બોલે ! – સંજુ વાળા
ના બોલે તો ચાલે કિન્તુ બોલીને કાં બીજું બોલે ત્રીજું બોલે !
નામસ્મરણમાં રત રહેનારો, કાં તું આજે તીણું બોલે તીખું બોલે !
જંગલમાં એક ઝાડ પડે
તો કોને કેવું લાગે વળગે ?
નખમાં પણ જ્યાં થાય ઘસરકો
ત્યાંથી રહીએ આઘે અળગે.
ધ્યાન-બહેરી દુનિયાને શું ફરક પડે કોઈ ધીમું બોલે ભીનું બોલે !
સાહેબ, અહીંના રિવાજ મુજબ
સૌ નિજની છાયામાં મ્હાલે,
ભવિષ્યની ચિંતામાં મૂકે
આજ લટકતી અધ્ધરતાલે.
રંગબિરંગી બોલીને ભરમાવે જાણે : લીલું બોલે પીળું બોલે !
ના બોલે તો ચાલે કિન્તુ બોલીને કાં બીજું બોલે ત્રીજું બોલે !
– સંજુ વાળા
એક બહુ જ સરસ ઉક્તિ વાંચી હતી કશેક – ” જયારે તમારા શબ્દો તમારા મૌનને અતિક્રમી શકે ત્યારે જ બોલવું ” !!
વિવેક said,
August 25, 2020 @ 8:06 AM
સુંદર મજાની ગીતરચના…
બોલે-બોલે બે વાર લેવાથી મૌનનું મહિમાગાન કરતાં આ ગીતનો લય કેવો બોલકણો અને આસ્વાદ્ય થયો છે!
સંજુ વાળા said,
August 25, 2020 @ 8:53 AM
આભાર તિર્થેશજી.
વિવેકજી….
એકદમ સહી. ગીતમાં જે બોલાય છે તે ન બોલાય તો સારું. એવું બહુ જૂદી રીતે
નિરૂપણનો આ આશય છે.
તમને ગોરા રે પીરાની આણ સૂડલા !
સત રે બોલો કાં મત બોલો.- ભવાનીદાસ
આ લખતી વખતે તો યાદ નહીં આવ્યું હોય
પણ
આજ યાદ આવે છે.
pragnajuvyas said,
August 25, 2020 @ 10:28 AM
બોલે ગીત માણતા મા પુરુષોતમજીનો સ્વર ગુંજે
ભાષાની મીઠાશ નહિ જાણે બોલે કાગડો કાબર -કાં કાં
કે સૌએ મળીને ભ્રષ્ટ કર્યો છે ભાષાનો રત્નાકર
ગુજરાતી થઈ. ગુજરાતી કોઈ બોલે નહિ બરાબર…
સત રે બોલો કાં મત બોલો.- ભવાનીદાસ વાતે યાદ આવે
વાગ્યેકા સમલંકરોતિ પુરુષ યા સંસ્કૃતા ધાર્યતે.
શાસ્ત્રોમાં વાણીના ચાર પ્રકારો આપેલા છે.પરા વાણી. કબીર, નાનક, દાદુ, રહીમ, પલટુથી માંડી અનેક સંતો, આવા માધ્યમ છે પશ્યન્તિઃ પૂર્વગ્ર રહીત હવે તેની ભિતરની આંખ છે તે હવે સત્ય જોઈ શકે છે અનુભવી શકે છે અને હવે તે જે કહેશે તે સત્ય તેના અનુભવની નિપજ છે.
મધ્યમા વાણીઃ આ સ્વાનુભવ નથી પણ એક અનુમાન માત્ર છે જે ખોટું હોવાની ક્યારેક સંભાવના છે. વૈખરી વાણીઃ સંતો સાંકેતિક, કે ગુઢ કે ઊલટવાણીનો પ્રયોગ કરતાં અને અનેક પ્રતિકો ,સંકેતો દ્વારા સત્ય કહેતા જેથી અપાત્ર કે કુપાત્રના હાથમાં સત્ય આવી ન જાય.