સમૂહગીત – રમેશ પારેખ
વૃક્ષો જોયાનો થાય લીલોછમ વ્હેમ
એવો માર્યો આ ડંખ કઈ સાપણે
કોની ઈચ્છાઓ તપે આકરી કે આપણા આ શબ્દોને ફૂટે નહીં જીભ ?
બાંધી ગયું છે કોણ હોવાની ડાળીએ ખાલીખમ બોલ્યાની ઠીબ ?
દ્રશ્યો જોવાનો ભાર લાગે કે ઊગે ને આથમે છે પ્હાડ હવે પાંપણે ?
વૃક્ષો જોયાનો થાય લીલોછમ વ્હેમ
એવો માર્યો આ ડંખ કઈ સાપણે
નિશ્ચય તો તૂટીને તળિયે ડૂબ્યાને બધે ઘૂઘવતું સ્થિતિનું તાણ
આયનાના દરિયામાં શોધે છે આપણને સદીઓથી ડૂબેલું વહાણ
પોતાની કડકડતી એકલતા લઈને સૌ બેઠા છે ટોળાને તાપણે
વૃક્ષો જોયાનો થાય લીલોછમ વ્હેમ
એવો માર્યો આ ડંખ કઈ સાપણે
સામેની ટેકરીના ઊભા અનન્ત ઢાળ વીંધીને પ્હોંચવું છે ક્યાંક
પગના અભાવ વિષે જોયા જોયા કરવાનું : કદી આપણને ફૂટવાની પાંખ
જીવતરના કાચમાં પડેલી તીરાડ સમા કારણ વિનાના છીએ આપણે
વૃક્ષો જોયાનો થાય લીલોછમ વ્હેમ
એવો માર્યો આ ડંખ કઈ સાપણે.
-રમેશ પારેખ
આ કાવ્યની નીચે કવિનું નામ લખવાની જરૂર જ નથી – આ ર.પા. જ હોઈ શકે !!
કાવ્ય ઉપડે છે એક અબોલ મૂંઝારાથી. અકળામણ એ હદની છે કે આંખોથી દ્રશ્યો જોવા એ પણ સજા લાગે છે. બીજા ચરણમાં આ એકલતા ઘેરાય છે અને આપણી ન્યૂનતા વધુ છતી થાય છે, ઇચ્છાનુસાર કશું થતું નથી, માત્ર સ્થિતિના પવને હસ્તી ફંગોળાઈ રહી છે. અંતિમ ચરણમાં અસમર્થતા વિકરાળ રૂપે સામે આવે છે અને જીવનની નિરર્થકતા નિર્વિકલ્પ લાગે છે. આ ભાવ અનુભવાવાનું કારણ અધ્યાહાર છે….
Prahladbhai Prajapati said,
August 18, 2020 @ 10:23 AM
EXCELENT
pragnajuvyas said,
August 18, 2020 @ 12:09 PM
વૃક્ષો જોયાનો થાય લીલોછમ વ્હેમ
એવો માર્યો આ ડંખ કઈ આપણે.
અદભુત
કવિના હૃદયમાં રહેલો રસ એ મૂળ છે; તેમાંથી પ્રગટેલું કાવ્ય તે વૃક્ષ છે;રસનો આસ્વાદ બધાને જ થતો નથી. સહૃદયોને જ થાય છે. કવિના હૃદયની સાથે તાદાત્મ્ય સાધવાની શક્તિ જેનામાં હોય તેને સહૃદય કહેવાય. જેમ કાવ્યરચના માટે પ્રતિભાની જરૂર પડે છે તેમ કાવ્યાસ્વાદ માટે પણ પ્રતિભાની જરૂર પડે છે.
સર્વે ગુજરાતીઓ હંમેશ…માટે આ મહાન કવિના ઋણીઅને આભારી રહેશે કે જ .આધ્યાત્મિક ચિંતન અને કાવ્યચિંતન એ બે ક્ષેત્રો એવાં છે, જેમાં જગતના વિચારરાશિમાં આપણા દેશનો ફાળો ઘણો મહત્ત્વનો અને કીમતી છે. એટલે એ બે જ્ઞાનશાખાઓમાં તો આપણે આપણા દેશની પરંપરા સાથે અનુસંધાન સાધવું જ જોઈએ.
વિવેક said,
August 19, 2020 @ 8:24 AM
સાદ્યંત સુંદર રચના…
પોતાની કડકડતી એકલતા લઈને સૌ બેઠા છે ટોળાને તાપણે – શિરમોર…
લલિત ત્રિવેદી said,
August 21, 2020 @ 6:29 AM
વૃક્ષો જોયાનો થાય લીલોછમ વહેમ એવો માર્યો છે ડંખ કઇ સા
… વંદન કવિનેપણે