અમે સૂરજ નથી કે જીદ પર આવી સળગશું રોજ,
અમે તો કોડિયાં, ચાહે જલાવો કે બુઝાવી દો !
– સુધીર પટેલ

પ્રેમમાં તો એવું યે થાય છે – તુષાર શુક્લ

પ્રેમમાં તો એવું યે થાય છે
સાવ અણધાર્યું કોઈ ગમી જાય છે.
પ્રેમમાં ના પડવાનું, ઉપડવાનું છે રે સખી
ઉડવાનું સંગાથે થાય છે.
જ્યારે અણધાર્યું કોઈ ગમી જાય છે.

આકાશે આષાઢી વાદળનો વૈભવ
ને છાતીમાં અણજાણ્યો ડૂમો
ઝરમરની આંખોમાં જામે તૈયારી
તમે પાલવને એકલાં ન ચૂમો
ત્યારે અંદરથી મેઘ કોઈ ગાય છે
જ્યારે અણધાર્યું કોઈ ગમી જાય છે.

આસપાસ બળબળતું રેતીનું રણ હો જાણે
એવું પથારીમાં લાગે
ફાટ ફાટ નસનસમાં પૂર હો તરસનાં ને
કંઠે કોઈ શોષ બની જાગે
ત્યારે અંદર વસંત કોઈ ગાય છે
જ્યારે અણધાર્યું કોઈ ગમી જાય છે.

ઓરડાની એકલતા થથરાવી જાય અને
હૈયું આ સાથ કોઈ માગે
હાથ મહીં હાથ હો ને ગમતો સંગાથ હો
તો રૂંવાડે આગ કોઈ જાગે
ત્યારે અંદર હેમંત કોઈ ગાય છે
જ્યારે અણધાર્યું કોઈ ગમી જાય છે.

મોસમ બદલાય ભલે, મનડું બદલાય નહીં
પ્રીત તણી રીતો બદલાય છે
પ્રેમમાં જો હોઈએ તો પ્રેમમાં જ રહીએ,
બસ એવું એવું પ્રેમમાં તો થાય છે
જ્યારે અણધાર્યું કોઈ ગમી જાય છે.

– તુષાર શુક્લ

 

 

કલાપી યાદ આવી જાય –

પ્રેમને કારણો સાથે સંબન્ધ કાંઈયે નથી,
કારણ પ્રીતિનું પ્રીતિ : પ્રેમીની લક્ષ્મી તે બધી

4 Comments »

  1. pragnajuvyas said,

    September 2, 2020 @ 1:52 PM

    ઉડવાનું સંગાથે થાય છે.
    જ્યારે અણધાર્યું કોઈ ગમી જાય છે.
    વાહ ! અનન્ય રચના.
    આકાશે આષાઢી વાદળનો વૈભવ
    ને છાતીમાં અણજાણ્યો ડૂમો
    ઝરમરની આંખોમાં જામે તૈયારી
    તમે પાલવને એકલાં ન ચૂમો
    જિંદગીને જીવવા જેવી બનાવનાર જે પરિબળો છે એ બહુ સૂક્ષ્મ હોય છે,
    નાજુક હોય છે. એને નજાકતથી જ સમજવા અને સંભાળવા પડે.
    આપણી ઇચ્છા આપણે જેને પ્રેમ કરીએ છીએ, જે આપણા દિલથી નજીક છે એ આપણી વ્યક્તિને એવું કહેતા પણ હોઈએ છીએ કે,
    આકાશે આષાઢી વાદળનો વૈભવ
    ને છાતીમાં અણજાણ્યો ડૂમો
    ઝરમરની આંખોમાં જામે તૈયારી
    તમે પાલવને એકલાં ન ચૂમો

  2. Pravin Shah said,

    September 3, 2020 @ 7:21 AM

    વાહ ! વાહ !
    ખૂબ સરસ !

  3. saryu parikh said,

    September 3, 2020 @ 9:51 AM

    મારા ગમતા વિષય પર મજાનું ગીત.
    સરયૂ પરીખ

  4. saryu parikh said,

    September 3, 2020 @ 9:53 AM

    સરસ રચના, ગમતો વિષય.
    સરયૂ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment