પીડાની જાતરા – યોગેશ પંડ્યા
હવઅ તારઅ ન મારઅ હુ સે મારા પીટ્યા
નઈં હાંધ્યો હંધાય હવઅ જીવતરનો ધાંગો.
રૉમ રૉમ બોલીનઅ રાખ્યું, તો રાખ્યું કે-
કાલઅ ભૂલૈઈ જાહે દખ,
પીડાની જાતરોમોં પંડ્યને ય ભૂલૈઈ જીયું
આયુ નંઈ તોય કાંય હખ
હખનો ક્યાં ખાવા દીધો’તો મને રોટલો?
ખાંડણિયે માથું!… ભંગાય ઈમ ભાંગો!
પયણીને આઈ, ઈ, રાત્ય મારા જીવતરની
કાળી બની જઈ’તી રાત્ય.
પીંસાના પાથરણે પોઢવાના ઓરતા
પણ, ઊતરડી લીધી’તી જાત્ય.
એક પા ભડભડતો દવ ખળે, એક પા-
દખનો વરહાદ થતો ખાંગો!
– યોગેશ પંડ્યા
તળપદી ભાષાની તો ફ્લેવર જ અલગ. આ જુઓ. નખશિખ શુદ્ધ ભાવનગરી બોલી. સ્ત્રી પરણીને પતિગૃહે આવે છે ત્યારે સાથે લઈ આવેલા અરમાનોની ચિતા પર બેસીને આપણને એની પીડાની જાતરાએ લઈ જાય છે. થાકી-હારીને અંતે એ પતિને કહી દે છે કે તારે ને મારે હવે કંઈ સંબંધ નથી, જીવતરનો દોરો હવે સાંધ્યો સંધાય નહીં એ રીતે તૂટી ગયો છે. દુઃખ આવ્યું તો સ્ત્રીએ રામ રામ બોલીને એને એ આશાએ સ્વીકાર્યું કે કાલે ભૂલાઈ જશે, પણ પીડાની આ જાતરા એવી વસમી હતી કે જાત ભૂલાઈ ગઈ પણ સુખ આવ્યું નહીં. સાસરિયાંઓએ સુખનો રોટલો કદી ખાવા જ ન દીધો એની સામે ચિત્કારતાં એ કહે છે, કે ખાંડણિયામાં માથું મૂક્યું છે, હવે ખાંડો ખંડાય એમ. સુહાગરાતની વાતો તો કેવી મજાની હોય, પણ નાયિકાના જીવનમાં તો એ રાત જ કાળી માઝમ રાત બનીને આવી હતી. પીંછાના પાથરણે સૂવાના ઓરતા લઈને આવેલી સ્ત્રીની સાસરામાં જાત જ ઉતરડી લેવાઈ. એક તરફ ભડભડતો અગ્નિ ને બીજી તરફ દુઃખનો વરસાદ ખાંગો થાય છે. આમ તો વરસાદ પડે તો અગ્નિ ઓલવાઈ જાય પણ અહીં, કશું ઓલવાતું નથી, ઓલવાઈ છે તો નાયિકાની જિંદગી, આશાઓ, સ્વપ્નો…
Kajal kanjiya said,
February 27, 2020 @ 3:28 AM
અહીં નીકળેલા ચિત્કારને પણ વાહહહ કહેવું પડે છે એ દુર્દશા કે સદભાગ્ય ખબર નથી પણ
જેનાં પર વિતે એ જ જાણે એટલી ખબર છે.
Rajnikant Vyas said,
February 27, 2020 @ 5:05 AM
સરસ તળપદી રચના.
આ ચરોતરી બોલી છે, ભાવનગરી નથી.
વિવેક said,
February 27, 2020 @ 7:19 AM
@ રજનીકાંત વ્યાસ:
હું બોલી-નિષ્ણાંત નથી, પણ સ્વયં કવિએ ખુદ ભાવનગરી બોલી હોવાનું કહ્યું છે…
Shah Raxa said,
February 27, 2020 @ 7:25 AM
હૃદયસ્પર્શી..
Sandip Pujara said,
February 27, 2020 @ 7:31 AM
પીંસાના પાથરણે પોઢવાના ઓરતા
પણ, ઊતરડી લીધી’તી જાત્ય…. જોરદાર ….
Vipul said,
February 27, 2020 @ 7:32 AM
Vah vah
Kiran Jogidas said,
February 27, 2020 @ 7:41 AM
Waaahhh….very touchy
Dilip Chavda said,
February 27, 2020 @ 7:55 AM
હવઅ તારઅ ન મારઅ હુ સે મારા પીટ્યા
નઈં હાંધ્યો હંધાય હવઅ જીવતરનો ધાંગો.
શરૂઆત જ એટલી ઉમદા લાગી પછી ઉમદાપણું વધતું ગયું
એટલે કે દરદ નું ઉમદા પણું
હૃદય સ્પર્શી રચના
Harihar Shukla said,
February 27, 2020 @ 8:00 AM
બહુ હૃદય દ્રાવક 👌
Harihar Shukla said,
February 27, 2020 @ 8:01 AM
બહુ સરસ આસ્વાદ👌
કિશોર બારોટ said,
February 27, 2020 @ 8:10 AM
લોકબોલીની માટીભીની મ્હેંકથી ફોરમતું સુંદર ગીત.
મજામાં આવી ગઈ.
Rajul said,
February 27, 2020 @ 8:12 AM
વાહ વાહ..
Poonam said,
February 27, 2020 @ 9:29 AM
એક પા ભડભડતો દવ ખળે, એક પા-
દખનો વરહાદ થતો ખાંગો!
– યોગેશ પંડ્યા – uff…
Talpadi bhashanuvaad aaswaad 👌🏻
Jay kantwala said,
February 27, 2020 @ 10:25 AM
Waah…..Sundar Geet
pragnajuvyas said,
February 27, 2020 @ 10:53 AM
કવિશ્રી યોગેશ પંડ્યાનુ ભાવનગરી તળપદી ભાષાનુ , વિરહવેદનાના કરુણ ભાવનાને પ્રસ્તુત કરતુ ગીતનો ડૉ વિવેક દ્વારા સ રસ આસ્વાદ
ભગ્નહૃદયી ગ્રામ્ય યૌવનાની વેદના વાતાવરણને ભારે સંવેનદશીલ અને ઘેરા શોકવાળું બનાવે છે. વેદનાનું ગાન પીળી વેદના ઉદાસીનતા નોતરે છે. ઘરમાં સૂનકાર ઊતરી આવે છે.
પયણીને આઈ, ઈ, રાત્ય મારા જીવતરની
કાળી બની જઈ’તી રાત્ય.
પીંસાના પાથરણે પોઢવાના ઓરતા
પણ, ઊતરડી લીધી’તી જાત્ય.
એક પા ભડભડતો દવ ખળે, એક પા-
દખનો વરહાદ થતો ખાંગો!
કેટલાકને વ્યક્તિગત ટ્રેજેડી પોલાદની જેમ સખ્ત બનાવી દે છે. એમના કામમાં એ વધારે ઊંડા ઊતરી જાય છે. એમની લગન અને તમન્ના એક જ દિશામાં કામ કરવા લાગે છે. રડવાના સમયે એ રડી લે છે પણ પોતાના લક્ષ્યથી ચલિત થતા નથી.
ભવભૂતિ તો એવું કહે છે કે દુનિયામાં એક જ રસ પ્રધાન છે. અને એ કરુણ રસ છે. જાણીતી વાત -હૈ સબસે મઘુર ગીત વો, જો દર્દ કે સૂરમેં ગાયે જાતે હૈ!
આ કરૂણ ઘટના વિગલીત થઇ આનંદ આપે છે
Amrut Hazari said,
February 27, 2020 @ 11:45 AM
Jindgi ka safar, hai kaisa safar, koi samja nahi koi jaana nahi…..
આરતી સોની said,
February 27, 2020 @ 1:33 PM
કદાચ મહેસાણવી ભાષા છે
રસાળ શૈલીમાં લખાયેલી સ્પર્શ કરી જાય એવી બહુ જ સરસ કવિતા
Bharat Bhatt said,
February 27, 2020 @ 4:45 PM
. આ ભાવનગરની ભાષા નથી .ભાવનગરમાં જેવું લખાય તેવું બોલાય. અનેક કવિઓ અને સાહિત્યકારોએ
એ વાતને સમર્થન આપયું છે.મને લાગે છે કે ગુજરાતના જુદા જુદા જિલ્લામાં બાલતા શબ્દોનો ઉપયોગ કરી
કવિએ સરસ કાવ્ય રજુ કર્યું .
Bharat Bhatt said,
February 27, 2020 @ 11:57 PM
પહેલાના પ્રતિભાવ સાથે થોડું વધારે જાણવા મળ્યું મારા ભાવનગરના મિત્રો પાસેથી. પયણીને એ શબ્દ સૌરાષ્ટ્રના અંદરના ગ્રામ્યજનો અને ગુજરાતના ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં સામાન્ય છે. ભાવનગરમાં સ ને બદલે હ અને પીટ્યા, ઉતરડી સામાન્ય છે.
વિવેકભાઈને ધન્યવાદ.
Pratap mobh said,
February 28, 2020 @ 1:32 AM
Vah Kavi…. Adbhut rachana… Jivtar Ni Jirn pili padi gayeli Jaat sathe vaat.. Etle aa geet..!!
🌹khub khub Abhinandan kavi 🌿🌿
યોગેશ પંડ્યા said,
March 1, 2020 @ 3:29 AM
મારા પ્રિય ભાવકમિત્રો,
સહુ પ્રથમ તો પ્રિય ભાઈ વિવેક ટેલર નો ખુબ ખૂબ આભાર,કે એમને આ ગીત ,જે અખંડઆનંદ ફેબ્રુઆરી-2020માં પ્રગટ થયું અને એમને ખૂબ ગમ્યું,અને અહીં અદકા ઉમળકાથી મૂક્યું.આ ગીત મને પણ ખૂબ ગમ્યું હતું,લખીને..!હું સાચોસચ ઠલવાઇ ગયો હતો આ રચનામાં.
સાંજનો મારો વોકિંગ ટાઈમ છે,એકવાર એવી રીતે જતો હતો ,તો રસ્તાની ધારે બાંધેલા એક કુબો,અને ત્યાંમજૂરી કરીને કદાચ પેટિયું રળતા પતિ પત્ની ઝઘડતા ઝઘડતા રસ્તા ઉપર આવી ગયા,પત્ની ચોધાર આંસુએ રડતી હતી..ધ્રુસકે ધ્રુસકે રડતી હતી..હું એક બે મિનિટ ઉભો રહી ગયો,સ્ત્રીની જે પીડા છે એ આ કવિતામાં આલેખી છે..
ભાષા કાઠિયાવાડની છે,એમાં અમુક લહેકા ઉત્તર ગુજરાતની બોલીના પ્રયોજાયા છે.એ વાત પણ એ વાત સાચી છે,મિક્સ બોલી છે.
Bharat Bhatt said,
March 1, 2020 @ 4:34 PM
ભાષાને શું વળગે ભૂત!!
ભાષા ગમેતે હોય પણ એનો મર્મ હૃદય સુધી પહોંચે તે સાચી કવિતા.
ધન્યવાદ કવિ મિત્રને .