મારી જ ભીતરે છતાં મારાથી ગુપ્ત છે
ચર્ચાય સઘળુ મધ્યમાં કાંઠાથી ગુપ્ત છે
– અનંત રાઠોડ ‘પ્રણય’

બહુ સારું થયું….- ‘ગની’ દહીંવાળા

જિંદગી પર વાદળું છાયું, બહુ સારું થયું,
ચિત્ર અંધારે ન દેખાયું, બહું સારું થયું.

હું તો આ મહેફિલ મહીં આવીને મૂંઝાયો હતો,
ત્યાં તમારું નામ બોલાયું, બહુ સારું થયું.

જિંદગી આખી પડ્યા આઘાત જેને ઝીલવા,
‘દિલ’ કહી એને નવાજાયું, બહુ સારું થયું.

હું તો મસ્તીમાં ન જાણે ક્યાંનો ક્યાં ચાલ્યો જતે,
ભાગ્ય સાથે લક્ષ્ય ભટકાયું, બહુ સારું થયું.

આપણી પાસે હતું જે ધન તે આંખોમાં હતું,
એ પ્રસંગોપાત વપરાયું, બહુ સારું થયું.

શું કહું દુનિયામાં મારે શી રીતે હસવું પડ્યું?
એ રુદન તમને ન સંભળાયું, બહુ સારું થયું.

શાપ થૈ ગૈ કંટકો માટે ચિરાયુની દુઆ,
પુષ્પથી ઝાઝું ન જીવાયું, બહુ સારું થયું.

વીતવાની જે હતી વીતી ભલે અમ પ્રેમ પર,
રૂપનું પણ પોત પરખાયું, બહુ સારું થયું.

જિંદગીભર મોતને માઠું નથી લાગ્યું ‘ગની’
છોને જીવાયું, ન જીવાયું, બહુ સારું થયું.

– ‘ગની’ દહીંવાળા

ગનીચાચાની ગઝલમાં જીવનનો પડઘો ન હોય તો જ નવાઈ !!! ” શું કહું દુનિયામાં મારે શી રીતે હસવું પડ્યું?…….” – આ એક જ શેર પર ફિદા થઇ જવાય….જયારે અહીં તો બધા જ શેર જોરદાર છે ! છેલ્લેથી બીજો શેર જુઓ !! મક્તો પણ અદભૂત…અખિલમ મધુરમ

4 Comments »

  1. Pravin Shah said,

    August 17, 2020 @ 5:59 AM

    વાહ ! વાહ !

    તમૅ આ ગઝલ લાવ્યા – બહૂ સારુ થયુ.

  2. pragnajuvyas said,

    August 17, 2020 @ 9:05 AM

    ઉત્તમ ગઝલકાર ગની સાહેબની ઉત્તમ ગઝલ…
    માનવીય સંવેદનાઓને કેટલી સરસ રીતે સજાવી છે!
    શું કહું દુનિયામાં મારે શી રીતે હસવું પડ્યું?
    એ રુદન તમને ન સંભળાયું, બહુ સારું થયું.
    એમની ગઝલોમાં ઘણા લોકોને એમના દિલના પડઘા પડતા સંભળાય

  3. beena kanani said,

    August 20, 2020 @ 3:58 AM

    આ સુંદર દુનીયામાં 75 વર્ષ જીવી બહુ સારું થયું
    રોતાને સાંભળી દોડી ગઈ અને આંસુ લુછી ને સ્મીત આપ્યું બહુ સારું થયું.
    પણ કેટલાક રોનાર હાથે ન ચઢ્યા સારુ ન થયું.
    જીંદગી ના કંટકોને કચડી નાખતા જેમને ન આવડ્યું તે સારું ન થયું.
    અમ છતાં રોતાને છાના રાખવા દોડીશ તો સારું થયું .
    રોતાઓ પોતાની જાતે જ છાના થઈ જઈ બીજાને સાચુ સ્મિત આપતા શીખી જશે સારું થશે,
    અપરાજેીતા

  4. લલિત ત્રિવેદી said,

    August 21, 2020 @ 6:38 AM

    ગની દહીંવાલા સાહેબની સરસ ગઝલ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment