બધા અહીં જ હતા એ છતાં બધા ચુપચાપ,
અમે બધાથી અલગ ક્યાં હતા ? રહ્યા ચુપચાપ.
યુગો યુગોથી આ એક જ કહાણી ચાલે છે,
લૂંટાય કોઈ સરેઆમ ને સભા ચુપચાપ.
વિવેક મનહર ટેલર

મારા નાવિક – જગદીશ જોષી

સાવ સીધી નદીનાં વ્હેણ વાંકા થયાં
અને વાંકી નદીનાં વ્હેણ સીધાં;
કાંટા પર મ્હોરેલા લીલા પડછાયાનાં,
વેણ અમે પાંપણથી પીધાં.

સૌરભની શાલ હવે ઓઢે હવા,
પણ વાયરાનો સોળ તોય વાગે,
રણઝણતા ક્યાંક ક્યાંક ઊડે છે આગિયા
પણ આંખોમાં અંધારું જાગે !

તારી નદીની અમે નાવ, મારા નાવિક !
એવા સોગંદ અમે લીધાં.

ચરણોને ચાલવાની ઝંખના જાગી,
ત્યાં રસ્તાએ જોઈ લીધું આડું,
આંખોના કૂવામાં આંસુના મધપૂડા,
તરસ્યાંને કેમ સાદ પાડું ?

તારી વાતોમાં અમે કેવા ડૂબ્યાં
કે અમે અમને અળખામણાં કીધાં !

– જગદીશ જોષી

આંખોના કૂવામાં આંસુના મધપૂડા…….!!!!! શું કવિકર્મ છે !!! અદભૂત !!!!

3 Comments »

  1. saryu said,

    February 19, 2020 @ 9:43 AM

    વાહ! મનભાવન સુંદર રચના,
    સરયૂ પરીખ

  2. pragnajuvyas said,

    February 19, 2020 @ 11:53 AM

    મારા નાવિક ! અદભુત ગીત
    આશિત દેસાઇના સ્વરમા ગુંજાય…
    તેમા રાજકરણ અને સામાજિક અભિજ્ઞતા છે કટાક્ષ છે . નગરજીવનની વ્યથા છે.જીવનનો થાક છે અને કંટાળો છે.મૃત્યુની ઝંખના છે.વેદના અને સચ્ચાઇ છે અભિવ્યક્તીની તાજકી છે
    યાદ આવે
    તમને તો કોઈ દિવસ વાંકું પડે ને કદી ખોટું લાગે.
    ને વળી કેટલાય રોગ અને રીસ. જરા મરમ કરીને તમે પાસે આવી,
    પછી પડખું ફરીઃ … તમને તો ઠીક જાણે છબછબિયાં વ્હેણમાં, …
    કોઈએ કહ્યું કે આપણે વાતો કરીએ ભવ્ય મિસિસિપી નદીની
    અને આપણાં વોંકણાંમાં ઊંધે માથે ગળાબૂડ પાણી જ મળે છે એનું શું? …
    ધન્યવાદ ડૉ તીર્થેશભાઇ

  3. વિવેક said,

    February 20, 2020 @ 12:49 AM

    ચરણોને ચાલવાની ઝંખના જાગી,
    ત્યાં રસ્તાએ જોઈ લીધું આડું,
    આંખોના કૂવામાં આંસુના મધપૂડા,
    તરસ્યાંને કેમ સાદ પાડું ?

    – સ્કૂલમાં ભણતો હતો એ સમયથી મારી અતિપ્રિય કડી…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment