વહાલ વાવવાની વાત (ભાગ:૨) – ગૌરાંગ ઠાકર
નવમી મેના રોજ ગૌરાંગ ઠાકરના બીજા ગઝલસંગ્રહ- વહાલ વાવી જોઈએ-ના e-વિમોચન (e-મોચન)માં આપણે જોડાયા. આજે એ સંગ્રહના ઉત્તરાર્ધના કેટલાક શાનદાર-જાનદાર શેર મમળાવીએ:
પવન તો બાગથી ખુશબૂ લઈને જઈ રહ્યો છે,
અને આ ફૂલથી પાછળ જવાય એવું નથી.
એ બધું છોડીને બેઠો છે અહીં.
એટલે તો સર્વગ્રાહી થાય છે.
મારું સઘળું એ ધ્યાન લઈ બેઠા,
જાણે ઈશ્વરનું સ્થાન લઈ બેઠા !
માત્ર સરનામું એમણે દીધું,
ને અમે ત્યાં મકાન લઈ બેઠા.
ધોવાણ કે પુરાણ બંને ગતિથી થાય,
કાંઠે ઊભા રહો પછી સમજાઈ જાય છે.
પ્રેમની પળનો વિલય હોતો નથી,
ફક્ત આપણને સમય હોતો નથી.
હવે આ સદનની સજાવટ બહુ થઈ,
જે ભીતરમાં ખૂલે તે બારી બનાવું.
વરસ્યા વિનાનાં વાદળો જોઈને થયું એમ,
ડૂમાથી અહીં ઓગળી આંસુ ન થવાયું.
કમ સે કમ એવું તો ના બોલો હવે,
મારી સાથે બોલવા જેવું નથી.
તારા સુધી જવા મને પરવાનગી હતી,
કારણ કે મારી યોગ્યતા દીવાનગી હતી.
જળથી વરાળ થઈ પછી વાદળ બનાય છે
મારામાં શું થયા પછી માણસ બનાય છે ?
મનની તરસ વિશે તમે એને પૂછો નહીં,
દરરોજ હોડી લઈને એ મૃગકળમાં જાય છે.
પર્વતની છાતી જોઈને ઝરણાંને મેં કહ્યું,
તારા ગયાનાં સળ, તને ક્યાંથી ખબર પડે ?
એક તો આજે પવનમાં છત ગઈ,
ને ઉપરથી ઝીણું દળવાનું થયું.
દર્પણમાં રોજ જોઉં તો કૈં પણ થતું નથી,
તમને મળીને કેટલો બદલાઈ જાઉં છું.
મન મુજબ જીવ્યા પછી એવું થયું,
મન વગરના થઈ જવાનું મન થયું.
હું કશું પણ મેળવીને શું કરું ?
હોય છે આનંદ બસ, તલસાટમાં.
બધા ફૂલોનું ઝાકળ પાછું આપે,
નહીં તો સૂર્ય રાજીનામું આપે.
MEHUL said,
May 21, 2010 @ 1:14 AM
VERY GOOD !
KEEP IT UP !
CAN’T U SEND WHOLE CREATION TO US DIRECTLY..
MEHUL
વિવેક said,
May 21, 2010 @ 1:31 AM
આખું પુસ્તક ઇન્ટરનેટ પર મૂકી દઈશ તો પછી ખરીદશે કોણ, મેહુલભાઈ?
પુસ્તકની કિંમત માત્ર 60 રૂપિયા જ છે… એટલા તો ખરચીએ કે નહીં?
વિહંગ વ્યાસ said,
May 21, 2010 @ 1:39 AM
બધાજ શેર આસ્વાદ્ય. “તારા સુધી જવા મને પરવાનગી હતી, કારણ કે મારી યોગ્યતા દીવાનગી હતી.” વાહ…..!
હેમંત પુણેકર said,
May 21, 2010 @ 4:05 AM
સુંદર શેર વીણી લાવ્યાં વિવેકભાઈ!
હું કશું પણ મેળવીને શું કરું ?
હોય છે આનંદ બસ, તલસાટમાં.
બધા ફૂલોનું ઝાકળ પાછું આપે,
નહીં તો સૂર્ય રાજીનામું આપે ….. સરસ!
Pinki said,
May 21, 2010 @ 4:38 AM
અભિનંદન… એટલે કે આખા પુસ્તક માટે જ વાહ્.. વાહ્.. !!
મને એમની ઘણી બધી ગઝલો પસંદ છે પણ, આખું પુસ્તક તો ના જ મૂકાયને,
પણ તો પણ વૅબ પર સૌથી વધુ ગઝલો એમની જ છે ! 🙂
Pancham Shukla said,
May 21, 2010 @ 4:58 AM
સુંદર સંકલન. ગૌરાંગભાઈને અભિનંદન.
urvashi parekh said,
May 21, 2010 @ 5:15 AM
બાધા ફુલોનુ ઝાકળ પાછુ આપે,
નહી તો સુર્ય રાજીનામુ આપે.
સરસ..
pragnaju said,
May 21, 2010 @ 7:28 AM
સુંદર સંકલન
તેમા આ શેરો
મનની તરસ વિશે તમે એને પૂછો નહીં,
દરરોજ હોડી લઈને એ મૃગકળમાં જાય છે.
પર્વતની છાતી જોઈને ઝરણાંને મેં કહ્યું,
તારા ગયાનાં સળ, તને ક્યાંથી ખબર પડે ?
એક તો આજે પવનમાં છત ગઈ,
ને ઉપરથી ઝીણું દળવાનું થયું.
દર્પણમાં રોજ જોઉં તો કૈં પણ થતું નથી,
તમને મળીને કેટલો બદલાઈ જાઉં છું
વાહ્
સુનીલ શાહ said,
May 21, 2010 @ 8:19 AM
વહાલની વાવણીની સુંદર ઝલક..
શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,
May 21, 2010 @ 8:50 AM
માનવીજીવન એક અનંત પ્રવાસ લાગે.
ત્યાં ઈ-બુક નહીં,બસ બુક જ કામ લાગે.
vishwadeep said,
May 21, 2010 @ 9:14 AM
બધા ફૂલોનું ઝાકળ પાછું આપે,
નહીં તો સૂર્ય રાજીનામું આપે.
સુન્દર…બધા શેર ગમે એવા છે..મનભાવક ..
ડૉ.મહેશ રાવલ said,
May 21, 2010 @ 11:20 AM
શ્રી વિવેકભાઈ,
વહાલ વાવી જોઇએ ગઝલ સંગ્રહના, સરસ શેરનું ખૂબ સુંદર ચયન થયું છે.
એક એકથી ચડિયાતા શેરમાં કોઈ એક શેરને અલગ તારવી બિરદાવવા જતાં અન્ય શેરને અન્યાય કરી બેસીએ એવું બને !!!
એટલે અહીં પ્રસ્તુત તમામ શેર માટે સળંગ અભિનંદન ક્યા બાત…ક્યાબાત…ક્યાબાત….!
ગૌરાંગભાઈ, આમનેઆમ વહાલ વાવતાં રહો……
Harish shah said,
May 21, 2010 @ 11:50 AM
Khub sundar gaurangbhai
all excellent ..
himanshu patel said,
May 21, 2010 @ 6:39 PM
ગુલદસ્તો સુંદર છે..ગમ્યા વાંચવાના બધા શેર
Girish Parikh said,
May 21, 2010 @ 6:55 PM
વેચાણ વાવી જોઈએ !
અલબત્ત, પુસ્તકોનું.
વિવેકભાઈઃ તમારી વાત વ્યાજબી છે.
આ શેર વધુ ગમ્યાઃ
એ બધું છોડીને બેઠો છે અહીં.
એટલે તો સર્વગ્રાહી થાય છે.
પ્રેમની પળનો વિલય હોતો નથી,
ફક્ત આપણને સમય હોતો નથી.
દર્પણમાં રોજ જોઉં તો કૈં પણ થતું નથી,
તમને મળીને કેટલો બદલાઈ જાઉં છું.
yogesh pandya said,
May 21, 2010 @ 11:08 PM
હું કશું પણ મેળવીને શું કરું ?
હોય છે આનંદ બસ, તલસાટમાં
Good
sudhir patel said,
May 21, 2010 @ 11:20 PM
ખૂબ સરસ. ફરી ગૌરાંગભાઈને અભિનંદન!
સુધીર પટેલ.
Girish Parikh said,
May 22, 2010 @ 10:17 AM
આ ઉમેરું છું:
વેચાણ વધારી જોઈએ.
અલબત્ત, પુસ્તકોનું.
Gaurang Thaker said,
May 23, 2010 @ 9:28 AM
વહ્લાલ વાવી જોઇએનુ બે ભાગમા અહી પ્રકાશન કરવા બદલ લયસ્તરોના વિવેકભાઈ તેમજ સુદર પ્રતિભાવ આપનારા તમામ વાચકોનો આભારી છુ.પુસ્તક વેચાણ બાબતે જણાવવાનુ કે હુ વિક્રેતા તરીકે નબળો વેચાણકાર છુ માટે પુસ્તક ભાવકોને મળી રહે તે માટે સાહિત્ય સગમ સુરત અને સાહિત્ય ચિતન અમદાવાદમા વ્યવસ્થા કરી છે. આભાર…