મિજાજે મિજાજે – મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’
જુદી જિંદગી છે મિજાજે મિજાજે;
જુદી બંદગી છે નમાજે નમાજે.
છે એક જ સમંદર, થયું એટલે શું ?
જુદા છે મુસાફર જહાજે જહાજે.
ભલે હોય એક જ એ અંતરથી વહેતા,
છે સૂરો જુદેરા રિયાજે રિયાજે.
જુદા અર્થ છે શબ્દના બોલવા પર,
છે શબ્દોય જુદા અવાજે અવાજે.
જીવન જેમ જુદાં છે કાયામાં જુદી,
છે મૃત્યુય જુદાં જનાજે જનાજે.
હઠી જાય ઘૂંઘટ, ઢળી જાય ઘૂંઘટ,
જુદી પ્રીત જાગે મલાજે મલાજે.
તમે કેમ ‘ગાફિલ’ હજીયે છો ગાફિલ ?
જુઓ, બદલે દુનિયા તકાજે તકાજે.
– મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’
‘વિન્ટેજ વાઇન’
જેમ જેમ ધીમી ધીમી ચુસકી ભરતાં જઈએ એમ એમ નશો વધુ ને વધુ બળકટ બનતો જાય…
હરિહર શુક્લ said,
August 7, 2020 @ 6:14 AM
👌
Mohamedjaffer said,
August 7, 2020 @ 8:12 AM
બિલ્કુલ સચુ
saryu parikh said,
August 7, 2020 @ 9:12 AM
ગમ છે આ રચના, સૌ નવાજે નવાજે.
સરયૂ પરીખ્
pragnajuvyas said,
August 7, 2020 @ 10:44 AM
અફલાતુન ગઝલ…
બધા જ શેર અર્થસભર અને ધ્યાનાર્હ
આ પંક્તિઓ ગમી
તમે કેમ ‘ગાફિલ’ હજીયે છો ગાફિલ ?
જુઓ, બદલે દુનિયા તકાજે – તકાજે.
શાહબુદ્દીનભાઈ રાઠોડના અવાજમાં આ ગઝલ વારંવાર સાંભળી છે