કંઈ કેટલા બનાવમાં જીવન વીતી ગયું
તારી ને મારી વાત બસ બાકી રહી અને…
– મેગી આસનાની

ઘડૂલી કયારે શિર પર ચડી? – પ્રભુલાલ દ્વિવેદી

.             ઘડૂલી ક્યારે શિર પર ચડી?
.             માટીને મોટપ કયારે મળી? –
માટી ખોદી, મૂકી ગધેડે કુંભાર ઘર લઈ આવ્યો,
ગારો કીધો પગથી ખૂંદી ખૂંદી પિંડ બનાવ્યો,
આકાર પામવા ચડી ચાકડે ત્યારે કાયા ઘડી.
.                     ઘડૂલી કયારે શિર પર ચડી?

છાંયે સૂકવી ટપલે ટીપી રાખ મહીં રગદોળી,
હશે હજી સંસ્કારો ઓછા, કાય રંગમાં રોળી,
છતાંય કાચી હતી તે પાકી થવા નિંભાડે ચડી.
.                     ઘડૂલી કયારે શિર પર ચડી?

પછી ટકોરે તપાસી જોઈને લઈ ગઈ કોઈ પનિહારી,
ગળે દોરડું બાંધી એને ઊડેં કૂવે ઉતારી,
બડબડ કરતી બૂડી કૂપમાં જાણ્યું મુક્તિ જડી.
.                     ઘડૂલી કયારે શિર પર ચડી?

દીધો આંચકો, એક પલકમાં પાછી ઉપર તાણી,
અગર છાકમાં હતી છલકતી તો અધૂરી કહેવાણી,
પૂર્ણ હતી તો ચડી શિશ પર મુસીબતોથી લડી.
.                     ઘડૂલી કયારે શિર પર ચડી?

– પ્રભુલાલ દ્વિવેદી

માટીમાંથી બનેલો ઘડો માથા પર ચડવાની લાયકાત મેળવે એ પહેલાં એણે કઈ કઈ કસોટીઓમાંથી પસાર થવાનું રહે છે એ વાત તત્કાલીન કાવ્યબાનીમાં કરીને કવિ આપણને પણ કેટલી વીસે સો થાય નું જીવનગણિત શીખવાડે છે..

3 Comments »

  1. saryu parikh said,

    September 18, 2020 @ 9:34 AM

    વાહ્!

  2. pragnajuvyas said,

    September 18, 2020 @ 10:28 AM

    પૂર્ણ હતી તો ચડી શિશ પર મુસીબતોથી લડી.
    . ઘડૂલી કયારે શિર પર ચડી?
    અદભુત
    કોઇ અલગ અનુભૂતિ જાગે જ…આ કાવ્યમાં કેટલી તાકાત ભરી છે ! કેવા શબ્દોથી કામ લીધું છે ! કાવ્યમાં જે ક્રમ–ગતી–વીકાસ છે તે તો ખાસ ધ્યાન ખેંચે છે.હમણાંથી ચારેકોર ભગવાનની વીરુદ્ધમાં જે વાતો ચાલી રહી છે ત્યારે –જગત નિયંતાની સર્વવ્યાપકતા,સર્વસમર્થતા,અને તેના ઉત્તમ સર્જન, માનવ ની માવજતની વાત,માનવના અમથા ઉચાટની વાત અને જીવનમાં આવતી અનેક કસોટીઓની વાત મનને સ્પર્શી ગઈ.

  3. હરિહર શુક્લ said,

    September 20, 2020 @ 12:07 AM

    ઝરણની જેમ ખળખળ લય 👌💐

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment