વાંચી તો કેમ શકશે તું શાહીની વેદના,
ઉકલી શકે તો લોહીનો અજવાસ મોકલું.
હનીફ સાહિલ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ગીત

ગીત શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ફોટા સાથે અરજી ! – મુકેશ જોષી

હરિ ! તમે તો સાવ જ અંગત સાંભળજો આ મરજી
ઘણા મૂરતિયા લખી મોકલે વિગતવાર માહિતી,
એમાં તમે કરજો, ફોટા સાથે અરજી !

હરિ હવે તો ઉંમર મારી પરણું પરણું થાઉં
હરિ, તમોને ગમશે? જો હું બીજે પરણી જાઉં?
મને સીવી લે આખી એવો બીજે ક્યાં છે દરજી?
એમાં તમે કરજો, ફોટા સાથે અરજી !

હરિ, તમારી જનમકુંડળી લખજો કોરા પાને
મારા ઘરના બધાય લોકો જન્માક્ષરમાં માને
હરિ, આપજો માગું મૂશળધારે ગરજી ગરજી..
એમાં તમે કરજો, ફોટા સાથે અરજી !

હરિ ! અમારા માવેતરને જોવા છે જમાઇ,
એક વાર જો મળી જાઓ તો નક્કી થાય સગાઇ,
હરિ ! તમારે માટે જો ને મને રૂપ દઇ સર્જી
એમાં તમે કરજો, ફોટા સાથે અરજી !

ઘરવાળાઓ ના પાડે તો આપણ ભાગી જાશું
લગ્ન કરીશું, ઘર માંડીશું, અમૃત અમૃત થાશું
પછી તમારી ઘરવાળી હું, ને તમે જ મારા વરજી !
એમાં તમે કરજો, ફોટા સાથે અરજી !

– મુકેશ જોષી

 

રમતિયાળ ગીત…….

Comments (4)

શ્રીફળ બાંધ્યાં -પારુલ ખખ્ખર

થંભ અલખનો ખોડયો એના છેડા અધ્ધર આંબ્યા રે…
શ્રદ્ધાની ગાંઠ્યું મારી પાણીચા શ્રીફળ બાંધ્યાં રે…

એક ખૂણે ધગધગતી ધૂણી, બીજે ખૂણે ચૂલો રે
ત્રીજો ખૂણો સાદ કરે અંતરપટ ખોલી ખુલો રે
ચોથે ખૂણે ઉકળે આંધણ એમાં જીવતર રાંધ્યા રે…
શ્રદ્ધાની ગાંઠ્યું મારી પાણીચા શ્રીફળ બાંધ્યાં રે…

પાંચ પદારથ ઓગાળીને એક કોડિયું ઘડિયું રે
એમાં મૂક્યાં બે અંગારા ત્યાં તો જળમાં દડિયું રે
કાંઠે બેસી એનાં નામે કંઈક ઠીકરાં ભાંગ્યા રે…
શ્રદ્ધાની ગાંઠ્યું મારી પાણીચા શ્રીફળ બાંધ્યાં રે…

સાત સાત ધરતીના તળિયાં, તળિયામાં તરવેણી રે
તરવેણીની માથે ફરકે એક ધજા લાખેણી રે
ધજા ઉપર ઓવારી દઈ રણઝણતાં શ્વાસો ટાંગ્યા રે…
શ્રદ્ધાની ગાઠ્યું મારી પાણીચા શ્રીફળ બાંધ્યાં રે…

-પારુલ ખખ્ખર

કવિતા શરૂ થતાં જ ભાવકને બાંધી લે છે. ‘થંભ અલખનો’- જે દેખાતો નથી, નિરાકાર છે, એનો થાંભલો ખોડવાની વાત છે. થાંભલો પણ કેવો, જેના છેડા અધ્ધર આંબે છે. (અધ્ધરનો એક દૂરનો અરુઢ અર્થ અંતરિક્ષ થાય છે, પણ અહીં અંબર શબ્દ કદાચ વધુ જામ્યો હોત!) મંદિરમાં ઘણીવાર થાંભલા પર કપડાંમાં પાણીચું શ્રીફળ મૂકીને બાંધવામાં આવે છે, એ શ્રીફળને આ અલખના થાંભલા પર નાયિકાએ બાંધ્યા તો છે પણ શ્રદ્ધાની ગાંઠ વડે. કેમકે શ્રદ્ધા વિના તો બધું જ પાણી.

મંદિરના ચાર ખૂણા. માત્ર ત્રીજા ખૂણાને છોડીને ચારેયમાં અગ્નિ. પણ ધ્યાન દઈએ તો આ ત્રીજા ખૂણામાં પણ અગ્નિની અનુપસ્થિતિ નથી જ. આ ત્રીજો ખૂણો અંતરપટ ખોલીને ખૂલવાને સાદ દે છે. વિવાહમંડપમાં મૃત્યુની એટલે કે યમની આહુતિ આપતી વખતે અગ્નિ અને વરકન્યાની વચ્ચે પડદો રાખવામાં આવે છે જેથી બન્ને જણ આહુતિ જોઈ ન શકે. અંતરપટ ઊઘડે તો જ એ અગ્નિ દેખાય.

સરવાળે આખી રચના આસ્વાદ્ય છે.

Comments (9)

જ્યાંથી અટક્યો શબ્દ – તુષાર શુક્લ

જ્યાંથી અટક્યો શબ્દ
સ્પર્શનું ત્યાંથી ગાયું ગીત,
હથેળીઓમાં છલકે તારી છાતીનું સંગીત.

અંતરને અંતરનો અનુભવ
સાવ અજાણ્યો લાગે
હોઠ ને કાંઠે હોઠ ટહુકતા
એવો અવસર માંગે
રણકે રણઝણ ટેરવાં આજે
શબ્દ તો સાવ સીમિત…

આંખોની ભાષાના અર્થો
આંગળીઓમાં ઉઘડે
મળવું મૂશળધાર સખી,
શું મળવું ટુકડે ટકડે?
ચાલ, ભૂલીને સઘળું,
કરીએ અનરાધારે પ્રીત….

રોમ રોમને વાચા ફૂટે
શરીરથી સાંભળીએ
આવ સખી, ઓગળીએ મળીએ
ને મળીએ ઓગળીએ
સ્મૃતિ બનીને રોજ મહેકશે
સ્પર્શ આ કાલાતીત…..

– તુષાર શુક્લ

 

સ્પર્શ-વિશ્વની સફર છે… ઘણીવાર બાળપણમાં વ્યગ્રતાના સમયે મા કશું બોલ્યા વિના માથે હાથ ફેરવતી અને સઘળું શમી જતું. પ્રેયસી,પત્ની,બાળકો,મિત્રો….તમામ સંબંધે સ્પર્શ એક પારસમણિ હોય છે….

Comments (4)

(પ્રેમ) – મનોહર ત્રિવેદી

ના પ્રાપ્તિ : બસ પ્રેમ
હો વ્યાપ્તિ પ્રિય, એમ

.       શું ઊગમણે?
.       શું આથમણે?
સૂરજ દેશે હેમ

.       હળિયે મળિયેં
.       માર્ગ બદલિયેં
તોય ન જાગે વ્હેમ

.       આજુ-બાજુ
.       તાજું-તાજું
હોય પુષ્પની જેમ

.       આંસુ લૂછો
.       કશું ન પૂછો
કશું ન પૂછો : કેમ?

– મનોહર ત્રિવેદી

કેવું ટૂંકુ-ટચરક ગીત! વાંચતા જ ઇમેજિસ્ટ પોએટ્રી યાદ આવી જાય. ઓછા શબ્દો પણ વાત મજાની! પ્રેમની અદભુત વિભાવના! કશુંય પ્રાપ્ત નથી કરવું, બસ, પ્રિયજનમાં વ્યાપ્ત થવું છે… એકમેકમાં પથરાવું છે. જિંદગી ગમે એ દિશામાં કેમ ન જાય, સાથ હાથ હશે તો હાથ હેમ જ લાગશે. કંઈ કરીએ, ન કરીએ પણ વ્હેમ વિના. કેમકે શંકાની ઉધઈ તો જિંદગીના વટવૃક્ષને મૂળમાંથી ખાઈ જાય છે. પ્રેમમાં બધું જ તાજું લાગવાનું. યુનિવર્સલ ફ્રેશનેસ એ પ્રેમની સહજ અનુભૂતિ છે. પ્રેમમાં પ્રિયજનની આંખમાં આંસુ આવે તો આપણું કામ એને લૂંછી દેવાનું છે. આંસુ કેમ આવ્યાં, કોના કારણે આવ્યાં વગેરેની પળોજણમાં પડવાનું નથી. પ્રિયપાત્રને હૈયું ખોલવું હશે તો એ આપોઆપ ખોલશે, આપણે ખોદકામ કરવાની જરૂર નથી. સાવ ટૂંકી કવિતામાં પણ કવિ ‘કશું ન પૂછો’ની દ્વિરુક્તિ કરીને પ્રિયજનના મૌનને માન આપવાની વાતને અધોરેખિત કરે છે… કેમકે સાચો પ્રેમ આ જ છે!

Comments (6)

ઝંખના – જયન્ત પાઠક

ઊગતો સૂરજ તને આપું છું, લે – તું એને સાંજ સુધી સાચવે તો સારું
ઝળહળતી આંખોમાં જોજે ભરબપોરે ઊતરે ના સાંજનું અંધારું.

ખરતાં ફૂલોને રોજ જોવાનાં બાગમાં
ઊગ્યાં – ના ઊગ્યાં ને ઓરાયાં આગમાં

પાંચ પાંચ પાંખડીનું આપું છું ફૂલ, એને જીવ જેમ જાળવે તો સારું,
જીવતરના વ્હેણનેય વાંકાચૂકા વહીને આખર તો બનવાનું ખારું!

રસ્તા ઘણા ને ઘણી ભૂલ ને ભૂલામણી
અધવચ્ચે અણધારી આફત ને તાવણી

રેશમની દોર એક આપું છું, લે – ન તૂટે, છેક લગી સાચવે તો સારું
અધવચ્ચે બાંધીને ખેંચી ન જાય પેલું અણધાર્યું મોત જો અકારું!

– જયન્ત પાઠક

વિશ્વાસ પ્રેમનો શ્વાસ છે, પણ એ શ્વાસમાં ગૂંથાય છે ધીમે-ધીમે. ઊગતા સૂરજ જેવો તરોતાજો શીતળ પ્રેમ પ્રિયપાત્રના હાથમાં આપતી વખતે થોડો ડર તો હોય જ કે, ક્યાંક બપોર પહેલાં આ સૂરજ આથમી ન જાય! સામું પાત્ર પોતાના આ પ્રેમને સાચવે જ એવી કોઈ તીવ્ર અપેક્ષા અહીં નથી. અહીં તો માત્ર એટલી જ ઝંખના છે કે સાંજ સુધી આ સૂરજ એ સાચવી શકે તો સારું, ક્યાંક ભરબપોરે આંખમાં સાંજના વિષાદી ઓળા ન ઊતરી આવે! બાગમાં ફૂલો ખીલે છે, ખરે છે અને અત્તર બનાવવા માટે આગમાં પણ ઓરાય છે. નાયકે પોતાની પંચેન્દ્રિયોનું પુષ્પ, પોતાનું ફૂલ જેવું સુકોમળ જીવન નાયિકાને હાથ દીધું છે. જીવન નદી જેવું છે. નદીનું પાણી ગમે એટલું મીઠું કેમ ન હોય, વાંકાચૂકા વહેણના અંતે સાગરમાં ભળીને ખારાં થવું એ જ એનું ગંતવ્ય છે. સહજીવનની નદીમાં પણ ખારાશ તો ઉમેરાશે જ પણ અસંખ્ય ભૂલભૂલામણી અને અણધારી આફત અને કસોટીઓથી ભરેલો દરિયા સુધીનો પંથ સાથે કાપી શકાય તો સારું એટલી જ નાયકની આરત છે. પ્રેમ રેશમની દોર જેવો નાજુક છે. જરા જોર કરશો તો તૂટી જશે. મોત અણધાર્યું આવીને અધવચ્ચેથી ખેંચી જાય એ અલગ વાત છે, પણ એવું કમનસીબ ન હોય તો છેક સુધી આ નાજુક દોરી સચવાય તો સારું એવી ઝંખનાને વ્યક્ત કરતું સરળ સહજ બાનીનું આ લયબદ્ધ ગીત વાંચતાં જ સ્પર્શી જાય એવું છે.

 

Comments (5)

એક અનુભવ તને કહું…. – રમેશ પારેખ

એક અનુભવ તને કહું, લે, સાંભળ સોનલ….

એક વખત આ હું ને મારી આંખ ગયાં’તાં દરિયે,
ત્યારે કોઈ પગલું પાડી ગયું હતું ઓસરીએ.

ઘેર આવતાં ઘરના મોં પર નરી તાજગી ભાળી,
અને અડપલું બીલી ઉઠ્યું : જડી ગયું, દે તાળી…

અમે પૂછ્યું : શુ જડી ગયું તો કહે – નથી જે તે જ,
અને ઓસરી પર ઝગમગતું પગલું ચીંધ્યું સ્હેજ.

ચિઠ્ઠી હોય તો વાંચે કોઈ પગલું વાંચે કેમ,
એક જ પગલે કેટકેટલા પગના આવ્યા વહેમ.

પગલા ઉપર અમે ચડાવ્યા પાંપણનાં બે ફૂલ,
ટીપે ટીપે સપના સુધી બાંધ્યો ભીનો પુલ.

તો ય અમે હાર્યા ને પગલું જીતી ગયું’તું અમને,
અમે જરીક ધાર્યા ન્હોતાં છાનાં પગલે તમને

ઘર ચોખ્ખું ને અમે ય આખ્ખા ઝલમલ ઝલમલ,
ઓસરી અફલાતો અફળાતો દરિયો કલબલ કલબલ

એક અનુભવ તને કહું, લે સાંભળ, સોનલ…..

– રમેશ પારેખ

Comments (2)

एकांत संगीत – हरिवंशराय बच्चन

तट पर है तरुवर एकाकी,
नौका है, सागर में,
अंतरिक्ष में खग एकाकी,
तारा है, अंबर में,

भू पर वन, वारिधि पर बेड़े,
नभ में उडु खग मेला,
नर नारी से भरे जगत में
कवि का हृदय अकेला!

– हरिवंशराय बच्चन

અહીં કોઈ ફરિયાદ નથી. એકલા હોવું એ શાશ્વત વાસ્તવિકતા છે. મન થી વધુ છેતરામણું કઈ જ નથી. એ સતત આ વાસ્તવિકતાને શક્ય તેટલી ભૂલાવી દેવા હરક્ષણ પ્રવૃત્ત હોય છે. J Krishnamurti તેથી જ કહેતા કે લોકો મને સાંભળવા એ રીતે આવે છે જે રીતે ફિલ્મ જોવા જાય છે. મારી વાત કોઈ જીવનમાં ઉતારવાનો નિષ્ઠાવાન પ્રયત્ન સુદ્ધા કોઈ કરતુ નથી. સ્વાભાવિક છે – કારણ કે તેઓ એ વાત સ્પષ્ટ કરી દેતા કે એકલા હોવું એ અફર સત્ય છે.

Comments (1)

આ કેવી નીંદર – જિગર જોષી ‘પ્રેમ’

આ કેવી નીંદર જેમાંથી જાગ્યા પણ ના જાગ્યા
આટઆટલું દીધું એણે; તોય અખેવન માગ્યા!

હથેળીઓના દરિયા જેનાં તળ ના લાગ્યાં હાથ
જે મૂક્યું તે ડૂબ્યું એમાં, આ તે કેવી ઘાત!
માયાનાં મોજામાં સૌએ પગ પલાળ્યે રાખ્યા.

આંખો આપી, દૃષ્ટિ દીધી; તોય ન જાણ્યું સત
‘જીવ’માં કોણે પાડ્યા અક્ષર; કોણે લખિયો ખત?
મંદિરિયા પર ‘ધજા’ નામને ફરફરતાં બસ રાખ્યા.

– જિગર જોષી ‘પ્રેમ’

મનુષ્યની ઇચ્છાનો કોઈ અંત જ હોતો નથી. ખુલ્લી આંખે આપણે આખી જિંદગી ઊંઘવામાં જ પસાર કરીએ છીએ. એણે આપેલું આપણને કદી પૂરું પડતું નથી. આપણા હાથમાં જે આવે એ આપણને ઓછું જ પડે છે. ટાગોર યાદ આવી જાય: ‘તારી અનંત ભેટો માત્ર આ મારા નાનકડા હાથોમાં આવતી રહે છે. યુગો વહી જાય છે, અને છતાં તું ભરતો જ રહે છે અને છતાં હજી એમાં જગ્યા ખાલી જ રહે છે.’ એણે આપેલી દૃષ્ટિથી આપણે સત જોઈ શકતાં નથી. આપણાં મંદિર પર એના નામની ધજા ફરફરતી રહે છે, માત્ર. ભીતર કંઈ જ નથી…

Comments (9)

આવો વરસાદ નહીં ચાલે… – મુકેશ જોષી

લાડમાં ઉછરેલાં શમણાઓ બોલ્યાં:
તારી આ વાત નહીં ચાલે
મનગમતા ચહેરાની પાસે લઇ ચાલો
ખાલી આ યાદ નહીં ચાલે…

આખો ઝુરાપો નિચોવી નિચોવીને
તેલ પૂરે રાખ્યું છે એટલું
શમણાંની વાતોય સાચી કે
યાદના દીવાનું અજવાળું કેટલું?

એક ટીપું અજવાળું આખીય જિંદગીની
રાતોની રાત નહીં ચાલે

વ્હાલપની છાલક જે મારી એ હાથોમાં
છાલાનાં વ્યાપ અમે આંક્યા
ઠેરઠેર મળવાનાં વાવ્યાં’તા બીજ
છતાં શ્વાસે જુદાગરાઓ પાક્યા

દરિયો ભરીને અમે રોયાને તોય કહે
આવો વરસાદ નહીં ચાલે…

– મુકેશ જોષી

 

 

Comments (3)

આપણ બેઉ ‘અ-નોખા’ – કુમાર જિનેશ શાહ

તું વૈકુંઠે, હું ધરતી પર, આમ તો નોખા નોખા.
. . . . હરિ! આપણ બેઉ ‘અ-નોખા’.

તારા જેવો હું છું ને તું મારા જેવો લાગે,
મારી ઝાલર, તારી બંસી સંગે સંગે વાગે.
દિલની ડેલી શણગારીને ખોલું નૈન ઝરોખા.
. . . હરિ! આપણ બેઉ ‘અ-નોખા’.

કદંબની લીલી ડાળી કો’ મારા અંદર વાવે,
ચકલી થઈને તું એ ડાળે ઝૂલવા માટે આવે.
તું લઈ આવે કંકુ ને હું લાવું ચપટીક ચોખા.
. . . હરિ! આપણ બેઉ ‘અ-નોખા’.

તું આપીને વિસરી જાતો પૂરેલાં કંઈ ચીર,
હુંય ધરાવી ખુદ પી જાઉં તારા નામે ખીર.
શું તારું, શું મારું, શીદને કરવા લેખાંજોખાં.
. . . . હરિ! આપણ બેઉ ‘અ-નોખા’.

– કુમાર જિનેશ શાહ

હળવે હળવે માણવાની રચના…

Comments (7)

આટલો તો વહાલો તું લાગ મા – નેહા પુરોહિત

આટલો તો વહાલો તું લાગ મા;
રુદિયામાં રહેવાનું, નસનસમાં પેસીને આખી ને આખી તો તાગ મા..

ઝાડવાની જેમ સાવ છાનેરો રોપાયો, કોળ્યો સમૂળ મારી જાતમાં;
દિવસે જો માપું તો વ્હેંત વ્હેંત વધતો ને વાંભવાંભ વધતો તું રાતમાં,
લ્હેરખીની સાથ તું તો તાલ દઈ નાચે, અને હેતનો હિલ્લોળ આખા બાગમાં..
આખી ને આખી તો તાગ મા..

નેહનું અદીઠ કોઈ જંતર બાજે છે, મારાં અંતરમાં સૂરનાં છે પૂર ,
કહેવું, ના કહેવુંની અવઢવમાં રાચતી હું જીવતર માણું છું ભરપૂર..
ફાગણિયો ફાગ ગાઈ, મનગમતો રાગ ગાઈ, લઈ લે આ લુચ્ચીને લાગમાં ;
આખી ને આખી તો તાગ મા..

– નેહા પુરોહિત

સહજ અભિવ્યક્તિનું પ્રભાવક પ્રણય ગીત.  હળવો ઉપાલંભ આપીને નાયિકા નાયક માટેની પોતાની દિન દૂની, રાત ચૌગૂની વધતી લાગણીઓને કેવી સરસ રીતે આલેખે છે! લહેરખીની સાથે નાયક તાલ પૂરાવે એટલામાં આખા જીવનમાં હેતનો હિલ્લોળ રેલાઈ જાય એ સાચી કવિતા છે…

Comments (13)

મેં તો- – મનોહર ત્રિવેદી

મેં તો આંખોને કહી દીધું સાનમાં :
નજરુંને વાળી લ્યો, પાંપણને ઢાળી દ્યો, એવું શું દીઠું છે ક્હાનમાં?

ગાયોની વાંભ પડી કાનમાં તો કાલિન્દી
ઊછળતી જોઉં છું અચંબે,
વાંસળીના સાંભળ્યા જ્યાં સૂર ત્યાં તો
ડાળીને નીચે નમાવી કદંબે,
લ્હેરખીને એવું શું સૂઝ્યું કે વાલામૂઈ અટવાતી આમ પાનેપાનમાં.
મેં તો આંખોને કહી દીધું સાનમાં

છેટાં રહેવાનું સુખ જાણે ના એ જ
રહે નિકટ ને ઝંખે સહવાસ,
માથે ઝળૂંબતાં જ સમજાયું એટલે
ઊંચે જઈ ઊભું આકાશ,
સહેજ સાજ અડક્યાં તો ફેરવાઈ જાવાનું અમથું અમથું રે એના વાનમાં.
મેં તો આંખોને કહી દીધું સાનમાં.

– મનોહર ત્રિવેદી

કૃષ્ણ સાથે મીઠો ઝઘડો હંમેશથી કવિઓનો ચહીતો વિષય રહ્યો છે. કવિશ્રી મનોહર ત્રિવેદી જરા અલગ રીતનો ઝઘડો માંડે છે. એ કૃષ્ણ સાથે લડવાના સ્થાને પોતાની આંખોને જ ફટકારે છે કે ક્હાનમાં એવું તે શું જોઈ ગઈ છો? નજર બીજી તરફ વાળી લ્યો અને પાંપણ નીચી ઢાળી દ્યો. કાનુડાની ગાયોનો અવાજ સાંભળતાવેંત કાલિંદી નદી રમણે ચડે છે, વાંસળીના સૂર સાંભળી કદંબની ડાળેડાળ નીચી નમે છે, જાણે કાન દઈ રસપાન ન કરતી હોય! અને પવનની લહેરખી પણ વાવાનું છોડીને પાનેપાન અટવાઈ રહી છે. કવિનો કૃષ્ણપ્રેમ પણ આ જડને ચેતન બનાવતી સૃષ્ટિનો જ એક અંશ હોવા છતાં બધાથી અલગ છે. કવિ છેટાં રહીને મિલન કરતાંય મિલનઝંખનામાં જે વિશેષ આનંદ છે એ જાણી ચૂક્યા છે એટલે કહે છે કે આઘે રહેવાનું સુખ જેણે ચાખ્યું નથી એ જ નજીક રહેવાની આરત કરવાની મૂર્ખામી કરે. આકાશ આ વાત બરાબર સમજી ગયું છે. એકવાર એ માથે શું ઝળૂંબ્યું કે વાદળાંઓ કાળાં થઈ ગયાં. જાતને ગુમાવવી એ કાનજીની નજીક જવાનું સૌથી મોટું જોખમ છે. તમે જરા એની નજીક ગયાં નથી, જરા અમથો એનો સ્પર્શ પામ્યાં નથી કે એનો વાન તમારો વાન થયો નથી… એટલે થોડા આઘા, થોડા અળગા રહીને ચાહવામાં જ મજા છે…

Comments (5)

જોડણીનો બંધકોશ – હરીશ મીનાશ્રુ

જોડણીનો બંધકોશ ભારે જીગનેસભાઈ, એનો ઇલાજ કરું સું?
લખવા બેસે છે બધા હોય જાણે ગુજરાતી ભાસાના જોડણીઘસુ

ભૂલવાળી ચોપડીમાં એકાદસીને દા’ડે
ઊધઈયે મોઢું નથી ઘાલતી
ઊંઝાવાળાનું તપે સત્ત, તોય ઘેલી
ગુજરાત નથી ઇસબગુલ ફાકતી

હરડે હીમજ પેઠે વિદીયાપીઠને જોડણીકોસને ચૂસું?
સ્પૅલચૅક વિના કક્કો બારાખડીનાં દુઃખ કેમ ચેકું ભૂસું

જોસી ઉમાસંકર ને રંજન ભગત એવા
કવિઓ પાક્યા છે ઊંચા માયલા
આપડી આ માતરુ ભાસામાં, તોય શાને
લોલેલોલ આવું કરે ચાયલા

ફાધર વાલેસ મળે મારગે ને હાલચાલ પૂછે તો કહેવાનું સું?
બાવન અક્સરને સંઘરવા ગાંધીની પોતડીને ક્યાં છે ખીસું?

ઇંગરેજી ફોદા બે નાખીને ગુજરાતી
દૂધનું જમાવવાને દહીં
ઊભી બજારે લોક બેઠું ગુજરેજી
દુગ્ધાલય ખોલીને અહીં

એબીસીડીના અખરામણવાળા આ અક્કલમઠાનું કરું સું?
ઠોઠ રે નિસાળિયો ને મહેતાજી બેઉ ફાકે ભાસાને નામે ભૂસું

– હરીશ મીનાશ્રુ

ઉફરા તરી આવતા વિષયો, અરુઢ ભાષા, અસામાન્ય બાની અને અભિવ્યક્તિની મૌલિકતાના કારણે કવિશ્રી હરીશ મીનાશ્રુના ગીતો આજના આખાયે ફાલથી બિલકુલ નોખા તરી આવે છે. એમનો અવાજ એમનો પોતાનો ટ્રેડમાર્ક બની ગયો છે. પ્રસ્તુત રચનામાં ખાડે ગયેલી ગુજરાતી જોડણી, ગુજરાતી ભાષા અને ગુજરાતી લોકોને એમણે આડે હાથે લીધા છે.

અંગ્રેજી જોડણીમાં સહેજ પણ ભૂલ ન થાય એની ચીવટાઈ રાખતી ગુજરાતી પ્રજા પોતાની ભાષાની જોડણી જ સાચવી શકી નથી. શ,ષ, સ – ત્રણેયનો એક જ ‘સ’માં ફાલુદો કરવા ઉપરાંત બોલાતી ખોટી ભાષાને ગીતનું સાધન બનાવીને કવિએ સતત હાંસી ઉડાવતા જઈને ચૂંટિયા ખણવાનું બેવડું કામ કર્યું છે. જિજ્ઞેશભાઈ, સૉરી, જિગનેસભાઈને સંબોધીને કવિ કહે છે કે જોડણીકોશને ભારી કબજીયાત થઈ છે અને એનો ઇલાજ કેમેય કરી જડતો નથી. આમ તો ભૂલવાળી ચોપડી આપણે ચલાવી લેતા નથી, ઊંઝા જોડણીવાલા સરળીકરણ માટે માથાં પટકી મરી જાય છે પણ વિદ્યાપીઠ એના જોડણીકોશને બદલવાનું કે સુધારવાનું નામ લેતી નથી. ઊંઝા જોડણીનું ઇસબગુલ ફાંકે કે વિદ્યાપીઠનો જોડણીકોશ લોકો હરડે-હીમજની જેમ ચૂસે તો કદાચ આ બંધકોશ ખૂલે. ગુજરાતી શબ્દોમાં જોડણીની પૂરતી ખોદણી કરતા કવિ પાછા સ્પૅલચૅક જેવા અંગ્રેજી શબ્દમાં માત્રાનીય ભૂલ કરતાં નથી, આ કટાક્ષ પણ નોંધવા જેવો.

ઉમાશંકર જોશી અને નિરંજન ભગત જેવા ઊંચી કક્ષાના કવિઓ પાક્યા હોવા છતાં માતૃભાષામાં આવું લોલંલોલ કેમ ચાલ્યા કરે છે એ એક કોયડો છે. વિદેશથી આવેલ ફાધર વાલેસ જેવા માણસની જોડણી નખશિખ સાચી હતી પણ ગાંધીની ગુજરાત પાસે બાવન અક્ષર સમાય એવું ખિસ્સું પણ નથી. ગુજરાતી દૂધના ઠેકાણાં નથી, પણ એમાં અંગ્રેજીની મિલાવટ કરીને ગુજરેજીનું દહીં જમાવવા આખી પ્રજા ઊભી બજારે નીકળી પડી છે. એબીસીડીઘેલા આ અક્કલમઠાઓનું શું કરવું એ વિમાસણ છે. આપણે ત્યાં નથી શિક્ષકમાં ઠેકાણાં, નથી વિદ્યાર્થીના. ગુજરાતી ભાષાના ભવિષ્ય ઉપર વેધક કટાક્ષ કરતું હળવું લાગતું આ ગીત અંતે આપણા હૃદયને ભારઝલ્લું કરી જાય છે.

Comments (23)

હવે હુંય અસ્તાચળ ભણી છું…- મુકેશ જોષી

ચકમકતી ધાર તો ઘસાઈ ગઈ ને
સાવ બુઠ્ઠી થયેલી અણી છું
હવે હુંય અસ્તાચળ ભણી છું

ઝાંખપનાં વાદળાંઓ આંખે ઘેરાયાં ને
કાનના પડદે બાકોરાં
મનગમતા, મિઠ્ઠા ને ગળચટ્ટા દિવસોના
સ્વાદ હવે લાગતા ખોરા
કરચલીમાં રોજરોજ વહેંચાતો જાઉં ને
લોકોની આંખમાં કણી છું
હવે હુંય અસ્તાચળ ભણી છું

જેટલા શ્વાસ લઉં એનાથી બમણા
હું શ્વસતો રહું છું નિ:શ્વાસો
ફાટેલી વેદનાને સાંધવા ને સાંધવામાં
ફાટી ગયો છે મારો વાંસો
રોજ થોડીથોડી કપાતી આ પાંખ ને
તૂટતી આ પાંખનો ધણી છું
હવે હુંય અસ્તાચળ ભણી છું

– મુકેશ જોષી

અહીં વાત ઉંમરની નથી, માનવીના સ્વ ની – self ની – છે. ઈચ્છા-અનિચ્છાએ સતત કરવા પડતા સમાધાનોની છે, ક્ષણેક્ષણે વાગતા ઘા ની છે, પોતે અહીં misfit છે એ લાગણીની છે…..

Comments (5)

मुझे पुकार लो – हरिवंशराय बच्चन

इसीलिए खड़ा रहा कि तुम मुझे पुकार लो!

ज़मीन है न बोलती न आसमान बोलता,
जहान देखकर मुझे नहीं जबान खोलता,
नहीं जगह कहीं जहाँ न अजनबी गिना गया,
कहाँ-कहाँ न फिर चुका दिमाग-दिल टटोलता,
कहाँ मनुष्य है कि जो उमीद छोड़कर जिया,
इसीलिए खड़ा रहा कि तुम मुझे पुकार लो

इसीलिए खड़ा रहा कि तुम मुझे पुकार लो!

तिमिर-समुद्र कर सकी न पार नेत्र की तरी,
विनष्ट स्वप्न से लदी, विषाद याद से भरी,
न कूल भूमि का मिला, न कोर भोर की मिली,
न कट सकी, न घट सकी विरह-घिरी विभावरी, [विभावरी – તારાઓભરી રાત્રી]
कहाँ मनुष्य है जिसे कमी खली न प्यार की,
इसीलिए खड़ा रहा कि तुम मुझे दुलार लो!

इसीलिए खड़ा रहा कि तुम मुझे पुकार लो!

उजाड़ से लगा चुका उमीद मैं बहार की,
निदाघ से उमीद की बसंत के बयार की, [निदाघ – તીવ્ર ગરમી, बयार – શીતળ પવન]
मरुस्थली मरीचिका सुधामयी मुझे लगी,
अंगार से लगा चुका उमीद मै तुषार की,
कहाँ मनुष्य है जिसे न भूल शूल-सी गड़ी
इसीलिए खड़ा रहा कि भूल तुम सुधार लो!

इसीलिए खड़ा रहा कि तुम मुझे पुकार लो!
पुकार कर दुलार लो, दुलार कर सुधार लो!

– हरिवंशराय बच्चन

અનાયાસે ફેસબુક પર કોઈ દીકરીને આ કાવ્યનો સુંદર પાઠ કરતી સાંભળી… સરસ કવિતા વાંચવા મળી ગઈ.

બચ્ચનજીની રસાળ લયબદ્ધ પ્રવાહી ભાષા તો મનોરમ્ય હોય જ છે, પણ કાવ્ય મર્મસ્પર્શી છે….

માણસ આશા ત્યાગતો નથી. આશા માણસને સંઘરતી નથી. સંબંધ જેટલો મજબૂત, તેટલું જ દારૂણ તે તૂટવાનું દુઃખ… સંવેદનશીલ હૃદયનું ગંતવ્ય જ છે ઘાયલ થવું…..

Comments (4)

કોણ બતાવે કેડી – ભગીરથ બ્રહ્મભટ્ટ

કોણ બતાવે કેડી?
કોના રે અણસારે ચઢતી ચપચપ કીડી મેડી!

સૈયર સાથે જાતર જાતી
મારગ લેતી મીઠો
મોરસદાણો મેડી ઉપર
દીવા જેવો દીઠો
ગોવર્ધન શો મોરસદાણો માથે લીધો તેડી!
કોણ બતાવે કેડી?

મુખમાં દાણો પગમાં ઝાંઝર
દોડે દડબડ એવું
ઝરમર ઝરમર વર્ષાકાલે
ટપકે ટપટપ નેવું.
ધ્યાન-ધરમના ધજાગરા નહિ, કરમો લેવાં ખેડી!
કોણ બતાવે કેડી?

– ભગીરથ બ્રહ્મભટ્ટ

કીડી વિશે આવું મજાનું ગીત આપણે ભાગ્યે જ માણ્યું હશે. કીડીના મૂળભૂત ગુણધર્મોને લયબદ્ધ કરીને કવિ મજાની કવિતા સિદ્ધ કરે છે અને કીડીના બહાને આપણને આંગળી પણ ચીંધે છે…

Comments (4)

એવો આ પ્રેમનો સંબંધ છે… – હિતેન આનંદપરા

પ્રીતનો એ નાતો, એ વરસાદી રાતોની વાતોની યાદો મોઘમ છે
તું હજીયે આંખોમાં અકબંધ છે, તું હજીયે શ્વાસોમાં અકબંધ છે.

ઝરમર વરસાદ તને આછી આછી ભીંજવે ને ભીનું ભીનું મલકાય
હોઠો પર આવીને અટકેલું નામ પછી કાગળના કાળજે લખાય.

જેની શરૂઆત નથી, જેનો કોઈ અંત નથી
એવો તું શાશ્વત નિબંધ છે

જોઈ તને એકલીને વાદળ વિચારે છે ચાલ આજ આની પર વરસું
ગાલ પરનાં ટીપાં તું લૂછે જેનાથી એ દુપટ્ટો બનવા હું તરસું

આંખોમા તારી બનાવીશ હું ઘર
છોને દુનિયાના દરવાજા બંધ છે

પહેલો વરસાદ અને પહેલું મિલન અને પહેલી તે વિશે શું કહું
એ પળની મજા કંઈ કહેવાથી સમજાય નહીં ચાલે તમે કો’કે હું કહું

ભૂલવાને ચાહો તોય ભૂલી શકાય નહીં
એવો આ પ્રેમનો સંબંધ છે…

– હિતેન આનંદપરા

Comments (4)

રે ગિરનારી બાવા -પારુલ ખખ્ખર

રે ગિરનારી બાવા,
રે ગિરનારી બાવા તુજને વિનવું જોડી હાથ
તને હું શીશ ટેકવું નાથ
કે મારા જોગી પાછો આવ…

રે ગિરનારી બાવા,
તારી આંખ્યું વચ્ચે તગતગ તાતા તેજ
સુકવ્યા કયા તાપણે ભેજ
તને કાં ફરક ન પડતો સ્હેજ
તે તો છાંડી ફૂલની સેજ
અને હું….
અને હું ઊગતાં નમતાં પહોર વચાળે
ભાત ભાતના શોર વચાળે
રંગબિરંગી મોર વચાળે
કાળ કાચલી તોડી તોડી ખાવ
કે મારા જોગી પાછો આવ…

રે ગિરનારી બાવા,
તારા વનમાં વહેતા આછા આછા નીર
બોલે કોયલ-કાગા-કીર
તારી અંદર ધૂણે ગીર
તું તો થઈ ગ્યો પીર-ફકીર
અને હું…
અને હું એકલપંડે ગામ વચાળે
ભાંગ્યા તૂટ્યા ઠામ વચાળે
ના ખૂટનારા કામ વચાળે
કાળ સળીને સાવરણે વાસીદા વાળ્યે જાવ
કે મારા જોગી પાછો આવ…

રે ગિરનારી બાવા,
તારી જટા સાચવી બેઠી સઘળા ભેદ
ઉડાડયા કેટકેટલા છેદ!
ઉતાર્યા કેવા કેવા મેદ!
ફગાવી સાતસાંકળી કેદ
અને હું…
અને હું અહીંયા ઊભી આળ વચાળે
જનમ-મરણની જાળ વચાળે
એક અજાણી ફાળ વચાળે
કાળનદીમાં લૂગડાં ધોતી જાવ
કે મારા જોગી પાછો આવ…

રે ગિરનારી બાવા,
મારી અરજી વાંચી દેજે થોડું ધ્યાન
હવે ના સહેવાતા તોફાન
સાધવા અઘરા શરસંધાન
કરી લઉં દૂર દેશ પ્રસ્થાન
અને તું…
અને તું ઇહલોક પરલોક વચાળે
આંસુડાં ને પોક વચાળે
સૂના ચાચર ચોક વચાળે
કાળ પથ્થરે માથું ફોડી ખુદને ખાજે રાવ
કે મારી જોગણ પાછી આવ…
કે મારી જોગણ પાછી આવ.

-પારુલ ખખ્ખર

૨૦-૨૦ના આ જમાનામાં આપણને આવા લાંબા ગીતની આદત રહી નથી પણ થોડો સમય અને ધીરજ ફાળવીને નજર નાંખીએ તો સરવાળે પસ્તાવું નહીં પડે એવું ફળદ્રુપ ગીત. રાજકોટ-અમરેલીનું ફરજંદ ગિરનારને કેન્દ્રસ્થ રાખી આવું ગીત લખે તો જૂનાગઢના કવિઓએને જરૂર મીઠી ઈર્ષ્યા થવાની. ચાર બંધના ગીતમાં નાયિકા અડધે સુધી નાથ અને અડધેથી જાતની વાતને સામસામે ગોઠવીને બંનેના જીવનનો વિરોધાભાસ જે રીતે ધારદાર બનાવે છે એ આ ગીતનો પ્રાણ છે. દરેક અંતરાના અંતે કાળની વાત આવે છે, જો કે કાળસળી અને કાળનદીમાં એ વાત જેટલી સહજતાથી આવી છે, એટલી કાળકાચલી અને કાળપથ્થરમાં આવી હોત તો વધુ મજા આવત.

નાથ સંસાર ત્યજીને ગિરનાર પર્‍ બાવો બની અડિંગો જમાવી બેટઃઓ છે અને નાયિકા હાથ જોડીને, પગે પડીને એને પાછો આવવા મનાવી રહી છે. જોગીની આંખમાંથી સંબંધની ભીનાશ સૂકાઈને તગતગતા તેજમાં ફેરવાઈ ગઈ છે. નાયિકા રંગોભર્યા વૈવિધ્યસભર સંસારમાં અટૂલી પડી જઈ, પ્રતીક્ષાની પળો પર જીવી રહી છે. છેવટે, નાયિકા યોગ્ય ચીમકી આપતાં કહે છે કે તારા વિના આ જીવન જીવી શકાય એમ નથી રહ્યું. ન કરે નારાયણ ને હું મૃત્યુ પામું તો તું બે લોક વચ્ચે ત્રિશંકુની જેમ લટકી જશે, કાળના પથ્થર પર માથું ફોડીને રડતો-પોકારતો રહી જશે કે મારી જોગણ, પાછી આવ.. પણ એ વખતે જોગણ તો…

કવયિત્રીએ ચુસ્તપ્રાસ-સાંકળી અને મજબૂત લયના સહારે આખા ગીતને બહુ સજ્જતાથી બાંધ્યું છે.

Comments (6)

હૈયાની વાત – મકરન્દ દવે

કો’કના તે વેણને વીણી વીણીને, વીરા !
ઊછી – ઉધારાં ન કરીએ;
હૈયે ઊગે એવી હૈયાની વાતને
ફૂલ જેમ ફોરમતી ધરીએ.

કોયલ તો કોઈનો ટહુકો ન માંગે ને
મોરલો કોઈની કેકા
માનવીનું કાળજ તે કેવું કર્યું ?
પીડ પોતાની, પારકા લ્હેકા ?
રૂડા રૂપાળા સઢ કો’કના શું કામના ?
પોતાને તુંબડે તરીએ….
હૈયે ઊગે એવી હૈયાની વાતને
ફૂલ જેમ ફોરમતી ધરીએ.

કોઈ કોઈ સંભારે રામટેકરી,
કોઈ ઓઢા-હોથલની ગુહા,
ચોમાસે ક્યાંક ક્યાંક શલોક ચગે
ક્યાંક દરદે નીંગળતા દુહા;
જીવતીને જાગતી જીવનની ખોઈમાં
કોઈની ભભૂત ન ભરીએ.
હૈયે ઊગે એવી હૈયાની વાતને
ફૂલ જેમ ફોરમતી ધરીએ.

પોતાની વાંસળી પોતે બજાવીએ ને
રેલાવી દઈએ સૂર,
ઝીલનારું એને ઝીલી લેશે, ભલે
પાસે જ હોય કે દૂર;
ઓલ્યા તો મોતમાં જીવી ગિયા, વીરા !
જીવતાં ન આપણે મરીએ.
કો’કના તે વેણને વીણી વીણીને, વીરા !
ઊછી – ઉધારાં ન કરીએ.

– મકરન્દ દવે

આ કવિવર માટે મને હંમેશા આદરભાર્યો પક્ષપાત રહ્યો છે. તેઓનું ગાન આત્માનું ગાન અનુભવાય છે સદાય. એક નખશીખ સચ્ચાઈનો રણકાર તેઓની કલમને સહજ છે. વાત પરંપરાગત હોય કે સાવ બંડખોરીની હોય, તેઓની વાણી પોતાની નઝાકતભરી બળકટતા ત્યજતી નથી.

Comments (3)

‘અજવાળું કોણ તને કે’ત?!’ – જગદીપ ઉપાધ્યાય

‘ભાગ એય અંધારા!’ એમ કહી આમ મને કાઢ નહીં આવતાની વેંત!
એ તો કે’, ‘હોત નહીં હું, મૂઆ અજવાળા! અજવાળું કોણ તને કે’ત?!’

કાગળ સફેદને શું ધોઈ પીત?! હોત નહીં કાળા તે રંગ તણી સ્યાહી,
ડાઘ ધોળી ચાદરમાં લાગે પણ લાગે નૈ કાળી તે કામળીની માંહી!
પૂનમને આભ મહીં મારા વિણ આવકારો ભોજિયો ન ભાઈ કોઈ દેત!

ટપકું મા મેશ તણું કરતી’તી કે નજરું લાગે ના છૈયાને ગોરા,
આખીયે દુનિયાની તરસ્યું છીપાવશે શું? -વાદળાં રૂપાળાં ને કોરાં?
રૂપ-રંગ, વાન નથી જોતો ભગવાન, ઈ તો ઓળખે છે અંતરનાં હેત!

– જગદીપ ઉપાધ્યાય

ગીતોની ભરીભાદરી બજારમાં બધાથી સાવ જ અલગ તરી આવતું મજાનું તાજગીસભર ગીત. ઉઠાવ જ કેવો સરસ છે! અજવાળું આવતાવેંત અંધારાને ગાયબ થઈ જવું પડે છે એવી સાવ નાનકડી વૈજ્ઞાનિક હકીકતને કવિ સજીવારોપણ અલંકાર વડે કેવો નોખો અક્ષરદેહ આપ્યો છે! અંધારું અજવાળા સામે જે દલીલો કરે છે, એ વાંચતા દયારામની ગરબી યાદ આવી જાય જેમાં કવિએ શ્યામ રંગનો મહિમા કર્યો છે. અહીં પણ કવિ અંધારાનો મહિમા કરે છે પણ નવા જમાનાનું ગીત છે એટલે અભિવ્યક્તિ પણ નવીન છે. વાત પણ સાચી છે. અજવાળાની ઓળખ અંધારાના કારણે જ તો છે. કાગળ ગમે એટલો ઊજળો કેમ ન હોય, પણ કાળી શાહીથી એના પર અંકાતા અક્ષરો વિના એનું મૂલ્ય શું? ધોળી ચાદરમાં ડાઘ પડવો શક્યો છે પણ કાળી કામળી ડાઘપ્રુફ છે. આકશમાં કાળાશ જ ન હોય તો પૂનમનું સૌંદર્ય ઊઘડી જ ના શકે. કાળું ટપકું બૂરી નજરોથી બચાવીને રાખે છે. આકાશમાં બહુ સુંદર દેખાતાં સફેદ રૂની પૂણી જેવા વાદળો શું કામના? એ કદી વરસાદ આપી શકતાં નથી… અંતરનું હેત એ જ સાચો રંગ છે એમ કહીને અંધારાની તર્કબદ્ધ દલીલોને કવિ કવિતાની કક્ષાએ લઈ આણે છે…

Comments (4)

સૂરજ વિનાનું સાવ ગામ – રમેશ પારેખ

શમણાં આવે ને તો યે કાળાંડિબાણ એવું સૂરજ વિનાનું સાવ ગામ
ઝાંખુંપાંખું ય હવે સૂતાં કે જાગતાં સૂઝે નહીં શમણું કે કામ

એવાં અણરૂપ અમે કેવાં લાગ્યાં કે
કોઈ લીલા રણવાસ આમ વીસરે
તકતે જોઉં ત્યાં આંખ આડે ઘેરાઈ જતી
ભીની તરબોળ ભીંત નીતરે

મારી હથેળીયુંની મેંદી ચીંધીને કોઇ કહેતું’તું, – જાળવશું આમ
ઝાંખુંપાંખું ય હવે સૂતાં કે જાગતાં સૂઝે નહીં શમણું કે કામ

સળકે ચોપાસ ઠેઠ અંધારી લૂ
ને મારી ભાતીગળ ઓઢણી ચિરાતી
લીલું એકાદ પાન ઠેસમાં ચડે છે
ત્યારે રૂ-શી પીંજાઈ જતી છાતી

તડકા રે હોય તો તો છાંયડા વિનાના કહી દુ:ખને અપાય કાંક નામ
શમણાં આવે ને તો યે કાળાંડિબાણ એવું સૂરજ વિનાનું સાવ ગામ.

– રમેશ પારેખ

સૂરજ એટલે આશા. ગામ એટલે જીવન.

Comments (1)

પળમાંય તૂટે … – હિતેન આનંદપરા

કેટલુંયે સાચવો તોય આ તો સંબંધ છે
પળમાંય તૂટે…
વર્ષોથી લાડમાં ઉછરેલા શ્વાસ કદી
એકદમ અણધાર્યા ખૂટે…
સંબંધ છે, પળમાંય તૂટે…

સીંચીને લાગણી વેલને ઉછેરો
ને વેલ કેવું વીંટળાતી જાય
આછેરી ઘરમાં એ બાકી રહે
ને ઝાઝેરી ફંટાતી જાય
ડાળીને અંધારા ફૂટે…
સંબંધ છે, પળમાંય તૂટે…

અળગા થવાનું કંઇ સહેલું નથી
ને સાથે ટહુકા રૂંધાય,
નાનકડા ઘરમહીં ધીરે ધીરે પછી
દીવાલો બંધાતી જાય
આ મૂંઝારો માણસને લૂંટે
સંબંધ છે, પળમાંય તૂટે…

– હિતેન આનંદપરા

સાચા દિલના સંબંધ બાંધવામાં આખું જીવતર નીકળી જતું હોય છે, અને તોડવામાં જોઈએ એક ક્ષણ…..

Comments (4)

તું ના આવે એ ચાલે? – વિવેક મનહર ટેલર

સરસ મજાના ઇન્દ્રધનુષી રંગ લગાવું ગાલે,
ફાગણિયાના ફાલે, રમીએ ભીનાંભીનાં વહાલે,
ને તું ના આવે એ ચાલે?

કેસૂડા તત્પર છે લઈને હાથ કલમ ને કિત્તા,
તું આવે તો ગીતો લખશે, ના આવે તો કિટ્ટા;
સજીધજીને તારા માટે ખડી છે સૃષ્ટિ આ, લે;
હૈયું નાચે ધ્રબાંગ તાલે, તારી ખોટ જ સાલે,
ને તું ના આવે એ ચાલે?

ઊભો છું સદીઓથી લઈને નજરોની પિચકારી,
દિલમાં ઊતરી અંદરથી છે રંગવાની તૈયારી;
અરમાનોની ટોળી જો ને, પૂરજોશમાં મ્હાલે,
આજ કરીએ જીવ-શિવ એક, કાલની વાતો કાલે,
ને તું ના આવે એ ચાલે?

– વિવેક મનહર ટેલર
(૧૦-૦૩-૨૦૨૦)

આમ લયસ્તરો પર હું સામાન્યરીતે મારી પોતાની રચનાઓ મૂકવાનું ટાળું છું, પણ ક્યારેક દલા તરવાડીની જેમ ‘લ્યોને બે ચાર’ કરીને કવિતા પોસ્ટ કરવાનું મન થઈ પણ જાય… વાંચો અને કહેજો કે આ ગુસ્તાખી કેવી લાગી…

Comments (41)

(ના કોઈ રંગ ગુલાલ) – વિમલ અગ્રાવત

ના કોઈ પિચકારી લીધી, ના કોઈ રંગ ગુલાલ
નખરાળાએ નજરું તાકી રંગ્યા મારા ગાલ.

રંગ બ્હારનો હોય તો એને ભૂંસું હું પળભરમાં,
ફૂલગુલાબી પડ્યો શેરડો, ઊતરી ગ્યો અંતરમાં.
રુંવે રુંવે રંગ ફૂંવારા ઉડ્યા રે તત્કાલ.
નખરાળાએ નજરું તાકી રંગ્યા મારા ગાલ.

ઊંચાનીચા શ્વાસ અને ધબકારા પીટે ઢોલ,
સખીઓ પૂછે, ગામ વચાળે કોણ રંગી ગ્યું બોલ,
દોટ મૂકી હું દોડી પાછળ પગલાં રહી ગ્યા લાલ.
નખરાળાએ નજરું તાકી રંગ્યા મારા ગાલ.

– વિમલ અગ્રાવત

હોળી-ધૂળેટીના ગીતો લખાતાં આવ્યાં છે, લખાતાં જ રહેશે. દરેકની પોતપોતાની મજા છે. આ ગીત જુઓ. અહીં કોઈ પિચકારી નથી, કોઈ રગ નથી, કોઈ ઢોલ વગેરે નથી છતાં બધું જ હાજર છે. આ તારામૈત્રકની હોળી છે. નખરાળો એની પ્રિયાને નજરોની પિચકારીથી રંગે છે અને પ્રિયાના ગાલ પર પડતા શરમના શેરડા ઠેઠ એના ભીતર સુધી ઊતરી જાય છે ને નાયિકા જે રોમાંચ અનુભવે છે એને કવિ ફૂવારા તરીકે જુએ છે. કેવી અદભુત વાત! ભૂંસ્યો ભૂંસાય નહીં એવો છે આ રંગ. શ્વાસની અને હૃદયની ગતિ વધી ગઈ છે ને ધબકારા ઢોલ જેવા વાગતા અનુભવાય છે. સખીઓની ટિખળ ન સહેવાતાં નાયિકા હડી કાઢે છે ને પાછળ રહી જાય છે કવિતાની અનુભૂતિનો ગુલાલ….

Comments (5)

વસંતરંગ – નિરંજન ભગત

વસંતરંગ લાગ્યો !
કુંજ કુંજ પલ્લવને પુંજ પ્રાણ જાગ્યો

ડાળે ડાળ કળીઓ શું જોબનમાં ઝોલતી,
આંબાની મ્હોરેલી મંજરીઓ ડોલતી,
કોયલ શી અંતરની આરત ખોલતી!
વાયરાની વેણુમાં મત્ત રાગ વાગ્યો!

પગની પાનીએ રંગ મેંદીનો રેલતી,
કાને કેસૂડાંનાં કુંડળ બે મેલતી,
કુંજમાં અકેલ કોણ ફાગનૃત્ય ખેલતી?
મેં કોના તે રાગમાં વિરાગયાગ ત્યાગ્યો?
વસંતરંગ લાગ્યો !

– નિરંજન ભગત

વસંત જાદુગર છે. ચિત્રકાર જે રીતે કોરા કાગળ પર બે-ચાર લસરકા મારે અને કાગળની શિકલ જ બદલાઈ જાય એ રીતે વસંતનો રંગ લાગતાં જ આખી સૃષ્ટિ નવપલ્લવિત થઈ ઊઠે છે. કુંજે-કુંજે ડાળીઓમાં પ્રાણ જાગી ઊઠ્યો છે. કળીઓ મત્ત થઈ ડોલે છે, આંબો મંજરીઓથી લચી પડ્યો છે અને કોયલ એના હૈયાની આરત ઊઘાડતી હોય એમ સૂરાવલિઓ રેલાવી રહી છે. જાણે વાંસળી કેમ ન વાગતી હોય એવી મસ્તીમાં પવન ફૂંકાઈ રહ્યો છે. પ્રકૃતિ આખી ફાગના રાગમાં નર્તન કરતી હોય એવામાં ભલભલા વિશ્વામિત્રનું તપોભંગ થઈ જાય તો બિચારા નાયકની તે શી વિસાત!

Comments (2)

होली पिया बिणा लागाँ री खारी – मीराँबाई

होली पिया बिणा लागाँ री खारी।

सूनो गाँव देस सब सूनो, सूनी सेज अटारी।
सूनो बिरहन पिव विण डोलाँ, तज गया पीव पियारी।
विरहा दुःख मारी।

देस बिदेसा णा जावाँ म्हारो अणेशा भारी।
गणताँ गणताँ घिस गयाँ रेखाँ, आँगरियाँ री सारी।
आयाँ णा री मुरारी।

बाज्यो झाँझ मृदंग मुरलिया बाज्याँ कर इकतारी।
आया बसन्त पिया घर णाँरी, म्हारी पीडा भारी।
स्याम मण क्याँरी बिसारी।

ठाडो अरज कराँ गिरधारी, राख्याँ लाज हमारी।
मीराँ के प्रभु मिलव्यो माधो, जनम-जनम री क्वाँरी।
मण लागी दरसण तारी।

– मीराँबाई

મીરાંબાઈના અમર પદોમાં હોળીગીતો પણ વિશિષ્ટ સ્થાન ધરાવે છે. હોળીના બહાને શ્યામ-સાંવરાને મનાવવાનું-ખીજાવાનું-લાડ લડાવવાનું એ ચૂકતાં નથી. પિયા વિના એમને હોળી અકારી લાગે છે. ગામ, દેશ, સેજ, અટારી- બધું જ પ્રિયતમ વિના સૂનું છે. પિયુના ત્યજી જવાથી સૂની પડેલી વિરહણને વિરહનું દુઃખ ભારી થઈ પડ્યું છે. પ્રિયજનને શોધવા એ ઘર છોડીને દેશ-વિદેશ પણ જઈ શકે એમ નથી કેમકે એને અંદેશો રહે છે કે ક્યાંક હું ઘર બહાર નીકળી એવામાં એ આવીને ચાલ્યો ગયો તો? એ તો બસ, મુરારીની પ્રતીક્ષામાં આંગળીના વેઢે દિવસો ગણી રહી છે અને ગણતાં-ગણતાં બધા વેઢા પણ ઘસાઈ ગયા છે હવે તો! પ્રતીક્ષાની કેવી પરાકાષ્ઠા! કેવી ઉત્કૃષ્ટ કવિતા! ઝાંઝ-મૃદંગ-વાંસળી-એકતારો વાગી રહ્યા છે, કેમ કે વસંત ઋતુ આવી ચડી છે. પણ શ્યામ તો એને વિસરી બેઠો છે. આવતો જ નથી એટલે મીરાંબાઈ અરજ કરતાં કહે છે કે પ્રભુ! મારી લાજ રાખો. તારા દર્શનની આશામાં હું જનમ જનમથી કુંવારી છું…

Comments (5)

કુંવારી છોકરીનું ગીત….. – રમેશ પારેખ

આંખોને કાળમીંઢ કોણે ઘડી છે
મને કંઈ તો જોયાનું સુખ આપો…

આવા તે ગામમાં દિવસ ઊગ્યો
કે રાત ઊગી તે કેમ કરી જાણું
સૂરજ ન હોય તો ય સૂરજમુખીનું ફૂલ ઊગે
– ને વાય અહીં વ્હાણું

મૂંઝારે ફાટફાટ છાતી ભીંસાય,
મને કંઈ તો રોયનું સુખ આપો….

પાણી તો ઠીક, હજી પાણીનું નામ નથી
હોઠ સુધી કોઈ વાર આવ્યું
ઊગ્યું છે કંઠ મને રેતીનું ઝાડવું
એ વધતું રે જાય છે સવાયું
ખાલી રે કંઠ અને ખાલી હથેળીયુંને
કંઈ તો ખોયાનું સુખ આપો….

આંખોને કાળમીંઢ કોણે ઘડી છે
મને કંઈ તો જોયાનું સુખ આપો…

– રમેશ પારેખ

 

શૂન્યતા એટલી ઘેરી છે કે અભાવ સુદ્ધાં નથી !

Comments (1)

ભૂલ – હરીન્દ્ર દવે

અડકીને ચાલો તોય અળગા, સાજન,
હોઠ મલકે ને ખીલે નહીં ફૂલ,
સેજમાં તમારી સોડે સૂતી, ને તોય
નેણ ખટકે ઉજાગરાની શૂળ.

મનમાં ઊઠે છે કેવા કેવા તરંગ,
હવે ‘કોને કહું’ ‘કોને કહું’ થાતું,
પાસે ને પાસે તમે આવો ને મન મારું
અદકું ને અદકું મૂંઝાતું;
વેણમાં ન હૈયાનાં પ્રોવાતાં કહેણ
કહો કેમ કરી કરવા કબૂલ?

વેગળા રહો તો વ્રેહવેદનાએ પ્રીછું,
રીસ રાખો તો માનથી મનાવું,
સમજો તો બોલતા અબોલાનો ભેદ
એક આંખના ઈશારે સમજાવું.
એટલેથી રીઝો તો મબલખના મેળામાં
કહું કે ‘સાજન મારી ભૂલ !’

– હરીન્દ્ર દવે

સુંદર મજાનું ઊર્મિકાવ્ય….નાજુક શી વાત….નમણાં શબ્દો….નઝાકતભરી માવજત….

Comments (3)

પીડાની જાતરા – યોગેશ પંડ્યા

હવઅ તારઅ ન મારઅ હુ સે મારા પીટ્યા
નઈં હાંધ્યો હંધાય હવઅ જીવતરનો ધાંગો.

રૉમ રૉમ બોલીનઅ રાખ્યું, તો રાખ્યું કે-
કાલઅ ભૂલૈઈ જાહે દખ,
પીડાની જાતરોમોં પંડ્યને ય ભૂલૈઈ જીયું
આયુ નંઈ તોય કાંય હખ
હખનો ક્યાં ખાવા દીધો’તો મને રોટલો?
ખાંડણિયે માથું!… ભંગાય ઈમ ભાંગો!

પયણીને આઈ, ઈ, રાત્ય મારા જીવતરની
કાળી બની જઈ’તી રાત્ય.
પીંસાના પાથરણે પોઢવાના ઓરતા
પણ, ઊતરડી લીધી’તી જાત્ય.
એક પા ભડભડતો દવ ખળે, એક પા-
દખનો વરહાદ થતો ખાંગો!

– યોગેશ પંડ્યા

તળપદી ભાષાની તો ફ્લેવર જ અલગ. આ જુઓ. નખશિખ શુદ્ધ ભાવનગરી બોલી. સ્ત્રી પરણીને પતિગૃહે આવે છે ત્યારે સાથે લઈ આવેલા અરમાનોની ચિતા પર બેસીને આપણને એની પીડાની જાતરાએ લઈ જાય છે. થાકી-હારીને અંતે એ પતિને કહી દે છે કે તારે ને મારે હવે કંઈ સંબંધ નથી, જીવતરનો દોરો હવે સાંધ્યો સંધાય નહીં એ રીતે તૂટી ગયો છે. દુઃખ આવ્યું તો સ્ત્રીએ રામ રામ બોલીને એને એ આશાએ સ્વીકાર્યું કે કાલે ભૂલાઈ જશે, પણ પીડાની આ જાતરા એવી વસમી હતી કે જાત ભૂલાઈ ગઈ પણ સુખ આવ્યું નહીં. સાસરિયાંઓએ સુખનો રોટલો કદી ખાવા જ ન દીધો એની સામે ચિત્કારતાં એ કહે છે, કે ખાંડણિયામાં માથું મૂક્યું છે, હવે ખાંડો ખંડાય એમ. સુહાગરાતની વાતો તો કેવી મજાની હોય, પણ નાયિકાના જીવનમાં તો એ રાત જ કાળી માઝમ રાત બનીને આવી હતી. પીંછાના પાથરણે સૂવાના ઓરતા લઈને આવેલી સ્ત્રીની સાસરામાં જાત જ ઉતરડી લેવાઈ. એક તરફ ભડભડતો અગ્નિ ને બીજી તરફ દુઃખનો વરસાદ ખાંગો થાય છે. આમ તો વરસાદ પડે તો અગ્નિ ઓલવાઈ જાય પણ અહીં, કશું ઓલવાતું નથી, ઓલવાઈ છે તો નાયિકાની જિંદગી, આશાઓ, સ્વપ્નો…

Comments (22)

સમજાવી દઉ હું યે સાનમાં – ચંદ્રેશ મકવાણા

સમજી સમજીને તમે સમજી શકો તો પછી સમજાવી દઉ હું યે સાનમાં,
આમ ફાંફાં ન મારો વેરાનમાં…

ફૂલડાં વીણો તો ક્યાંક કાંટા વાગે ને વળી
ભમરા ડંખે એ વાત જુદી,
ઝરણાનાં લીલાછમ્મ જળને મુકીને કોઈ
રણને ઝંખે એ વાત જુદી,

જરા ઓરા આવો તો એક લાખેણી વાત જરા કહી દઉ હું ધીમેથી કાનમાં,
આમ ફાંફાં ન મારો વેરાનમાં…

સાગરમાં તરવાનો શોખ કદી જાગે
તો ડૂબવાની તૈયારી રાખવી
પ્રેમમાં પડ્યાનો કદી અવસર આવે તો
પ્રીત સહિયારી સહિયારી રાખવી

વાત એ પણ લખાઈ છે સીધીને સાફ વેદ, ગીતા કે બાઇબલ, કુરાનમાં,
આમ ફાંફાં ન મારો વેરાનમાં…

– ચંદ્રેશ મકવાણા

 

‘ફૂલડાં વીણો તો ક્યાંક કાંટા વાગે ને વળી ભમરા ડંખે એ વાત જુદી…..’ શું મુદ્દાની વાત કરી છે !! તે પણ વળી કેવી નજાકતથી !!!

Comments (3)

મારા નાવિક – જગદીશ જોષી

સાવ સીધી નદીનાં વ્હેણ વાંકા થયાં
અને વાંકી નદીનાં વ્હેણ સીધાં;
કાંટા પર મ્હોરેલા લીલા પડછાયાનાં,
વેણ અમે પાંપણથી પીધાં.

સૌરભની શાલ હવે ઓઢે હવા,
પણ વાયરાનો સોળ તોય વાગે,
રણઝણતા ક્યાંક ક્યાંક ઊડે છે આગિયા
પણ આંખોમાં અંધારું જાગે !

તારી નદીની અમે નાવ, મારા નાવિક !
એવા સોગંદ અમે લીધાં.

ચરણોને ચાલવાની ઝંખના જાગી,
ત્યાં રસ્તાએ જોઈ લીધું આડું,
આંખોના કૂવામાં આંસુના મધપૂડા,
તરસ્યાંને કેમ સાદ પાડું ?

તારી વાતોમાં અમે કેવા ડૂબ્યાં
કે અમે અમને અળખામણાં કીધાં !

– જગદીશ જોષી

આંખોના કૂવામાં આંસુના મધપૂડા…….!!!!! શું કવિકર્મ છે !!! અદભૂત !!!!

Comments (3)

સ્વ. રાવજીએ ન લખેલું ગીત – નયન હ. દેસાઈ

નર્સ, મારા ભાગી જતા શ્વાસના ભાતીગળ કાફલાને રોકી શકે તો હવે રોક,
સ્પેશિયલ વૉર્ડમાં આ ટકટકતી ઘડિયાળે મૂકવા માંડી છે મરણપોક.

ચારે દિશાએ હાથ મૃત્યુના લંબાવ્યા ધખતી બપોરે મારી પાંખમાં,
પીળાંપચ સ્મરણોનાં વૃંદાવન સળગે છે સૂરજ ઊગે ને મારી આંખમાં,
નર્સ, મારા ભૂરા આકાશની લીલીછમ છાંયડીઓ સળગી રહી છે છડેચોક.

પોપચામાં મોરપિચ્છ, શમણાંની રાખ બળે, નીંદર આવે તો હવે કેમ?
મુઠ્ઠીભર ક્ષણને મેં ખાલીખમ પાંસળીમાં જકડી રાખી છે જેમતેમ,
નર્સ, મારાં ગળવા માંડેલાં આ હાડકાંના ઢગલા પર અણિયારા ખીલાઓ ઠોક…

કાલે ઊઠીને નહીં હોઉં તો એ બારસાખે કંકુના થાપાને ભૂંસજો;
ઝૂરતા એ ઉંબરને ‘ઝાઝા જુહાર’ કહી ડેલીની સાકળને ચૂમજો,
નર્સ, એની આંખોમાં ઊગેલા કંકુના સૂરજનાં અજવાળાં ફોક…

– નયન હ. દેસાઈ

સામાન્ય માણસ જ્યાં અટકી જાય છે, કવિ ત્યાંથી આગળ વધે છે. આપણે જાણીએ છીએ કે ક્ષયરોગની બિમારીના કારણે રાવજી પટેલ માત્ર ૨૯ વર્ષની ટૂંકી વયે આપણને ‘ગુડ બાય’ કરી ગયા. અમરગઢમાં જીંથરીના રુગ્ણાલયના ખાટલે મૃત્યુને ઢૂંકડું ઊભું જોઈને એમણે લખેલું ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ ગીત ગુજરાતી ભાષાના સર્વોત્કૃષ્ટ ગીતોમાં સર્વોચ્ચ સ્થાને બિરાજમાન છે. રાવજી પટેલે તો આપણને એ અમર ગીત આપીને ચાલ્યા ગયા. બધાથી ઉફરી તરી આવતી કવિતાઓ આપવા માટે બહુખ્યાત કવિ શ્રી નયન દેસાઈ આપણને સ્વર્ગસ્થ રાવજી પટેલે ન લખેલું ગીત આપે છે.

રાવજી પટેલ જાણે છે કે એમના ભાતીગળ શ્વાસોનો કાફલો સરકી જઈ રહ્યો છે એટલે એ સારવાર આપતી નર્સને ઈજન આપે છે કે રોકી શકે તો રોકી બતાવ. ઘડિયાળની ટકટક પણ મરણપોક જેવી સંભળાય છે. રાવજીના લીલા ઘોડાઓ પીળા પાંદડે ડૂબે છે, તો રાવજીની ન કહેલી આપવીતી કહેતા પરકાયાપ્રવેશી નયન દેસાઈના ગીતમાં પીળાં સ્મરણોનાં વૃંદાવન અને લીલી છાંયડીઓ બધું સાગમટે સળગી રહ્યું છે. ટીબીના કારણે ગળવા માંડેલા હાડકાંઓ ગળતાં જતાં જીવતરને માંડ પકડીને બેઠાં છે. નયન દેસાઈનું રાવજીત્વ થોડું મુખર છે. એ ઝાઝા જુહાર કહીને બારસાખેથી કંકુથાપા ભૂંસી, ડેલીની સાકળ ચૂમી લેવા કહે છે. રાવજીની આંખ કંકુના સૂરજને આથમતો જુએ છે, નયન દેસાઈનો રાવજી કંકુના સૂરજનાં અજવાળાં ફોક કરીને આપણા અહેસાસમાં અણિયાળા ખીલાઓ ઠોકી આપણને લોહીલુહાણ કરી દે છે.

Comments (19)

તમે પરમ કો તત્વ…– ભગવતીકુમાર શર્મા

તમે પરમ કો તત્વ
અને હું ઝાંખુંપાંખું તેજ;
તમે સૂર્ય,
હું પરોઢનો આથમતો છેલ્લો તારક,
તોય તમારું કિરણ હું પામું સહેજ..

– ભગવતીકુમાર શર્મા

કૃતજ્ઞતા……

Comments (1)

દીવાને ઘણી ખમા -પારુલ ખખ્ખર

કમલી… તારા ઓરડીયે એક જલતી મદ્ધમ જ્યોત, દીવાને ઘણી ખમા
કમલી… તારા આંગણિયે અજવાળા મૂકે દોટ, દીવાને ઘણી ખમા.

કમલી, તારા દીવા ફરતે કેટકેટલા ભેદ બાઈ…
કમલી, તારું જીવતરિયું તો ખુલ્લે ખુલ્લી કેદ બાઈ…
ટૂંકમાં કહી દે, મોઘમ કહી દે ક્યાં લાગી છે ચોટ, દીવાને ઘણી ખમા
કમલી… તારા ઓરડીયે એક જલતી મદ્ધમ જ્યોત, દીવાને ઘણી ખમા.

કમલી, તારો રાણો વસતો દૂરદૂર કો’ દેશ બાઈ…
કમલી, તારી પરબડીએ આવ્યો થઈ દરવેશ બાઈ…
કહી દે ભોળી પૂતળિયું ને આજ રહે ના ભોટ, દીવાને ઘણી ખમા
કમલી… તારા ઓરડીયે એક જલતી મદ્ધમ જ્યોત, દીવાને ઘણી ખમા.

કમલી, તારા રાણે લીધી નહિ મળવાની ટેક બાઈ…
કમલી, તારે એકલપંડે જાવું છેકોછેક બાઈ…
એક વરતનો પાક્કો બેલી, એકની ફરતે કોટ દીવાને ઘણી ખમા
કમલી… તારા ઓરડીયે એક જલતી મદ્ધમ જ્યોત, દીવાને ઘણી ખમા.

કમલી, તારા અખંડ દીવડે કદી ન ખૂટજો તેલ બાઈ…
કમલી, તારી ભીંતે ફૂટજો અમરતફૂલની વેલ બાઈ…
વાટ નિરખતી આંખડિયુંમાં ના’વે ભરતી-ઓટ, દીવાને ઘણા ખમા
કમલી… તારા ઓરડીયે એક જલતી મદ્ધમ જ્યોત, દીવાને ઘણી ખમા.

-પારુલ ખખ્ખર

અમરેલીના હવા-પાણીમાં નક્કી કંઈક હોવું જોઈએ. અમસ્તો જ કંઈ ત્યાંથી ઊઠનાર અવાજ આમ અલગ ન તરી આવે! જુઓ આ ગીત…

કમલીનો રાણો કોઈક કારણોસર એને ફરી નહીં મળવાની ટેક લઈને દૂરદૂરના કોઈક દેશમાં વસવા ચાલ્યો ગયો છે અને કમલી એની પ્રતીક્ષાનો અખંડ દીવડો સળગાવીને બેઠી છે. વાત કમલીના ઘરની હોય કે એના આતમકક્ષની, એક દીવો ઈંતેજારીનો મધ્યમ આંચે સળગી રહ્યો છે. આંચ મધ્યમ છે, કેમકે ભલે અનવરત પ્રતીક્ષારત્ કેમ ન હોય, કમલીએ પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધી લીધું છે. બીજું, ધીમી આંચ હોય તો પ્રકાશ ઓછો પડે ને મોટી જ્યોત હોય તો દઝાડે પણ ખરી. મધ્યમ જ્યોતનું મધ્યમ અજવાળું ઓરડીના ખુલ્લા બારણામાંથી બહાર એવી રીતે રેલાય છે, જાણે અજવાળું રાણો આવ્યો કે કેમ એ ચકાસવા ઓરડેથી ખોરડાના આંગણિયે દોટ મૂકતું ન હોય! આ દીવો ક્યાંક બુઝાઈ ન જાય એ માટે તો ઘણી ઘણી ખમ્મા જ કહેવું પડે ને!

દીવાલ વગરની ખુલ્લી કેદમાં જીવતી કમલીનું જીવતર અનેકાનેક ભેદ ભીતર ઢરબીને બળી રહ્યું છે. ઘર પરબ સમું બન્યું છે, જ્યાં રાણો વળી દરવેશનો વેશ કાઢીને એના સમાચાર જાણવા આવે છે. મતલબ, રાણાના દિલમાં પણ પ્રેમ તો છે જ. આંખની પૂતળીઓ રાણાને ઓળખવું ચૂકી ન જાય એ માટે પણ દીવાનું સળગતા રહેવું અનિવાર્ય છે. ઘરના દરવાજે પૂતળીઓ લટકાવવાનો પણ એક રિવાજ છે. આ પૂતળીઓ ઘરનું ભૂત-પિશાચ-ચોરોથી રક્ષણ કરતી હોવાની આસ્થા હોય છે. દરવાજે લટકતી આ પૂતળીઓ અંધારામાં ભોટની જેમ રાણાને ઓળખવાનું ચૂકી ન જાય એ માટે અજવાળું વેરતા દીવાને ઘણી ખમ્મા. એક તરફ રાણો ફરી નહીં મળવાની ટેકનું પાક્કું વ્રત લઈ બેઠો છે, તો બીજી તરફ જીવનપથ એકલા જ કાપવાનું નસીબે લખાવી બેઠેલી કમલી જીવતરના કોટમાં બંધ છે. એની પ્રતીક્ષાના અખંડ દીપકનું તેલ કદી ખૂટનાર નથી, એની આંખોમાં ચડેલા વાટના દરિયામાં કોઈ ભરતી-ઓટ નથી, એની રાહ જોવાની તીવ્રતામાં કોઈ વધ-ઘટ થનાર નથી… રાણો ફરી આવે અને કમલીની ભીંત જેવી પ્રતીક્ષા પર અમૃત જેવાં પ્રેમપુષ્પોની વેલ ફૂટે એ જ એકમાત્ર આશા…

Comments (8)

આપણે હવે મળવું નથી… – જગદીશ જોષી

વાતને રસ્તે વળવું નથી,
આપણે હવે મળવું નથી…

આપણો મારગ એકલવાયો,
આપણે આપણો તડકો-છાંયો,
ઊગવું નથી, ઢળવું નથી,
આપણે હવે મળવું નથી…

હોઠથી હવે એક ના હરફ,
આંખમાં હવે જામતો બરફ,
અમથા અમથા ગળવું નથી,
આપણે હવે મળવું નથી…

– જગદીશ જોષી

મર્મસ્થાને ઘા થાય ત્યારે હ્ર્દય ફરિયાદ કરવી મુનાસીબ નથી સમજતું , હ્ર્દય આઘું ચાલ્યું જવાનું પસંદ કરે છે….

Comments (3)

(એને ક્યમ ઢંઢોળું) – હરીશ મીનાશ્રુ

સીસ નવાવૈ સંત કો, સીસ બખાનૌ સોય|
પલટૂ જો સિર ના નવૈ, બિહતર કદ્દૂ હોય॥
(પુણ્યસ્મરણ: પલટૂદાસ)

નમે સંતને શિર, નમે તે શિર નહિતર કોળું
ઊંઘણશી જે છતે જાગ્રતિ, એને ક્યમ ઢંઢોળું

મરુથળ શું મન, મૃગજળનો
તેં ખંતે કીધો ખડકલો
સરવર સમજી રાચે
એ તો પરપોટાનો ઢગલો

ભરતી ઓટે ઉછાંછળું તે નીર લવણથી ડહોળું
ઝીલવાં બારે મેઘ ને તારું છાછર સાવ કચોળું

ઘટમાં ઘર ઘેઘૂર ને ભીતર
જે વસનાર ગૃહસ્થી
ખપે ન એને મહેલ મિનારા
ગેહ કે ગુહા અમસ્થી

વણ નક્શાનું ઘર એ ઝીણું, નથી સાંકડું પહોળું
દશે દિશાનાં અંબર : લલદે શીદ જાચે ઘરચોળું

– હરીશ મીનાશ્રુ

ઓગણીસમી સદીના પ્રારંભ-મધ્યકાળમાં થઈ ગયેલા સંત પલટૂદાસ કે પલટૂસાહિબ બીજા કબીરના નામે પણ ઓળખાય છે. એમનો પ્રસિદ્ધ દોહો હાથમાં ઝાલાને કવિ સ-રસ રીતે વિચાર વિસ્તાર કરે છે. જે માથું સંતના ચરણોમાં નમે છે, એ જ સાચું માથું છે; જે નથી નમતું એ મસ્તક નથી, કોળું છે. આ વાત કવિ ગીતસ્વરૂપે વધુ વિગતે કરે છે.

જે જાગવા છતાં જાગી નથી શકતાં એને કઈ રીતે ઢંઢોળી શકાય? રણ જેવા મનમાં મૃગજળ જેવી તૃષ્નાઓનો ખડકલો કરીને આપણે જીવીએ છીએ. જેને સરોવર ગણીએ છીએ એ જીવન તો પળમાં ફૂટી જાય એવા પરપોટાઓના ઢગલાથી વિશેષ કંઈ નથી. સ્થિર હોય એ નીર જ સાફ રહી શકે. દરિયાનું પાણી ભરતી-ઓટના ઉછાળા મારે છે, ઉછાંછળું છે એટલે એ મીઠાંના ભારથી કાયમ ડહોળું રહે છે. આપણી ભીતર જે આત્મા છે, ઈશ્વર છે એને કશાનો ખપ નથી. આ ઘરનો કોઈ નકશો નથી. એના કોઈ આયામ પણ નથી. એ દિશાઓ ધારણ કરે છે ને આપણે એને ઘરચોળું પહેરાવવા મથીએ છીએ, કહીને આપણા સૂતેલા માહ્યલાને જગાડવાની ફેર કોશિશ કરે છે.

(છાછર-તાસક, રકાબી; કચોળું-છલોછલ)

Comments (1)

તળાવ -ધીરેન્દ્ર મહેતા

દીધું નામ તળાવનું,
નવ દીધું ટીપુંક નીર.

ખાલીપાનો અહેસાસ આપતાં
કાગ-બગલાં તળને ઠોલે,
મયણાનો આભાસ ઘડીકમાં
ચાંચમાં પકડી ખોલે;
તરસ ગામની આવે અહીંયા
લૂનું પહેરી શરીર. – નવo

ઉપર આભ અફાટ દીધું,
નહિ વાદળની આવનજાવન,
મોસમ કેવી, કેવા આળન્ગ
શું અષાઢ, શું શ્રાવણ?
નામ તળાવનું શું રે દીધું,
દીધી નામની પીર! – નવo

-ધીરેન્દ્ર મહેતા

ગામના સૂકાંભઠ્ઠ થઈ ગયેલા તળાવની સ્વગતોક્તિ. નામ તો તળાવ છે પણ પાણી ટીપુંય નથી. તળાવમાં ટીપુંય પાણી નથી એટલે કાગડા-બગલાં તળિયાં ખોતરે છે અને એકાદું સૂકું તણખલું ચાંચમાં ખોરાક ઝાલીને પકદ્યા બાદ છેતરાયા હોવાના અહેસાસથી ચાંચ ખોલીને એને ફગાવે છે ત્યારે તળાવને જાણે પોતાની મૃત્યુચિઠ્ઠી ખોલતાં હોય એવું લાગે છે. માથે અસીમ આકાશ છે પણ એમાં સમ ખાવાનેય વાદળો નથી. તળાવ વિસરી ગયું છે કે અષાઢ, શ્રાવણ જેવી કોઈ ઋતુ પણ સમયચક્રમાં અસ્તિત્વ ધરાવે છે અને ગોરંભો તો ક્યાંય દેખાતો નથી. તળાવને જાણે તળાવનું નામ દઈને નામના બોજની પીડા વેંઢારવાનું લલાટે જડી ન દેવાયું હોય!

(મયણાં- મરણ, આળન્ગ- ગોરંભો, પીર-પીડા)

Comments (4)

અમને તો ફીરકી ને માંજાના કોડ – મુકેશ જોષી

અમને તો ફીરકી ને માંજાના કોડ
તમે દીધો અવતાર કાં પતંગનો
આમ પળપળમાં તૂટતા સંબંધનો

છાતીના ચાર કોશ છેદીને ભાયગની રેખા શી દોર તમે બાંધો
આંચકાઓ આપીને આયખાને ચીરો ને થીગડાનું નામ દઈ સાંધો

અણદીઠા સરનામે મોકલો ને
ટેકો તો ડગમગતા વાયરાના સ્કંધનો
અહીં પળપળમાં તૂટતા સંબંધનો

સૂરજના આંગણમાં અંગોને ઓગાળી જાતને રાખ લગી બાળવી
આકાશે થંભે ના એકાદું પંખી, આ આંખોને ક્યાં જઈ પલાળવી

પળપળમાં જીવનનાં વહેણ ફરી જાય
જેમ રસ્તો બદલાય કોઈ અંધનો
અહીં પળપળમાં તૂટતા સંબંધનો

– મુકેશ જોષી

 

વધુ તો શું બોલવું……..

Comments (4)

ગુરુવંદના – કિશોર બારોટ

ગુરુવર તમને વંદન
હું ઓરસિયો પથ્થરનો ને તમે ઘસાતું ચંદન

આંખો આપી, પાંખો આપી ને આપ્યું આકાશ
ચકલીમાંથી ગરુડ થવાનો જન્માવ્યો વિશ્વાસ
વ્હેમ, ભીરુતા, આળસ, અડચણ કાપ્યાં સઘળાં બંધન
ગુરુવર તમને વંદન

અહમ્ પરમના છેડા સાંધ્યા, તાણી બાંધ્યા તાર
મને તુંબડામાંથી દીધો તંબૂરનો અવતાર
રોમરોમથી નાદ બ્રહ્મનું ગૂંજ્યું રણઝણ ગુંજન
ગુરુવર તમને વંદન

– કિશોર બારોટ

કેવા સરળ શબ્દોમાં કેવી ઉમદા ગુરુવંદના! અદભુત!!

Comments (7)

ગુલાબ લાલ, લાલ – રોબર્ટ બર્ન્સ (અનુ. વિવેક મનહર ટેલર)

રે! મારો પ્રેમ છે ગુલાબ લાલ, લાલ સમ,
તાજું જે ખીલ્યું જૂનમાં,
રે! મારો પ્રેમ જાણે સંગીતની સરગમ,
બજે જે મીઠી સૂરમાં.

છોરી! તું જેટલી છે સુંદર ને ગોરી,
હું એટલો પ્રેમમાં ગરક:
ને તોય ચાહતો રહીશ તુજને હું, વહાલી,
છો સાગર થાય સૂકાભટ:

છો સાગર થાય સૂકાભટ ને, મારી વહાલી,
સૂર્ય સંગ પહાડ પીગળી જાય:
તોય ચાહતો રહીશ તુજને હું, વહાલી,
છો જીવનરેત સરકી જાય.

ને અલવિદા, ઓ મારી એકમાત્ર પ્રિયા !
ને અલવિદા, બસ, થોડી વાર!
ને હું પાછો ફરી આવીશ, મારી પ્રિયા,
ભલે જોજન હો દસ હજાર.

– રોબર્ટ બર્ન્સ
(અનુ. વિવેક મનહર ટેલર)

*

પ્રેમમાં અતિશયોક્તિ એ આપણી અનિવાર્યતા છે. આજપર્યંતના પ્રેમીઓએ પ્રેમિકાઓને આપેલા વચન મુજબ જો આકાશમાંથી ચાંદ-તારા તોડી શકાયા હોત તો આકાશ ચાંદ-તારા વગરનું હોત. પણ, પ્રેમ આંખોને સ્વપ્નો જોતાં શીખવે છે. પ્રેમ અસંભવના ફેફસાંમાં સંભવિતતાના વિશ્વાસનો પ્રાણવાયુ પૂરો પાડે છે. પ્રેમમાં અકલ્પનીય પણ હાથવગું લાગે છે અને ઝાંઝવાથી પણ યુગયુગોની તૃષા છીપે છે.

પ્રસ્તુત રચનાના વિશદ આસ્વાદ માટે ટહુકો ડૉટ કોમની મુલાકાત લેવા વિનંતી છે.

*

A red, red rose

O my Luve’s like a red, red rose
That’s newly sprung in June;
O my Luve’s like the melodie
That’s sweetly play’d in tune.

As fair art thou, my bonnie lass,
So deep in luve am I:
And I will luve thee still, my dear,
Till a’ the seas gang dry:

Till a’ the seas gang dry, my dear,
And the rocks melt wi’ the sun:
I will luve thee still, my dear,
While the sands o’ life shall run.

And fare thee well, my only Luve
And fare thee well, a while!
And I will come again, my Luve,
Tho’ it were ten thousand mile.

– Robert Burns

Comments (2)

આ પા મેવાડ….. – ભગવતીકુમાર શર્મા

આ પા મેવાડ, અને ઓલી પા દ્વારિકા,
વચ્ચે સૂનકાર નામ મીરાં
રણકી રણકીને કરે ખાલીપો વેગળો,
હરિના તે નામના મંજિરા
બાજે રણકાર નામ મીરાં…

મહેલ્યુંમાં વૈભવના ચમ્મર ઢોળાઇ
ઉડે રણમાં તે રેતીની આગ
મીરાંના તંબુરના સૂરે સૂરેથી વહે
ગેરૂવા તે રંગનો વૈરાગ

ભગવું તે ઓઢણું ઓઢ્યું મીરાએ
કીધા જરકશી ચૂંદડીના લીરા
સાચો શણગાર નામ મીરાં…

રણને ત્યજીને એક નિસરે રે શગ
એને દરિયે સમાવાના કોડ
રાણાએ વિષનો પ્યાલો ભેજ્યો
એણે સમરી લીધા શ્રી રણછોડ
જળહળમાં ઝળહળનો એવો સમાસ
જાણે કુંદનની વીટીંમા હીરા
જીવતો ધબકાર નામ મીરાં…

– ભગવતીકુમાર શર્મા

 

ઘણા વખતે આ ગીત ફરી વાંચ્યું, મન તરબતર થઇ જાય કાયમ. પરંપરાગત વિષય તેમ જ બાંધણી પણ જૂનવાણી પરંતુ ગીતમાં એક અજબ ઊંડાણ છે…સમજાવવું અઘરું છે-અનુભવવું પડે…..

 

 

Comments (1)

આવે તો સ્હેવું – રવીન્દ્ર પારેખ

દુઃખ આવે તો સ્હેવું, મનવા, દુઃખ આવે તો સ્હેવું…
કોઈ નથી લેનારું એને તેથી તારે લેવું…

કોઈ નથી લેવા રાજી તો દુઃખને ક્યાં જઈ નાખું?
એને પણ તો થાય ને થોડું જીવે, ભલે ન આખું,
તું ના હો તો કોણ છે એનું, ક્યાં જઈ એણે રે’વું?

તારું પણ તો ખરું છે મનવા, સુખ પાછળ દોડે છે,
સુખ તો એનું છે જે જગમાં રહીને જગ છોડે છે,
કહે, તને આ સુખ ને દુઃખમાંથી મારે શું દેવું?

મનવા, તું આંખો માંગે ને આંસુની ના પાડે?
બીજ વગર શું જગમાં કોઈ આખું ઝાડ ઉગાડે?
દુઃખ જો દરિયો હોય તો એમાં બની શકે તો વ્હેવું…

– રવીન્દ્ર પારેખ

દુઃખ વિશે આપણે ઘણું ગાયું છે… ‘સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે જડિયાં’, થી લઈને ‘ભાઈ રે! આપણાં દુઃખનું તે કેટલું જોર’ સુધી આપણી દુઃખ વિશેની સમ્યક ભાવના વિસ્તરી છે. પણ એ છતાંય દુઃખથી ભાગવું એ જ આપણો સ્વ-ભાવ છે. અહીં કવિ જરા અલગ જ પ્રકારની વાત કરે છે. એ દુઃખ સાથે સમભાવ રાખવાથી બે કદમ આગળ વધીને એને વધાવી લેવાની હિમાકત કરે છે. નવી વાત છે પણ વાત છે દમદાર…

Comments (6)

રિસામણે બેઠેલ સ્ત્રીનું ગીત – દક્ષા બી. સંઘવી

સાવે ચૂપચાપ અમે તૂટેલું સાંધ્યું ને
આંસુડે અણગમતું ધોયું
ખૂણે ને ખાંચરેથી મોતીડાં વીણ્યાં ને
એક દોરે ફેર બધું પ્રોવ્યું

મનગમતા ઘાટ અમે કે’દુના ગાળ્યા હવે ક્યો તો આ પંડને ઓગાળિયે
ઇચ્છાયું કે’દુની ફીંડલું વાળી અમે મૂકી દીધી છે ઊંચે માળિયે
ફૂલ જેમ રાખવા કોલ દઈ દલડાંને
સાંઠકડી જેમ તમે તોડ્યું

સહેજે ખખડેલ બે’ક વાસણને ફટ્ટ લઈ દઈ દીધું અથડામણનું નામ
ચીતર્યા તમે રે આ રાઈના પહાડ નીચે દટ્ટણ થ્યાં સમણાનાં ગામ
ઊંચી ગઢરાંગના ડાંગરાની જેમ તમે
એકવાર નીચે ન જોયું

રાત ક્યો તો રાત તમે અંધારી રાત ને દંન ક્યો તો દંન અમે ભાળિયે
લોકલાજ-કામકાજ અળગાં મેલીને અમે વાટ જોઈ ઊભા’તાં જાળિયે
રસ્તો તાકીને થયા ફરફોલા આંખમાં ને
પોતીકું ભાન અમે ખોયું.

– દક્ષા બી. સંઘવી

કચ્છના કવયિત્રીની કલમેથી શબ્દ નહીં, લોહીના આંસુ ટપકી રહ્યાં છે. મનના માણીગરથી રિસાઈને બેઠેલી સ્ત્રીની વેદનાનું આ ગાન છે. સ્ત્રી તૂટેલું સાંધે છે, ને આંસુથી ધોઈને સંબંધને સાફ કરે છે અને ખૂણેખાંચરેથી સંબંધની બચી રહેલી જણસને એકઠી કરીને એક દોરમાં પરોવી સંસારની માળા ગૂંથવાની કોશિશ કરે છે, પણ આ બધું એ સાવ જ ચૂપચાપ કરે છે. ‘સાવે ચૂપચાપ’થી થતો ગીતનો ઉપાડ દઝાડે છે. મનગમતી વસ્તુઓ તો ત્યજી જ દીધી છે, હવે ‘સ્વામી’ કહે તો જાતને પણ એ ઓગાળવા તૈયાર છે. ઇચ્છાઓ પણ માળિયે ચડાવી દીધી છે પણ ફરિયાદ એક જ છે કે જે દિલને ફૂલની જેમ સાચવવાનું વચન આપ્યું હતું એ સાંઠકડીની જેમ તોડી નાંખ્યું છે. ગીત આગળ વધે છે એમ વેદનાની પરાકાષ્ઠા પણ આગળ વધે છે….

Comments (5)

મેશ જોઈ મેં રાતી – રાવજી પટેલ

મેશ જોઈ મેં રાતી
મઘમઘ મેશ જોઈ મેં રાતી
મખમલના જલમાં મધરાતે એક પરી જોઈ ન્હાતી!
મેશ જોઈ મેં રાતી

આંખ ભૂલી ગૈ આંખપણું ને આંગળીઓથી દીઠી.
કમખામાંની રાત ખોલી દઈ હથેલીઓથી પીધી!
શમણાંને છુટ્ટાં મેલીને હીરની દોરી ગાતી
મેશ જોઈ મેં રાતી

પગનું એક હલેસું વાગે મસ્તક લસરક વ્હેતું ;
મોરલીઓનો શ્વાસ ઉપરથી સર્યો જતો’તો સેતુ.
મણિ ચૂસતો નાગ, નાગની ફેણ મને કૈં પાતી!
મેશ જોઈ મેં રાતી

– રાવજી પટેલ

 

ભાવાર્થ પકડાતો નથી. સૌ વાચકોને અભિપ્રાય આપવા આમંત્રણ….

Comments (2)

શ્રાવણની સાંજનો તડકો – પ્રિયકાન્ત મણિયાર

શ્રાવણની સાંજનો તડકો ઢોળાયો મારા ચોકમાં,
જાણે હેમનો સોહાયો હાર ગરવી તે ગાયની ડોકમાં.

આવ્યા અતિથિ હો દૂરના કો દેશથી એવો સમીર તો ચૂપ,
તોય રે લજાઈને ક્યાંકથી રે આવતાં મંજરીનાં મ્હેક મ્હેક રૂપ;
સૂરને આલાપતી ઘડીઓ ઘેરાય ઘેરાય શું વાંસળીને વેહ કોક કોકમાં.
શ્રાવણની સાંજનો…..

આથમણા આભમાં કોઈ જાણે રેલતું અંતરના તેજનો સોહાગ,
વાદળની વેલ્યને ફૂટ્યાં રે ફૂલડાં જાણે અનંગનો બાગ;
રજનીના રંગનો અણસારો આવતો આભના રાતા હિંગળોકમાં…
શ્રાવણની સાંજનો……

– પ્રિયકાન્ત મણિયાર

 

પ્રિયકાન્ત નઝકાતના કવિ છે, શબ્દેશબ્દે નમણાશ ટપકે…..વિષય સરળ-સહજ હોય, પણ માવજત અદભૂત હોય. બારીક કારીગરીથી કાવ્ય કંડાર્યું હોય….

Comments (2)

કોઈ લખો કાગળ તો – ભાનુપ્રસાદ પંડ્યા

તમને લાગી ઠેસ, અમોને ફૂલ અડ્યાનો કંપ !
વાટ વચાળે બેઠાં પલ બે, થયો નજરનો સંપ !

થયો નજરનો સંપ અને આ વાટ ધસી થઈ ઝરણું !
અમે મટ્યા પથ્થર ને તરવા લાગ્યા થઈને તરણું !

હતા અમે મુકામ ભારનો એ ય જવાયું ભૂલી !
ભીંતે હોત ચણાયા ને અહી રહ્યાં લહરમાં ઝૂલી !

રહ્યાં લહરમાં ઝૂલી અમને સપને આવ્યા સિન્ધુ !
જોયું તો ના નીર અહીં સથવારે નભ ને ઈન્દુ !

અમને લાગી ઠેસ અમે ના મળશું કોઈ મુકામે !
કોઈ લખો કાગળ તો લખજો ‘વહી ગયાં’ ને સરનામે !

– ભાનુપ્રસાદ પંડ્યા

Time-tested!

Comments (2)

તો થાય શું? – અનિલ ચાવડા

અધવચ્ચે તરછોડી જાય કોઈ ત્યારે ત્યાં રડવું ના આવે તો થાય શું?
ધોધમાર ચોમાસું ખાબકે ને તોય પછી પથ્થરની આંખો ભીંજાય શું?

અધકચરા માળાને છોડી જાય પંખી તો
વસમું બહુ લાગે છે ડાળને!
એમ કર્યો દૂર તમે જીવનથી જાણે કોઈ
ભોજનમાં આવેલા વાળને!

હોઠે લગાડવાની વાંસળીને પથ્થર પર પટકી પટકીને તોડાય શું?
અધવચ્ચે તરછોડી જાય કોઈ ત્યારે ત્યાં રડવું ના આવે તો થાય શું?

માથા પછાડતા આ દરિયાના કાંઠે હું
જોઉં છું દૂર જતી નાવને,
ઊછળતાં મોજાંના ઘૂઘવાટા વચ્ચે ક્યાં
સાંભળશે એ મારું, “આવને!”

જળમાં જળ ભેળવીને જાય નદી ચાલી તો પાછળ જઈ શકશે તળાવ શું?
અધવચ્ચે તરછોડી જાય કોઈ ત્યારે ત્યાં રડવું ના આવે તો થાય શું?

– અનિલ ચાવડા

 

રામબાણ વાગ્યા રે હોય તે જાણે….

Comments (2)

આજ હું ઉદાસ નથી થાતો – હરીન્દ્ર દવે

આજ હું ઉદાસ નથી થાતો, કે કાલના
જુવાનિયાની આંખ ન્હોય ભીની,
આજની આ વેદના વરાળ સમી, એટલે જ
યાદ કરું વારતા પછીની.

આ તને આશ્લેષે લીધી
ને ભીંસ એની આવનારી સદીઓમાં
કેટલાંય જોબનઘેલાંને મૂંઝવશે :
બદલાતી દુનિયાના પલટાતા વહેણે
સાવ ઓચિંતાં બોલાયાં નેહનાં બે વેણ,
સદા એવાં ને એવાં રહી તરશે.
કડવાં આ પાંદડાં તો આવશે જશે
ને હશે લીમડાની છાંય મ્હેકભીની.

ઝેરની પિયાલી કદી પીધી મીરાંએ
હવે તારે ને મારે
એ જીરવી જવાનું ભાગ્ય આવશે,
રડવાનું એટલું આસાન
અને આંખને તો જળની માયા છે ખૂબ
તોય, કહે, હસવાનું ફાવશે ?
ગંગાજમુનામાં ભળે ત્રીજો પ્રવાહ
કદી સાંભળી તેં વાત એ નદીની ?

– હરીન્દ્ર દવે

 

પ્રેમની ભાષા કાલાતીત છે…..

Comments (1)

લક્કડબજાર – સિતાંશુ યશશ્ચંદ્ર

લક્કડબજારમાં લાગી આગ ને બગલાં ઊડ્યાં બાવીશ,
રામે શબરીને કહેવડાવ્યું : હવે અવાયું તો આવીશ.

શબરીએ સાંભળ્યા બોલ,
ત્યારે ભીલડાંના ગામમાં વાગતા’તા ફાગણ મહિનાના ઢોલ.

મોટા મોટા ઢોલ બજે ત્યાં કોને કાને પડે
શબરીની છાતીનો સૂનકાર? બોલ્યા વિના દડદડે.

અવાજનાં લીલાંછમ વન તો એય ને લાંબાં ઝૂલે
સૂનકારની લાતીઓનાં તાળાં ચાવીથીયે ના ખૂલે. [ લાતી = કોઠી ]

એ લક્કડબજારમાં લાગી આગ ને બગલાં ઊડ્યાં બાવીશ,
શબરીએ રામને કહેવડાવ્યું : રામજી, સામો લેવા ના’વીશ.

પણ વનમાંથી કંઈ લાતીઓ નથી થાતી રાતોરાત,
આ આખ્યાનમાં માંડી છે એ સુકાવાની વાત.

પહેલાં તો સુકાઈ ગઈ છાલ, પછી સુકાયો ગરભ,
કોઈએ પણ જોયું નહીં એ અરધાં બોરાં તરફ.

સમાચાર સાંભળ્યા પછી હળવે હળવે એ બાઈ
ચાખી રાખેલાં બોરને પોતે જ ચગળી ચગળી ખાય.

બે’ક ખાધાં. પછી ખવાય નંઈ, જાણે ચારે ખૂણે પેટ,
શબરી સોચે છે, આ છે તો મીઠાં, પણ હવે કોને આપું ભેટ?

કડવો તો કે લીમડો, મીઠું તો કે મધ,
ડાળ તો કાપી એક જ ને લાતીઓ ઊભી થઈ આડેધડ.

ડાળી તો એક એવો રસ્તો કે ભાઈ વળતો ઢળતો વધે,
અંત અટકી જાય અચાનક ને પહોંચાડે બધે.

ભીલ બાઈનો કાળો હાથ એક ડાળખા પેઠે ઊંચકાયો,
એને છેડે અમળાયેલાં આંગળાં પાનખરનો પ્રશ્ન પુછાયો.

બૂઢાપામાં બાઈ કાંપતી, જાણે કોઈ બોરડી ખંખેરતું,
આખું ઘટાટોપ ટપોટપ ફળ વેરતું.

નીચું મોં કરી બેઠી શબરી, ખોળામાં ઢગલો બોર,
એની આંખોમાં એવો તો ભાર કે ઊંચકતી નથી એકે કોર.

બોરાં ઝૂલતાં બોરડી, આંસુ ઝૂલતાં આંખ,
હવે સવાદ હું નહીં કહું રામજી, તારે ચાખવું હોય તો ચાખ.

અવાજના વનમાં એ વસે એક ખૂણે ચૂપચાપ,
જેવો પેલો રામ અમર તેવી અમર શબરીયે આપ.

– સિતાંશુ યશશ્ચંદ્ર

ધીમી ગતિએ આગળ વધતું માવજતથી ગૂંથવામાં આવેલું નાજુક ગીત…..સંદેશ સ્પષ્ટ છે, માવજત મોહક છે.

Comments (1)

ખેડૂતની ભૂખ શું ભાંગે? – રૂપસિંહ વાઘસિંહ રાઠોડ

(‘આંધળી માનો કાગળ’ એ જાણીતી રચનાના ઢાળે)

ખેડૂતની ભૂખ શું ભાંગે? દશા એની દોહ્યલી લાગે!
મૂડી ઝાઝી ને મજૂરી ઝાઝી, ઝાઝેરાં માથે રણ;
મજૂરી કરીને જાત પાડે તોયે કોઠી ન ભાળે કણ! – ખેડૂતની.
બી જોઈતું ને, બળદ જોઈતા, જોઈતું ઝાઝું ઘાસ;
મેઘરાજા જો માન માગે તો પડતો ઝાઝો ત્રાસ. – ખેડૂતની.
ખેડી-ખેડીને ઘણા વાવ્યા, વર્ષા આવી ધાઈ;
કિંતુ એટલે અન્ન ના ઊછરે, સાંભળ ને મુજ ભાઈ? – ખેડૂતની.
ઊધઈ સૂકવે છોડવા ઝાઝા ખેડુ શું રાખે ખંત?
ઊગતા છોડવા આરોગીને સમાધિ લેતા સંત. – ખેડૂતની.
ઈયળ પડે ને ખપરાં પડે, ગેરુયે રંગે ધાન;
હિમોકાકોએ દયા કરે તો ખેડૂત ભાળે ધાન. – ખેડૂતની.
રોઝ, શિયાળવાં, વાંદરાં, મોર ને બાકી રહેલામાં ચોર;
એ સઘળાંથી ખાતાં બચેલું ખેડૂતને કર હોય. – ખેડૂતની.
વાઢી-લણી અને ખળામાં લાવી અનાજ લેવાતે દિન;
ભાંડ, ભવાયા, મીર, ભંગી અને ઢેઢની લે આશિષ. – ખેડૂતની.
અનાજ લાવી ઘરમાં નાખ્યું ઘણી ઉમેદો સાથ;
બીજે દહાડે લેણદારો સૌ આવિયા ચોપડા સાથ. – ખેડૂતની.
વેરો-વાઘોટી માગતો મ્હેતો, લેણાં માગતો શેઠ;
ખેડુ દિલમાં ઘણું દુભાયે, શાને ભરાશે પેટ? – ખેડૂતની.

– રૂપસિંહ વાઘસિંહ રાઠોડ

લગભગ સાઠ વર્ષ પહેલાં માત્ર સાત ચોપડી ભણેલા એક ખેડૂતકવિએ લખેલું આ કાવ્ય આજે પણ એટલું જ તાજું લાગે છે. કવિતામાંથી પસાર થતી વખતે કાવ્યપદાર્થ પ્રમાણમાં ઓછો હોવાનું અનુભવાય પણ ઓછું ભણેલા કવિની કુદરત અને સમાજ –બંને તરફની ઝીણવટભરી અને સચોટ અવલોકન શક્તિ આ કાવ્યને બાજુએ મૂકવા દેતી નથી.

દર વર્ષે આપઘાત કરનાર ખેડૂતોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે એ હકીકત એ વાતની સાબિતી છે કે ખેડૂતની દશા આજની તારીખે પણ બહુ સુધરી નથી. ખેડૂતના નસીબે મજૂરી જ વધુ લખી છે. ખેતી માટે બી, બળદ, ઘાસ – એક તરફ આ સાધનો ટાંચા પડે છે તો બીજી તરફ વર્ષારાણી પર આધાર રાખવો પડે છે. વરસાદ ઠીક થાય તોય ઊધઈ અને ઊગતા છોડમાં પડતી કાતરાની જીવાત (સમાધિ લેતા સંત)નો ત્રાસ. હિમવર્ષાથી બચી જવાય તો પશુપક્ષીઓ અને ચોરોની પળોજણ માથે ઊભી જ હોય. એ બધામાંથી બચાવીને કંઈક હાથ લાગે એમાંથી ભાંડ, ભવાયા, મીર, ભંગી, ઢેઢને ભાગ આપવો પડે. આટલું પત્યું નથી કે લેણદારો આવી ઊભા રહે, મહેતો વેરો ઊઘરાવવા આવી ચડે અને શેઠની ઊઘરાણી પણ માથે ઊભી જ રહે છે. ખેડૂતના પોતાના પેટ-પરિવાર માટે કંઈ બચશે ખરું?

Comments (7)