વૃક્ષ પાસે એ કસબ છે, આપણી પાસે નથી,
સાવ લીલાંછમ થઈ વરસાદનું સ્વાગત કર્યું.
ઉર્વીશ વસાવડા

ભૂલી ગયો છે – સંજુ વાળા

ગરબડ ‘ને ગોટાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે
માણસ ધોળા-કાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે

ગલી ગલીનું બચ્ચેબચ્ચું પોપટ પોપટ કહી પજવે છે
કોઇ બિચારો માળામાંથી બ્હાર નીકળવું ભૂલી ગયો છે

ઘરથી મંદિર, મંદિરથી ઘર; સર્કિટ જેવું જીવ્યા કરે છે
એ માણસ કુંડાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે

રાતું – પીળું ગાતા એક ફકીરનું નિદાન થયું કે –
ગુલમ્હોર – ગરમાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે

જોશી-જાદૂગરના ચરણે પરખ-પાસવર્ડ શોધે છે, એ-
ભીતર ભીડ્યા તાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે

નથી જવાતું ઉપર કે ના પાછો નીચે ફરી શકે છે
વિકટ કોઇ વચગાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે

પદ-પ્રતિષ્ઠા, જ્ઞાન-ગરથના સામે પલ્લે ગઝલ મૂકી, તું
સમજણ નામે શાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે

ખબરદાર, આ ચેતવણી છે : સ્હેજે ના અનુસરશો એને
સંજુ, સંજુ વાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે

– સંજુ વાળા

આમ તો ગઝલ માત્ર ગાવા માટે જ હોય છે, પણ અહીં બોલચાલની ભાષામાં અષ્ટકલના ચાર અવર્તનોની પસંદગીના કારણે ગઝલમાં મજાની મૌસિકી ઉમેરાઈ ગઈ છે. છંદની પ્રવાહિતા ઉપરાંત આ માટે જવાબદાર વધુ એક ગુનેગાર લગભગ બધા જ શેરમાં જોવા મળતી વર્ણસગાઈ (alliteration) છે. જુઓ, ગરબડ-ગોટાળા, ગલી ગલી, બચ્ચે-બચ્ચુ, પોપટ-પોપટ, ઘર-મંદિર-મંદિર-ઘર, ગુલમ્હોર-ગરમાળા, જોશી-જાદુગર, પરખ-પાસવાર્ડ, ભીતર-ભીડ્યા, વિકટ-વચગાળા વગેરે… આ સિવાય શબ્દયુગ્મકો પણ આ માટે નિમિત્ત બન્યા છે: ધોળા-કાળા, ગલીગલી, બચ્ચેબચ્ચુ, પોપટપોપટ, રાતુંપીળું, પદ-પ્રતિષ્ઠા, જ્ઞાન-ગરથ, સંજુ-સંજુ વગેરે…

લગભગ બધા જ શેર ધ્યાનાર્હ અને મનનીય થયા છે… કોઈ એક શેર પર આંગળી મૂકવી શક્ય બનતું નથી… બધા જ શેર ગહન-ગંભીરા છે…

13 Comments »

  1. Kaushik Nimavat said,

    September 3, 2020 @ 3:53 AM

    વાહ…. ખૂબ જ સરસ .

  2. સંજુ વાળા said,

    September 3, 2020 @ 3:59 AM

    ખૂબ ખૂબ આભાર
    મિત્રોના પ્રતિભાવ ગમશે.

  3. pragnajuvyas said,

    September 3, 2020 @ 9:22 AM

    કવિશ્રી સંજુ વાળાની તાજી તડફડતી અનોખા શબ્દોની અજાયબ ગઝલ પરમ દીવસે તેમની ચહેરાચોપડી Sanju Vala – Kavi પર માણી ! આજે વિવેકજીનો મધુરો આસ્વાદ ન હોત તો ધ્યાનાર્હ અને મનનીય ગહન-ગંભીરા શેરોની નજાકત સમજાત નહી ધન્યવાદ
    યાદ આવે – પ્રવિણભાઇની રચના
    એમની પ્રેમાળ દૃષ્ટિ જ્યાં પડી,સેંકડો ફરિયાદ પણ ભૂલી ગયો.
    કામ એવું શબ્દ તેં સોંપ્યું મને,કે બધો ઉન્માદ પણ ભૂલી ગયો.

  4. Kajal kanjiya said,

    September 3, 2020 @ 9:32 AM

    વાહહહ ખૂબ સરસ ગઝલ
    અભિનંદન અને શુભેચ્છાઓ સર💐

  5. saryu parikh said,

    September 3, 2020 @ 10:04 AM

    સરસ રચના, ગમતો વિષય્.
    સરયૂ

  6. ચન્દ્રશેખર પંડ્યા said,

    September 3, 2020 @ 12:03 PM

    જલસો પડી ગયો. જબરદસ્ત!

  7. હર્ષદ દવે said,

    September 3, 2020 @ 12:51 PM

    વાહ..ક્યા બાત !

  8. Himanshu Trivedi said,

    September 3, 2020 @ 5:12 PM

    ખુબજ ધારદાર, સજીવ અને ‘ભૂલી ના જઈ શકાય’ એવી સશક્ત કૃતિ. કવિ / ગઝલકાર શ્રી સંજુ વાળા ને ખુબ પ્રણામ અને અભિનંદનો. મારા ગમતા કવિઓ/ગઝલકારો/વ્યક્તિઓમાંના એક છે એ મારું સદભાગ્ય છે. એક સજીવ હોવાની લાગણી થાય…આવું ચોટદાર વાંચીએ-સાંભળીયે ત્યારે. આ ગઝલ થી મારી પોતાની એક અદમ્ય ઈચ્છા કે ગુજરાતી ગઝલો, કવિતાઓ અને ટૂંકી વાર્તાઓનું પઠન કરી ને એક વેબ્સાઈટ પર મુકવા – એ ઈચ્છા ખુબજ પ્રબળ થઇ છે. કદાચ આવતા અઠવાડિયાથી શરુ કરીશ. ઘણીવાર, જે લોકો ને વાંચવા નો સમય નથી કે વાંચી સશકતા નથી – એ લોકો કદાચ સાંભળીને લ્હાવો લઇ શકે અને એ પ્રકારનું થોડું કામ શરુ થાય તેવી ઈચ્છા છે. આટલી સશક્ત ભાષા, આવા સારા-સારા કવિઓ … આપણે પ્રજા તરીકે ગૌરવ અનુભવીએ તે સ્વાભાવિક છે. શ્રી વિવેકભાઈનો ખુબ ખુબ આભાર, આવો સરસ બ્લોગ અને વેબસાઈટ ચલાવવા માટે અને શરુ કરી ને નિયમિત રીતે ચાલુ રાખવા માટે. આભાર.

  9. હરિહર શુક્લ said,

    September 4, 2020 @ 2:29 AM

    નરી અને નક્કર મોજ 👌💐

  10. બિરેન ટેલર said,

    September 4, 2020 @ 8:14 AM

    અતિ સુંદર…

  11. Dr Sejal Desai said,

    September 5, 2020 @ 1:27 PM

    વાહ.. ખૂબ સરસ ગઝલ

  12. Mohamedjaffer Kassam said,

    September 5, 2020 @ 3:36 PM

    ખબરદાર, આ ચેતવણી છે : સ્હેજે ના અનુસરશો એને
    સંજુ, સંજુ વાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે

  13. સંજુ વાળા said,

    September 19, 2020 @ 11:41 PM

    નમસ્કાર મિત્રો

    આપનો અહીં પ્રેમ મળવા બદલ આભારી છું.

    આ લયસ્તરો અને એના સંપાદક મિત્રો સતત કોઇ ખોજી પોતાની ખોજ માટે હંમેશા સજાગ રહે એ રીતે કવિતા માટે સજાગ છે. તેથી આવી રચનાઓ શોધી કાઢે અને આપણી સામે મૂકે છે. ખરેખર ગુજરાતી કવિતાના એક સચોટ સ્તર તરીકે પણ લયસ્તરોને લેવાય છે. એ આનંદ ભાષાની ખેવના માટે આ મિત્રોની સતત કાળજીનો છે.

    ધન્યવાદ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment