એક નેમ છે અને એને વિસરવાનું નહીં
બીજી ભણી માથાને વિહાવાનું નહીં
મોતી જો પામવા હો તો દરિયામાં ‘મરીઝ’
ડૂબકી જ મારવાની હો, પછી તરવાનું નહીં
મરીઝ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ગૌરાંગ ઠાકર

ગૌરાંગ ઠાકર શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

(આવ જા કરે) - ગૌરાંગ ઠાકર
(રાઘવ કામમાં આવ્યો) - ગૌરાંગ ઠાકર
(સરહદ વટાવીને) - ગૌરાંગ ઠાકર
सरहद की दोनों ओर चहकता चमन रहे (भाग – २)
એવું નથી - ગૌરાંગ ઠાકર
કરું છું - ગૌરાંગ ઠાકર
ગઝલ - ગૌરાંગ ઠાકર
ગઝલ - ગૌરાંગ ઠાકર
ગઝલ - ગૌરાંગ ઠાકર
ગઝલ - ગૌરાંગ ઠાકર
ગઝલ - ગૌરાંગ ઠાકર
ગઝલ - ગૌરાંગ ઠાકર
ગઝલ - ગૌરાંગ ઠાકર
ગઝલ - ગૌરાંગ ઠાકર
ગઝલ - ગૌરાંગ ઠાકર
ગઝલ - ગૌરાંગ ઠાકર
ગઝલમાં તબીબ, હકીમ અને વૈદ -સંકલન
ગઝલે સુરત (કડી-૧)
ગણિતનું ગીત – ગૌરાંગ ઠાકર
ગનીચાચા જન્મ શતાબ્દી વર્ષ ઉજવણી પર્વ : કડી-૨
તું તો માળી છે - ગૌરાંગ ઠાકર
ભગવતી-વિશેષ : તરહી મુશાયરો... (ભાગ- ૨)
મારા હિસ્સાનો સૂરજ-ગૌરાંગ ઠાકર
વગર ! - ગૌરાંગ ઠાકર
વયથી વધારે - ગૌરાંગ ઠાકર
વહાલ વાવવાની વાત (ભાગ:૧) - ગૌરાંગ ઠાકર
વહાલ વાવવાની વાત (ભાગ:૨) – ગૌરાંગ ઠાકર
વેશપલટો - ગૌરાંગ ઠાકર
હોય છે - ગૌરાંગ ઠાકરએવું નથી – ગૌરાંગ ઠાકર

બધી જ પીડાનું વર્ણન કરાય એવું નથી.
પ્રભુ ! તને બધું સમજાઈ જાય એવું નથી.

પવન તો બાગથી ખુશ્બૂ લઈને જઈ રહ્યો છે,
અને આ ફૂલથી પાછળ જવાય એવું નથી.

તમે આ આંસુ વગરનાં નયન લઈ ક્યાં જશો ?
બધાથી ડૂમાનો અનુવાદ થાય એવું નથી.

જુઓને, હાથમાં અજવાળું કેવું ઝળહળે છે,
કલમથી એટલે છેડો ફડાય એવું નથી.

તમે તો આંખથી હૈયે જઈ વસી ગયા છો,
હવે બીજે કશે તમને રખાય એવું નથી.

– ગૌરાંગ ઠાકર

Comments (13)

(આવ જા કરે) – ગૌરાંગ ઠાકર

ખુલ્લું હૃદય છે કોઈ ભલે પારખાં કરે,
પણ બારણું નથી કે બધા આવ જા કરે.

દુશ્મન તો એક પણ મને જીતી શક્યો નહીં,
હારી હું જાઉં એમ કોઈ મિત્રતા કરે.

આથી વિશેષ કૈં જ મને જોઈતું નથી,
દરરોજ સૂર્ય જોઉં તો વિસ્મય થયા કરે.

દીવો ભીતર વિલાસમાં જીવી રહ્યો હશે,
નહીંતર ન બંધ બારણે હુમલો હવા કરે.

મરજી પડે તો મોજથી અજવાળું અવગણું,
પણ શી મજાલ રાતની કે બાવરા કરે.

– ગૌરાંગ ઠાકર

સાદ્યંત સુંદર રચના… મત્લામાં કવિનો ખરો મિજાજ પકડાય છે.

Comments (12)

(રાઘવ કામમાં આવ્યો) – ગૌરાંગ ઠાકર

ગઝલ લખવાનો જીવનમાં અનુભવ કામમાં આવ્યો,
મને હું જાણવા લાગ્યો અને ભવ કામમાં આવ્યો.

મને ત્યારે જ લાગ્યું દોસ્ત, રાઘવ કામમાં આવ્યો,
જગતમાં જે ઘડી માનવને માનવ કામમાં આવ્યો.

હવા નિષ્ફળ ગઈ સાંકળ ઉઘાડી નાંખવામાં પણ,
અમારા ઘરના ખાલીપાને પગરવ કામમાં આવ્યો.

ઊભા છે આમ તો રસ્તાને રસ્તો દઈને રસ્તામાં,
છતાં રસ્તાને એ વૃક્ષોનો પાલવ કામમાં આવ્યો.

હું પડછાયાને મારા પ્રેમનો પ્રસ્તાવ આપું ત્યાં,
ખરા ટાણે મને ભીતરનો વૈભવ કામમાં આવ્યો.

અમે આદમના વંશજ સ્વર્ગમાંથી છો ધકેલાયા,
જગત માણી લીધું મિત્રો, પરાભવ કામમાં આવ્યો.

– ગૌરાંગ ઠાકર

દરેકેદરેક શેર ધ્યાન ખેંચે એવા મજબૂત. રસ્તાની પુનરુક્તિવાળો શેર ભાષાપ્રયોગની વિશિષ્ટતાના કારણે ખાસ થયો છે. અને સફરજન ખાવાની સજારૂપે પૃથ્વીનો વસવાટ ભોગવવાનો થયો એ વાતને કવિ જે સકારાત્મક્તાથી રજૂ કરે છે એ તો અદભુત છે.

Comments (6)

(સરહદ વટાવીને) – ગૌરાંગ ઠાકર

વિચારોને વમળમાં આજ આવ્યો છું ડુબાવીને,
કિનારે એમ લાવ્યો જાત મારી હું બચાવીને.

ખરે છે ડાળડાળેથી હવે વળગણનાં પર્ણો દોસ્ત,
જરા મેં જોઈ લીધું ઊર્ધ્વમૂળે વૃક્ષ વાવીને.

પ્રતીક્ષાની આ પીડા દ્વારને ઓછી નથી હોતી,
હવા કરતી રહે છે છેડતી સાંકળ હલાવીને.

તમારા ઘરનાં રસ્તેથી પ્રવેશું છું હું અનહદમાં,
અહીં તેથી હું આવ્યો છું બધી સરહદ વટાવીને.

બધું આ બ્હારથી તો ઠીક છે બદલાવ તું ભીતર,
અરીસો આખરે બોલી ઊઠ્યો છે બ્હાર આવીને .

– ગૌરાંગ ઠાકર

વિચારની દીવાલ ઓળંગવાના પ્રયત્નો આદિકાળથી મનુષ્ય કરતો આવ્યો છે. ધ્યાન ધરવાની બહુ જાણીતી પદ્ધતિ પોતાની જાતને વિચારોથી વેગળી કરવાની, પોતાના જ વિચારોને બાહ્ય પદાર્થ તરીકે સાક્ષીભાવે જોતાં શીખવાનું અને એમ નિર્વિચાર થવું એ છે. વિચારોને વમળમાં ડૂબાડી દઈ શકીએ તો જાત આ ભવસાગર તરી જાય.  આમ તો બધા જ શેર ધ્યાનાર્હ થયા છે પણ પ્રિયજનના ઘરના રસ્તેથી અનહદમાં પ્રવેશવાની કેફિયત ખૂબ ઊંડી વાત લઈને આવે છે. હદ વટાવ્યા વિના પ્રેમ થતો નથી. બધી જ સરહદ વટાવી દઈને જ્યારે તમે તમારું અસ્તિત્વ સામી વ્યક્તિમાં ઓગાળી દો છો, સામી વ્યક્તિમાં પ્રવેશો છો ત્યારે અનહદની પ્રાપ્તિ થાય છે.

 

Comments (6)

તું તો માળી છે – ગૌરાંગ ઠાકર

જળનો જળમાં અભિનય થોડો છે,
પણ બરફને પરિચય થોડો છે ?

એ જો આવે તો પછી જાય નહીં,
દોસ્ત, ખાલીપો સમય થોડો છે ?

કેમ હાંફે છે ? તું તો માળી છે,
પાનખર છે આ, પ્રલય થોડો છે ?

તમને કઈ રીતે પ્રણય સમજાવું ?
શાસ્ત્રનો કોઈ વિષય થોડો છે ?

હું કરું ને કહું તેં જ કર્યું,
આ વિનય… ઓછો વિનય થોડો છે ?

– ગૌરાંગ ઠાકર

મજાની ગઝલ. ખાલીપાવાળો શેર જોરદાર પણ વિનયવાળો શેર? વાહ, કવિ વાહ !!!

Comments (6)

ગઝલ – ગૌરાંગ ઠાકર

મહેલમાં જેમને વન લાગે છે,
એમની વાતમાં મન લાગે છે.

ખીણ પર્વતનું પતન લાગે છે,
ને ઝરણ એનું રુદન લાગે છે.

ભાર જીવનમાં બીજો છે જ નહીં,
હળવા પાકિટનું વજન લાગે છે.

આંખમાં આંસુ છે હૈયામાં આગ,
જાણે પાણીમાં હવન લાગે છે.

બાગમાં ફૂલ અને ઝાકળનું,
અમને તો હસ્તધૂનન લાગે છે.

તું કશું બોલે નહી ત્યારે બસ,
મૌન શબ્દોનું કફન લાગે છે.

આ તને ચાહવાનું છે પરિણામ,
વિશ્વ આખું જ સ્વજન લાગે છે

– ગૌરાંગ ઠાકર

સરલ, સહજ પણ મનનીય ગઝલ… કવિનું સ્ટાઇલ સ્ટેટમેન્ટ…

Comments (9)

વેશપલટો – ગૌરાંગ ઠાકર

મેં તમને જ ઓઢી કર્યો વેશપલટો,
તો ભીતરમાં પણ થઈ ગયો વેશપલટો.

સમયસર ફગાવે શક્યો ના હું તેથી,
ત્વચા સાથે કેવો મળ્યો વેશપલટો ?

મને ઊંઘતો જોઈ રાજી રહે છે,
હું જાગ્યો છું ત્યારે ડર્યો વેશપલટો.

જવલ્લે જ જોવા મળે પારદર્શક,
બરફરૂપે જળને જડ્યો વેશપલટો.

અસલ તો ઊડ્યું… આખરી શ્વાસ સાથે,
પછી શેષમાં બસ રહ્યો વેશપલટો.

– ગૌરાંગ ઠાકર

જાગવાનો સંદર્ભ વેશપલટાના પરિપ્રેક્ષ્યમાં કેવો અદભુત રીતે ખોલી આપે છે !

Comments (7)

ગઝલ – ગૌરાંગ ઠાકર

માર્ગમાં મોકા રખડતા હોય છે,
એ રખડતાને જ મળતા હોય છે.

મેં મને શોધી જ કાઢ્યો આખરે,
શું કવિતામાં ગૂગલતા હોય છે ?

મારા જીર્ણોદ્ધારના પ્રશ્નો વિશે,
મારી આદત પાસે સત્તા હોય છે.

બેઉ હાથે માગવાનું બંધ કર,
લાખ ચોર્યાસીના હપ્તા હોય છે.

ત્યાગની વાતો તો અઘરી છે, કવિ,
તારી ગઝલોમાં તો મક્તા હોય છે.

– ગૌરાંગ ઠાકર

પાંચ શેર. પાંચે-પાંચ ઉત્તમ. જીર્ણોદ્ધારવાળો શેર સહેજ ખોલી શકાય તો શ્રેષ્ઠ છે. ‘ગૂગલ’ શબ્દ ક્રિયાપદ અને સંજ્ઞા તરીકે તો આપણી કવિતામાં ક્યારનો આવી ગયો પણ કવિ ગૂગલનું ‘ગૂગલતા’ કરીને શબ્દને કદાચ પહેલવહેલીવાર ગુજરાતીતા બક્ષે છે. એક નજર છેલ્લા શેર પર પણ. ગઝલના આખરી શેરમાં કવિ પોતાનું નામ અથવા તખલ્લુસ લખે તો એને મક્તા કહે છે. ગઝલના આખરી શેરમાં પોતાનું નામ લખવાનો મોહ ત્યાગી ન શકનાર કવિને ત્યાગની વાતો કરવા પર કવિ કેવી અદ્દલ હુરતી મિજાજમાં ચીમકી આપે છે !

Comments (16)

વગર ! – ગૌરાંગ ઠાકર

ટોચની હો કલ્પના ક્યાં તળ વગર !
શક્યતા ક્યાં વૃક્ષની કૂંપળ વગર !

છાપ સિક્કાની મને બંને ગમે
માત્ર તું એને ઉછાળે છળ વગર !

પુષ્પ છું પરવા નથી શણગારની
ફક્ત ફોરમ આપ તું ઝાકળ વગર !

આભને પણ છે વિચારોનાં દુઃખો
ક્યાં રહે પળવાર એ વાદળ વગર !

એક એવા રણ વિષે કલ્પી જુઓ
દોડવાનું હોય જ્યાં મૃગજળ વગર !

પૂર્ણતા પુરવાર કરવા શું કરે !
દ્વારને હોવું મળે સાંકળ વગર !

વીજ જાણે આભ હ્સ્તાક્ષર કરે !
હાથ, શાહી કે કલમ, કાગળ વગર !

– ગૌરાંગ ઠાકર

Comments (8)

ગઝલ – ગૌરાંગ ઠાકર

સમેટું મને કે બધે વિસ્તરું?
તને પામવા તું કહે તે કરું.

આ પાણીમાં ડૂબી ગયો છે પવન,
કહો, સૂર્યકિરણોથી જળ ખોતરું?

હો કીર્તિ તમારી કે હો આબરૂ,
હવાના હમાલો કરે તે ખરું.

દીવાલોની દાદાગીરી બહુ વધી,
ગયું જ્યારથી ઘર મૂકી છાપરું.

બગીચાના માળીની ગઈ નોકરી,
હવે પાનખરને નહીં છાવરું.

હું વરસાદનો કોઈ છાંટો નથી,
તું છત્રીમાં હો.. તે છતાં છેતરું.

– ગૌરાંગ ઠાકર

મજાની ગઝલ.. બધા જ શેર ગમી જાય એવા… સરળ ભાષા અને સહજ કલ્પનોની મદદથી ઉપસી આવતાં અનૂઠા શબ્દચિત્રો… આખરી શેર તો વાહ વાહ વાહ કરાવી જાય એવો છે…

Comments (9)

Page 1 of 3123