ચોમાસુ બેઠું,
ને ઉપરથી સળવળતું સત્તરમું બેઠું છે કાંખમાં,
હવે સપનાનો ઉત્સવ છે આંખમાં.
– મયૂર કોલડિયા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for યશવંત ત્રિવેદી

યશવંત ત્રિવેદી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




મુને ફૂટી છે ગંધ ડાળખીની – યશવંત ત્રિવેદી

હું તો બેઠી છું વૈશાખી ડાળે કે
રાજા મુને વેડી દે લૂમલૂમ આંબાનાં ગીત !

કબૂતરીની જેમ જરી જંપું ત્યાં ઓસરીમાં
ખસની ટટ્ટીપેથી હળુહળુ ઊતરીને કીડી જેવું લાલઘૂમ ચટકે બપ્પોર
લેલૂમ લીંબોળીઓને ઘોળટી ઊભી’તી તિયાં
છટકેલા છારા જેવો છેડતી કરીને ગિયો વૈશાખી સાંજનો તે તૉર

હાય! મુને ફૂટી છે ગંધ ડાળખીની કે
રાજા મુને આણી દે ફાટફાટ ફૂલોની રીત !

રાત આખી તનડામાં બોલી કોયલિયા
ને પાકીગળ કેરીની શાખ મારી પોપટો કીરકીર કીરકીર ઠોલે
દલનાં કમાડ ગિયો કાઢી પૂરવૈયો તે
આઠે તે પ્હોર હવે મોરલાનાં વંન મારી છાતીમાં પીહો પીહો બોલે

મને ઋતુઓ ઊગી છ એકસામટી કે
રાજા મુને આલી દે બારમાસી ફૂલોની પ્રીત !

– યશવંત ત્રિવેદી

વૈશાખ ઋતુની વાત છે. આભેથી મે મહિનાની લૂની સાથોસાથ વૈશાખી વાયરા પણ ફૂંકાવા શરૂ થાય છે. આંબો કેરીઓથી લચી પડ્યો હોય એ ટાણે નાયિકા નાયક પાસે ગીતો માંગે છે, પણ ગીત કેવાં અને કેટલાં તો કે લૂમલૂમ આંબાના ગીત. આપણે ત્યાં ગુજરાતમાં કેરીના વૃક્ષને, તો મહારાષ્ટ્રમાં ફળને આંબો કહે છે. અહીં ‘લૂમલૂમ આંબાનાં ગીત’ પ્રયોગમાં મરાઠી સંસ્કાર વધુ પ્રભાવક અનુભવાય છે.

ગ્રીષ્મની બપોરે કબૂતરની જેમ નાયિકા ઓસરીમાં આડી પડે છે ત્યારે ગરમીથી બચવા લટકાવેલી ખસની ટટ્ટીઓ પરથી બપોરનો તાપ કીડીઓ હેઠી આવીને કરડે એમ ચટકે છે એ કલ્પન કેવું બળકટ છે! વૈશાખી બપોર પજવે છે તો સાંજ પણ કંઈ છોડી દેતી નથી. નાયિકા લીંબોળીઓને ઘોળટી હોય છે ત્યારે સાંજ છાકટા છોકરાની જેમ એને છેડે છે. ફૂલોના સ્થાને એનું તનબદન ડાળખીની ગંધ ફૂટવાથી તર થઈ જાય છે.

વૈશાખી વૃક્ષો પછી વારો આવે છે પક્ષીઓનો. જો કે કવિ એમાં થોડું ઋતુચક્ર ચૂકી ગયાનું જણાય છે. કોયલ કુંજઘટાઓ ભરી દે અને સાખ પડેલી કેરી પોપટ ઠોલે ત્યાં સુધી તો વાત બરાબર પણ મોરના આઠે પહોર બોલવાની આ ઋતુ નથી. મોર તો વર્ષાઋતુ આવે ત્યારે જ આઠે પહોર ગહેકે અને મોરના કંઠેથી ટેંહુકાર નીકળે, પીહો પીહો બોલ તો પપીહરા કે ચાતકના. પણ આટલી વાતને નજરઅંદાજ કરીએ તો કલ્પન કેવા મજાના છે એ જુઓ! રાત આખી બે જણ વચ્ચે રૉમાન્સ ચાલે છે. શરીર કોયલની જેમ કૂકે છે અને પોપટ પાકી કેરીને કીરકીર ઠોલે એમ નાયક રાત આખી એના તનનો આનંદ લૂંટે છે. નાયક માટે નાયિકાનું દિલ દરવાજા વગરનું મકાન બની ગયું છે, મન ફાવે ત્યારે ઘૂસી અવાય. કેવી સવલત! આખી રાતનો આ આનંદ ઓછો પડ્યો હોય એમ નાયિકાની છાતી હવે આઠે પહોર ટહુકી રહી છે. અને સળંગ રાતદિવસનો આ અનર્ગલ પ્યાર પણ ઓછો પડ્યો હોય એમ અંતે નાયિકાની ભીતર એકસામટી છએ છ ઋતુઓ ઊગી આવી છે અને એ હવે બારમાસી પ્રીત ઝંખે છે.

Comments (9)

ફૂલોના ગજરા – યશવન્ત ત્રિવેદી

અરીસાની આંખોમાં ફૂલોના ગજરા.
દીવાલોમાં, દ્વારોમાં લો, આ દિશાઓમાં
મહેકી રહ્યા કોના ફૂલોના ગજરા ?

કોઈ સોનમછલી તરંગાય સરવર
નજર જાય તાણી અરીસાનું સરવર
તરંગો તરંગોમાં ફૂલોના ગજરા
ઢોળાય ગગનો ને ભીની હવાઓમાં
મહેકી રહ્યા કોના ફૂલોના ગજરા ?

નેણ વરસે ને ભીનાય કોરાં ને કોરાં
ચાંદરણાંનાં ચકલાંય ફોરાં ને ફોરાં
પલળેલી રાતોમાં ફૂલોના ગજરા
પોઢ્યાં કોણ ઓઢી અરીસાને આભે ?
ને મહેકી રહ્યા કોના ફૂલોના ગજરા ?

– યશવન્ત ત્રિવેદી

જરા અલગ જ ફ્લેવરનું ગીત… એક-એક કલ્પન પકડીને શાંતિથી વિચાર કરીએ એ પછી આખું ગીત મઘમઘ થતું અનુભવાય…

Comments (3)

આરોપી – હોર્સ્ટ બીનેક

આરોપ તો બધા પર હતો
         પણ એમાંના એક જ જણે 
         પોતાના ગુનાની કબૂલાત કરી

બીજાઓએ મૌનના ધ્વનિને નષ્ટ કર્યો
તેમણે પોતાના બચાવ કર્યા
પણ તેમણે પોતાના શહેરોને બચાવ્યાં નહીં

          ને ન રક્ષ્યું પંખીના શાંત ઉડ્ડયનને –
          કારણકે  ભયે છરીઓથી તેમને અંધ બનાવ્યા હતા

માત્ર એક જ માણસ નિર્દોષ હતો
જેણે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો.

– હોર્સ્ટ બીનેક (અનુ – યશવંત ત્રિવેદી)

Comments (7)