છે સપનું તમારું તમારાથી સુંદર,
અને મૌન પાછું ઇશારાથી સુંદર.

તમે કેમ મલકો છો તસવીર જોઈ?
હતું કોણ એમાં અમારાથી સુંદર?
– સુલતાન લોખંડવાલા

‘અજવાળું કોણ તને કે’ત?!’ – જગદીપ ઉપાધ્યાય

‘ભાગ એય અંધારા!’ એમ કહી આમ મને કાઢ નહીં આવતાની વેંત!
એ તો કે’, ‘હોત નહીં હું, મૂઆ અજવાળા! અજવાળું કોણ તને કે’ત?!’

કાગળ સફેદને શું ધોઈ પીત?! હોત નહીં કાળા તે રંગ તણી સ્યાહી,
ડાઘ ધોળી ચાદરમાં લાગે પણ લાગે નૈ કાળી તે કામળીની માંહી!
પૂનમને આભ મહીં મારા વિણ આવકારો ભોજિયો ન ભાઈ કોઈ દેત!

ટપકું મા મેશ તણું કરતી’તી કે નજરું લાગે ના છૈયાને ગોરા,
આખીયે દુનિયાની તરસ્યું છીપાવશે શું? -વાદળાં રૂપાળાં ને કોરાં?
રૂપ-રંગ, વાન નથી જોતો ભગવાન, ઈ તો ઓળખે છે અંતરનાં હેત!

– જગદીપ ઉપાધ્યાય

ગીતોની ભરીભાદરી બજારમાં બધાથી સાવ જ અલગ તરી આવતું મજાનું તાજગીસભર ગીત. ઉઠાવ જ કેવો સરસ છે! અજવાળું આવતાવેંત અંધારાને ગાયબ થઈ જવું પડે છે એવી સાવ નાનકડી વૈજ્ઞાનિક હકીકતને કવિ સજીવારોપણ અલંકાર વડે કેવો નોખો અક્ષરદેહ આપ્યો છે! અંધારું અજવાળા સામે જે દલીલો કરે છે, એ વાંચતા દયારામની ગરબી યાદ આવી જાય જેમાં કવિએ શ્યામ રંગનો મહિમા કર્યો છે. અહીં પણ કવિ અંધારાનો મહિમા કરે છે પણ નવા જમાનાનું ગીત છે એટલે અભિવ્યક્તિ પણ નવીન છે. વાત પણ સાચી છે. અજવાળાની ઓળખ અંધારાના કારણે જ તો છે. કાગળ ગમે એટલો ઊજળો કેમ ન હોય, પણ કાળી શાહીથી એના પર અંકાતા અક્ષરો વિના એનું મૂલ્ય શું? ધોળી ચાદરમાં ડાઘ પડવો શક્યો છે પણ કાળી કામળી ડાઘપ્રુફ છે. આકશમાં કાળાશ જ ન હોય તો પૂનમનું સૌંદર્ય ઊઘડી જ ના શકે. કાળું ટપકું બૂરી નજરોથી બચાવીને રાખે છે. આકાશમાં બહુ સુંદર દેખાતાં સફેદ રૂની પૂણી જેવા વાદળો શું કામના? એ કદી વરસાદ આપી શકતાં નથી… અંતરનું હેત એ જ સાચો રંગ છે એમ કહીને અંધારાની તર્કબદ્ધ દલીલોને કવિ કવિતાની કક્ષાએ લઈ આણે છે…

4 Comments »

  1. સુનીલ શાહ said,

    March 21, 2020 @ 2:24 AM

    વાહ..
    તાજગીસભર ગીત.
    સરસ આસ્વાદ
    કવિને અભિનંદન

  2. Nehal said,

    March 21, 2020 @ 5:21 AM

    વાહ, મઝાનું ગીત.

  3. saryu parikh said,

    March 21, 2020 @ 10:39 AM

    સરસ રચના. એક બીજી રજુઆત…
    એક વાર અજવાળું
    અંધારી કોટડીમાં રોજીંદી આવજા, કે’છે કે આમ જ જીવાય,
    આથમેલા તેજમાં, રૂંધેલી રૂહમાં, આમ જ આપત્તિ સહેવાય.
    ડરથી ઓસરતા આશાના રંગને ઓળખવા પાપણ ઉંચકાય,
    ઘેરા અજ્ઞાનના અંધારા આભમાં, ક્યાંયે ના તારક દેખાય.
    ઓચિંતા એક દિન ફરફરતી કોરથી ચમકારો આવી દેખાય,
    નિર્મળ ઉજાસ સખી આવો રે હોય! સૌમ્યતા આને કહેવાય!
    સાતત્ય યજ્ઞમાં અંતર પ્રકાશ અને ઉર્જાનું આવાહન થાય,
    આતમ જાગીરના તાળા ખૂલે, જો એકવાર અજવાળું થાય.
    અંતરમાં અજવાળું થાતાની સાથમાં ધૂળમાં ય મોતી કળાય,
    ચેતનની ચાવીથી આળસ ઊડે પછી કર્મોની કેડી દેખાય.
    જાગેલું મન, જાણે ખીલ્યું સુમન, સ્નેહની સુગંધ ધરી જાય,
    રૂઢીની રુક્ષતાની રાખને નકારીને મુક્તિના વનમાં લહેરાય.
    ———- સરયૂ પરીખ્

  4. pragnajuvyas said,

    March 21, 2020 @ 11:31 AM

    અજવાળું કોણ તને કે’ત?!’…કવિ શ્રી જગદીપ ઉપાધ્યાયનુ સરસ ગીત
    ડૉ વિવેકજીનો તાજગીસભર ગીતનો મજાનો આસ્વાદ
    મધુરું અંધારું અંગે તો અનેક ગીતોના સ્વર ગૂંજે છે!
    અંધારું તો પવનલહરના સ્પર્શે
    મંદ, મધુર સુરાવલિ છેડતું
    વાયોલિન!
    આનંદઘેલા હૈયે અમારા આજ
    અંધારાને યે અપનાવ્યું !
    આજ અમે અંધારું શણગાર્યું,
    હે જી અમે શ્યામલને સોહાવ્યું.
    ને વિરહદગ્ધ હ્રદયો માટે
    પાથરતું
    અનંત અંધ સુરંગ.
    યાદ
    ભીનું ભીનું અંધારું વર્ષાનું વ્હાલમા
    સપના સૂકાઈ ગયા ભીના રૂમાલમાં
    ભીના રૂમાલમાં
    ગૂંથે
    શિશુઓની બીડેલ આંખમાં
    સ્વપ્નો.
    યુવકો માટે રચતું
    વસંતોત્સવ અંધારું
    બચપણમાં પાછળથી આવી
    મારા મિત્રે મારી આંખ દાબી દીધી
    અને થોડાં વરસો પછી મારી પ્રેમિકાએ
    તેનું પુનરાવર્તન કર્યું ત્યારે
    બેમાંથી કયું અંધારું વધારે ગાઢ હતું
    એ હું આજે પણ નક્કી કરી શકતો નથી.
    અને એ ય નક્કી કરી શકતો નથી
    કે એ હાથ અંધારાના હતા
    કે
    પ્રેમના ?
    અંધારાનો એક બીજો રંગ ! તે
    પ્રકાશહીન અંધારું એક જ છે અને તે અજ્ઞાન તથા જડતા-રૂપી રાતનું. ” -હેલન કેલર
    કદાચ તેથી જસંધ્યાનો દીવો પ્રગટાવવો કે જેથી નકારાત્મક ઊર્જાનો સ્થાયી નિવાસ ન થાય …
    યાદ આવે મણિલાલ ભગવાનજી દેસાઈની રચના અંધારું
    અંધારું પીળું આકાશ નહીં બાલમા
    અંધારું લોલ લાલ સુંવાળું ફૂલ
    અંધારું બાવળનું ફૂલ નહીં બાલમા
    અંધારુ સુવાળી શમણાંની શૂલ
    અંધારું આંખોમાં આંજ્યું અંજાય
    એને ઘૂમટામાં સાંત્યું સંતાય મારા બાલમા
    અંધારું પીળું આકાશ નહીં બાલમા
    અંધારું લોલ લાલ સુંવાળું ફૂલ
    અંધારું ચમકે જે આંખ મહીં મધરાતે
    અંધારું મલકે જે હોઠ મહીં મધરાતે
    અંધારું કાળું ગુલાબ મારા બાલમા
    અંધારું આપેલો કોલ મારા બાલમા
    અંધારું બાવળનું ફૂલ નહીં બાલમા
    અંધારું સુંવાળી શમણાંની શૂલ
    અંધારું કોયલનું ટોળું નહીં બાલમા
    અંધારું સોનાનો સુંવાળો સૂર
    અંધારું કૂતરાનું ભસવું નહીં બાલમા
    અંધારું મૌન તણું ધસમસતું પૂર
    અંધારું માગો તો આપ્યું અપાય
    એને ભાંગો તો ભાંગ્યું ભંગાય મારા બાલમા
    અંધારું પીળું આકાશ નહીં બાલમા
    અંધારું કાળું ગુલાબ મારા બાલમા

    લીમડામાં સૂસવતું ઝૂલે તે અંધારું
    સુગરીના માળામાં લટકે તે અંધારું
    અંધારું ફૂલોની છાબ મારા બાલમા
    અંધારું પાળેલો બોલ મારા બાલમા
    અંધારું બાવળનું ફૂલ નહીં બાલમા
    અંધારું સુંવાળી શમણાંની શૂલ

    અંધારું અટવાતું તારા આશ્લેષમાં
    અંધારું ગૂંચવાતું છૂટેલા કેશમાં
    અંધારું આપણો આ સંગ નહીં બાલમા
    અંધારું વિરહવેરાન મારા બાલમા
    અંધારું સૂરજ શું ઊગે નહીં બાલમા
    અંધારું લૂંટાયું ચેન મારા બાલમા
    અંધારું પીળું આકાશ નહીં બાલમા
    અંધારું લોલ લાલ સુંવાળું પૂલ
    અંધારું બાવળનું ફૂલ નહીં બાલમા
    અંધારું સુંવાળી શમણાંની શૂલ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment