કોઈ બીજાના ફોનનો નંબર લગાડતાં
આવીને મારા ટેરવે જોડાઈ જાય તું.
અંકિત ત્રિવેદી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for અરુણ વામદત્ત

અરુણ વામદત્ત શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




તને સંબોધીને – અરુણ વામદત્ત

તને સંબોધીને કવિતા કરવાનું મન ઘણું;
લખું મંદાક્રાંતા વળી શિખરિણી શાર્દુલ રચું;
અછાંદસ્ આલેખે કયમ ઉભયછંદી રસકથા?
અપદ્યાગદ્યે હું મ ભ ન ત ત ગા ગા ગણગણું ?

‘પ્રિયે!’ જેવું સાદું સરળ “સખી!’ સંબોધન કરું,
પછી પાનાં ફીંદી અવનવું જ સંશોધન કરું;
વિચાર્યું ના શું શું પ્રથમ લખવું પ્રેમલ, છતાં
લખાવા ડોકાતું ઘણુંય – લખવું યા ન લખવું?

હતી ત્રીસે જેવી તરબતર અન્યોન્યમયતા,
હજી પંચોતેરે પણ પલળતાં ને નીતરતાં !
વહેલાં વર્ષોમાં ચઢઊતર સો સો અનુભવી;
હવે સંધ્યાકાળે – પળ પળ જજો દૂર રજની !

મળ્યાં ત્યારે નહોતી ખબર મળવું યોગ્ય નહિ વા,
હળ્યાં ત્યારે જાણ્યું અવર તવથી યોગ્યતર ના,
ભળ્યાં ત્યારે માણ્યું- વિરહ પણ આલિંગન હશે!
બીજા જન્મે થોડા વિરહ પછી બે જીવ મળશે!

– અરુણ વામદત્ત

આયખાની ત્રણ પચ્ચીસી વળોટી જવાની ક્ષણે કવિ પંચોતેરમા વર્ષે પત્ની સાથેના પોતાના સહજીવન તરફ એક લાંબી નજર નાંખે છે. પત્ની વિશે કવિતા કરવાની ઇચ્છા બાબતની વિમાસણ સંબોધન શું કરવાથી જ શરૂ થાય છે. ઊભયછંદી પ્રણયરસકથાને આલેખવા કવિએ કયો છંદ વાપરવો, ન વાપરવો કે છંદ ત્યાગીને કામ કરવું એ બાબતે પણ વિચાર સેવ્યો છે. પણ અપદ્યાગદ્યે સંબંધનું ગાણું ગણગણવું યોગ્ય ન જણાતાં કવિએ શિખરિણી છંદ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. સંબોધનથી લઈને શું લખવું-શું ન લખવુંની અવઢવયાત્રા સાથે કાવ્ય આગળ વધે છે. પણ લખવા કરતાં વિશેષ તો અન્યોન્ય માટેની એ અનુભૂતિનું મહત્ત્વ છે, જે ત્રીસ વર્ષની વયે હતી એવીને એવી જ પંચોતેરમા વર્ષે પણ બરકરાર રહી છે. ભલે સેંકડો ઉતારચઢાવ કેમ ન આવ્યા હોય, પણ સંધ્યાકાળે આવી પહોંચીને રાત વહેલી ન પડી જાય એની જ કામના છે. સહવાસની આ સાંજ વધુ ને વધુ લંબાય એ અભ્યર્થના જ સાચી કવિતા છે. મળ્યાં હતાં એ વખતે આ મિલન યોગ્ય છે કે કેમ એ બાબત પણ બંને સાશંક હતાં પણ હવે સમજાય છે કે કોઈ એક સાથી વિદાય લેશે તો એકબીજાથી ચડીને બીજું કોઈ પાત્ર કદાચ હતું જ નહીં અને મૃત્યુના કારણે સર્જાનાર વિરહ પણ એક આલિંગન જેવો લાગનાર છે, કેમકે બીજા જન્મે બંનેને પુનર્મિલનની અમર આશા છે…

આવા મજાના છંદોબદ્ધ કાવ્ય આજે જૂજ જ જોવા મળે છે…

Comments (6)