રદીફ, કાફિયા ને છંદ સહુને હાંસિલ છે,
કલમ-કલમમાં પરંતુ કમાલ નોખા છે.
વિવેક ટેલર

જોઉં છું – મનહરલાલ ચોક્સી

કદી હું તમારા તરફ જોઉં છું
મને થાય છે કે બરફ જોઉં છું

કદી હું તમારા પ્રતિ જોઉં છું
વહેતી નદીની ગતિ જોઉં છું

હૃદયથી તમારા ભણી જોઉં છું
તો લાગે છે પારસમણિ જોઉં છું

તમારો ચહેરો સરસ જોઉં છું
કે વીતી ગયેલાં વરસ જોઉં છું

તમારી તરફ હું સતત જોઉં છું
કે મારા હૃદયની વિગત જોઉં છું

તને એમ છે કે તને જોઉં છું
હકીકતમાં હું તો મને જોઉં છું

– મનહરલાલ ચોક્સી

ગઝલના ચોકઠામાં ન મૂકી શકાય એવી આ રચનાને આપણે શું કહીશું? ગઝલનો છંદ છે, રદીફ છે, કાફિયા છે પણ દરેક શેરમાં અલગ. મતલબ છ અલગ-અલગ મત્લા. શું કહીશું? ગઝલ? નઝમ? ગઝલનુમા નઝમ? ઊર્મિકાવ્ય? ખેર, કવિના સુપુત્ર મુકુલ ચોક્સીની બહુખ્યાત સજનવાના મૂળિયાં કદાચ અહીં નજરે ચડે છે.

વાત તો એક જ છે. પ્રેમી પ્રેમિકાને જોઈ રહ્યો છે. પણ આ તારામૈત્રકના જે છ અલગ-અલગ અંદાજ કવિએ રજૂ કર્યા છે, એ કાબિલે-તારીફ છે.

4 Comments »

  1. Maheshchandra Naik said,

    September 10, 2020 @ 11:22 AM

    આ ગઝલનો આન્તિમ શેર ઘણુ કહી જાય છે …
    તને એમ છે કે તને જોઉ છુ,
    હકીકતમા હુ તો મને જોઉ છુ.
    અનતરમનમા ઝાન્ખવાની વાત છે કવિશ્રી ને સ્મરાણજલી આપનો આભાર….

  2. pragnajuvyas said,

    September 10, 2020 @ 11:23 AM

    ગઝલનો અર્થમા સામાન્યતયા કહેવાય છે કે ગઝલ એટલે પ્રેમની લાગણી દર્શાવવી.સ્ત્રીની સુંદરતાનાં વખાણ કરવાં – સ્ત્રીઓ સાથે વાતચીત કે વિલાસ કરવો – પ્રેમયુક્ત ભાષામાં કે કાવ્યરૂપ બોલવું – પ્રિયતમા સાથે પ્રેમવાર્તા કરવી .
    ડો વિવેકના આસ્વાદ પ્રમાણે-‘ દરેક શેરમાં અલગ. મતલબ છ અલગ-અલગ મત્લા અને પ્રેમી પ્રેમિકાને જોઈ રહ્યો છે. પણ આ તારામૈત્રકના જે છ અલગ-અલગ અંદાજ કવિએ રજૂ કર્યા છે,’
    આવી રીતે એમના પ્રેમની વાત કરનાર મા મનહરલાલ ચોકસી ની ગઝલ અફલાતુન…

  3. Kajal kanjiya said,

    September 11, 2020 @ 12:42 AM

    Wahhh

  4. લલિત ત્રિવેદી said,

    September 14, 2020 @ 9:24 AM

    અદભુત… વંદન

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment