તું તને શોધી શકે એવી ઘડી શોધી શકે?
એ ઘડીમાં મન પરોવે એ કડી શોધી શકે?
– નેહા પુરોહિત

તળાવ -ધીરેન્દ્ર મહેતા

દીધું નામ તળાવનું,
નવ દીધું ટીપુંક નીર.

ખાલીપાનો અહેસાસ આપતાં
કાગ-બગલાં તળને ઠોલે,
મયણાનો આભાસ ઘડીકમાં
ચાંચમાં પકડી ખોલે;
તરસ ગામની આવે અહીંયા
લૂનું પહેરી શરીર. – નવo

ઉપર આભ અફાટ દીધું,
નહિ વાદળની આવનજાવન,
મોસમ કેવી, કેવા આળન્ગ
શું અષાઢ, શું શ્રાવણ?
નામ તળાવનું શું રે દીધું,
દીધી નામની પીર! – નવo

-ધીરેન્દ્ર મહેતા

ગામના સૂકાંભઠ્ઠ થઈ ગયેલા તળાવની સ્વગતોક્તિ. નામ તો તળાવ છે પણ પાણી ટીપુંય નથી. તળાવમાં ટીપુંય પાણી નથી એટલે કાગડા-બગલાં તળિયાં ખોતરે છે અને એકાદું સૂકું તણખલું ચાંચમાં ખોરાક ઝાલીને પકદ્યા બાદ છેતરાયા હોવાના અહેસાસથી ચાંચ ખોલીને એને ફગાવે છે ત્યારે તળાવને જાણે પોતાની મૃત્યુચિઠ્ઠી ખોલતાં હોય એવું લાગે છે. માથે અસીમ આકાશ છે પણ એમાં સમ ખાવાનેય વાદળો નથી. તળાવ વિસરી ગયું છે કે અષાઢ, શ્રાવણ જેવી કોઈ ઋતુ પણ સમયચક્રમાં અસ્તિત્વ ધરાવે છે અને ગોરંભો તો ક્યાંય દેખાતો નથી. તળાવને જાણે તળાવનું નામ દઈને નામના બોજની પીડા વેંઢારવાનું લલાટે જડી ન દેવાયું હોય!

(મયણાં- મરણ, આળન્ગ- ગોરંભો, પીર-પીડા)

4 Comments »

  1. pragnajuvyas said,

    January 17, 2020 @ 10:06 AM

    તળાવ ધીરેન્દ્ર મહેતાના સુંદર ગીતનો ડૉ વિવેક દ્વારા સ રસ આસ્વાદ માણતા એક કસક સાથે
    ગૂજે ગામના સૂકાંભઠ્ઠ થઈ ગયેલા તળાવની સ્વગતોક્તિ માટે મા દલપતજીનું ગીત
    ગોરંભો લઈ ગગન ઝળુંબે
    એક પડે ના ફોરૂં
    તારે ગામે ધોધમાર,ને
    મારે ગામે કોરૂં ૨ ગોરંભો
    પલળેલી પહેલી માટીની,
    મહૅંક પવન લઈ આવે-….૨
    ઝરમર ઝરમર જીલવુ અમને
    બહાર કોઈ બોલાવે
    આઘે ઉભું કોણ નીતરતું
    કોણ આવતું ઓરૂં ૨ ગોરંભો………….
    નાગણ જેવી સીમ વછુટી
    ધસી આવતી ઘરમા…૨
    ભીંતે ભીતે ભાર પડ્યા
    હુ ભરતભુરૂં ઉંબરમા ..૨
    ચાસ પડ્યા તારા ચૌટામાં
    હું અંધારા ઓઢું ……ગોરંભો
    અને ડૉ વિવેકજીનું ધગધગતી ધરતીના રોમ-રોમ ઠારી દે એવો વરસાદ થઈ આવ,
    ના સપનું, ના યાદ થઈ આવ

  2. Himanshu Trivedi said,

    January 17, 2020 @ 7:12 PM

    આભાર શ્રી વિવેકભાઈનો અને શ્રી પ્રગ્નાજુભાઈનો, બે અદભુત કવિતાઓ માટે. કવિઓનો તો ખરો જ ખરો. આ “તળાવ” જેવા જીવનમાં મીઠી વીરડી જેવો આ બ્લોગ છે. આભાર.

  3. વિવેક said,

    January 18, 2020 @ 12:35 AM

    આભાર…

    પ્રજ્ઞાજુનો ખાસ આભાર, મજાની કવિતા શેર કરવા બદલ…

  4. Kajal said,

    January 19, 2020 @ 5:35 AM

    Wahh

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment