એક ક્ષણ આપી ગઈ વનવાસ સદીઓનો ખલીલ !
એક ક્ષણ માટે જ મંથરા આપણી વચ્ચે હતી!
ખલીલ ધનતેજવી

આ પા મેવાડ….. – ભગવતીકુમાર શર્મા

આ પા મેવાડ, અને ઓલી પા દ્વારિકા,
વચ્ચે સૂનકાર નામ મીરાં
રણકી રણકીને કરે ખાલીપો વેગળો,
હરિના તે નામના મંજિરા
બાજે રણકાર નામ મીરાં…

મહેલ્યુંમાં વૈભવના ચમ્મર ઢોળાઇ
ઉડે રણમાં તે રેતીની આગ
મીરાંના તંબુરના સૂરે સૂરેથી વહે
ગેરૂવા તે રંગનો વૈરાગ

ભગવું તે ઓઢણું ઓઢ્યું મીરાએ
કીધા જરકશી ચૂંદડીના લીરા
સાચો શણગાર નામ મીરાં…

રણને ત્યજીને એક નિસરે રે શગ
એને દરિયે સમાવાના કોડ
રાણાએ વિષનો પ્યાલો ભેજ્યો
એણે સમરી લીધા શ્રી રણછોડ
જળહળમાં ઝળહળનો એવો સમાસ
જાણે કુંદનની વીટીંમા હીરા
જીવતો ધબકાર નામ મીરાં…

– ભગવતીકુમાર શર્મા

 

ઘણા વખતે આ ગીત ફરી વાંચ્યું, મન તરબતર થઇ જાય કાયમ. પરંપરાગત વિષય તેમ જ બાંધણી પણ જૂનવાણી પરંતુ ગીતમાં એક અજબ ઊંડાણ છે…સમજાવવું અઘરું છે-અનુભવવું પડે…..

 

 

1 Comment »

  1. pragnajuvyas said,

    December 26, 2019 @ 8:38 AM

    ડૉ તિર્થેશજીએ આસ્વાદમા અમારા મનની વાત કહી-‘સમજાવવું અઘરું છે-અનુભવવું પડે’આ
    ગીત આંખ બંધ કરી આલાપના સ્વરમા માણશો
    એણે સમરી લીધા શ્રી રણછોડ
    જળહળમાં ઝળહળનો એવો સમાસ
    જાણે કુંદનની વીટીંમા હીરા
    જીવતો ધબકાર નામ મીરાં…આવતા નમ આંખે ખોવાઇ જવાય…
    જાતે અનુભવશો
    આ પા મેવાડ, અને ઓલી પા દ્વારિકા – Gujarati Gazal
    gujaratigazal.com › …

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment