દીવાલે દીવાલે લગાવ્યાં છે ચિત્રો,
છતાં ઘર હજી કેમ લાગે છે ખાલી.
કાલિન્દી પરીખ

બિચારો – મનહર મોદી

આ વહે ઠંડી હવા, મનહર બિચારો શું કરે ?
પી રહ્યો કડવી દવા, મનહર બિચારો શું કરે?

એક બે તારા ગણ્યા એનાથી દહાડો ના વળે
રાત આખી કાપવા મનહર બિચારો શું કરે ?

કૈંક સદીઓનું ભર્યું છે મૌન બંને આંખમાં
એમને બોલાવવા મનહર બિચારો શું કરે?

ઘાસનો અવતાર છે, કચડાય છે માટીભર્યો
વૃક્ષ માફક ડોલવા મનહર બિચારો શું કરે?

એક હૈયા જેટલું અંતર હજી છે કાપવું
પ્રેમ જેવું ચાલવા મનહર બિચારો શું કરે?

એ ખરું કે સૂર્ય આખો ઓ પડ્યો છે ડોલમાં
બ્હાર એને કાઢવા મનહર બિચારો શું કરે?

ક્યારનો એ તો લખે છે કે હજી લખવું નથી.
જાતને સંભાળવા મનહર બિચારો શું કરે?

ઓ અલ્યા મનહર! ઘણું ઊંઘ્યો હવે તો જાગજે
ધ્યાન એવું રાખવા મનહર બિચારો શું કરે?

ચાર રસ્તા ચાર ઠેકાણાં બતાવે સામટાં
એક એને ઘર જવા મનહર બિચારો શું કરે?

– મનહર મોદી

સાવ અલગ પ્રકારની રદીફ પણ કવિએ કેવી બખૂબી નિભાવી છે!

4 Comments »

  1. લલિત ત્રિવેદી said,

    August 29, 2020 @ 5:02 AM

    આપણી ગઝલના ચિર …આધુનિક… અનુ આધુનિક કે …. ગઝલ કવિને વંદન

  2. pragnajuvyas said,

    August 29, 2020 @ 10:00 AM

    સ્વ મા મનહર મોદીની સુંદર ગઝલ
    મજાની રદીફ…અને મક્તા
    ચાર રસ્તા ચાર ઠેકાણાં બતાવે સામટાં
    એક એને ઘર જવા મનહર બિચારો શું કરે?
    વાહ્

  3. Kajal kanjiya said,

    September 1, 2020 @ 5:02 AM

    સૂર્ય આખે આખો પડ્યો ડોલમાં અને ચાર રસ્તા ચાર ઠેકાણા બતાવે સામટા
    વાહહહહ ખૂબ સુંદર ગઝલ

  4. Dr Sejal Desai said,

    September 1, 2020 @ 7:27 AM

    સૂર્ય પડ્યો છે ડોલમાં….વાહ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment