મહાસમુદ્રના પેટાળ મોટી વાત નથી,
છે આ તો આંસુનું ઊંડાણ, ઝંપલાવ નહીં.
વિવેક મનહર ટેલર

ટેલિફોન – સુરેશ દલાલ

તને ફોન કરું છું
ફોન મૂકવો પડે એટલે મૂકું છું.
ફરી પાછી લાગે છે ફોનની તરસ
હું વ્યાકુળ થઈને
તને ફોન કર્યા કરું એ તને ગમતું નથી.
હું સ્વસ્થ રહીને
તને ફોન ન કરું એ પણ તને ગમતું નથી.
એક વહેરાઈ ગયેલા જીવને
તું કરવત થઈને વહેર નહીં
કાનને શોષ પડે છે તારા અવાજનો
જીભ ઝંખે છે તારા નામને
એથી જ તો હું ફોન કરું છું.
ફોન મૂકું છું.
મારી તરસનો કોઈ અંત નથી.

– સુરેશ દલાલ

ટેલિફોન દ્વારા અવાજના તાંતણે જોડાયેલ બે સ્નેહીજનોનું ચિત્ર કવિ રજૂ કરે છે. એક વ્યક્તિની તરસ અને બીજાના કમળપત્રભાવ વચ્ચે પણ બે જણ વચ્ચેનો સ્નેહ અછતો રહેતો નથી. સ્ટિવન બ્લેક હોર્ટન નામના એક કવિ જણને જોડતા આ સગપણને ‘અવર ઇલેક્ટ્રિક બ્રધરહુડ’ કહીને ઓળખાવે છે. સાચી વાત છે. ટેલિફોન એ એકબીજાને જોઈ ન શકતી (આજના સ્માર્ટફોનના વિડિયોકૉલની આ વાત નથી!) કે એકબીજાને મળી ન શકતી બે વ્યક્તિઓને અવાજની દોરીથી બાંધી આપે છે. ટેલિફોન કલમ-કાગળથી પરે અવાજની નોટબુકમાં લખાતી લાગણીની કવિતા છે. એ બે વ્યક્તિ વચ્ચે સંવેદનાનો સેતુ રચી આપે છે.

જીભના સ્થાને કાનને અવાજનો શોષ પડવાની અને કાનના સ્થાને જીભને નામ સાંભળવાની ઝંખના થવાની વાત કેવી અદભુત છે! સાચે જ, આ ઇન્દ્રિયગમ્ય અનુભૂતિઓનું જાદુ પણ ગજબ હોય છે. નજરની સામે નિચોવાઈ રહેલા લીંબુના ટીપાં આપણા મોઢામાં પડતાં નથી, પણ એને નિચોવાતું જોઈએ એ ઘડીએ દૃષ્ટિ નામની ઇન્દ્રિય સ્વાદેન્દ્રિય સાથે કોણ જણે શી ગુસપુસ કરે છે તે આપણા મોઢામાં લાળ છૂટવી શરૂ થાય છે. પંચેન્દ્રિયોની આ અવિનાભાવી સંપૃક્તતા કવિએ ટેલિફોનની મદદથી કેવી સ-રસ રીતે આલેખી છે!

5 Comments »

  1. નેહા said,

    August 20, 2020 @ 4:02 AM

    સાવ સામાન્ય શબ્દો.. સામાન્ય વાત.. પણ કેવું યથાતથ સંવેદન !! બધાની ડાયરીમાં એક નંબર તો હશે જ, જ્યાંથી ફોન આવવાની રાહ હોય, અને ડાયલ કરવા આંગળા થનગનતા હોય..

  2. બિરેન ટેલર said,

    August 20, 2020 @ 4:52 AM

    અદ્ભુત. દરેક કાનને આ શોષ પડતો હોય છે.

  3. Mohamedjaffer said,

    August 20, 2020 @ 5:35 AM

    બહુજ સરસ્

  4. pragnajuvyas said,

    August 20, 2020 @ 10:34 AM

    મા સુરેશ દલાલના અદ્ભુત અછાંદસ ‘તને ફોન કરું છું ‘
    નો ડૉ વિવેક દ્વારા ખૂબ સ રસ આસ્વાદ
    યાદ આવે તેમના જ અનુવાદિત કાવ્ય
    ટેલિફોનમાંથી
    અંધારા ડબલામાંથી આવતો
    તારો અવાજ ફૂલની જેમ ફૂટ્યો.
    એ કાંપ્યો, એની તંગ દાંડી પર લહેરાતો.
    એના સ્પર્શમાંના લાડપંપાળે
    બીડી દીધી મારી આંખો.
    – ફ્લોરેન્સ રિપ્લી મેસ્ટિન
    (અનુ. વિવેક મનહર ટેલર)

  5. Harihar Shukla said,

    August 22, 2020 @ 6:16 AM

    નકરી મોજ 👌💐

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment