સ્વર્ગની લાલચ ન આપો શેખજી,
મોતનો પણ એક મોભો હોય છે.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

બેબલ પછીથી… – જેસિકા ડિ કોનિન્ક (અનુ.: વિવેક મનહર ટેલર)

એક સર્વસામાન્ય ભાષા છે
જેના પર હું હથોટી મેળવી નથી શકતી, એ મારી
પહેલવહેલી હતી તોય. ગુજરાતી તો પછી આવી.
મને આ ભાષાની સંજ્ઞાઓ ખબર નથી
કે નથી આવડતી એની વાક્યરચના. હું એના
ક્રિયાપદોને જોડી નથી શકતી. પણ નદીઓ આ ભાષા બોલે છે,
હાડકાંઓ અને રિસાઇકલિંગ માટે રખાયેલી
બૉટલો, તળાવમાંના હંસો,
કાચના દરવાજાઓ, આલૂનાં ઝાડ,
એમ્બ્યૂલન્સો, હાથલારીઓ અને કિટલીઓ પણ.
એ તારાઓના સંગીતમાં છે.
પણ હું ગૂંગી જ બની રહી છું.
જો હું આ ભાષા બોલી શકતી હોત,
જો મારી પાસે એનો શબ્દભંડોળ હોત, જો હું જાણતી હોત
એની ધૂન, તો હું તમને કહી શકત
અને તમે સમજી શકત.

– જેસિકા ડિ કોનિન્ક
(અનુ.: વિવેક મનહર ટેલર)

પ્રકૃતિ આપણી પ્રથમ ભાષા હોવા છતાં આપણે એનું વ્યાકરણ ભૂલી બેઠાં છીએ. પ્રકૃતિને વાંચતાં-સાંભળતાં ન આવડતું હોય તો ઝાડ માત્ર ઝાડ છે, પર્વત માત્ર પર્વત. બાકી, જે સાંભળી શકે છે એમના માટે પૃથ્વી પાસે સંગીત છે. વાણી અને ભાષાના વિકાસની જોડે જ પ્રકૃતિથી આપણાં અળગાપણાંની શરૂઆત થઈ ગઈ. આપણી ઇન્દ્રિયો હવે પ્રકૃત્યાનુરાગી રહી નથી. લાંબો સમય થયો, આપણે પ્રકૃતિથી અળગાં થઈ ગયાં છીએ. શહેરમાં માર્ગ પહોળો કરવા જતાં વચ્ચે નડતું ઝાડ કાપતી વખતે હવે આપણને વેદના થતી નથી. ઝાડ માર્ગની વચ્ચે આવ્યું કે માર્ગ ઝાડની વચ્ચે આવ્યો એ નક્કી કરવા જેટલી સંવેદના હવે રહી નથી. પ્રકૃતિ પાસેથી આપણે જીવતાં શીખવાનું છે. પ્રકૃતિ પાસે જીવનનો ખરો પ્રકાશ છે, પણ શું આપણી પાસે એ દૃષ્ટિ છે?

આ કાવ્યના વિશદ આસ્વાદ માટે ક્લિક કરો: http://tahuko.com/?p=18905

*
After Babel

There is a common language
I cannot master; though it was
my first. English came second.
I do not know the nouns of this
language or its syntax. I cannot
conjugate its verbs. But rivers speak it,
as do bones and bottles left
for recycling, the geese in the lake,
screen doors, peach trees,
ambulances, trolley cars and kettles.
It is there in the static of stars.
But I remain dumb.
If I could speak this tongue,
if I had its vocabulary, if I knew
its tune, I could tell you,
and you would understand

– Jessica de Koninck

1 Comment »

  1. pragnajuvyas said,

    August 8, 2020 @ 11:23 AM

    જેસિકા ડિ કોનિન્કનુ અછાંદસ બાબેલ પછીથીનો ડૉ.વિવેક મનહર ટેલર દ્વારા ભાવાત્મક અનુવાદ
    અને ખૂબ સ રસ વિશદ આસ્વાદ
    ‘ઇઆન સૉમરહેલ્ડર નામના યુવા કલાકારની એક નાની-શી વાત લઈને કુદરત તરફ વળવા કટિબદ્ધ થઈએ
    પર્યાવરણ આપણી ભીતર છે,
    આપણી બહાર નહીં.
    વૃક્ષો આપણાં ફેફસાં છે,
    નદીઓ આપણી રક્તધારા,
    અને તમે પર્યાવરણ સાથે જે કરો છો,
    એ જ આખરે, તમે તમારી જાત સાથે કરો છો.’
    વાત ઘણી ગંમી

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment