કુંવારી છોકરીનું ગીત….. – રમેશ પારેખ
આંખોને કાળમીંઢ કોણે ઘડી છે
મને કંઈ તો જોયાનું સુખ આપો…
આવા તે ગામમાં દિવસ ઊગ્યો
કે રાત ઊગી તે કેમ કરી જાણું
સૂરજ ન હોય તો ય સૂરજમુખીનું ફૂલ ઊગે
– ને વાય અહીં વ્હાણું
મૂંઝારે ફાટફાટ છાતી ભીંસાય,
મને કંઈ તો રોયનું સુખ આપો….
પાણી તો ઠીક, હજી પાણીનું નામ નથી
હોઠ સુધી કોઈ વાર આવ્યું
ઊગ્યું છે કંઠ મને રેતીનું ઝાડવું
એ વધતું રે જાય છે સવાયું
ખાલી રે કંઠ અને ખાલી હથેળીયુંને
કંઈ તો ખોયાનું સુખ આપો….
આંખોને કાળમીંઢ કોણે ઘડી છે
મને કંઈ તો જોયાનું સુખ આપો…
– રમેશ પારેખ
શૂન્યતા એટલી ઘેરી છે કે અભાવ સુદ્ધાં નથી !
pragnajuvyas said,
March 3, 2020 @ 11:59 AM
મૂંઝારે ફાટફાટ છાતી ભીંસાય,
મને કંઈ તો રોયનું સુખ આપો….
ર.પા.ની કુંવારી છોકરીને થયેલ મર્મસ્થાન પકડીને અફલાતુન અનુભૂતિની અભિવ્યક્તિ ! હતાશા, વિચ્છિન્નતા, મૂલ્યહ્રાસ, શૂન્યતા, નિરીશ્વરતા, ‘હું’ના એકરારો, વૈતથ્ય – વૈતથ્ય તેન વૈ પ્રાપ્ત સ્વપૂ આહુઃ પ્રકાશિતમ્ … પારદર્શી નિખાલસતા છે.
આંખોને કાળમીંઢ કોણે ઘડી છે
મને કંઈ તો જોયાનું સુખ આપો…
આંખમાં સપનાની શૂન્યતા , કોરા સપના ભગ્ન થયાની શૂન્યતા , તૂટેલી ઝંખનાઓના અલ્લડતામા પોલા પડઘાની શૂન્યતા , પ્રીતના રસ્તે એકલતાની વેદનાનું કાચું શમણું કલ્પનાને ડંખી ગયું …
સૂરજ ન હોય તો ય સૂરજમુખીનું ફૂલ ઊગે
– ને વાય અહીં વ્હાણું
શૂન્યતાની સફરે. ખોદાઈ ગયેલી લાગણીઓ – જેણે આપી છે મને… નકરી શૂન્યતા. પી જવી છે મારે એ શૂન્યતા. મોજથી માણવી પણ છે, મારે એ શૂન્યતા.
પાણી તો ઠીક, હજી પાણીનું નામ નથી
હોઠ સુધી કોઈ વાર આવ્યું
ઊગ્યું છે કંઠ મને રેતીનું ઝાડવું
એ વધતું રે જાય છે સવાયું
પછી એની વાણી પ્રકટપણું ત્યજી દઇને હૃદયના નેપથ્યમાં કમ્પવા લાગી. કોઇ બીજાને કાને ન પડવા દેવાય તેવી એ ગુહ્ય વાણી હતી. માનવ- હૃદયનાં, તેમાં પણ સ્ત્રીહૃદયનાં રહસ્યો જે વીણા પર ઝંકાર કરે છે – તે વીણા ઘનઘોર અંધકારની જ બનેલી છે. ચિદાત્માના દરબારને ઊંબરે એ વીણાનો બજવૈયો બેઠો છે. કલ્પના ત્યાં પહોંચી શકી નથી . મારું આખું જીવન પૂર્વે કદી જ ન અનુભવેલી એવી શૂન્યતાને અવનવી વિકલતા કેમ અનુભવે છે ! હે પ્રભુ, મને આમ કેમ થાય છે ?
ધન્યવાદ ડૉ તીર્થેશજી