પારખાં ત્યારે જ મિત્રોના થશે,
કોઈની વેળા કવેળા થાય છે.
રાજુ રબારી

પંચાયતને શું કહેવું ? – શૂન્ય પાલનપુરી

મોતની સાથે જીવનની અવિરામ લડતને શું કહેવું ?
શ્વાસે શ્વાસે ખેલાતા આ પાણીપતને શું ક હેવું ?

ખીલીને કરમાય છે કળીઓ, એ તો નિયમ છે કુદરતનો,
અણખીલી કરમાય કળી તો એ કુદરતને શું કહેવું ?

જ્યારે દેખો નાશની ચર્ચા, જ્યારે દેખો નાશની ધૂન,
કાયા તારી એક જ તરફી પંચાયતને શું કહેવું ?

રૂપની ભિક્ષા લેવા અંતર તારું દ્વાર જ શોધે છે,
એક જ ઘરની ટે’લ કરે એ અભ્યાગતને શું કહેવું ?

મોતની સામે રમતાં રમતાં રામ રમે છે જીવનના,
મીન થઈને ડૂબે એવા પારંગતને શું કહેવું ?

લાખ ઉષા ને સંધ્યા ખેલે હોળી વ્યોમની ધરતી પર,
રક્ત બની જે આંખમાં જામે એ રંગતને શું કહેવું ?

કાંઠા પર મજધાર બનાવે, હાય ! એ પામર નિર્બળતા ?
કાંઠાને મજધારમાં આણે, એ હિંમતને શું કહેવું ?

તારી યાદની હિચકી આવી પ્રાણને મુજ રીબાવે છે,
તું જ કરે છે ખોટી ખોટી અટકાયતને શું કહેવું ?

યાદ કોઈની દિલમાં આવી દિલની માલિક થઈ બેઠી,
શુન્ય હવે આ સત્તાલોભી શરણાગતને શું કહેવું ?

– શૂન્ય પાલનપુરી

1 Comment »

  1. pragnajuvyas said,

    August 1, 2020 @ 12:10 PM

    કવિશ્રી શૂન્ય પાલનપુરીની અફલાતુન ગઝલ
    મકતા
    યાદ કોઈની દિલમાં આવી દિલની માલિક થઈ બેઠી,
    શુન્ય હવે આ સત્તાલોભી શરણાગતને શું કહેવું ?
    વાહ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment