(બેઉનો વરસાદ) – ગૌરાંગ ઠાકર
બેઉની વચ્ચે વખત એવો પડ્યો,
બેઉનો વરસાદ પાણીમાં ગયો.
કેટલો અણઘડ ઈરાદો નીકળ્યો,
એમની આંખોમાં જઈ પાછો ફર્યો.
વાયરો ને વહેણ તો સંમત હતાં,
વહાણને જૂનો સુકાની બહુ નડ્યો.
આખરે લોહીલુહાણ આવ્યો પરત,
હોંશિયારી જ્યારે સાથે લઈ ગયો.
વાત કરવી એને બહુ ગમતી હતી,
ભીંત પર પોતે છબી થઈને રહ્યો .
ઓ કુંવારા શબ્દોના ધાડા! ખમો,
હું હજી હમણાં કવિતાને મળ્યો .
– ગૌરાંગ ઠાકર
ગૌરાંગ ઠાકર એમનો ત્રીજો ગઝલસંગ્રહ ‘કોઈ હૈયામાં ગયું લાગે છે’ લઈને આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. લયસ્તરોના આંગણે એમનું સહૃદય સ્વાગત છે. ક્રિયાપદના કાફિયા કવિને વધુ માફક આવતા જણાય છે. પણ ગઝલની ફ્લેવર આહ્લાદક બની છે એની વિશેષ મજા છે.
સંબંધમાં કપરો વખત આવે ત્યારે જેમાં સાથે તરબતર થવાનું હોય એ વરસાદ પણ એળે જાય છે. પાણી વરસાવતા વરસાદનું પાણીમાં જવાનું કલ્પન ગઝલને કેવો મજાનો ઉઠાવ આપે છે! જૂની વિચારધારાવાળા માણસોની જડતા કઈ રીતે નડતરરૂપ બનતી હોય છે એની વાત જૂનો સુકાનીવાળો શેર બખૂબી ટાંકે છે. અને આખરી શેરમાં કવિના ચિત્તતંત્ર પર ઊમડી આવેલ ‘કુંવારા’ શબ્દોના ધાડા પણ ખૂબ સ-રસ શેર સર્જે છે.
Gaurang Thaker said,
May 4, 2019 @ 9:10 AM
ખૂબ ખૂબ આભાર વિવેકભાઈ..
ketan yajnik said,
May 4, 2019 @ 11:53 PM
અભિનન્દન બેઉની વચ્ચે વખત એવો પડ્યો,
બેઉનો વરસાદ પાણીમાં ગયો.સરસ્
Dhaval Shah said,
May 5, 2019 @ 1:07 PM
વાયરો ને વહેણ તો સંમત હતાં,
વહાણને જૂનો સુકાની બહુ નડ્યો.
– વાહ !
Bharat Bhatt said,
May 5, 2019 @ 10:57 PM
સરસ,
વાયરો અને વહેણ તો સમંત હતા,
વહાણને જૂનો સુકાની નડ્યો.
જૂનું તલત મહેમૂદનું ગીત યાદ આવી ગયું.
ચડ્યા અનમોલ કિસ્તી પર પવન તરફેણનો લીધો.
છતાં નાવિક મળ્યો એવો કે સમંદર પાર ના કીધો.
ભરત ભટ્ટ
Seatle