વૈશાખી તાપ – મુકેશ જોષી
ઝાંઝવા તે આંખને રમવા અપાય કંઈ,
આવી તે હોય કંઈ મજાક ?
લીલેરા વન જાય ઓચિંતા સળગી ને
રણની ફેલાઈ જાય ધાક.
ઝાળઝાળ ફૂંકાતી લૂની તેજાબીથી
ફેફસામાં ભરવી બળતરા !
કાન લગી આવીને સૂરજ જ્યાં વાત કરે
એવા તે હોય કંઈ અખતરા ?
ખોબો એક છાંયડાને તરસો તમે ને
તો ય ચપટી મળે ના જરાક… લીલેરા…
હોઠ પર ફરકે ના ક્યાંયથી પરબ
એવા પહેરાઓ લાગે તરસના,
આયખામાં રણ એમ ઓગળતું જાય
ને રેતી વહે નસેનસમાં.
મોસમની ઓળખાણ કેવી
વૈશાખના વરસે જ્યાં ધોધમાર તાપ… લીલેરા…
– મુકેશ જોષી
વાત મૌસમના તાપની છે કે જીવનના તાપની ? વેરાની રણની છે કે અંતરમનની ? તૃષ્ણા જળની કે લાગણીની ??
pragnajuvyas said,
September 9, 2020 @ 10:58 AM
કવિ શ્રી મૂકેશ જોશીનું સ રસ ગીત ડૉ તીર્થેશજીનો મનનીય આસ્વાદ
મોસમની ઓળખાણ કેવી
વૈશાખના વરસે જ્યાં ધોધમાર તાપ…
વાહ
યાદ… અમૃત ઘાયલ .
આ તાપ-તેજ વચ્ચે સૂરજને દેવ માની
ઝાકળમાં જીવું લેવું એ પણ ઉપાસના છે
દિવસ આખો દિવસના તાપમાં શેકાય છે દરિયો
અને રાત્રે અજંપો જોઈને અકળાય છે દરિયો
આમ તો દરિયાનું તપવું કોઈ તપથી કમ નથી. વાદળનું પારણું ભલે આકાશે બંધાય, પણ એ બાંધવા માટે બલિદાન દરિયાએ આપવાનું હોય છે. બધા માટે બધું કરી છૂટતો દરિયો કદી ખાલી થવાનો ડર રાખતો નથી.
saryu parikh said,
September 9, 2020 @ 9:48 PM
ગરમીનો અનુભવ થઈ જાય તેવી રચના. સરસ
સરયૂ