબ ઉજાણી… – મુકેશ જોષી

વેરણછેરણ સપનાં છે ને, તૂટી ફૂટી ઘટના છે ને,
અડધી ઝોળી ખાલી છે ને અડધી પાછી કાણી છે
અડધું લટકે ખંજર છે ને અડધું જીવની અંદર છે ને
અડધી ચાદર ઓઢી છે ને અડધી કોકે તાણી છે
હાય! વિધાતા તારે માણસ નામે ખૂબ ઉજાણી છે…

અડધી જોને રાત પડી છે, અડધી સાથે જાત લડી છે
બાકીની અડધીમાં સાલી હજુ કેટલી ઘાત પડી છે
અડધો માથે તાપ પડે છે, એમાં અડધો બાફ પડે છે
અડધી આંખ દદડે છે એ વરાળ છે કે પાણી છે…
હાય! વિધાતા તારે માણસ નામે ખૂબ ઉજાણી છે…

અડધી યાદો તાજી છે ને અડધી યાદો દાઝી છે ને
બાકીની અડધી તો કંઠે ડૂમો થઈને બાઝી છે
અડધો જૂનો મહેલ છે ને ઇચ્છાઓ જ્યાં જેલ છે ને
માણસ નામે રાજા હો તો, પીડા નામે રાણી છે…
હાય! વિધાતા તારે માણસ નામે ખૂબ ઉજાણી છે…

અડધી મૂઠી જીવવાનું છે, મોત સમીપે ખસવાનું છે
એમાંય આ કાળનું કાળું કાળું જો ને ડસવાનું છે
પહેલો માસ જ આસો છે ને અડધે શ્વાસે ફાંસો છે ને
બળબળતી આ ભવાટવિમાં તડતડ ફૂટે ધાણી છે…
હાય! વિધાતા તારે માણસ નામે ખૂબ ઉજાણી છે..

– મુકેશ જોષી

શબ્દોનો અર્થસભર ઉપયોગ અને શબ્દોની રમત વચ્ચેનો ભેદ ઉજાગર કરતું ગીત….. દરેક શબ્દ પાસેથી એવું ખૂબીભર્યું કામ લીધું છે કે જે તે શબ્દને સહેજપણ બદલવો જાણે અશક્ય ! જ્યારે આવું સુંદર શબ્દોનું ગૂંથણ સર્જવામાં આવે અને તે પણ લેશમાત્ર અર્થ-શૈથિલ્ય વગર, ત્યારે ‘કવિતા’ સર્જાય છે…..

Comments (4)

હું બનીશ તારો સમાધિલેખ – લિઓનારા સ્પાયર (અનુ. વિવેક મનહર ટેલર)

તારા પ્યારા મૃત હૃદય ઉપરથી હું
એક ડાળી જેટલી જ લાપરવાહીથી ઊઠીશ,
એમ કહેતી, “અહીં સૂતું છે નિષ્ઠુર ગીત,
હવે નિષ્ઠુરતાપૂર્વક શાંત થઈને.’’

હું કહીશ, ‘‘અહીં સૂતી છે જૂઠાબોલી તલવાર,
હજી પણ મારી સચ્ચાઈથી નીંગળતી;
અહીં સૂતું છે મેં ગૂંથીને સીવેલું મ્યાન,
મારા યૌવનના ભરતજડ્યું.’’

હું ગાઈશ, “અહીં સૂએ છે, અહીં સૂએ છે, અહીં સૂએ છે-“
રે, નીચે શાંતિથી કટાજે!
જનારાઓને મારા શબ્દોથી આશ્ચર્ય થશે,
પણ તારી મેલી માટી તો જાણી જશે.

– લિઓનારા સ્પાયર
(અનુ. વિવેક મનહર ટેલર)

સ્ત્રી પ્રેમ કરે તો દિલ ફાડીને પણ નફરત કરે તો દુનિયા હચમચી જાય એવી. નાયિકાના અસીમ અફાટ પ્રેમનો બદલો બેવફાઈ કે ત્યાગથી કે અવગણનાથી ચૂકવનારો હવે જમીનની નીચે કબરમાં સૂતો છે ત્યારે નાયિકા કહે છે કે હું જ તારો સમાધિલેખ બનીશ. કબર ઉપર કોઈ ડાળ જે રીતે બેપરવાહીથી ઊંચી ઊઠે એમ નાયિકા મૃતક પ્રેમીના હજીયે પ્યારા પણ મૃત હૃદય પરથી ઊઠનાર છે. સીધો સંદેશો છે કે તારા પ્રેમમાં કે તારા મરણના શોકમાં ગરકાવ રહી હું હવે પતન વહોરનાર નથી, પણ લાપરવાહીથી ઉન્નતમાર્ગે વધીશ. મરનાર એની જિંદગીનું ગીત હતું. ક્રૂર હતું પણ એનું પોતાનું ગીત હતું અને અકાળે મૃત્યુ પામીને, નાયિકાને એકલી મૂકી ચાલ્યા જઈને એણે એવો જ નિષ્ઠુર બીજો ઘા કર્યો છે. Penis (શિશ્ન) અને Vagina (યોનિ)ના એક અર્થ અનુક્રમે તલવાર અને મ્યાન પણ થાય છે. આ અર્થચ્છાયા પણ કવયિત્રીને અભિપ્રેત જણાય છે. નાયિકાના સાચા પ્રેમથી હજીયે નીંગળી રહેલી જૂઠી તલવાર જેવો પ્રેમી પોતાના યૌવનથી જેને ગૂંથ્યું હતું એ મ્યાનસહિત જમીનની નીચે સૂતો છે. જૂઠાબોલી તલવારને શાંતિથી કટાવા માટે પોતે છોડી દીધી હોવાથી દુનિયાને તો આશ્ચર્ય થશે જ પણ નાયિકાને એની ચિંતા નથી. એ જાણે છે કે મરનાર પોતાની કાળી કરતૂતોથી નાવાકિફ નથી.

I’ll be your Epitaph – Leonora Speyer

Over your dear dead heart I’ll lift
As blithely as a bough,
Saying, “Here lies the cruel song,
Cruelly quiet now.”

I’ll say, “Here lies the lying sword,
Still dripping with my truth;
Here lies the woven sheath I made,
Embroidered with my youth.”

I’ll sing, “Here lies, here lies, here lies-”
Ah, rust in peace below!
Passers will wonder at my words,
But your dark dust will know.

– Leonora Speyer

Comments (9)

(નજરું આપો સાંઈજી) – વંચિત કુકમાવાલા

નજરું આપો સાંઈજી
મારા રે પંડના પરકાશે લીધી પરથમ રે અંગડાઈ જી

ઝીલે ટેરવડાંની ધારું ઝીલે નભ આખાનો ભાર
રણકે રગરગથી રણકે છે કોઈ વાજીંતરના તાર
આસન આપો સાંઈજી
આ હાથવગી પળની પછવાડે ઊભી રે અખિલાઈ જી
નજરું આપો સાંઈજી…

માણે હાલકડોલક મનડું માણે અનહદના અણસારા
છૂટે રઘવાયાં તળિયેથી છૂટે અલલલ લીલી ધારા
લેખણ આપો સાંઈજી
એક નોખો શબદ ઉતારી કરવી ભવભવની ભરપાઈ જી
નજરું આપો સાંઈજી…

– વંચિત કુકમાવાલા

શ્રી વંચિત કુકમાવાલાની આ મજાની રચનાનો આસ્વાદ આજે કવિમિત્ર મિલિન્દ ગઢવીના શબ્દોમાં:

હા. આ વાંચતાં જ તરત કવિ વિનોદ જોશીની ‘કૂંચી આપો બાઈજી’નું સહજ સ્મરણ થઈ આવે. વંચિતભાઈની આ રચના સ્વરૂપની દ્રષ્ટિએ વિનોદભાઈની રચનાથી પ્રેરિત છે એમ સ્વીકારીને આગળ વાત કરવી છે. કારણ એટલું જ કે કાવ્ય માત્રને માત્ર એનાં સ્વરૂપમાં નથી હોતું. વળી વિનોદભાઈની રચનાનો વિષય તદ્દન જુદો છે એટલે અહીં કાવ્યાત્મક તુલના કરવી પણ નિરર્થક. જોકે ભાવકને એ છૂટ હોય જ કે એને અમુક તમુક કૃતિ વધારે પસંદ હોય. એવી ભાવકતા સાથે મારે કહેવું છે કે મને વંચિતભાઈની આ રચના વધુ ગમે છે. શું કામ ગમે છે એની સ્હેજ જ વાત કરું.

કાવ્યનો ઉઘાડ થાય છે વિનવણી થી. એક પ્રકારની પ્રાર્થનાથી. અને વિનવણી કોની પાસે? Someone who is above, અને માત્ર above એટલું જ નહીં પણ spiritually above. જેની આધ્યાત્મિક ચેતના આપણા કરતાં કોઈ ઊંચા શિખર પર છે. કારણ કે જેણે જાણી લીધું છે એ જ તો ઓળખાવી શકે, જે પહોંચી ગયાં છે એ જ તો મારગ દેખાડી શકે. આંખનું હોવું ઘણી વખત પર્યાપ્ત નથી હોતું. न तु मां शक्यसे द्रष्टुमनेनैव स्वचक्षुषा। (ગીતા 11.8) ત્યારે જરૂર પડે છે નજરુંની – એક પ્રકારે initiationની વાત છે. અને વિનવણીનું કારણ શું? એક realization. પંડના પરકાશે લીધેલી પરથમ અંગડાઈની અનુભૂતિ. અહીંથી જ સડક શરૂ થાય છે. P. D. Ouspensky કહે છે – It is only when we realize that life is taking us nowhere that it begins to have meaning. પછી પગથિયાં છે.

પણ છેલ્લે – લેખણ આપો સાંઈજી… એક અદભુત પુસ્તક છે – Tractatus Logico Philosophicus. લેખક છે ઑસ્ટ્રીયન ફિલોસોફર Ludwig Wittgenstein. મૂળ જર્મનમાં લખાયેલું. એક જગ્યાએ લખે છે : The limits of my language mean the limits of my world. અને માટે જ ‘નોખો શબદ’ આવશ્યક છે ભવભવની ભરપાઈ કરવા માટે.

આવી નખશીખ, દાર્શનિક યાત્રાની, રચનાઓ આપણે ત્યાં ખૂબ ઓછી લખાઈ છે. આ રચના કેવળ એનાં ભાવકો માટે નથી, પણ સાધકો માટે છે.

– મિલિન્દ ગઢવી

Comments (7)

(કિનારે કિનારે) – મરીઝ

જીવનભરના તોફાન ખાળી રહ્યો છું, ફકત એના મોઘમ ઈશારે ઈશારે.
ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું, છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે.

અહીં દુઃખની દુનિયામાં એક રંગ જોયો, ભલે સુખનું જગ હો પ્રકારે પ્રકારે.
સુજનની કબર કે ગુનેગારની હો, છે સરખી ઉદાસી મઝારે મઝારે.

હૃદય મારું વ્યાપક, નજર મારી સુંદર, કલા મારી મોહક વિચારે વિચારે.
નથી આભને પણ કશી જાણ એની, કે મેં ચાંદ જોયા સિતારે સિતારે.

અમારા બધાં સુખ અને દુ:ખની વચ્ચે, સમયના વિના કંઈ તફાવત ન જોયો.
બધીયે મજાઓ હતી રાતે રાતે, ને સંતાપ એનો સવારે સવારે.

નથી ઝંખના મારી ગમતી જો તમને, તો એનું નિવારણ તમારું મિલન છે.
તમે આમ અવગણના કરતા જશો તો, થતી રહેશે ઇચ્છા વધારે વધારે.

અમસ્તો અમસ્તો હતો પ્રશ્ન મારો, હકીકતમાં કોની છે સાચી બુલંદી.
જવાબ એનો દેવા ઊઠી આંગળીઓ, તમારી દિશામાં મિનારે મિનારે.

જગતમાં છે લ્હાવા કદમ પર કદમ પર, ફક્ત એક શરત છે ગતિમાન રહેવું.
નવા છે મુસાફિર વિસામે વિસામે, નવી સગવડો છે ઉતારે ઉતારે.

મરણ કે જીવન હો એ બન્ને સ્થિતિમાં, ‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે.
જનાજો જશે તો જશે કાંધે કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે.

– ‘મરીઝ’

મરીઝની ગઝલોમાંની પ્રથમદર્શી સરળતા આભાસી છે, જેને ઉર્દૂ અદબમાં સહલે-મુમ્તના કહે છે. અર્થાત્ આસાન શબ્દોમાં ગંભીર વાત. ખૂબ જાણીતી આ ગઝલનો મત્લા જોઈએ. જીવનનું તોફાન નહીં, જીવનભરના તોફાન. દરિયામાં જેમ મોજાંઓની એમ જ જીવનમાં તોફાનોની હારમાળા છે. પણ એકેય તોફાનમાં નાયક એકલો નથી. દરેકમાં કથકને ‘એના’ તરફથી ઈશારો મળતો રહ્યો છે. ને આ ઈશારાના સહારે એ આ તોફાનોને ખાળી રહ્યો છે. ઈશારો વળી સીધો નથી, મોઘમ છે. ચર્મચક્ષુથી નજરે પડે એવો નથી. ખુદામાં અને ખુદાના એના બંદા માટેના પ્યારમાં શ્રદ્ધા હોય તો આ ઈશારો સહારો બનીને તારે તોફાનોમાંથી. આ તોફાનો ગમે ત્યાં ડૂબાડી શકે છે અને ગમે ત્યાં બહાર આણી શકે છે. દરિયામાં ડૂબવા અને બહાર નીકળવા વચ્ચે એક નજીવો તફાવત હવાનો છે. પાણી આમ હવાને ડૂબાડી ન શકે, પણ શરીરની બાબતમાં એનું વલણ જરા વિપરિત છે. શરીરમાં હવા હોય તો દરિયો એને ડૂબાડે અને ન હોય ત્યારે તરાવે. કિનારે લાવી મૂકે. મરીઝ કુશળ કવિ છે. એ શું માત્ર જિંદગીના તોફાનો અને શરીરના ડૂબવા ને લાશના તરવાની જ વાતો કરે છે? કે ‘એનો મોઘમ ઈશારો’ કવિના શબ્દ તરફ પણ છે? કવિ જીવે કે મરે, એનો શબ્દ સમયના દરિયામાં કદાચિત્ ગરક પણ થઈ જાય, પરંતુ પ્રાણ હશે તો એ શબ્દ ગમે ત્યારે તરીને કિનારે આવનાર જ છે, જ્યાં સાચા કાવ્યરસિકો પ્રતીક્ષામાં ઊભા જ હશે. વળી, લગાગા લગાગાના આવર્તનો અને કાફિયાનું બેવડાવું દરિયાના મોજાંઓને સાચા અર્થમાં તાદૃશ કરે છે, એ કવિકર્મનો વિશેષ.

Comments (15)

દરવાજે ઊભો છું….- મનોજ ખંડેરિયા

પીડાના ટાંકણાની ભાત લઈ દરવાજે ઊભો છું;
કળામય આગવો આઘાત લઈ દરવાજે ઊભો છું.

સુકાયો સાવ અશ્રુપાત લઈ દરવાજે ઊભો છું;
સૂતેલો એક ઝંઝાવાત લઈ દરવાજે ઊભો છું.

ન ફાટે કે ફીટે એ જાત લઈ દરવાજે ઊભો છું;
પટોળા પર પડેલી ભાત લઈ દરવાજે ઊભો છું.

કળીની જેમ એનું બંધ છે સૌંદર્ય આજે પણ,
કહેલી કાનમાં તેં વાત લઈ દરવાજે ઊભો છું.

ખબર છે કે લૂણો લાગી ગયો છે એનાં શિલ્પોને,
છતાં એ જર્જરિત જજબાત લઈ દરવાજે ઊભો છું.

તમે જેના અભાવે વાસી દીધાં દ્વાર વરસોથી,
હું એ વિશ્વાસની મિરાત લઈ દરવાજે ઊભો છું.

નથી આવ્યો હું ખાલી હાથ તારા દ્વાર પર આજે,
કવિતાથી સભર દિનરાત લઈ દરવાજે ઊભો છુ.

ઊભો દ્વારે શિશુ ભોળો દયામય મંદિરે, ખોલો,
બચેલા શ્વાસની સોગાત લઈ દરવાજે ઊભો છું.

-મનોજ ખંડેરિયા

આજે પાછી બંધ દ્વારની વાત, પણ અંદાઝ અલગ છે. “તમે જેના અભાવે વાસી દીધાં દ્વાર વરસોથી,
હું એ વિશ્વાસની મિરાત લઈ દરવાજે ઊભો છું….” – અહીં પોઝિટિવિટી છે, પુનર્મિલનનું આહવાન છે.

Comments (2)

છાતી તોડી પ્રબળ વેગથી મિલન ઝંખના – તુષાર શુક્લ

છાતી તોડી પ્રબળ વેગથી મિલન ઝંખના ધસી આવતી બ્હાર
અને તું બંધ કરી દે દ્વાર, થાય શું !

હથેલીઓમાં પારિજાતની સુવાસ લઈને, આવું એક સવાર
અને તું બંધ કરી દે દ્વાર, થાય શું !

રૂંવે રૂંવેથી દિપશીખા ઝળહળે
થાય, તું મેઘ થઈને મળે !
ઝંખના આજ હવે બસ ફળે
મીન મન ક્યાં સુધી ટળવળે ?
રણની બળતી કાંધ ઉપર આ કાળઝાળ ડમરી આજ ઊઠી ભેંકાર
અને તું બંધ કરી દે દ્વાર, થાય શું !

રેતકણ આંખમાં ઝીણું કળે
સ્મરણના શોષ બાઝતા ગળે
હોઠ ને મૃગજળ મીઠું છળે
વેગ ના કેમે પાછો વળે…
ખડક તણા આ કાળમીંઢ સંયમને તોડી વહું હું જલની ધાર
અને તું બંધ કરી દે દ્વાર, થાય શું !

આલિંગન આવકારમાં મળે
સ્નેહ મુજ સ્વીકાર થઈને ફળે,
જામ આ એકમેકમાં ઢળે
બેઉ જણ અરસ પરસ ઓગળે.
આખું આ અસ્તિત્વ ઊજવે તરસ તણો તહેવાર
અને તું બંધ કરી દે દ્વાર, થાય શું !

આજ અપમાનિત પાછો વળું ?
ટૂંપી દઉં મિલન સ્વપ્નનું ગળું ?
એકલો અંદર અંદર બળું ?
હું જ પોતે પોતાને છળું ?
પૂર થઈને પાછો આવીશ, વરસીશ મૂશળધાર
ભલેને બંધ કરે તું દ્વાર, થાય શું ?

– તુષાર શુક્લ

 

” હું જ પોતે પોતાને છળું ? ” – કેવી વેધક વાત….!! “બંધ દ્વાર”…..કેટલી બધી વાત કહી દે છે આ બે શબ્દો ! વળી અહીં તો નાયિકા ખુલ્લા દ્વારને કવિના મ્હોં પર બંધ કરી દે છે ! લાગણીશીલ હૈયું છે, કદાચ દ્વાર ખુલવાની રાહ જુએ…. દ્વાર ખોલવા વિનવે,….કદાચ ઊંધું ફરીને ચાલ્યું જાય સદાને માટે… જીવનમાં ખરેખર પણ આવું જ થાય છે ને ! ક્યારેક આપણે દ્વાર બંધ કરી દઈએ, ક્યારેક આપણે માટે દ્વાર બંધ થઈ જાય ! સંતના વિચાર અને વ્યવહાર એક હોય, મારે સંતપણું ક્યાંથી લાવવું ?? ક્યાંક વગર વાંકે દંડાઉ, ક્યાંક ગુનો કરી બેસું, ક્યાંક ગેરસમજનો શિકાર બનું, ક્યાંક કોઈ પવિત્ર આત્માને ઠેસ પહોંચાડી બેસું…કેટકેટલા સ્ખલનોથી બચું ??? પછી દ્વાર બંધ થાય જ ને !!! બંધ દ્વારને ખખડાવતાં અહંકાર અટકાવે, સ્વાભિમાન આડું આવે, ક્રોધ રસ્તો રોકે… આ બધું અતિક્રમીને ખખડાવું તો સામેના પક્ષે આ જ બધું, આવું જ બધું નડે !!!! કિશોર કુમારનું ગીત મનમાં ગૂંજે…-” ઝિંદગીકે સફરમેં ગુજર જાતે હૈ જો મકામ, વો ફિર નહીં આતે…..વો ફિર નહીં આતે…..”

 

Comments (2)

ઊંઘ ચરી ગઈ બકરી – રાધિકા પટેલ

ઊંઘ ચરી ગઈ બકરી:
હાચ્ચું કે’ જો હુવા ટાણે ચા પીધી’તી નકરી…?
ઊંઘ ચરી ગઈ બકરી…

માન્યું કે લેવી જ પડે છે રોજ યાદની ગોળી;
લીધી તો લઈ લીધી પાછી લીધી ચામાં બોળી?
ચા-બાઈને-જોઈને વકરી-ઊંઘ પછી તો વકરી…
ઊંઘ ચરી ગઈ બકરી…

ચાના દાણા વેર્યા છે તે ઊંઘ આવે નહિ ચણવા;
ભાઈ બગાસાં સાથે એ તો ગઈ નીકળી છે ફરવા,
દૂધ ધરો તો કદાચ પાછી આવે શાણી શકરી…
ઊંઘ ચરી ગઈ બકરી…

– રાધિકા પટેલ

કેટલીક રચના નજરે પડતાવેંત મન મોહી લેતી હોય છે. આ ગીતનું પણ કંઈક એવું જ જ છે. કોઈની યાદ મનોમસ્તિષ્કનો ભરડો લઈ બેસે અને ઊંઘ વેરણ થઈ જાય એ પરિસ્થિતિમાંથી આપણે સહુ અવારનવાર પસાર થયાં જ છીએ. પણ ઊંઘ જાણે ઘાસ ન હોય, જેને કોઈ બકરી ચરી ગઈ હોય એ કલ્પન જ કેટલું મજબૂત અને મૌલિક છે! રોજ રાત્રે ચામાં બોળીને યાદની ગોળી ગળીએ પછી ઊંઘ બિચારી વકરે નહીં તો બીજું શું થાય? ઊંઘ શાણી શકરી છે. ચાના દાણા ચણવા આવે એવું કોઈ મૂર્ખ પક્ષી નથી એટલે બગાસાંભાઈ સાથે એ ફરવા નીકળી ગઈ છે… હવે જાગો રાતભર, બીજું શું!

ભાવ, ભાષાકર્મ અને લયની બાબતમાં જો કે હજી વધુ સજાગતા અભિપ્રેત છે.

Comments (5)

(વાત કરવી છે) – કિરણસિંહ ચૌહાણ

અમારે ક્યાં વળી કોઈ આગઝરતી વાત કરવી છે!
જરા ઝાકળનાં ટીપાં વચ્ચે તરતી વાત કરવી છે.

બનીને લોહી રગરગમાં પ્રસરતી વાત કરવી છે,
તને તારા વિશે, મારામાં ફરતી વાત કરવી છે.

મને તેં ખૂ…બ ઊંચા સ્થાન પર સ્થાપિત કરી દીધો,
અને મારે તને થો…ડી ઊતરતી વાત કરવી છે.

અમે હમણાં સુધી તો ચૂપ રહી બોલાય એ બોલ્યાં,
હવે આજે તો છે ને… વાત કરતી વાત કરવી છે.

કશે કૂંપળ જો ફૂટે તો તરત સરવા કરું છું કાન,
મને લાગે કે જાણે કહે છે ધરતી… ‘વાત કરવી છે.’

– કિરણસિંહ ચૌહાણ

આ ગઝલ વિશે ઓછામાં ઓછા શબ્દોમાં ટિપ્પણી કરવી હોય તો આમ કહી શકાય: res ipsa loquitur અર્થાત્ It speaks for itself /સ્વયંસિદ્ધા.

Comments (6)

(વાત જો થાય તો) – શબનમ ખોજા

વાત સુધરી શકે, વાત જો થાય તો,
આટલી વાત બંનેને સમજાય તો!

આપ સીધા જ રસ્તે જતા હો અને
માર્ગ સામે ચડી જાતે ફંટાય તો?

એ જ ડરથી અરીસો એ જોતા નથી
સામે છેડેથી આરોપી ઝડપાય તો!

પ્રેમમાં ઊંડા ઊતરો પછી ભય રહે
હો ગળાડૂબ ને શ્વાસ રૂંધાય તો?!

આ ક્ષણોની રમત ત્યાગવી નહિ પડે,
સાત કોઠા સમો કાળ ભેદાય તો!

– શબનમ ખોજા

સરળ બાનીમાં ઘણીવાર જે વાત થઈ જાય છે, એ કરવામાં ક્લિષ્ટ શબ્દો અને ભારઝલ્લા વિશેષણો ઘણીવાર નિષ્ફળ જતા હોય છે. પ્રસ્તુત ગઝલ એનો પ્રત્યક્ષ દાખલો છે. લગભગ બધા જ શેર સહજસાધ્ય અને મનનીય થયા છે. અભિવ્યક્તિની મૌલિકતા પણ ઘણીવાર ગઝલનું જમા પાસું બનતી હોય છે. એક વાત જે અગાઉ હજારો વાર કહેવાઈ, સંભળાઈ ચૂકી હોય એ જ વાત પણ અંદાજે-બયાં મજબૂત હોય તો સાવ તરોતાજા લાગે છે. પ્રસ્તુત ગઝલનો મત્લા જુઓ. શેર યાદ આવે- વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે, સીવેલા હોઠ લઈ જવાની છૂટ છે તને. આ જ વાત શબનમની ગઝલમાં આવે છે ત્યારે કેવી નવીન લાગે છે! કવિતાની આ મજા છે…

Comments (18)

સર્વત્ર છું – જવાહર બક્ષી

કયાંયનો નહિ તે છતાં સર્વત્ર છું
કોઈ સરનામા વિનાનો પત્ર છું

વિશ્વભર વિખરાયેલું નક્ષત્ર છું
માત્ર તારી આંખમાં એકત્ર છું

હું અનાદિ ઝંખના નિર્વસ્ત્ર છું
સત્ય છું પણ સાવ અંગત પત્ર છું

જિંદગી જેવો નનામો પત્ર છું
કૈંક અફવાઓને માથે છત્ર છું

આંખમાં મૃગજળ ભરીને શોધ નહિ
જયાં જઈશ, ત્યાં લાગશે અન્યત્ર છું

– જવાહર બક્ષી

ત્રીજા શેરનું પહેલું ચરણ એક ઊંચાઈને ઈંગિત કરે છે પણ બીજું ચરણ થોડું નિરાશ કરે છે. શેર કવિના ગજાનો બનતો નથી જણાતો. મત્લો એટલો મજબૂત છે કે તેની આગળ બાકીના શેર હાંફી જતા જણાય છે….

Comments (2)

આ અમે નીકળ્યા- – રાજેન્દ્ર શુક્લ

સાંજ ઢળતાં જ રોશન થતા, મ્હેકતા,
હાથ ગજરા, ગળે હાર ઝુલાવતાં;
ખીંટીએ લટકતી રાખીને રિક્તતા
આ અમે નીકળ્યા ખેસ ફરકાવતાં !

ઓશિકે એક ઘડિયાળ અટકી પડે,
વેળ તો વેળની જેમ વીત્યા કરે,
વાયરા દખણના તો ગમે તે ક્ષણે,
કેસરી કેસરી દ્વાર ખખડાવતા !

ચાર ખૂણા હજી સાચવીને ઊભા
ધૂંધળા ધૂંધળા કોક અણસારને,
ઘોર એકાંતનું છાપરું ને છજાં
જો ઊડે આભમાં પાંખ ફફડાવતાં !

સૌ અભાવો સુરાહી બને જ્યાં કને
જે મળે તે બધાં તરબતર નીતરે,
કોઈને કોઈની કૈં ખબર ના રહે-
કોણ છલકી જતાં, કોણ છલકાવતાં !

ઘૂંટ એક જ અને આંખ ઝૂકે જરા,
સાત આકાશ ખૂલી જતા સામટું,
જોઉં તો ઝળહળે જામમાં એ સ્વયં
ચૌદ બ્રહ્માંડનો ભેદ ભૂલાવતાં !

– રાજેન્દ્ર શુક્લ

કવિનો આજને દિ 1942માં જનમ, 79 પૂરા…સર્જનયાત્રા અવિરત…

એમની લાક્ષણિક શૈલીની ગુહ્યવાદની એક ગઝલ….

ખીંટીએ લટકતી રાખીને રિક્તતા
આ અમે નીકળ્યા ખેસ ફરકાવતાં….. -આ ચરણ ઉપર વારંવાર અટકી જવાય છે.

Comments (4)

ઢોલિયે – રાવજી પટેલ

અમે અજાણ્યા ક્યાં લગ રહેશું?
કહો તમારા ઘરમાં?
કહો તમારા ઘરમાંથી વળી
તબો-તમાકુ પંડ ઊઠીને ક્યારે લેશું?
દખણાદી પરસાળ ઢોલિયો ઢળ્યો,
ક્યારનો પડ્યો પડ્યો હું
જતાં-આવતાં ઘરના માણસ ભાળું;
બોલ તારા સુણી માંહ્યથી
પાંપણ વાસી
અમો ખોલિયે દુવાર આડું!
જોઉં જોઉં તો બે જ મનેખે
લહલહ ડોલ્યે જતો ડાયરો!
કોણ કસુંબા ઘોળે ?
ઘૂંટે કોણ ઘેનનાં ફૂલ?
હથેલી માદક લહરી-શી રવરવતી –
દિન થઈ ગ્યો શૂલ…
હમણાં હડી આવશે પ્હોર –
રાતના ઘોડા ગોરી,
સાગઢોલિયે પાંખ ફૂટશે;
કમાડ પર ચોડેલી ચકલી
સમણું થઈ ઘરમાં ફડફડશે.

જુઓ પણે પરસાળ સૂંઘતો ચાંદો.
અમને ઘડીવાર તો ગંધ ઊંઘની આલો,
આલો શ્વાસ તમારો ઓઢું, જંપું.
અંધકારથી પડખાંનો આ-વેગ
હવે તો બાંધો
ઢળ્યે ઢોલિયે…

– રાવજી પટેલ

રાવજીની કવિતામાંથી મૃત્યુની હારોહાર અદમ્ય જાતીય વૃત્તિનો અણસારો પણ સતત મળતો રહે છે. કદાચ કાચી વયે ટીબીની, એ સમયની અસાધ્ય બિમારીના કારણે થયેલી શરીરની પાયમાલી સામે આદિમ વૃત્તિનો રોક્યો રોકી ન શકાય એવો હણહણાટ આ માટે જવાબદાર હશે.

સાસરામાં પોતીકાપણું ન અનુભવવાની ફરિયાદથી શરૂ થતી રચના રતિક્રીડાની આરત અને તડપ સુધી પહોંચે છે. ઢોલિયામાં પડ્યે-પડ્યે એ સાસરિયાંવની ગતિવિધિનો મૂક પ્રેક્ષક બનતો પડી રહ્યો છે, પણ ભીતરથી પત્નીનો અવાજ આવતો સુણીને એ પાંપણ બીડીને દરવાજો હળવેથી ખોલે છે. દરવાજો ખોલવાની ચેષ્ટા પત્નીના દુર્લભ દર્શનની તાલાવેલી સૂચવે છે, પણ દરવાજાની પેલે પાર એ દર્શન થનાર નથી એની ખાતરી પણ હોવાથી પાંપણ વાસી દઈને પત્નીને એ તાદૃશ પણ કરે છે. બે નાની અમથી ચેષ્ટામાં કવિ કેવી અદભુત રીતે કાવ્ય સિદ્ધ કરે છે! વિરહથી વેદનાસિક્ત દિવસ કાંટાની જેમ ભોંકાઈ રહ્યો છે, રાત ઊતરી આવનાર છે પણ પ્રિયાના કોઈ સગડ નથી. કાવ્યાંતે ‘આવેગ’ના બે ભાગ કરીને કવિએ બે અર્થ નિપજાવીને પણ કમાલ કરી છે.

અને જો જો હં… આ કંઈ અછાંદસ કાવ્ય નથી… ગાગાગાગાના આવર્તનો સાથે કટાવ છંદમાં લખાયેલી આ રચનાનો પ્રવાહી લય રચનાને મોટા અવાજે વાંચશો તો તરત અનુભવી શકાશે…

Comments (8)

વનપ્રવેશ – ભાવેશ શાહ ‘શહેરી’

એમ કંઈ વનમાં જવાય નહીં
આંગળીઓ ઝાલીને ચાલતી ઇચ્છાઓ અધવચ્ચે રેઢી મૂકાય નહીં

અંકે પચાસ કહી ઉમરને આંકો પણ ભીતરમાં વાત હોય બીજી
તરવરાટ, થનગનાટ, લોહીનો હણહણાટ રાતોરાત જાય ના થીજી
શાંત પડે અશ્વો ને થાકે અસવાર એવું સાવ કંઈ એકાએક થાય નહીં.

કઈ રીતે, ક્યારે ને કેમ જવું વનમાં એનો મરમ પ્રથમ શોધીયે
લાગણીના નવેનવ રંગીન ખાનામાં ભૂખરાને ફેલાતો રોકીયે
ફાંટ ભરી રંગ લઈ આવેલી જિંદગીને પાછી જા એવું કહેવાય નહીં

એમ કંઈ વનમાં જવાય નહીં
આંગળીઓ ઝાલીને ચાલતી ઇચ્છાઓ અધવચ્ચે રેઢી મૂકાય નહીં

– ભાવેશ શાહ ‘શહેરી’

વધતી વય એ એક આંકડો માત્ર છે. ઉંમર વધવાની સાથે ઇચ્છાઓ ઓછી થઈ જતી નથી. પચાસ વર્ષ પૂરાં થાય અને એકા(વન)ની શરૂઆત થાય એને આપણે ત્યાં વનપ્રવેશ કહી ઓળખાવાય છે. વનપ્રવેશ કરતી વખતની સંવેદનાનું આ સહજ સરળ ગીત કદાચ આપણા સહુનું સંયુક્ત ઊર્મિગાન છે. એકાવનમાં જવાનો અવસર આવે તો કંઈ રાતોરાત ઘડપણ આવી ગયેલું અનુભવાતું નથી. શંકરાચાર્યએ કહ્યું હતું: “वयसि गते कः कामविकारः, शुष्के नीरे कः कासारः |” (વય વીતી જાય પછી કામ ક્યાંથી? જળ સુકાઈ જાય પછી સરોવર ક્યાંથી?) નર્મદે પણ ‘સૂંઘે ન કો કરમાઈ જૂઈ’ એવું કહ્યું હતું. પણ આપણા કવિ વનમાં જતાં પહેલાં કઈ રીતે, ક્યારે અને કેમ જવું એનો આગોતરો તાગ મેળવી લીધા બાદ લાગણીના નવેનવ ખાનાંમાં વૃદ્ધાવસ્થાના ભૂખરા રંગને જે રીતે ફેલાઈ જતો અટકાવવા માંગે છે એ જોઈને આદિ શંકરાચાર્યની જ બીજી સૂક્તિ યાદ આવે છે:

अंगं गलितं पलितं मुण्डं दशनविहीनं जातं तुण्डम् । वृद्धो याति गृहित्वा दण्डं तदपि न मुच्यत्याशापिण्डम् ॥ (અંગ ગળી ગયાં, માથાનાં વાળ સફેદ થઈ ગયાં, મોઢું દંત વિનાનું થઈ ગયું, લાકડી લઈને ચાલવું પડતું હોય તો પણ વૃદ્ધ આશાપિંડને છોડતો નથી.)

વધતી વયના આ ગીતમાં લય ક્યાંક ક્યાંક લથડે છે એ તરફ કવિની સભાનતા અપેક્ષિત છે…

Comments (8)

સમય – રાજેશ રાજગોર

સમય બસ ધારણા મનની, સમય જેવું કશું ક્યાં છે?
મરે જો મન સમય ગાયબ, હતું જ્યાં જે બધું ત્યાં છે.

સમય ટૂંકો પડે સુખમાં, સમય લાંબો ઘણો દુઃખમાં
સમય સરખો નથી રહેતો, સમયની આ સમસ્યા છે

સમય જન્મ્યો નથી તો મૃત્યુ પણ ક્યાં થઈ શકે એનું
સમયની બહાર જે નીકળે સમાધિ બસ મળે ત્યાં છે

કશુંક આવી રહ્યું તો છે કશુંક જઈ પણ રહ્યું તો છે
સમય છે કે જીવન છે આ સમજવાની સમસ્યા છે.

જીવે માણસ વીત્યા પળમાં કરી ચિંતા નવા પળની
સમયની આ જ પળમાં જીવવું “રાજન” તપસ્યા છે

– રાજેશ રાજગોર

સમય વિશે મજાની મુસલસલ રચના. ધીમે રહીને મમળાવવા જેવી…

Comments (2)

રખડુનું ગીત – ઉદયન ઠક્કર

આપના જે મનમાં છે એ જ મારા મનમાં છે, દાખલા તરીકે કંઈ એવું :
પર્વતથી કેડીઓ ઓછી કરીને પછી ચરણોથી ભાગીએ, તો કેવું ?

તડકાનો પાક સોળ આની આવ્યાની ચાર ચકલીએ આપી વધામણી
લણવાને ચૌદ લોક એકઠું થિયું ને પછી લ્હેરખીએ લેવડાવી લાવણી

વાદળના માથા પર આવ્યો છે દાવ અને ઝરણાંઓ સંતાવા દોડે
સરવર તો પહેલેથી કાચ્ચો પાપડ, પણે બેસીને મોઢું મચકોડે

કોઈ કોઈ પંદર બાય દસમાં તો કોઈ વળી દસ બાય પંદરમાં રાજી
આપણે તો સહરાથી સપ્તર્ષિ હલ્લેસે હલ્લેસે હાલનારા હાજી !

મારું જો માનો તો દેવદારનું ઝૂલવું જમણી હથેળીમાં વાવજો
આપના વિચારોમાં વગડો ના આવે, તો એના વિચારોમાં આવજો

આપના જે મનમાં છે એ જ મારા મનમાં છે, દાખલા તરીકે કંઈ એવું :
પર્વતથી કેડીઓ ઓછી કરીને પછી ચરણોથી ભાગીએ, તો કેવું ?

– ઉદયન ઠક્કર

નાજુક નમણું ગીત…..

Comments (3)

અશ્વ – પ્રિયકાન્ત મણિયાર

વ્હેલી પરોઢથી મચ્યો આષાઢનો વરસાદ,
ને આછી ઘણી છે આવજા રસ્તા ઉપર,
હું હોટલે ચાની હૂંફાળી બાષ્પને ચાહી રહું જ્યાં રોકવા
ત્યાં સ્ટેન્ડ પર એકલ નિહાળું કોક ગાડી એકધારી
ક્યારની દદડી રહી,
ને એટલા પલળેલા પેખું ચર્મના એ દાબડા
ઘેરા બન્યા અંધાર જેવા અશ્વની આંખો ઉપર
કે વ્યોમથી પડતું હજી પાણી હવે પાછું પડે,
શોષાય ના;
બ્રશ સમી કાપેલ એની કેશવાળીની મહીં તો કેટલું રહે ?

ધોધ જે પાણી પડ્યું એમાં ઘણું તો વહી ગયું
એ ઠીક,
નહીં તો ક્યારનો ડૂબી ગયો એ હોત!
ને એય પણ કંઈ ઠીક જેવું થાત.
ને હજુ ઉપરાઉપર વરસી રહ્યાં આ વાદળાં,
લિસ્સી રુંવાટીની થકી લસરી રહ્યાં,
થોડાંક પણ એવાં ભરાયાં કાંધ પરના ભારમાં, સામાનમાં,
ને એટલે ચારે તરફ વ્યાપી વળ્યા આ શીતમાં
અકડાઈ ગયેલું પુચ્છ, આખી કાય,
શું એકાદ ક્ષણ બસ અગ્નિની જ્વાળા સમું ધ્રૂજી ઊઠે;
નીચી નમેલી ડોક એવા એક ઊંડા કંપથી
ઊંચી થઈને શીઘ્ર પાછી એ ક્ષણે નીચી પડી,
અંગ આખાની મહીં વ્યાપી વળી લાચાર ત્યારે
અશ્વની શુંયે વિમાસણ-
સૂર્યનો રથ જે વહે એ સપ્તમાંથી એક પોતે
ક્યાંથી અહીં આવી પડ્યો?

– પ્રિયકાન્ત મણિયાર

શબ્દચિત્ર છે – આ કવિની આ કાવ્યપ્રકારમાં અજબ હથોટી છે ! અંતિમ ચરણમાં અશ્વની મનોવ્યથા એક ઝાટકો આપી જાય છે અને કાવ્ય વિરમે છે… સ્વ. જગદીશભાઈ સ્માર્ત હમેશા કહેતા કે કાવ્ય અને ચિત્ર જુદા નથી હોતા….અહીં આપણે આ કાવ્ય ઉપરથી ચિત્ર હૂબહૂ કલ્પી શકીએ છીએ !!

Comments (1)

સત્ય કહો સંપૂર્ણ જ કિંતુ કહો જરા આડકતરું- – એમિલી ડિકિન્સન (અનુ. વિવેક મનહર ટેલર)

સત્ય કહો સંપૂર્ણ જ કિંતુ કહો જરા આડકતરું-
ગોળગોળ કહેવામાં રહ્યું છે સાચું સાફલ્ય
આપણા નિર્બળ આનંદ માટે કૈંક વધારે પડતું
તેજસ્વી છે સત્ય તણું આ શાનદાર આશ્ચર્ય

વીજ અને તોફાનો વિશે જે રીતે બાળકને
પ્રેમથી સમજાવીને કરીએ ડરને એના દૂર
એ જ પ્રમાણે સત્યને પણ હળુક આંજવા દઈએ
નહીં તો હરએક માણસ ખોઈ દેશે આંખનું નૂર –

-એમિલી ડિકિન્સન
(અનુ.: વિવેક મનહર ટેલર)

*

ટી. એસ. એલિયટે એક કવિતામાં કહ્યું હતું કે માનવજાત વધુ પડતી વાસ્તવિક્તા સહન કરી શકતી નથી. (human kind cannot bear very much reality.) આ જ વાત એલિયટના જન્મના બે વર્ષ પહેલાં દુનિયા ત્યજી જનાર એમિલીની પ્રસ્તુત રચનામાં જોવા મળે છે. ટૂંકી રચના, શબ્દોની કરકસર, ચુસ્ત પ્રાસાવલિ અને સુઘડ છંદોલય -એમિલીની લાક્ષણિક શૈલી અહીં પણ નજરે ચડે છે.

સંપૂર્ણ અને સીધું સત્ય આપણે ઝીલી-ઝાલી શકતા નથી. એમિલી સલાહ આપે છે કે ભલે સંપૂર્ણ સત્ય કહો પણ જરા આડકતરી રીતે, ગોળગોળ ફેરવીને પછી મુદ્દા પર આવો. કેમકે આપણો આનંદ નબળો છે, એ ઝળાંહળાં સત્યના અદભુત ઐશ્વર્યને વેંઢારી શકવા સમર્થ નથી. જે રીતે નાનાં બાળક વીજળી-તોફાનોથી ગભરાઈ ન જાય એ માટે આપણે એમને પ્રમથી સમજાવીએ છીએ અને એમનો ડર દૂર કરીએ છીએ, એ જ રીતે હળવેથી સત્યનો પ્રકાશ કોઈની પણ સામે લઈને આવવું રહ્યું, અન્યથા આંધળા થઈ જવાશે.

સત્યના તેજસ્વી પ્રકાશ અને આંખના આંધળા થવાની વાતની ગૂંથણીમાં એમિલીનું ‘eye -આંખ’ બાબતનું અભૂતપૂર્વ કવિકર્મ ચૂકવા જેવું નથી. આઠ જ પંક્તિની કવિતામાં આઠ-આઠ જગ્યાએ એમિલીએ કેવી સિફતપૂર્વક ‘આઇ’ છૂપાવ્યો છે એ તો જુઓ: ‘lies, bright, Delight, surprise, Lightning, kind, blind’

*

Tell all the truth but tell it slant —

Tell all the truth but tell it slant —
Success in Circuit lies
Too bright for our infirm Delight
The Truth’s superb surprise

As Lightning to the Children eased
With explanation kind
The Truth must dazzle gradually
Or every man be blind —

– Emily Dickinson

Comments (8)

શરત – રાજેન્દ્ર શાહ

પાતળી કેડી કેરકાંટાળી
અંટેવાળે આવતાં એખણ એરું,
સાવજ કેરી ખાલની મને આલ મજાની મોજડી
એને હોંશથી રે કંઈ પ્હેરું.

ગોફણના એક ઘાથી ઉતાર
નભનો તેજલ તારો,
ભાલની મારી બિંદીએ મેલી
અંજવાળું જનમારો,
ઝરણાંનાં ઝાંઝરની તાલે રમતા રે’તાં
ચડવો મારે એક અવિચલ મેરુ.

ઊગતા આ પરભાતનો રાતો-
રંગ ના ધૂમર ભૂરું,
એકબીજાને તાંતણે વણી આણ
પ્હોળે પટ પૂરું:
આટલું મારું વેણ રૂડી જે રીતથી રાખે
એ જ તે મારા આયખાનો ભડ ભેરુ :
આટલી મારી પત રાખે તે પર
ઓવારી જાઉં રે જીવન, પારવનું વ્હાલ વેરું.

– રાજેન્દ્ર શાહ

શરત વિનાનો પ્રેમ તો કેવળ પુસ્તકો અને ફિલ્મોમાં જ જોવા મળે. કવિ તો વાસ્તવિકતાની ધરતી પર ઊભા છે. બે જણ સાથે નીકળ્યાં છે. કેડી પાતળી પણ છે અને કેરડાના કાંટાઓથી ભરીભરી પણ. ઉપરથી વચ્ચે વચ્ચે વીંછી અને સાપ પણ પરોણાગત થઈ મળતાં રહે એવી પરિસ્થિતિ છે. આવામાં અડોઅડ ચાલ્યા વિના ચાલવાનું નથી, પણ નાયક જો નાયિકાને સિંહના ચામડામાંથી બનાવેલી મોજડી આપે તો કેવી મોજ! આ પહેલી શરત. હવે બીજી શરત- ગોફણના ઘાથી આકાશમાંથી તારો તોડી લાવવાનો, જેને બિંદીના સ્થાને લગાવીને નાયિકા જન્મારો અજવાળવા ચહે છે. ઝરણાંના ઝાંઝર પહેરીને નાયિકાને સંબંધનો અવિચલ મેરુ પણ ચડવો છે. શરતોની યાદી કંઈ અહીં પૂરી નથી થતી. ઊગતી સવારના ધુમ્મસનો ભૂખરો ભૂરો નહીં, પણ રાતો રંગ નાયકે આણી આપવાનો છે, જેને એકમેકના અસ્તિત્વના તાંતણે વણીને નાયિકા જીવતરના પહોળા પટને સભર કરવા ઇચ્છે છે. આટલું વેણ જે રૂડી રીતે રાખી બતાવે એને જ નાયિકા પોતાના આયખાનો સંગાથી બનાવનાર છે, અને આટલી ટેક રાખે એના પર ન માત્ર જીવન ઓવારી દેશે, એને પાર વિનાનું વહાલ પણ કરશે… કેવું મજાનું અલ્લડ ગીત!

(કેરકાંટાળી- કેરડાના કાંટાવાળી; અંટેવાળ-વચ્ચે પડેલું; એખણ-આ વખતે; એરુ-સાપ; ધૂમર-ધુમ્મસ; પત-આબરૂ, ટેક; પારવનું-પાર વિનાનું)

Comments (18)

(વાત કરતા નથી) – ભરત વિંઝુડા

આપણે આપણી વાત કરતાં નથી,
એમ નહીં, ખાનગી વાત કરતાં નથી.

કેમ લાગી રહી છે અધૂરી મને?
કાં તમે પણ પૂરી વાત કરતા નથી!

એક સંવાદ ચાલ્યા કરે છે સતત,
કોઈ પણ આખરી વાત કરતા નથી.

હાથમાં હાથ મૂકીને બેઠાં રહે,
ને કલાકો સુધી વાત કરતા નથી.

એક આદિ અનાદિથી ચાલ્યા કરે,
એ જ છે, કંઈ નવી વાત કરતા નથી.

આપણે પણ હતા એમ શરૂઆતમાં,
જેમ બે અજનબી વાત કરતા નથી.

એકલી સાવ પોતાની હોતી નથી,
એટલે ખાનગી વાત કરતા નથી.

– ભરત વિંઝુડા

ભરતભાઈ સાવ સરળ શબ્દોમાં મર્માળી વાત કરવામાં માહેર છે. વાત નથી કરતા કહી કહીને કવિએ જે રીતે વાત મલાવી મલાવીને કહી છે એનો જવાબ જડે એમ નથી… એકવાર વાંચી લીધા પછી ધરવ નહીં જ થાય એટલે તુર્ત જ ફરી વાંચવાનું મન થાય એવી ગઝલ…

Comments (6)

તો કહું !- રાજેન્દ્ર શુક્લ

લો કરું કોશિશ ને ફાવે તો કહું,
શબ્દ જો એને સમાવે તો કહું !

આપની નજરો જે ફરમાવી રહી,
એ ગઝલ જો યાદ આવે તો કહું !

શાંત જળમાં એક પણ લહરી નથી,
કોઈ થોડું ખળભળાવે તો કહું !

હું કદી ઊંચા સ્વરે બોલું નહીં,
એકદમ નજદીક આવે તો કહું !

કોઈને કહેવું નથી, એવું નથી,
સહેજ તૈયારી બતાવે તો કહું !

-રાજેન્દ્ર શુક્લ

માસ્ટરકલાસ…..

Comments (2)

EPIDEMIC – રમેશ પારેખ

જોયું ને ઊઠ્યો ને ચોંક્યો ને કૂદ્યો ને નાઠો રે નાઠો
મારામાંથી એક મારો જ ભયભીત ફાંટો રે ફાંટો

આતંક આતંક ઘરમાં ગલીમાં ને આખા નગરમાં
વળી આંખની સાથે આંખોમાં આંખોની ગાંઠો રે ગાંઠો

તરસમાં બધા હાથ રઘવાતા રઘવાતા રઘવાઈ બેઠા
હથેળીમાં વીરડાઓ ગાળ્યાં; નથી જળનો છાંટો રે છાંટો

અને ઘાવ પ્રસર્યા વિચારોમાં એવી તો કરપીણ ઝડપે
ન શ્રદ્ધા, ન પીડા, ન મૃત્યુ, ન ઔષધ, ન પાટો રે પાટો

હજુ ઘેનમાં લંગડા લંગડા લંગડા શ્વાસ લવક્યા કરે છે
આ ચહેરાના જંગલમાં વાગ્યો’તો સોનેરી કાંટો રે કાંટો

થયો છે કચરઘાણ કેવો અકસ્માત હરએક જણમાં
છે સૌ પાસે પોતાનું ગંધાતું શબ : કોઈ દાટો રે દાટો

– રમેશ પારેખ

શીર્ષક વાંચીને હું ચોંક્યો !!! – બે વાર ચેક કર્યું કે બધું બરાબર છે ને ! અત્યારની હાલત સાથે સજ્જડ બંધબેસતી રચના !! અત્યાર પૂરતો તો કોરોનાનો કોઈ આરો-ઓવારો ભાળતો નથી…..

Comments (3)

(સહેલું નથી હોતું !) – આબિદ ભટ્ટ

દરદને પોંખવાનું કામ કંઈ સહેલું નથી હોતું,
સ્મરણમાં રાખવાનું કામ કંઈ સહેલું નથી હોતું!

દિલાસાના શબદ સઘળા અસરને ખોઈ બેઠા છે,
નયન જળ રોકવાનું કામ કંઈ સહેલું નથી હોતું.

પડે દીવાલ જો, આખી ચણી હું એક ચપટીમાં,
તિરાડો પૂરવાનું કામ કંઈ સહેલું નથી હોતું.

અમે તો જન્મ દેનારા, સવાલો પર સવાલોને,
ઉકેલો લાવવાનું કામ કંઈ સહેલું નથી હોતું !

સુગંધો મોકલી ફૂલો ગજબની ચાલ ચાલ્યા છે,
હવા ને ચૂમવાનું કામ કંઈ સહેલું નથી હોતું !

જુઓ મારી હથેળીમાં ઊગ્યું તે સર્વ મારું છે,
મળ્યું તે છોડવાનું કામ કંઈ સહેલું નથી હોતું !

પતંગોની હકીકતથી નથી વાકેફ તું સહેજે ,
બુલંદી પામવાનું કામ કંઈ સહેલું નથી હોતું !

– આબિદ ભટ્ટ

પરંપરાનો મિજાજ જાળવી રાખતી મજાની ગઝલ…

Comments (3)

બુગદામાંથી પસાર થતાં – પ્રજારામ રાવળ

સર્જ્યાં તેં આ ગિરિવર, અમે ભવ્ય અટ્ટાલિકાઓ.
તારા વ્હેતા નદ થકી વહાવ્યા જ વિદ્યુતપ્રવાહો.
તારાં પંખી; ગગન અમ આ વેગીલાં વાયુયાનો.
તારી બ્હોળી પ્રકૃતિ; નગરો શોભીતાં કૈં અમારાં.

તારી પૃથ્વી ઉપર નકશો ફેરવીએ મનસ્વી.
વીંધી પ્હાડો તુજ નીકળીએ તીર જેવા તરસ્વી.
પૂર્યો સિન્ધુ. ધરતી ઉરથી વારિ ખેંચ્યા ફુવારે.
તારાં બ્હોળાં રણ રસળવા હામ હૈયે અમારે !

કાલે જન્મ્યો મનુ વિકસતો વામનેથી વિરાટ.
વ્યાપી જાશે ત્રણ ભુવનમાં વર્ધતો એ અફાટ !
તારા મત્સ્ય સ્વરૂપ સરખો, એકથી અન્ય પાત્રે
થાતો ન્યસ્ત ક્ષણ મહિ અહો, દીર્ઘથી દીર્ઘગાત્રે !

આકાશો સૌ સભર મનુજે, તું તદા ક્યાં જ હોશે ?
કે, ત્યારે યે મનુસ્વરૂપમાં હે પ્રભો તું જ સ્હોશે?

– પ્રજારામ રાવળ

શીર્ષક પરથી સમજાય છે કે કવિ કોઈક પર્વતમાં કોરાયેલા કોઈક બુગદામાંથી પસાર થતાં હશે ત્યારે જે વિચારતંતુ હાથ લાગ્યો હશે એને ઝાલીને આ રચનાનું સર્જન થયું છે.

ઈશ્વરના સર્જનની મુખામુખ મનુષ્યોના સર્જન મૂકીને ઈશ્વરનો તાગ મેળવવાની કોશિશ એટલે આ રચના. કવિ ઈશ્વરને કહે છે કે તેં આ પર્વતોનું સર્જન કર્યું તો અમે ભવ્ય અટારીઓ, મહેલોનું. ઈશ્વરે વહેતી નદીઓ સર્જી તો મનુષ્યે એમાંથી વીજળી મેળવી. આકાશમાં ઈશ્વરસર્જિત પંખીઓ તો માનવસર્જિત વાયુયાનો ઊડી રહ્યાં છે. ઈશ્વરે વિશાળ કુદરત રચી, મનુષ્યે શહેરો.

આટલું ઓછું હોય એમ મનુષ્ય ઈશ્વરનિર્મિત પૃથ્વીનો આખો નકશો જ જાણે બદલી રહ્યો છે. પર્વતોમાં તીર જેવા વેગથી બોગદાંઓ કોરીને માણસ આરપાર નીકળી ગયો છે. દરિયાને પૂરીને જમીનો સર્જી અને જમીનમાંથી પાણી ખેંચી કાઢ્યાં. રણને પણ નંદનવન કરવાની હામ મનુષ્યો રાખે છે.

ગઈકાલનો મનુષ્ય આજે એ રીતે વિરાટસ્વરૂપ ધારી રહ્યો છે, જે રીતે મત્સ્યાવતારમાં મત્સ્ય એક પાત્રમાંથી બીજા પાત્રમાં સતત મોટું ને મોટું કદ પ્રાપ્ત કરતું હતું. કવિએ એકસાથે વિષ્ણુના બે અવતારોને અહીં ખપમાં લીધા છે. પળવારમાં એ વિશાળમાંથી અતિવિશાળ બની શકવાનું સામર્થ્ય પ્રાપ્ત કરી ચૂક્યો છે. પણ કવિને સવાલ એ થાય છે કે આખું આકાશ જો મનુષ્યોથી ભરાઈ જશેવ તો ઈશ્વર ક્યાં રહેશે? અને કાવ્યાંતે પ્રશ્નરૂપે જ કવિ ઉત્તર પણ આપે છે કે મનુષ્ય પોતે ઈશ્વરનું જ સ્વ-રૂપ છે.

આ કવિતા લખાઈ હશે એ સમયગાળાથી આજે તો મનુષ્ય એટલો આગળ નીકળી ગયો છે કે કવિતા આપણને ગઈકાલની હોય એમ લાગે, પણ એ છતાંય કવિતાનો જે ભાવસમગ્ર છે, એ હજીય તરોતાજા અનુભવાય છે. પહેલા ચતુષ્કને બાદ કરતાં કવિએ આખા સૉનેટમાં ચુસ્ત પ્રાસ પ્રયોજ્યા છે એની નોંધ લેવાનું કેમ ચૂકાય?

Comments (2)

(ઉત્તરમાં) – જયંત શેઠ

હવે ઓ જીવ! રહેવા દે ફરી ફરવાનું ચક્કરમાં
રઝળવાથી નથી દાખલ થવાતું એમના ઘરમાં

નથી એ મારા જીવતરમાં, છતાં છે મારા અંતરમાં
ગયા જો એક ઘરમાંથી તો આવ્યા એ બીજા ઘરમાં

દિલાસાની જરૂરત છે મને પ્રત્યેક ઠોકરમાં
પ્રભુ થોડીઘણી વાચા મૂકી દે સર્વ પથ્થરમાં

બચાવીને રહો નહીં જાતને, જગના અનુભવથી,
પ્રહારો એ જરૂરી છે, જીવનના શિલ્પ ઘડતરમાં

ન આવ્યા આપ તો ઉત્સાહ ઓસરતો ગયો નિશદિન
નદી આવી નહીં તો રોજ આવી ઓટ સાગરમાં

ખબર નહોતી કે સપનું, રાતનું સાચું પડી જાશે
ઉઘાડી આંખ જોયું તો, ઊભા’તા આપ ઉંબરમાં

તમારા સ્વપ્ન મેં જાગ્રત અવસ્થામાંય જોયાં છે
વીત્યું આખું જીવન મારું પ્રણયની ગાઢ નીંદરમાં

ખીલવવા ફૂલ આશાના કરું છું લોહીનું પાણી
નથી એ ફૂલ એવાં જે ખીલે ઝાકળની ઝરમરમાં

જીવન મારું ટૂંકાવો ના તમે મારી ખબર પૂછી
ઘણાંયે શ્વાસ ઓછા થઈ ગયા છે એના ઉત્તરમાં

– જયંત શેઠ

આવી સંઘેડાઉતાર ગઝલો આજકાલ બહુ ઓછી જોવા મળે છે. નવ શેર છે, પણ નવરસ જેવા, નવરંગ જેવા. બધા જ શેર ફરી-ફરીને વિચારતા કરી દે એવા ઉમદા…

Comments (9)

હૃદયના તાર એવા ઝણઝણે – મુકેશ જોષી

તું કદી સામે મળે ત્યારે હૃદયના તાર એવા ઝણઝણે કે
કંપને નીરવ થતાં વર્ષો વીતે.
આપણી વચ્ચે અકળ જે મૌન કેરું દ્વાર તું ખોલે નહીં
જાણે કદાપિ ના મળ્યાં એવી રીતે !
તે પછી નિ:શ્વાસની ભીંતો ઉપર માથું પછાડી
શબ્દના નાજુક કપોલે લોહીના ટશિયા ફૂટે કહું શી રીતે ?

મધ્યરાતે તપ કરું, સમણાં તણા હું જપ કરું ને
આંસુની આહુતિઓ આપી ઘણાંયે વ્રત કરું-
તે છતાં પામું અગર વરદાનમાં વેરાન તો
છાતી વચાળે હોય જે પોલાણ એ ક્યાંથી ભરું ?
ચાલ શતરંજી સમય એવી ઘડે, મ્હોરાં બધાં ઘેરી વળે ને
મધ્યમાં હો કેદ એ રાજા છતાં ક્યાંથી જીતે !?

ને સંબંધોના બધા ઝળહળ દીવામાં એક ગમતો
દીપ જો બુઝાય તો આ આંખ પણ ફાટી પડે,
કે ધુમાડો યાદનો વંટોળ થઈ ઘૂમરાય ત્યારે ચોતરફ
ત્યાં આયખું જાણે તણખલું થઈ ઊડે !
રક્તરંગી જે મુકાતો કાપ કે સમજાય નહીં અનુરાગ
કરવા સો હૃદયના ભાગ એવું કેટલું
પટકાય આ વ્યાકુળ ચિત્તે…

– મુકેશ જોષી

रहिमन धागा प्रेम का, मत तोड़ो चटकाय।
टूटे से फिर ना जुड़े, जुड़े गाँठ परी जाय॥

Comments (1)

કંટકની સુવાસ – ગની દહીંવાલા

હૃદયને ભૂખ હતી, આંખડીને પ્યાસ હતી,
ખુદાનો પાડ એ સોગાદ તારી પાસ હતી !

સદા એ તેજ-તિમિરની જ આસપાસ હતી,
પૂનમ કદી, તો કદી જિંદગી અમાસ હતી.

ફનાગીરી જ અમરતાનો અંશ ખાસ હતી,
કે આપ લક્ષ્ય હતાં જિંદગી પ્રવાસ હતી.

સુણી એ વાત, વળ્યો છે ફૂલોને પરસેવો,
ચમનમાં પ્રસરી તે કંટક તણી સુવાસ હતી.

એ વર્ષગાંઠ હતી પાનખરની ઉપવનમાં,
વસંત ચાર દિવસ, રેશમી લિબાસ હતી.

રૂપેરી ચાંદનીમાં શ્યામ કેશ લહેરાયા,
પૂનમની રાતમાં ખીલી ઊઠી અમાસ હતી.

દુઃખી જીવનને હતી ઝંખનાઓ કોઈની,
કે જન્નાતો ય જહન્નમની આસપાસ હતી.

અજબ સ્વભાવ હતો નિત્યની નિરાશાનો,
મુસીબતોની પળેપળ, સ્વયં વિલાસ હતી.

ગમીની વાત કરું છું ઘણી ખુશીથી ‘ગની’
ખુશીની વાત અધાર પર બહુ ઉદાસ હતી.

– ગની દહીંવાલા

“સુણી એ વાત, વળ્યો છે ફૂલોને પરસેવો, ચમનમાં પ્રસરી તે કંટક તણી સુવાસ હતી.”……..-જીવનની નકરી વાસ્તવિકતા….

બધા જ શેર સરસ….

Comments (2)

(વાદળ વરસ્યું કે પછી તું?) – નેહા પુરોહિત

વેણીથી વીંછીયા લગ લથબથ ભીંજાઈ, જાણે સપનાની નગરીમાં છું !
અલ્યા, વાદળ વરસ્યું કે પછી તું ?

ઓઢણીમાં છાપેલી લીલવણી વેલ ઉપર સાચકલાં ઉગ્યાં છે ફૂલ;
નીતરતી પીઠને વળગીને એ પાછું શું શું કરાવે કબૂલ !
કેમ રે કહું કે તારે શ્રાવણની મોજ, મારે રોમરોમ વૈશાખી લૂ..
અલ્યા, વાદળ વરસ્યું કે પછી તું ?

વરસે આવે, ને ગાજીવાજીને વરસે એ વાદળને કરવું શું વહાલ ,
ચાહું હું તારો કાયમનો સંગાથ બાજે મીઠો મૃદંગી જપતાલ !
વાદળમાં સરસરસર સરે જેમ વિજ, એમ તારા આલિંગનમાં હું..
પછી વાદળ વરસ્યું… ને પછી તું…

– નેહા પુરોહિત

કવયિત્રીએ આ ગીત એક પરિણીતાની સ્વગતોક્તિ છે એવું ક્યાંય લખ્યું ન હોવા છતાં ગીત શરૂ થતાં જ આ વાત સ્પષ્ટ થઈ જાય છે. જે રીતે કુમારિકાઓને શિવલિંગની પૂજા કરવાનો નિષેધ ગણાવાયો છે, એ જ રીતે વિંછીયું માત્ર પરિણીત સ્ત્રીઓ જ પહેરી શકે. પગે વિંછીયા પહેરવાથી ગર્ભાધાન સુગમ બને છે, માસિકની સમસ્યાઓમાંથી છૂટકારો મળે છે વગેરે જેવા કારણો આ માટે સામે ધરાય છે. પણ અત્રે એ ચર્ચા અસ્થાને છે.

માથાની વેણીથી લઈને પગના વિંછીયા સુધી પરિણીતા લથબથ ભીંજાઈ છે, પણ આ ઘટના શું હતી એ બાબતમાં એ સાશંક છે. આ હેલી વરસાદની હતી કે વહાલમના વહાલની એ બાબતમાં એ નિશ્ચિત થઈ શકતી નથી. અવઢવની આ પાતળી નાજુક દોર પર આખું ગીત કેવું સુગમ સહજતાથી ટક્યું છે એ જોવા જેવું છે. ઓઢણીમાં જે વેલ છાપી હતી, એમાં જાણે આ ભીંજામણીથી અચાનક ‘સાચાં’ પુષ્પો મહોરી આવ્યાં છે. પોતે જાગતાંમાં ભીંજાઈ છે કે સ્વપ્નમાં, વરસાદમાં ભીંજાઈ છે કે વહાલમાં એની ખાતરી નથી પણ ઓઢણીમાં ખીલેલાં ફૂલ એને સાચાં લાગે છે. આ છે કવિતા! નાયિકા સ્વાભાવિકપણે ગામડાંની ગોરી છે એટલે કમખો પણ ‘બેકલેસ’ જ હોવાનો. ‘નવપલ્લવિત’ થયેલી આ ભીની ઓઢણી એની વહાલ/વરસાદ નીતરતી પીઠને વળગી પડીને વહાલમ જે કહે એ બધું કબૂલ કરવાની વળી ફરજ પાડે છે. જો કે આ ફરજ ઓઢણી પાડે છે કે વહાલમ ખુદ એય અધ્યાહાર રહે છે. બંને અર્થ સમજી શકાય છે અને બંનેમાં મોજ છે. વહાલમજી તો કદાચ સ્વપ્નમાં જ આવ્યા હોવા જોઈએ કેમકે એને પરદેશમાં વરસાદી મસ્તી છે અને નાયિકાને રોમેરોમ વિરહની વૈશાખી લૂ દઝાડે છે.

બારમાસી તરસની સામે વાદળ વરસે એકવાર ચોમાસામાં આવીને ગાજવીજ સાથે વરસે તો એને ચાહવું-ન ચાહવુંની મીઠી મૂંઝવણ છે. પંક્તિમાં બે વાર વપરાયેલ ‘વરસે’માં જે યમક અલંકારની મીઠી મહેક ઊઠે છે એ ચૂકવા જેવી નથી. વાદળ કે વહાલમની અવઢવ અહીં આવીને એકાકાર થાય છે. હૈયાના મૃદંગ પર સંગાથનો જપતાલ કદીમદીના સ્થાને કાયમી બનેની આરત સાથે પરિણીતા વાદળમાં વીજ, એમ મનના માણીગરના આલિંગનમાં સરે છે ને એય વાદળ ભેળો એના પર વરસે છે…

આસ્વાદ લાંબો થઈ જવાની ભીતિ હોવા છતાં કવિતામાં રહેલી વર્ણસગાઈ (alliteration)ની વાત કરવાનો મોહ જતો કરી શકાય એમ નથી. પહેલી પંક્તિથી શરૂ થઈ આખર લગ ગીતમાધ્રુર્યમાં પ્રાણ પૂરતો એનો રણકાર સતત સંભળાતો જ રહે છે. વીણી-વિંછીયા, લગ-લથબથ, વાદળ-વરસ્યું, વરસે-વરસે-વાદળ-વહાલ, વાદળ-વીજ, સરસરસર-સરે… ગીત સતત આ નાદખંજરીથી રણકતું જ રહે છે. આ એક કડી તો જુઓ – (ઓઢણીમાં) (છાપે)લી-લી-લ(વણી) (વે)લ (ઉપર) (સાચક)લાં (ઊગ્યાં) (છે) (ફૂ)લ – ‘લ’કારનો વરસાદ વરસ્યો છે… અને એના છાંટા કબૂલ-લૂ-વહાલ-જપતાલ એમ અંત લગી  ભીંજવતા રહે છે…

Comments (24)

ઘડૂલી કયારે શિર પર ચડી? – પ્રભુલાલ દ્વિવેદી

.             ઘડૂલી ક્યારે શિર પર ચડી?
.             માટીને મોટપ કયારે મળી? –
માટી ખોદી, મૂકી ગધેડે કુંભાર ઘર લઈ આવ્યો,
ગારો કીધો પગથી ખૂંદી ખૂંદી પિંડ બનાવ્યો,
આકાર પામવા ચડી ચાકડે ત્યારે કાયા ઘડી.
.                     ઘડૂલી કયારે શિર પર ચડી?

છાંયે સૂકવી ટપલે ટીપી રાખ મહીં રગદોળી,
હશે હજી સંસ્કારો ઓછા, કાય રંગમાં રોળી,
છતાંય કાચી હતી તે પાકી થવા નિંભાડે ચડી.
.                     ઘડૂલી કયારે શિર પર ચડી?

પછી ટકોરે તપાસી જોઈને લઈ ગઈ કોઈ પનિહારી,
ગળે દોરડું બાંધી એને ઊડેં કૂવે ઉતારી,
બડબડ કરતી બૂડી કૂપમાં જાણ્યું મુક્તિ જડી.
.                     ઘડૂલી કયારે શિર પર ચડી?

દીધો આંચકો, એક પલકમાં પાછી ઉપર તાણી,
અગર છાકમાં હતી છલકતી તો અધૂરી કહેવાણી,
પૂર્ણ હતી તો ચડી શિશ પર મુસીબતોથી લડી.
.                     ઘડૂલી કયારે શિર પર ચડી?

– પ્રભુલાલ દ્વિવેદી

માટીમાંથી બનેલો ઘડો માથા પર ચડવાની લાયકાત મેળવે એ પહેલાં એણે કઈ કઈ કસોટીઓમાંથી પસાર થવાનું રહે છે એ વાત તત્કાલીન કાવ્યબાનીમાં કરીને કવિ આપણને પણ કેટલી વીસે સો થાય નું જીવનગણિત શીખવાડે છે..

Comments (3)

કૃષ્ણ – કમલા દાસ (અનુ. વિવેક મનહર ટેલર)

તારી કાયા મારી કેદ છે, કૃષ્ણ,
તારાથી આગળ હું જોઈ શકતી નથી.
તારી કાળાશ મને આંધળી બનાવી દે છે,
તારા પ્રેમવચન શાણી દુનિયાના કોલાહલને ઢાંકી દે છે.

– કમલા દાસ

માણસ પ્રેમમાં હોય ત્યારે અત્ર, તત્ર, સર્વત્ર પ્રેમ અને પ્રેમી જ દેખાય. પ્રેમથી મોટું કોઈ બંધન નથી અને પ્રેમથી વધીને કોઈ આઝાદી પણ નથી. પ્રેમમાં માણસ પ્રેમીની આંખ અને પાંખ પહેરી લે છે એટલે પ્રેમી જે જુએ એ જ જોઈ શકાય છે, અને પ્રેમી ચાહે એટલું જ ઊડી શકાય છે. કમલા દાસની આ ટૂંકી ટચરક કવિતા આમ તો કૃષ્ણપ્રેમની છે, પણ એ માત્ર કૃષ્ણ પૂરતી સીમિત નથી… વાત વયષ્ટિની છે, પણ સમષ્ટિને સમાવી લે છે… જો કે કૃષ્ણ તો આમેય સૃષ્ટિપુરુષ, યુગપુરુષ છે…

Krishna

Your body is my prison, Krishna,
I cannot see beyond it.
Your darkness blinds me,
Your love words shut out the wise world’s din.

– Kamala Das

Comments (6)

सख़्तियाँ करता हूँ दिल पर – અલ્લામા ઇકબાલ

सख़्तियाँ करता हूँ दिल पर ग़ैर से ग़ाफ़िल हूँ मैं
हाए क्या अच्छी कही ज़ालिम हूँ मैं जाहिल हूँ मैं

મારા દિલ પર હું જ કેર વર્તાવું છું, ગૈરથી હું અજાણ્યો છું. વાહ ભાઈ ! શું વાત કરી તમે !- હું જાલિમ છું…હું જાહિલ છું !! [ અર્થાત, મારા દિલ પર અત્યાચાર અન્ય કોઈ નથી કરતુ, હું પોતે જ કરું છું, અને તેથી જમાનો મને જાલિમ અને જાહિલ કહે છે ! જો કોઈ અન્ય ગુનેગાર હોતે તો બધું બરાબર હતું ! ]

मैं जभी तक था कि तेरी जल्वा-पैराई न थी
जो नुमूद-ए-हक़ से मिट जाता है वो बातिल हूँ मैं

“હું” જ્યાં સુધી હતો ત્યાં સુધી તારો સાક્ષાત્કાર શક્ય નહોતો. “હું” એ સત્યનો પ્રકાશ ફેલાતાંની સાથે જ મટી જાય એવો અજ્ઞાનરૂપી અંધકાર છે-અન્ય કશું જ નથી. આ મારો પ્રિય શેર છે. ઇસ્લામિક દર્શનની સીમા લાંઘીને શાયર બહાર આવે છે.

इल्म के दरिया से निकले ग़ोता-ज़न गौहर-ब-दस्त
वाए महरूमी ख़ज़फ़ चैन लब साहिल हूँ मैं

આત્મજ્ઞાનના દરિયેથી મરજીવા હાથે મોતી લઈ નીકળ્યા. હાય દુર્ભાગ્ય ! હું કિનારે આરામથી હાથ હલાવતો આંટા મારતો રહ્યો.

है मिरी ज़िल्लत ही कुछ मेरी शराफ़त की दलील
जिस की ग़फ़लत को मलक रोते हैं वो ग़ाफ़िल हूँ मैं

અહીં વક્રોક્તિ છે – મારી બેઆબરૂઈ એ જ મારી શરાફતની સાબિતી છે, જેની ગફલતો પર આખો મુલ્ક છાજિયાં લે છે હું એવો ગાફિલ છું. અર્થાત – હું જો ચબરાક-ચતુર હોતે તો હું બેઆબરૂ હોતે જ નહિ !! મારામાં ગુનો કરવાની પણ સુધ-બુધ નથી.

बज़्म-ए-हस्ती अपनी आराइश पे तू नाज़ाँ न हो
तू तो इक तस्वीर है महफ़िल की और महफ़िल हूँ मैं

અસ્તિત્વની મહેફિલ ! તારી ચમક-દમક પર તું ઘમંડ નહી કર, તું તો મહેફિલની એક તસ્વીર માત્ર છે – અને હું મહેફિલ સ્વયં છું !! [ આ ઇકબાલનો અસલ મિજાજ છે – ફરી અહીં ઇસ્લામિક દર્શન ઉપરાંતની વાત છે – ” હું છું, તો જ બધું છે ” – અહં બ્રહ્માસ્મિનો નાદ છે ]

ढूँढता फिरता हूँ मैं ‘इक़बाल’ अपने-आप को
आप ही गोया मुसाफ़िर आप ही मंज़िल हूँ मैं

હું ‘ઇકબાલ’ મારી જાતને શોધતો ફરું છું, જાણે કે હું જ મુસાફર છું અને હું જ મઁઝીલ છું [ અદ્વૈતવાદની ઝલક !! ]

– અલ્લામા ઇકબાલ

અંગતરીતે જો મારે ઉર્દુના ત્રણ મહાકવિ ગણાવવાના હોય તો ગાલિબ પછીનું નામ અલ્લામાનું આવે. ઇકબાલની રાજકીય વિચારધારાને લીધે સ્વતંત્ર ભારતમાં તેઓનું નામ રંજીશ સાથે લેવાય છે, પણ ન્યુટ્રલી જોઈએ તો ભાષાના તેઓ જેવા બળકટ કલાકાર બહુ ઓછા થયા છે. તેઓનું ફિલોસોફીનું જ્ઞાન ખરેખર તલસ્પર્શી હતું અને તેઓ જીવ્યા ત્યાં સુધી માનવજાતના ઉત્થાન માટે સતત વિચારતા રહ્યા. પ્રસ્તુત આખી ગઝલ અત્યંત મજબૂત છે…..

Comments (1)

જીવવાનું છે….-રઈશ મનીઆર

ઘણું છોડી પછી થોડાની સાથે જીવવાનું છે,
ફગાવી દે વજન નૌકાની સાથે જીવવાનું છે.

વિકટ જ્યાં એક પળ પોતાની સાથે જીવવાનું છે,
જીવનભર ત્યાં સતત બીજાની સાથે જીવવાનું છે.

દિવસનો બોજો લઈ રાતે સૂવાનો ડોળ કરવાનો,
ઊઠી, આખો દિવસ, શમણાંની સાથે જીવવાનું છે.

બધાએ પોતપોતાની જ બારીમાંથી દેખાતા,
ભૂરા આકાશના ટૂકડાની સાથે જીવવાનું છે.

જીવનના ચક્રને તાગી શકે તું પણ સરલતાથી,
તલાશી કેન્દ્રને, ત્રિજ્યાની સાથે જીવવાનું છે.

તું સાચું બોલજે, ઈશ્વર ! તને શ્રદ્ધા છે માણસ પર ?
ને માણસજાતને શ્રદ્ધાની સાથે જીવવાનું છે.

-રઈશ મનીઆર

મક્તા પર મુગ્ધ થયો….જો કે બધા જ શેર માતબર….

Comments (6)

ભમ્મરિયું વ્હેણ – મનોજ ખંડેરિયા

આપણી જુદાઈનું આ ભમ્મરિયું વ્હેણ
મને કોણ જાણે ક્યાંય જશે તાણી

ચંપાની ડાળ જેવું અહીંયાં નિત લીલુંછમ
ઝૂલવા છતાં ન કૂલ ઊગ્યું
ઝંખ્યાનો કેવડો તો કૉળ્યો ના કોઈ દિ’
ના એકેય વ્રત મારું પૂગ્યું
સુસવાતા દિવસોએ કાગળના જેવી આ
જાતને ક્યાં આજ મૂકી આણી

જળથી ભીનાશ બધી અળગી થઈ જાય
અહીં ચૈતરના તાપ પડ્યા એવા
અહલ્યાની જેમ મારી ઇચ્છા તો પથ્થર
આ જીવતરના શાપ કોને કે’વા
એકલી કદંબ હેઠ બેઠેલી સૂનંમૂન
ધેનુની આંખનું હું પાણી

– મનોજ ખંડેરિયા

ધીરગંભીર ગીત…..જળથી ભીનાશ અળગી થઈ જાય !!! – વાહ !!

Comments (2)

વાઇરસ જ્યારે આવશે – એન્જેલો ગેટર (અનુ.: વિવેક મનહર ટેલર)

વાઇરસ જ્યારે આવશે,
ટેલિવિઝનના પડદા પરના બોલકણાં માથાંઓ
તમને કહેશે કે જહાજનો ત્યાગી દો.
એકલતાના દરિયામાં તમારી જાતને ડૂબાડી દો.
ઘરોને લાઇઝોલ વાઇપ્સ અને હેન્ડ સેનિટાઇઝર્સમાં ગરકાવ કરી દો.
શરીરને ફેસ માસ્ક અને હાથમોજાંથી એ રીતે ઢાંકી લો
જ્યાં સુધી એ તમારી બીજી પ્રકૃતિ ન બની જાય.

એ લોકો તમને કહેશે કે તમારા રસોડાને પેનિક રૂમમાં તબદીલ કરો,
ભોંયરાને અણુવિસ્ફોટ સમયના આશ્રયસ્થાનમાં.
સૂચના આપશે કે તમે જે કંઈ પણ એકઠું કરી શકો છો,
હાથવગું કરી લો.
તેઓ કહેશે કે દુકાનો ખાલી થઈ ગઈ છે,
અને ખ્યાલ સુદ્ધાં નથી કે તેઓ તમારા વિશે પણ વાત કરી રહ્યા છે.

તેઓ ક્વૉરન્ટીનના ધર્મસૂત્રોમાંથી ઉપદેશ આપશે.
નીતિકથાઓના બરાડા નાંખશે:
“તમારે તમારા હાથ ધોવા જોઈએ.”
“ભગવાન દુનિયાને એટલો બધો પ્રેમ કરતા હતા
કે જે લોકોને એ બચાવવા ઇચ્છતા હતા
એમનાથી જ એણે સૉશ્યલ ડિસ્ટન્સ રાખ્યું.”
આ વાત તમને અચંબિત કરી દેશે કે કઈ રીતે કોઈ નાયક
કે કોઈ સરકાર
કોઈ એવી વ્યક્તિને બચાવી શકે છે, જેને તેઓ સ્પર્શી પણ નથી શકતાં.

જ્યારે વાઇરસ આવશે,
તમે તમારા પ્રિયજનને એવી રીતે ચૂમશો જાણે કે એ છેલ્લી વાર ન હોય,
કારણ કે કદાચ એમ જ હશે.
તમે ટાઇમલાઇન પર એવી રીતે નાચશો
જાણે પગનાં પંજા તળે દાયકાઓ ચોંટી ન ગયા હોય.
ગાવ જાણે ગાયકો ગળામાં ન ફસાઈ ગયા હોય.
હસો એમ જાણે આનંદ કેવો હોય એ તમે આખરી વાર ન અનુભવતા હોવ,
કારણ કે કદાચ એમ જ હશે.

અને આજ પૂરતું આટલું બસ.

– એન્જેલો ગેટર
(અનુ.: વિવેક મનહર ટેલર)
*

કોરોના મહામારીએ આખી દુનિયાને છેલ્લા આઠેક મહિનાથી નાગચૂડમાં એવું જકડી છે કે સૌની જિંદગીમાં સ્વપ્નેય વિચાર્યા નહીં હોય એવા આમૂલ ફેરફાર આવી ગયા. પ્રસ્તુત રચના ખાસ્સી મુખર હોવા છતાંય એમાં કંઈક એવું તત્ત્વ છે, જે આપણી છે…ક ભીતર સ્પર્શ્યા વિના રહેતું નથી. પોતાની જાતને બચાવવા માટેની ગાઇડલાઇન્સને અનુસરતાં અનુસરતાં આપણે સહુ અંદરથી કદાચ સાવ જ ખાલીખમ થઈ ગયાં છીએ. આવતીકાલે આપણે ‘હોઈશું કે કેમ’ની સરાબોળ અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. કાવ્યમાંથી ઊઠતો આજમાં જીવી લેવા -Carpe Diem- નો સંદેશ ચૂકવા જેવો નથી.

*
When the Virus Comes

When the virus comes,
Talking heads on television screens
will tell you to abandon ship.
To drown yourself in a sea of isolation.
Submerge homes in lysol wipes and hand sanitizer.
Engulf body in face mask and plastic glove
until it becomes second nature.

They will tell you to turn your kitchen into a panic room,
basement into fallout shelter.
Instruct you to grab everything you can,
while you still can.
They will say
the shelves at the stores are empty,
and not realize they are also talking about you.

They will preach from the gospel of quarantine.
Shout parables of
“Thou Shalt wash thine hands.”
“For God so loved the world
he socially distanced himself
from the very people he wanted to save.”
It will make you wonder how a hero
or a government
Can rescue someone they can’t even touch.

When the virus comes,
you will kiss your lover like it’s the last time,
because maybe it is.
You will dance on timelines
like decades are stuck on the balls of your feet.
Sing like a quartet is trapped in your throat.
Laugh like this is the last time you know what joy feels like,
because maybe it is.

And today that will be more than enough.

– Angelo Geter

Comments (13)

(બે વાત પર) – રિન્કુ રાઠોડ ‘શર્વરી’

હું ગઝલ લખતી રહું બે વાત પર,
એક તારા પર, બીજી વરસાદ પર.

હું અરીસો થઈ જરા ઊભી રહી,
પથ્થરો આવી ગયા છે જાત પર.

હું પ્રથમ આખું નગર ભેગું કરું,
ને પછી ચર્ચા કરું એકાદ પર.

મેં કહ્યું કે, માપમાં રહેજે જરા,
યાદ ત્યાં આવી ચડી વિખવાદ પર.

તું બધી ફરિયાદ લઈને આવજે,
પણ શરત છે, આવજે વરસાદ પર.

– રિન્કુ રાઠોડ ‘શર્વરી’

વરસાદ પર કંઈ કેટલાંય કાવ્યો લખાયાં હશે, લખાતાં રહેશે. આ ગઝલમાં મત્લા અને આખરી શેર- એમ બે શેર વરસાદ પર છે પણ કેવા મજાના! ગઝલ લખવાનું કારણ ક્યારેક ‘આંખના ખૂણે હજીય ભેજ છે’ હોય તો ક્યારેક ‘સ્વયંથી એક પ્રકારે અલગ થવાનું છે’ હોય છે; ક્યારેક એ ‘કોઈ લખાવે છે ને લખ્યે જાઉં છું ‘ફના’’, તો વળી ક્યારેક ‘સમયનું ઝેર ચડ્યું છે, ઉતારવું પડશે’ એમ પણ હોય. કવચિત્ ‘મને વ્યક્ત કર કાં તને તોડું ફોડું’નો જાસો મળે ત્યારે ગઝલ લખાય છે. કવયિત્રી પણ બે વાત પર ગઝલરત રહેવાનું કબૂલે છે, એક પ્રિયજન પર ને બીજી વરસાદ પર. વરસાદની સર્વવ્યાપક અખિલાઈને પ્રિયજન સાથે સાંકળી લઈ કવયિત્રી બંનેનું સમાન ગૌરવ કરે છે. છેલ્લો શેર પણ એવો જ મજાનો છે. ફરિયાદ લઈને આવવાની મનાઈ નથી. એક-બે નહીં, બધી જ ફરિયાદ લઈને આવવાની સામા પાત્રને છૂટ છે પણ શરત માત્ર એટલી જ છે કે વરસાદ પડતો હોય ત્યારે જ આવવું, જેથી આંસુ આંખથી દડે તો ફરિયાદ કરનારને ખબર ન પડે. પોતીકી દર્દ છૂપાવીને સામાને સંપૂર્ણ અભિવ્યકત થવાની આઝાદી આપતો આ શેર પણ ચિરસ્મરણીય થવા સર્જાયો છે.

Comments (18)

જોઉં છું – મનહરલાલ ચોક્સી

કદી હું તમારા તરફ જોઉં છું
મને થાય છે કે બરફ જોઉં છું

કદી હું તમારા પ્રતિ જોઉં છું
વહેતી નદીની ગતિ જોઉં છું

હૃદયથી તમારા ભણી જોઉં છું
તો લાગે છે પારસમણિ જોઉં છું

તમારો ચહેરો સરસ જોઉં છું
કે વીતી ગયેલાં વરસ જોઉં છું

તમારી તરફ હું સતત જોઉં છું
કે મારા હૃદયની વિગત જોઉં છું

તને એમ છે કે તને જોઉં છું
હકીકતમાં હું તો મને જોઉં છું

– મનહરલાલ ચોક્સી

ગઝલના ચોકઠામાં ન મૂકી શકાય એવી આ રચનાને આપણે શું કહીશું? ગઝલનો છંદ છે, રદીફ છે, કાફિયા છે પણ દરેક શેરમાં અલગ. મતલબ છ અલગ-અલગ મત્લા. શું કહીશું? ગઝલ? નઝમ? ગઝલનુમા નઝમ? ઊર્મિકાવ્ય? ખેર, કવિના સુપુત્ર મુકુલ ચોક્સીની બહુખ્યાત સજનવાના મૂળિયાં કદાચ અહીં નજરે ચડે છે.

વાત તો એક જ છે. પ્રેમી પ્રેમિકાને જોઈ રહ્યો છે. પણ આ તારામૈત્રકના જે છ અલગ-અલગ અંદાજ કવિએ રજૂ કર્યા છે, એ કાબિલે-તારીફ છે.

Comments (4)

વૈશાખી તાપ – મુકેશ જોષી

ઝાંઝવા તે આંખને રમવા અપાય કંઈ,
આવી તે હોય કંઈ મજાક ?
લીલેરા વન જાય ઓચિંતા સળગી ને
રણની ફેલાઈ જાય ધાક.

ઝાળઝાળ ફૂંકાતી લૂની તેજાબીથી
ફેફસામાં ભરવી બળતરા !
કાન લગી આવીને સૂરજ જ્યાં વાત કરે
એવા તે હોય કંઈ અખતરા ?
ખોબો એક છાંયડાને તરસો તમે ને
તો ય ચપટી મળે ના જરાક… લીલેરા…

હોઠ પર ફરકે ના ક્યાંયથી પરબ
એવા પહેરાઓ લાગે તરસના,
આયખામાં રણ એમ ઓગળતું જાય
ને રેતી વહે નસેનસમાં.
મોસમની ઓળખાણ કેવી
વૈશાખના વરસે જ્યાં ધોધમાર તાપ… લીલેરા…

– મુકેશ જોષી

 

વાત મૌસમના તાપની છે કે જીવનના તાપની ? વેરાની રણની છે કે અંતરમનની ? તૃષ્ણા જળની કે લાગણીની ??

Comments (2)

શેર – કૈલાશ પંડિત

ભરેલો જામ મેં ઢોળી દીધો’તો એવા આશયથી,
હશે જો લાગણી એના દિલે, પાછો ભરી જાશે…

– કૈલાશ પંડિત

જાણે કેમ કેટલા વખતથી આ શેર મનમાં ગૂંજ્યા જ કરે છે….આ શેર સાથે બહુ જૂનો નાતો છે, ઘણીવાર આ શેરની ઝાટકણી કાઢતા અભિપ્રાય પણ વાંચ્યા છે, પણ આ શેરના તાર્કિક ગુણ-દોષ તેમજ તેમાં રહેલી મૂળ વાતની ફિલોસોફિકલ યથાર્થતાને બાજુ એ મૂકીને માત્ર શેરને જ માણીએ….મને હંમેશા આ શેર યાદ આવે તે સાથે દેવદાસ યાદ આવે – હૂબહૂ દેવદાસની મનોવૃત્તિ આલેખતો શેર છે આ ! પણ એવું બનતું નથી, લાગણી તો ખૂબ હતી પારોના હ્ર્દયે પણ તે પાછી ન આવી….ન જ આવે ! માત્ર લાગણીથી સંબંધ ક્યાં ટકે !!?? લાગણી સાથે સન્માન જોઈએ,કમિટમેન્ટ જોઈએ,લાગણીની કદર જોઈએ….સંબંધ બહુ જ નાજૂક તંતુ છે, અને અત્યંત મજબૂત તંતુ પણ છે…..ઈશ્વર બધા ગુના માફ કરતો હશે પણ કોઈ પ્રેમાળ દિલને ઠેસ પહોંચાડવાનો ગુનો કદી માફ નહીં કરતો હોય…..

Comments (2)

છોડવું નથી….– ભગવતીકુમાર શર્મા

આખું ભલે હો ગામ અભણ છોડવું નથી,
શબ્દો વહેંચવાનું વલણ છોડવું નથી.

રેતીનું ભીનું ભીનું કળણ છોડવું નથી,
મૃગજળના ડરથી મારે આ રણ છોડવું નથી.

છેલ્લી ઘડીનું મારે નથી છોડવું શરણ,
આવ્યું છે હોંશથી તો મરણ છોડવું નથી.

કોને ખબર કે ક્યારે ફરી સૂર્ય ઉગશે?
સંધ્યાનું છેલ્લું ઝાંખું કિરણ છોડવું નથી.

તૃષ્ણા, મિલન-વિરહની હવે ક્યાં કશી રહી?
હા, અંત લગ આ નામ શરણ છોડવું નથી.

– ભગવતીકુમાર શર્મા

Comments (2)

એક ગીત – હેલન મારિયા વિલિયમ્સ (અનુ. વિવેક મનહર ટેલર)


નાના અમથા ખજાનામાંથી,
પ્રિયતમ મારો લાવે શું?
દિલ દઈ દીધું આખું, આથી
વધી અવર વર ભાવે શું?


દિલનો દોલો, એની દોલત
કંપ જગાવે હૈયામાં,
મેં ચાહી’તી ફક્ત મહોબત
દુનિયાનું સુખ માંગ્યું જ્યાં.


કંઈક લાવવા મારા માટે
કાંઠે કાંઠે ભટકે છે,
શાને રખડે ને શા સાટે?
પ્યાર બધાથી હટ કે છે.


ભોંય તળાઈ, સસ્તું ભોજન,
ધન્ય થાય તુજ સોબતથી!
કૃપા નજીવી આ મારે મન,
વધુ છે હર કોઈ દોલતથી.


કરે છે એ સર દુર્ગમ દરિયા,
આંસુ મારાં વૃથા વહે,
દયા હશે શું દ્રોહી લહરમાં,
મુજ ઉર જેમાં વ્યથા લહે?


રાત છે ઘેરી, જળ ઊંડાં છે,
પણ, મોજાં ઊઠે હળવાં:
હાય! રડું હર વાયુલહરે —
છે આંધી મુજ ભીતરમાં.

– હેલન મારિયા વિલિયમ્સ
(અનુ. વિવેક મનહર ટેલર)

પ્રેમથી ચડિયાતી બીજી કોઈ સંપત્તિ છે જ નહીં એ જાણવા છતાં, સમજવા છતાં, ને વારે-તહેવારે બીજાને કહેવા-સમજાવવા છતાં આપણામાંથી મોટાભાગનાનું જીવન ભૌતિક સંપત્તિ પાછળ દોડવામાં જ પૂરું થઈ જતું હોય છે. ‘જગતની સૌ કડીમાં સ્નેહની સર્વથી વડી’ એ વાત પાઠ્યપુસ્તકના પાનાં વળોટીને જીવનપોથીમાં કેમ કદી પ્રવેશતી નથી એને કદાચ યક્ષપ્રશ્ન ગણી શકાય.

રચના સવિસ્તર આસ્વાદ માટે અહીં ક્લિક કરશો : http://tahuko.com/?p=18941

A Song

I

No riches from his scanty store
My lover could impart;
He gave a boon I valued more —
He gave me all his heart!

II

His soul sincere, his generous worth,
Might well this bosom move;
And when I asked for bliss on earth,
I only meant his love.

III

But now for me, in search of gain
From shore to shore he flies;
Why wander riches to obtain,
When love is all I prize?

IV

The frugal meal, the lowly cot
If blest my love with thee!
That simple fare, that humble lot,
Were more than wealth to me.

V

While he the dangerous ocean braves,
My tears but vainly flow:
Is pity in the faithless waves
To which I pour my woe?

VI

The night is dark, the waters deep,
Yet soft the billows roll;
Alas! at every breeze I weep —
The storm is in my soul.

– Helen Maria Williams

Comments (3)

રાતરાણી – જૉન ક્લેર (અનુ. વિવેક મનહર ટેલર)

પશ્ચિમના આકાશ મહીં એકવાર સૂરજ જ્યાં બૂડે,
ઓસબુંદ શણગારે સંધ્યાના સ્તનને મોતીડે;
લગભગ લગભગ ચંદ્રકિરણના અજવાળાં-શી પાંખી
કે એના સંગાથી તારલિયાની માફક ઝાંખી,
રાતની રાણી હળવે હળવે એનાં પુષ્પો નમણાં,
નૂતન રૂપે ખીલવીને ઝાકળને ધરે છે બમણાં;
ને સાધુ પેઠે કરતી અજવાળાંથી આંખમિચામણ,
નવયૌવનની નિજના કરતી રાત ઉપર એ લ્હાણ;
રાત, જે પાછી એના પ્રેમલ આલિંગનથી અંધ,
નથી જાણતી રૂપ જે છે એની મુઠ્ઠીમાં બંધ;
આમ રહે એ ખીલી જ્યાં લગ રાત રહે રૂપાળી;
પણ જે પળ દિવસ આવીને જુએ આંખ ઊઘાડી,
છટક્યે ના છટકાય એવા ત્રાટકની શરમથી મારી,
મૂર્ચ્છા પામી, ને કરમાતી, થાય ખતમ બિચારી.

-જૉન ક્લેર
(અનુ. વિવેક મનહર ટેલર)

ક્યારેક કવિતા ભાવક પાસે અપ્રતિમ સજ્જતાની આકરી ઉઘરાણી કરે છે તો ક્યારેક એ રગોમાં દોડતા રક્તની જેમ ચુપચાપ અસ્તિત્વમાં ઓગળી જાય છે. ક્યારેક, કવિતા એક-એક પાંદડી-કાંટાનો હિસાબ માંગે છે, તો ક્યારેક ગુલાબની પાંખડીઓનો આકાર, સંખ્યા, ગોઠવણ, રંગ-છટા, અને કાંટા – તમામને સદંતર અવગણીને માત્ર ખુશબૂ જ માણવાનું ઈજન આપે છે. પુષ્પનો રંગ-રૂપ-આકાર કવિતા હોય તો માત્ર સુગંધનો અહેસાસ પણ કવિતા જ છે.

કવિતાના વિશદ આસ્વાદ માટે ક્લિક કરો: http://tahuko.com/?p=18939

Evening Primrose

When once the sun sinks in the west,
And dew-drops pearl the Evening’s breast;
Almost as pale as moonbeams are,
Or its companionable star,
The Evening Primrose opes anew
Its delicate blossoms to the dew;
And hermit-like, shunning the light,
Wastes its fair bloom upon the night;
Who, blindfold to its fond caresses,
Knows not the beauty he possesses.
Thus it blooms on while night is by;
When day looks out with open eye,
‘Bashed at the gaze it cannot shun,
It faints, and withers, and is gone.

– John Clare

Comments (3)

ભૂલી ગયો છે – સંજુ વાળા

ગરબડ ‘ને ગોટાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે
માણસ ધોળા-કાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે

ગલી ગલીનું બચ્ચેબચ્ચું પોપટ પોપટ કહી પજવે છે
કોઇ બિચારો માળામાંથી બ્હાર નીકળવું ભૂલી ગયો છે

ઘરથી મંદિર, મંદિરથી ઘર; સર્કિટ જેવું જીવ્યા કરે છે
એ માણસ કુંડાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે

રાતું – પીળું ગાતા એક ફકીરનું નિદાન થયું કે –
ગુલમ્હોર – ગરમાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે

જોશી-જાદૂગરના ચરણે પરખ-પાસવર્ડ શોધે છે, એ-
ભીતર ભીડ્યા તાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે

નથી જવાતું ઉપર કે ના પાછો નીચે ફરી શકે છે
વિકટ કોઇ વચગાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે

પદ-પ્રતિષ્ઠા, જ્ઞાન-ગરથના સામે પલ્લે ગઝલ મૂકી, તું
સમજણ નામે શાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે

ખબરદાર, આ ચેતવણી છે : સ્હેજે ના અનુસરશો એને
સંજુ, સંજુ વાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે

– સંજુ વાળા

આમ તો ગઝલ માત્ર ગાવા માટે જ હોય છે, પણ અહીં બોલચાલની ભાષામાં અષ્ટકલના ચાર અવર્તનોની પસંદગીના કારણે ગઝલમાં મજાની મૌસિકી ઉમેરાઈ ગઈ છે. છંદની પ્રવાહિતા ઉપરાંત આ માટે જવાબદાર વધુ એક ગુનેગાર લગભગ બધા જ શેરમાં જોવા મળતી વર્ણસગાઈ (alliteration) છે. જુઓ, ગરબડ-ગોટાળા, ગલી ગલી, બચ્ચે-બચ્ચુ, પોપટ-પોપટ, ઘર-મંદિર-મંદિર-ઘર, ગુલમ્હોર-ગરમાળા, જોશી-જાદુગર, પરખ-પાસવાર્ડ, ભીતર-ભીડ્યા, વિકટ-વચગાળા વગેરે… આ સિવાય શબ્દયુગ્મકો પણ આ માટે નિમિત્ત બન્યા છે: ધોળા-કાળા, ગલીગલી, બચ્ચેબચ્ચુ, પોપટપોપટ, રાતુંપીળું, પદ-પ્રતિષ્ઠા, જ્ઞાન-ગરથ, સંજુ-સંજુ વગેરે…

લગભગ બધા જ શેર ધ્યાનાર્હ અને મનનીય થયા છે… કોઈ એક શેર પર આંગળી મૂકવી શક્ય બનતું નથી… બધા જ શેર ગહન-ગંભીરા છે…

Comments (13)