હું જે ધારું કોઈ દિવસ થાય ના?
દર્દ ચારેકોરથી વહેરાય ના?

દમ હજી દરિયામાં ક્યાં છે એટલો!
તું ડૂબાડી દે તો કંઈ કહેવાય ના.
– જુગલ દરજી

સૂરજ વિનાનું સાવ ગામ – રમેશ પારેખ

શમણાં આવે ને તો યે કાળાંડિબાણ એવું સૂરજ વિનાનું સાવ ગામ
ઝાંખુંપાંખું ય હવે સૂતાં કે જાગતાં સૂઝે નહીં શમણું કે કામ

એવાં અણરૂપ અમે કેવાં લાગ્યાં કે
કોઈ લીલા રણવાસ આમ વીસરે
તકતે જોઉં ત્યાં આંખ આડે ઘેરાઈ જતી
ભીની તરબોળ ભીંત નીતરે

મારી હથેળીયુંની મેંદી ચીંધીને કોઇ કહેતું’તું, – જાળવશું આમ
ઝાંખુંપાંખું ય હવે સૂતાં કે જાગતાં સૂઝે નહીં શમણું કે કામ

સળકે ચોપાસ ઠેઠ અંધારી લૂ
ને મારી ભાતીગળ ઓઢણી ચિરાતી
લીલું એકાદ પાન ઠેસમાં ચડે છે
ત્યારે રૂ-શી પીંજાઈ જતી છાતી

તડકા રે હોય તો તો છાંયડા વિનાના કહી દુ:ખને અપાય કાંક નામ
શમણાં આવે ને તો યે કાળાંડિબાણ એવું સૂરજ વિનાનું સાવ ગામ.

– રમેશ પારેખ

સૂરજ એટલે આશા. ગામ એટલે જીવન.

1 Comment »

  1. pragnajuvyas said,

    March 17, 2020 @ 11:31 AM

    ગીત મમળાવતા સુ શ્રી પ્રીતિ ગજ્જરના સ્વરમા ગુંજન શરુ થઇ ગયું.રાજકોટમા અમારા દીકરા ચિ પરેશને ત્યાં ડો. ભરત પટેલ આવતા તે સંગીત માટે કહેતા કે સૌ પ્રથમ કવિ પાસે તેના કાવ્યનું પઠન સાથે રસદર્શન સમજીએ તો વધારે સ રસ સંગીત આપી શકાય.
    યાદ આવે ઊહટાપિલ્ઝ ! ઊહટા (Ute)+ પિલ્ઝ(Pils) એમ બે શબ્દોનો સંગમ. ઊહટા ઘરની બહાર. ખુલ્લામાં. અને પિલ્ઝનો અર્થ થાય બીયર પીવો. ઉત્તરીય યુરોપનાં નોર્વે દેશમાં એવો ય વિસ્તાર છે કે જ્યાં છ મહિના રાત હોય અને છ મહિના દિવસ. બાકીનાં નોર્વેમાં શિયાળાની બપોરે જ રાત પડી જાય. ચોમેર બરફ, સૂરજ તો અલપઝલપ ઊગે તો ઊગે. આવી સ્થિતિમાં શું થાય?
    …. શમણાં આવે ને તોયે કાળા ડિબાંગ એવું સૂરજ વિનાનું સાવ ગામ…
    અને પછી આવા કાતિલ શિયાળા બાદ હળવે પગે વસંતનું આગમન થાય. સૂરજ ઊગે અને એનો તડકો લેવા લોકો તલસી ઊઠે. બસ એવા કોઇ તડકા માટે તડપતા લોકો કેટલાંય દહાડા પછી ઘરની બહાર બેસે અને મોસમનો પહેલો વહેલો બીયર પીવે એ ઊહટાપિલ્ઝ.
    ઝાંખુંપાંખું ય હવે સૂતાં કે જાગતાં સૂઝે નહીં શમણું કે કામ.
    ર પાએ કવિતામાં પોતીકો અવાજ ઉભો કર્યો છે.તેમના ધોધમાર વરસતા સાહિત્ય સર્જનમાં વાચકો ખુબ આનંદ થી ભીંજાયા છે ર.પાની વિશિષ્ટતા હોય તો તે છે, લોકોનાં હ્રદયમાં ઉતરી જાય તેવી રચનાઓ આપવી. સાંભળતાં પહેલા તો વહેમ જાય કે આ લોકગીત તો નથી ને. એટલી સરળતાંથી તેઓ જનસમુદાયની લાગણીને સમજી શક્યા છે અને તેટલી અસરકારકતાંથી અભિવ્યક્ત પણ કરી શક્યા છે. પૂ મોરારી બાપુ જેને કાંઇ પામેલા કવિ ગણે છે તે ર પા નાં જ શબ્દોમાં કહીએ તો…
    મારી કવિતા
    તો મેં વિશ્વનાં હોઠ પર કરેલું ચુંબન છે…!
    આવી કવિતામાં વિદ્વાન મિત્રોનો રસાસ્વાદ આનંદપ્રદ હોય છે
    બાકી
    સળકે ચોપાસ ઠેઠ અંધારી લૂ
    ને મારી ભાતીગળ ઓઢણી ચિરાતી
    લીલું એકાદ પાન ઠેસમાં ચડે છે
    ત્યારે રૂ-શી પીંજાઇ જતી છાતી

    તડકા રે હોય તો તો છાંયડા વિનાના કહી દુ:ખને અપાય કાંક નામ
    શમણાં આવે ને તો યે કાળાંડિબાણ એવું સૂરજ વિનાનું સાવ ગામ.

    આવી સુંદર પંક્તીઓ—
    આંખ બંધ કરી અનુભુતિ કરવાની હોય
    તેનુ વર્ણન તેટલું આનંદ દાયક કદાચ ન પણ હોય! લાગણીઓને શબ્દમાં વર્ણવી અશક્ય જ છે , પરંતુ કવિ પોતાની ઉચ્ચ સમજ મુજબ તે કરી શકે જે સમજવામાં આપણને મુશ્કેલી પડે.
    પરણ્યો જણ પોતાની સ્ત્રીને મૂકીને ચાલ્યો ગયો છે તે વિરહવેદના ગીતમાં વ્યકત કરી છે. વિરહિણી રડતાં રડતાં એકીટશે ભીંતને જોયા કરે તેને શબ્દોમાં ર.પા. જ વર્ણવી શકે….
    “ભીની તરબોળ ભીંત નીતરે”
    સુંદર શબ્દો , સુંદર ગીત…કેવુ ભાવજગત !
    ધન્યવાદ ડૉ તીર્થેશજી

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment