(સરહદ વટાવીને) – ગૌરાંગ ઠાકર
વિચારોને વમળમાં આજ આવ્યો છું ડુબાવીને,
કિનારે એમ લાવ્યો જાત મારી હું બચાવીને.
ખરે છે ડાળડાળેથી હવે વળગણનાં પર્ણો દોસ્ત,
જરા મેં જોઈ લીધું ઊર્ધ્વમૂળે વૃક્ષ વાવીને.
પ્રતીક્ષાની આ પીડા દ્વારને ઓછી નથી હોતી,
હવા કરતી રહે છે છેડતી સાંકળ હલાવીને.
તમારા ઘરનાં રસ્તેથી પ્રવેશું છું હું અનહદમાં,
અહીં તેથી હું આવ્યો છું બધી સરહદ વટાવીને.
બધું આ બ્હારથી તો ઠીક છે બદલાવ તું ભીતર,
અરીસો આખરે બોલી ઊઠ્યો છે બ્હાર આવીને .
– ગૌરાંગ ઠાકર
વિચારની દીવાલ ઓળંગવાના પ્રયત્નો આદિકાળથી મનુષ્ય કરતો આવ્યો છે. ધ્યાન ધરવાની બહુ જાણીતી પદ્ધતિ પોતાની જાતને વિચારોથી વેગળી કરવાની, પોતાના જ વિચારોને બાહ્ય પદાર્થ તરીકે સાક્ષીભાવે જોતાં શીખવાનું અને એમ નિર્વિચાર થવું એ છે. વિચારોને વમળમાં ડૂબાડી દઈ શકીએ તો જાત આ ભવસાગર તરી જાય. આમ તો બધા જ શેર ધ્યાનાર્હ થયા છે પણ પ્રિયજનના ઘરના રસ્તેથી અનહદમાં પ્રવેશવાની કેફિયત ખૂબ ઊંડી વાત લઈને આવે છે. હદ વટાવ્યા વિના પ્રેમ થતો નથી. બધી જ સરહદ વટાવી દઈને જ્યારે તમે તમારું અસ્તિત્વ સામી વ્યક્તિમાં ઓગાળી દો છો, સામી વ્યક્તિમાં પ્રવેશો છો ત્યારે અનહદની પ્રાપ્તિ થાય છે.
poonam said,
January 19, 2017 @ 2:38 AM
બધું આ બ્હારથી તો ઠીક છે બદલાવ તું ભીતર,
અરીસો આખરે બોલી ઊઠ્યો છે બ્હાર આવીને .
– ગૌરાંગ ઠાકર My Fvrt..
chandresh said,
January 19, 2017 @ 3:54 AM
વિચારોને વમળમાં આજ આવ્યો છું ડુબાવીને,
કિનારે એમ લાવ્યો જાત મારી હું બચાવીને.
સરસ
KETAN YAJNIK said,
January 19, 2017 @ 6:18 AM
દુભનું દૂધ ને પાણી નું પાણી થઇ ગયું।આ પર તમારા ને પેલે પાર ?
સરસ ગઝલ
Gaurang Thaker said,
January 19, 2017 @ 8:04 AM
Thank you vivekbhai and laystaro…
Rakesh Thakkar, Vapi said,
January 19, 2017 @ 11:57 AM
બધું આ બ્હારથી તો ઠીક છે બદલાવ તું ભીતર,
અરીસો આખરે બોલી ઊઠ્યો છે બ્હાર આવીને .
Nice Gazal
Maheshchandra Naik said,
January 19, 2017 @ 4:52 PM
સરસ ગઝલ,
બધું આ બહારથી તો ઠીક છે બદલાવ તું ભીતર,
અરીસો આખરે બોલી ઊઠ્યો છે બહાર આવીને….
જાત સાથે વાત કરવાની અનોખી રજુઆત્…….કવિશ્રી ને અભિનદન,લયસ્તરો નો આભાર્….